gujarati-story-vyatha-vicky-trivedi

વ્યથા

     રાહુલ સવારથી જ ખુશ હતો. નિશાંતની બહેન નિમિષા રોજ એને રમાડતી એ જોઈ રાહુલને રોજ બેની યાદ આવતી. આજે એને પણ બહેન આવીને રમાડશે લાડ કરશે એ ગર્વથી એની ગરદન અક્કડ થઈ ગઈ હતી! આખું ઘર માથે લઈ લીધું હતું. ઘર તો ઘર ખતું મા, લખી મા, તેજી બા, જીવરામ કાકા, તોરલ ભાભી, એક એકના ઘરે જઈને કહી આવ્યો હતો,. “ઝરણાં દીદી આવવાની છે ઝરણાં દીદી.”

આખી ગળીમાં હરખ ભેર કહી આવ્યો ત્યારે તો છાતી ફુલાઈ ગઈ. ઘરના પગથિયે આવ્યો એટલે અચાનક યાદ આવ્યું.  ‘અરે, પૂજારી બાપા તો રહી ગયા!.’ લમણે હાથથી ટપલી મારી પોતાની જાતને કહ્યું અને ફરી મુઠ્ઠીઓ વાળી. સનનનનન કરતો કાતર જેમ છૂટ્યો કે જાતો મંદિર જઈને અટક્યો!

“પૂજારી બાપા, આજે ઝરણાં આવવાની છે ઝરણાં.” કહી રઘુનાથ શાસ્ત્રીનો જવાબ સાંભળ્યા વગર જ એના પગ ઘર તરફ ઉપડ્યા.

ઘરે આવ્યો ત્યારે દેશી ઘીની સુવાસ આવતી હતી. બા શિરો બનાવતી હતી! ઝરણાં આવવાની હતી ને!!

રાણપુર ગામ આમ તો શહેરની નજીક એટલે બધા શહેરની બોલી જ બોલતા પણ ખેતી અને પશુપાલન તો અકબંધ હતું. કોઈ મહેમાન પારોણા આવે તો ઘરમાં દેશી ઘીની સુવાસ ફરી વળે!

“બા, દીદી મારા સાટું શુ લાવશે?” મોટો શ્વાસ લેતા લેતા રાહુલે પૂછ્યું.

રાહુલને ઝરણાએ સ્પષ્ટ કહેલું કે ભલે અંગ્રેજી બોલો પણ ‘બા’ ને ‘બા’ જ કહેવાનું એટલે રાહુલ ‘બા’ જ કહેતો. રાહુલને ભલે ગામમાં કોઈ હારે બને કે ન બને પણ ઝરણાં કહે એટલે પૂરું થઈ ગયું. રાહુલ એ જ કરે જે બહેન કહે. બહેન ભક્ત રાહુલ કહો તો ય ખપે!

“એ તો એને ખબર, પણ જે લાવશે એ તને ગમશે જરૂર.” ભગીબેને કહ્યું.

“લ્યો, ભલે.” કહી કડાઈમાંથી ગરમ શિરો વાટકીમાં લઈ એ ખાટલા ઉપર બેઠો.

“મોળું મીઠું તો નથી ને?”

“હોય બા? તારા હાથ અને દીદીના આવવાના સમાચાર ભળે પછી તો ઝેર પણ મીઠું થઈ જાય!”

બેય હસી પડ્યા.  હજુ એ લોકો વાત કરતા હતા ત્યાં જ રઘુનાથ શાસ્ત્રી એમના દીકરા નિશાંત સાથે આવ્યા.

“ભગી બેન, કઈ બસમાં આવે છે ઝરણાં દીકરી?”

“આવો મારાજ આવો..” પંડિત ને આવકાર આપી રાહુલને ઈશારો કરી ખુરશી લાવવા કહ્યું. રાહુલ તરત ખુરશી લઈ આવ્યો.

મારાજ ખુરશીમાં બેઠા એટલે ફરી ભગીબેને રાહુલને કહ્યું, ” જા જીવરામ પટેલ ને ત્યાં જઇને કે’જે પંડિત સાટું ચા મુકે.”

રાહુલ નાનો હતો એટલે એને કઈ સમજાયું નહીં કે આપણા ઘરે દૂધ છે ચા મોરસ (ખાંડ) બધું છે તો કેમ જીવરામ કાકાને ન્યાથી ચા લાવવી પડે? એ માશૂમને ક્યાં ખબર હતી કે પોતે હરિજન છે!

રઘુનાથ શાસ્ત્રી જરાક સંકોચ સાથે કહ્યું, “ભગી બેન, રેવાદ્યો હમણાં જ ગોરણીના હાથની ચા પી ને આવ્યો.”

રાહુલ એ સાંભળી બેસી ગયો અને કહ્યું, “ચાર વાળી બસમાં આવે છે દીદી.” અને પછી નિશાંત સામે ગર્વ ભરી નજરે જોયું.

“રાહુલ બેટા નિશાળ જવાનું છે ચલો જાઓ.” ભગીબેને કહ્યું.

“ના બા આજ તો નઈ જાઉં.” રાહુલ મોઢું ચડાવીને બોલ્યો.

“અરે પણ એ તો ચાર વાગે આવશે ને બસ લેટ પડી તો પાંચે ય થાય. એમ પણ જો ઝરણાં શુ કે છે ભૂલી ગયો?”

“રાહુલ નિશાળમાં રજા નઈ પાડવાની ભાઈલું..” કહી રાહુલ પરાણે ઉભો થઇ ઘરમાંથી દફતર લઈ આવ્યો.

જતા જતા નિશાંત સામે નજર કરી કહ્યું, “તારે નથી આવવાનું આજે?”

“ના આજે મને તાવ શરદી છે.” નિશાંતે કહ્યું.

“ભલે.” કહી રાહુલ નિશાળ ગયો.

રાહુલ અને એની બા વાતો કરતા હતા ત્યાં પંડિત વિચારોમાં ખોવાઈ ગયા હતા.  એક વાર ઝરણાં નાની હતી ત્યારે તો એના બાપુ મગન પણ જીવતા હતા. આજ રીતે પંડિત આવ્યા હતા અને ભોળી ઝરણાં પાણીનો લોટો લઈને પંડિતને આપવા આવી હતી ત્યારે પંડિત કેવા ભડકી ગયા હતા!

મગન અને ભગીએ માંડ એમને સમજાવ્યા હતા કે ઝરણાં હજુ સમજતી નથી એ બધા પરોણાને પાણી આપે એટલે તમનેય આપવા આવી. એ ને જાત પાતની શી ખબર?

એ ઘટના પછી તો મગન પણ મરી ગયો. ભગીબેન અને ઝરણાં એ વાતનેય ભૂલી ગયા પણ પંડિતને એ દિવસે નાના બાળક ઉપર કરેલ એ ખોટો ગુસ્સો હજુ ય યાદ હતો. એટલે જ તો પોતે ઝરણાં આવવાની છે એ સાંભળી અહીં આવ્યા હતા.

“તમે ચાર વાગે લેવા ન જાતા ભગી બેન ઝરણાં દીકરીને હું લઈ આવીશ.” પંડિત અનાયાસે જ બોલી ગયા.

ભગીબેન તો ખુશ ખુશ થઈ ગયા. પંડિત મારી દીકરીને ગામને પાદરે લેવા જાય તો તો એ અહોભાગ્ય કેવાય.

“એ ભલે મારાજ.” ભગી બેને હસીને કહ્યું.

પંડિત દીકરાને લઈને ઘર ભણી ઉપડી ગયા.  ઘરે જઈને જમી લીધું. જમતા જમતા બાર વાગ્યા. ચાર વાગ્યા સુધી સમય કેમ કાઢવો? રઘુનાથ શાસ્ત્રીનું મન વલોવાઈ ગયું. મેં એ નાનકડી ઝરણાને કેવું કેવું કહ્યું હતું, “તું હરીજન છે તારા ઘરનું પાણી હું પીશ?” પોતે બોલેલા શબ્દો યાદ આવી ગયા. એ ક્યાં સમજતી હતી બિચારી? પણ ત્યારે તો મને ય બ્રાહ્મણ હોવા ઉપર અભિમાન હતું ને! ખાટલામાં આડા પડેલ રઘુનાથના મનમાં વિચાર ચાલતા હતા.

ત્રણના ટકોરે તો ખાટલામાંથી ઉભા થઇ ગયા. તરત અંગવસ્ત્ર ખભે લટકાવી નીકળી પડ્યા. રોજની જેમ નિશાંતે સાથે આવવા કહ્યું એટલે એને પણ સાથે લઇ લીધો. બેય બાપ દીકરો ગામ વટાવીને સ્ટેશને પહોંચ્યા. આખે રસ્તે ચુપ રહેલ નિશાંત સ્ટેશન જોઇને બોલી ઉઠ્યો, “બાપુ ઝરણા દીદી તો સાંજે આવશે ને?”

“હા બેટા.” પંડિતે ટૂંકમાં જવાબ આપ્યો.

“તો કેમ તમે એક કલાક વહેલા આવ્યા?”

“તો તમે કેમ વહેલા આવ્યા?” નિશાંતે નવાઈથી પૂછ્યું.

“હું વહેલો નથી આવ્યો બેટા ઘણો મોડો આવ્યો છું.” પંડિતે મોઢા ઉપરથી પરસેવો લૂછતાં કહ્યું.

નિશાંત કઈ સમજ્યો નહિ. એ ચુપચાપ ઉભો રહ્યો. ફરી થોડી વારે એ બોલ્યો, “બાપુ ઝરણા દીદીને શાની નોકરી મળી?”

“કારકુનની.”

“બાપુ સુરભી પણ હોશિયાર છે અને પી.ટી.સી. કર્યું છે તો દીદીને ઝરણાં જેમ નોકરી કેમ ન મળી?”

“દીકરા આપણે બ્રાહ્મણ છીએ એટલે અનામત ન મળે. ઝરણાંને અનામત નો લાભ મળ્યો એટલે નોકરી મળી.”

“બાપુ અનામત એટલે શું?”

રાધુનાથ શાસ્ત્રી જવાબ આપે એ પહેલાં જ બસ આવી પહોંચી અને ઝરણાં થેલો લઈને ઉતરી. શાસ્ત્રીની આંખો એને જોઈને ચમકી. નિશાંત પણ ઝરણાને જોઈને ખુશ થઈ ગયો.

એકાએક રઘુનાથ શાસ્ત્રીની નજર ઝરણાના ચહેરા ઉપર ગઈ. આ શું? ઝરણાં આજે ઉદાસ લાગતી હતી! નોકરી મળી ત્યારે તો એ કેટલી હરખાતી હરખાતી ગઈ હતી! તો આજે કેમ એ ઉદાસ છે? પંડિતને ફાળ પડી. પગ ઉપાડી ઝરણા તરફ ગયા. એકએક ઝરણાની નજર પંડિત ઉપર પડી અને એના ચહેરા ઉપર સ્મિત લાવવા પ્રયત્ન કર્યો.

પંડિત નજીક ગયા કે તરત ઝરણાએ ચરણસ્પર્શી આશીર્વાદ લીધા.

“કેમ છો મા’રાજ? તબિયત વગેરે?” ઝરણા જાણે એ બાળપણની વાત જ ભૂલી ગઈ હોય એમ હસીને પૂછ્યું.

રઘુનાથ જી ને થોડો સંકોચ થયો. પોતે બ્રાહ્મણ થઈને જે વર્તન કર્યું હતું એ કેટલું નિમ્ન કક્ષાનું હતું?

“ક્યાં ખોવાઈ ગયા?” ઝરણાના શબ્દો ભાનમાં લઇ આવ્યા.

“બસ તબિયતમાં મહાદેવની મહેરબાની.”

ઝરણાએ નીશંત ઉપર હાથ ફેરવી કહ્યું, “ચલો ત્યારે.” ત્રણેય વાતો કરતા કરતા ચાલવા લાગ્યા. વાતો વાતોમાં ઘર આવી ગયું.

ઝરણાને જોઇને ભગીબેનના આંખમાં આસું આવી ગયા. થોડું હળીમળી લીધું ચા પાણી થઇ ગયું એટલે રઘુનાથ જી ના મનમાં ફરતો એક સવાલ જીભ ઉપર આવી ને જ રહ્યો.

“ઝરણા…..” કહું કે નહિ એ અવઢવમાં અટકી ગયા.

“હા, મા’રાજ બોલો.”

“ત્યાં શહેરમાં કોઈ મારા જેવું તો નથી મળ્યું ને?” ગોળ ફેરવીને પૂછ્યું.

“હું સમજી નહિ. તમારા જેવા એટલે?”

“એટલે…… એટલે એમ કે ત્યાં કોઈ જાત ઊંચ નીચ વગેરે ભેદભાવ તો નઈ હોય ને? શહેરમાં તો બધા વિકસિત ભણેલા હોય ને?”

સવાલ સાથે જ ઝરણાનો ચહેરો ઝાંખો પડી ગયો. અત્યાર સુધી માંડ જાળવીને રાખેલું સ્મિત છેવટે હોઠ ઉપરથી ઉડી ગયું. ભગીબેન એનો ચહેરો જોત્ય જ સમજી ગયા કે કૈક તો વાત છે જ.

“શું થયું બેટા? મા’રાજના સવાલથી કેમ આમ તારો ચહેરો ઉતરી ગયો?”

“મા’રાજ કાગડા બધે જ કાળા હોય. શરુઆતમાં તો મને કોઈએ જાત પાતપૂછી નહોતી એટલે બધા સારું રાખતા.”

“તો પછી શું થયું?” ભગીબેન અને રઘુનાથ જી એક સાથે બોલી પડ્યા.

“થાય શું બા, એજ હું હરીજન છું એવી ખબર પડી પછી મને પાણી માટે એક અલગ જ બોટલ આપતા, મારા ટીફીનમાંથી ન ખાય તો કઈ નહી પણ હું નાસ્તો મંગાવું તો પણ કોઈ ન ખાય.” ઝરણાની આંખ ભીની થવા લાગી. આંખો સામે એ સરકારી ઓફીસના દ્રશ્યો તરવરવા લાગ્યા.

ઝરણાએ એક એક વાત કરી. પોતે બે મહિનામાં ઓફીસના લોકો સાથે હળીમળીને રહેવા કેટલા પ્રયત્નો કર્યા એ બધું જ કહી સંભળાવ્યું.

“એટલી તકલીફમાં જીવી તું?” ભગીબેનની આંખો ભરાઈ આવી.

નિશાંત ચુપચાપ બધું સાંભળતો હતો.

“એટલું જ નહિ બા, એ બધું તો હું સહન કરી લેતી પણ એ લોકોએ જે કર્યું એ મારાથી સહન ન થયું.”

“કેમ એવું તો શું કર્યું?” ફરી એક ફાલ પડી.

“બા, એ બધા મને ધીમે ધીમે હેરાન કરવા લાગ્યા. એક દિવસ હું રડતી હતી એટલે ઓફીસના મુખ્ય અધિકારીએ મને એમના રૂમમાં બોલાવી અને કહ્યું કે તને કોઈ હેરાન નહી કરે બસ મારું એક કામ કર……..એ જે મને ખાવા અને પીવાની બાબતમાં નીચી સમજીને દુર રહેતો હતો એ અધિકારી મારા શરીરને નીચુ ન સમજ્યો…..” ઝરણાની આંખમાંથી મોટા મોટા આસું ખરવા લાગ્યા.

ભગીબેન પણ આંગણે આસું ખેરવવા લાગ્યા. ઠપકા ભરી નજરે કહ્યું, “ને તે શું કર્યું? નોકરી માટે શરીર વેચીને આવી?”

“નાં બા, એ ઊંચ જાતિના માણસો પાસે મેં મારું શરીર અભડાવવા ન દીધું…….મેં નોકરી છોડી દીધી છે.”

“ઝરણા દીદી આવી છે……..” દુરથી આવતો એક અવાજ સંભળાયો અને બધા ચેતી ગયા. ઝરણા આવી એના રાજીપા ને બદલે અહી બધા રડતા દેખે તો રાહુલ ને ખબર પડી જાય.

ઝરણાએ તરત આંખો લુછી દીધી, “કોઈ એણે કહેતા નહી કઈ, નિશાંત તું ખાસ યાદ રાખજે…..”

“દીદી દીદી…..” કરતો રાહુલ આવી પહોંચ્યો.

“ભઈલું……….” કહેતા ઝરણાએ એણે ઊંચકી લીધો.

“દીદી દીદી મારા માટે શું લાવ્યું?”

“દીદી.” ઝરણાએ કહ્યું.

“એટલે?” રાહુલ કઈ સમજ્યો નહિ.

“એટલે એમ કે મેં તને દીદી આપી હવે હું નોક્રફી કરવા જવાની નથી.”

“કેમ?”

“તારા વગર ફાવતું નથી ને!” ઝરણાએ એના ગાલ ખેંચી કહ્યું.

“સાચ્ચે દીદી.”

“હા, બધે ક્યાં તારા જેવા ભાઈ મળે છે?????”

રાહુલ તો એ વાક્યનો અર્થ ન સમજ્યો પણ રઘુનાથ શાસ્ત્રી  “હા, બધે ક્યાં તારા જેવા ભાઈ મળે છે?????” એ વાક્યને બરાબર સમજી ગયા હતા.

“ભલે ત્યારે હું રજા લઉં હવે મંદિરનું ટાણું થઇ ગયું છે.” કહી રઘુનાથ ચાલ્યા.

દરવાજે જઈ એક નજર ફરી પાછુ જોઈ લીધું. રાહુલ અને નિશાંતને રમાડતી લાડ કરતી ઝરણા, એનું ખીલખીલાટ હાસ્ય…… ‘એના ગુણ એના સંસ્કાર કેટલા ઊંચા છે? જાતથી શું ફરક પડે?’ રઘુનાથ શાસ્ત્રીનો ચહેરો ચમક્યો અને મંદિર તરફ પગ ઉપાડયા પણ નજર ફરી ફરીને એ નિર્દોષ સ્મિત રેલાવતી ઝરણા તરફ વળી જતી હતી………!!!!!!!!

વિકી ત્રિવેદી “ઉપેક્ષિત”   

All rights are reserved. No part of this publication may be reproduced or stored in a retrieval system or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the written permission of the author.

Comment here