“તમે હમણાજ તો નવો ફોન લાવ્યો હતો?” નિશાએ પ્રણવ તરફ જોઈ કહ્યું.
“હા, પણ એ ખોવાઈ ગયો.”
“આ એક અઠવાડિયામાં તમે ત્રીજો ફોન ખોયો છે.”
“હા ખબર છે મને?”
“થોડુક ધ્યાન રાખતા હોવ તો આટલા મોઘા ફોન ને જરાક સાચવવોય પડે?” નિશાએ દલીલ કરી.
“એ ફોન કેટલી કિમતના હતા, પહેલો પંદર હજાર બીજો બાર હજાર ને આ ત્રીજો અઢાર હજાર. એટલા રૂપિયા તો હું એક નાનકડા ઓપરેશનમાયે કમાઈ લઉં છું.” પ્રણવે કહ્યું, જવાબ આપતી વખતે એના ચહેરા પર કંટાળાના ભાવ હતા.
“હું એમ નથી કહેતી.”
“તો શું પ્રણવ આવસ્થી સસ્તા ફોન લઈને ફરે તે ખોવાય તોયે વાંધો નહી?” પ્રણવે જરાક ગુસ્સાથી કહ્યું.
“હું એમ પણ નથી કહેતી.” નિશાએ કપાળે હાથ મુક્યો.
“તો તું કહેવા શું માંગે છે?”
“હું એમ કહું છું કે ડોક્ટર સાહેબ તમે ઓપરેશન કરો એમાં કેટલી મહેનત થતી હશે આપણે આપણી મહેનતનો રૂપિયો નકામો કેમ જવા દેવો?” નિશાને બિચારીને એના પતિની કોઈજ હકીકત ખબર ન હતી. એ ન હતી જાણતી કે પ્રણવ મહેનત અને ઈમાનદારીથી નહી પણ બેઈમાની અને પાપથી રૂપિયા કમાય છે.
“એ તું ચિંતા ના કર, મને મારા કામમાં કોઈ મહેનત જેવું નથી લાગતું.” પ્રણવ ત્રાસી ગયો હોય એમ બોલ્યો.
“એટલે તમારે કોઈ મહેનત નથી હોતી? મેં તો સાંભળ્યું હતું ડોક્ટરનું કામ બહુ ચીવટવાળું હોય છે.”
“હા હોય છે ને પણ દરેક વખતે નહી.”
“હા તો આજે આપણી ધારાને નવા કપડાની ખરીદી કરવી છે એનો જનમ દિવસ છે.”
“હા તે તું અને ધારા કપડા ખરીદી લાવજો એમાં મને પૂછવાનું શું?”
“કદાચ તમને સમય..?” નિશાએ ધીમેથી કહ્યું.
“મને સમય ક્યાંથી હોય? તું સમજતી કેમ નથી નિશા હું કેટલો વ્યસ્ત હોઉં છું?”
“બસ તમને તમારા કામથી મતલબ છે. મારી કે ધારાની કાંઈજ ફિકર નથી.” સમજુ નિશા આખરે ઉદાસ થઇ ગઈ.
“કેમ નથી તમારા માટે જ તો હું આ બધું કરું છું.” પ્રણવે પોતાના અવાજમાં જરાક મીઠાશ લાવતા કહ્યું.
પ્રણવ બહુ ચાલક વ્યક્તિ હતો એ સારી રીતે જાણતો હતો ક્યાં શબ્દોથી નિશાને શાંત કરવી. એને શબ્દો સાથે રમવાની આદત હતી. એ પોતાના શબ્દો વડે ગમે તે દર્દીના સગા વહાલાને ઓપરેશન માટે રાજી કરી દેતો. એ બિચારા જોવાયે ન રહેતા કે ખરેખર ઓપરેશનની જરૂર છે કે નહી. બસ એની વાત માની જતા તો નિશા તો એની પત્ની હતી એ નિશાને સારી રીતે જાણતો હતો નિશાને મનાવવી એના માટે કોઈજ મોટી વાત ન હતી. અને આમ પણ આ વખતે તો એ જુઠ્ઠું ન હતો બોલી રહ્યો એ બધું નિશા અને ધારા માટે જ તો કરતો હતો.
“તમે અમારા માટે શું કરો છો? હું તો પત્ની છું ચાલો જવાદો તમે મારા જન્મદિવસને ભૂલી જાઓ છો પણ ધારા તો તમારી દીકરી છે એની ફિકર તો તમારે કરવી જોઇએને?” નિશા એ જીદ કરતા કહ્યું.
“કોણે કહ્યું હું મારી દીકરીની ફિકર નથી કરતો? હું આગળના દસેય જન્મદિવસ પર હાજર હતો બસ આ ગયા જન્મદિવસ પર ન હતો રહી શક્યો એક ઈમરજન્સી કેશને લીધે, અને તને લાગતું હોય કે હું મારી દીકરીને પ્રેમ નથી કરતો તો સાંભળીલે એના માટે કરીને જ એક અઠવાડિયામાં પચાસ હજારના ફોન ફેકી દીધા છે.” હવે પ્રણય ગુસ્સે થઇ ગયો હતો. એને અંદાજ ન હતો કે એ શું બોલી રહ્યો હતો.
“તમે ફોન ફેકી દીધા છે? એ ફોન ખોવાયા નથી?” નિશા એકદમ ચોકી ગઈ.
કોઈ પણ ચોકી જાય કોઈ માણસ કેમ એવું કરે? કોઈ માણસ એક અઠવાડિયામાં ત્રણ ફોન કેમ ફેકી દે? ચોકવા જેવુ જ હતું.
“હા, મેં ફેકી દીધા છે ને જરૂર પડશે તો આ ફોને ફેકી દઈશ.”
“પણ કેમ?”
“ધારા માટે.. મારી દીકરીની સલામતી માટે..” પ્રણય હજી ગુસ્સામાં હતો. એને ભાન ન હતું કે પોતે એ બધું બોલી રહ્યો હતો જે નિશાથી છુપાવવા માંગતો હતો.
“તમે શું કહી રહ્યા છો મને કઈ સમજાઈ નથી રહ્યું. ગાંડા થઇ ગયા છો કે શું? ફોન ફેકી દેવાને અને ધારાને શું લેવા દેવા?” નિશાને નવાઈ થતી હતી કોઈ એક ડોક્ટર પોતાના ફોન કેમ ફેંકી દે? એ પણ પ્રણવ આવસ્થી?????
“લેવા દેવા છે.”
“શું?”
“એ ફોનમાં ધારાની સાથે…” અચાનક પ્રણયને હોશ આવી ગયો હોય એમ એ અટકી ગયો.
“શું એ ફોનમાં?” નિશાએ બેબાકળી થઇ પૂછ્યું.
“કાઈજ નહી.”
“ના મને કહો. તમે કહ્યું ફોનને આપણી દીકરીની સાલમતીથી લેવાદેવા છે, હું જાણવા માંગું છું?”
“કાંઈજ નહિ તું ફિકર ન કર હું બધુજ સંભાળી લઈશ.”
“તમે સંભાળી લેશો પણ શું વાત છે એતો મને કહો?” નિશાને હવે એક અજાણ્યો ભય ડરાવી રહ્યો હતો.
“એ બધું ઠીક થઇ ગયા પછી હું તને કહીશ, મારા પર વિશ્વાસ રાખ અને હા હું આજે હોસ્પિટલ નથી જતો, આપણે શોપીંગ પર જઈશું, ધારા માટે કપડા અને બીજી પણ કૈક ખરીદી કરીશું. આમેય આપણને સાથે બહાર ગયાને ઘણા દિવસ થઇ ગયા છે?”
“પણ હોસ્પીટલમાં દર્દીઓ?”
“કમ્પાઉડર છે અને આમેય હમણાં કોઈ એવું દર્દી ભરતી નથી જેને ડોક્ટર વિના ન ચાલે. બધા નોર્મલ કેશ જ છે અને આમેય નવ વાગ્યા છે આપણે અગિયાર સાડા અગિયાર સુધી ખરીદી કરી લઈશું ને હું બપોર પછી હોસ્પિટલ જતો રહીશ. કદાચ કોઈ ઈમરજન્સી કેશ આવી જાય તો? અને સાંજે જન્મદિવસ મનાવવાના સમયે આવી જઈશ.”
“ધારા તું તૈયાર છે આપણે ખરીદી કરવા જવાનું છે?” નિશાએ બુમ મારી.
“હા મમ્મી..” કહેતી ધારા ઉપરના માળેથી આવી. તે તૈયાર થઈને બસ પપ્પા ખરીદી પર જવાની હા પાડે તેની રાહ જોઈને જ પોતાના રૂમમાં બેઠી હોય એમ લાગતું હતું.
“તો મા દીકરીએ પહેલેથી પ્લાન બનાવીને પછી જ મને કહ્યું હતું?” પ્રણવે ધારા તરફ જોઈ કહ્યું.
“હા, પપ્પા બસ તમારા વગર મને કપડા ખરીદવા નથી ગમતા, તમને જ ખબર પડે છે મારા પર કયો રંગ સ્યુટ કરશે, મમ્મીના લાવેલા કપડા પર તો મારી ફ્રેન્ડસ હશે છે.” બાર વર્ષની ધારા એક પળમાં પોતાના પપ્પા તરફ થઇ ગઈ.
“વાહ, પપ્પાએ હા પાડી સાથે આવવાની એટલે એમના વખાણ! પણ ખબર છે ને મનાવ્યા કોણે છે?” નિશાએ એને મીઠો ઠપકો આપતા કહ્યું.
“ખબર છે મમ્મી. હું તને મનાવું અને તું પપ્પાને.” ધારાએ કહ્યું. એમનો ત્રણેયનો કલરવ સાંભળી જાણે આખું ઘર ખુશીથી નાચી રહ્યું હોય.
“ચાલો હવે રાહ કોની જુવો છો?
“બસ તમે કાર ચાલુ કરો હું જરાક સાડી બદલીને આવું?”
“તો પહેલાથી જ સારી સાડી પહેરી હોત તો?” કહી પ્રણવ ધારાને તેડી દરવાજા બહાર ગયો. તે પોતાની દીકરીને ખુબ ચાહતો હતો એ એના પરથી જ દેખાઈ આવતું હતું.
“હા મને પહેલેથી જાણે ખબર હતી કે તમે માની જશો.” નિશાએ બહાર આવી કારમાં પાછળની સીટ પર ગોઠવાતા કહ્યું.
“પણ મમ્મી મને ખબર હતી પપ્પા માની જશે.” પ્રણયની પાસે બેઠેલ ધારાએ કહ્યું.
“માય ડીયર ડોટર..” કહી તેના ગાલ પર ચુંબન કરી પ્રણયે કારનું એન્જીન સ્ટાર્ટ કર્યું, એ મોઘી કારને આનદ કલેક્શન સુધી પહોચતા માંડ દસેક મીનિટ થઇ એ પણ સવારથી થોડીક ટ્રાફિક હતી એટલે.
આનંદ કલેકશન રેડીમેઇડ કપડા માટે શહેરમાં વખણાતો શો રૂમ હતો અને એમાય બાળકોના કપડામાં તો એ નંબર વન હતો.
થોડીક વાર આ અને તે કપડા ફેદયા બાદ ધારાને એક પિંક ડ્રેસ ગમ્યો. એ ડ્રેસ બીર્થડે ગર્લ પર સ્યુટ કરે એવો જ હતો.
“હું આ ટ્રાય કરું અંકલ.” ધારાએ પરવાનગી માંગી અને દુકાનદારે ખુશીથી હા કહી એટલે ધારા ટ્રાયલ રૂમમાં જઇ ડ્રેસ પહેરી બહાર આવી.
“સાચે જ આજે તો રાજકુમારી જેવી લાગે છે.” નિશાએ એની તરફ જોઈ કહ્યું.
“તું તો મમ્મી રેવાજદે, પપ્પા તમે કહો.”
“પેલો યેલો પણ ટ્રાય કરી જો.” પ્રણયે કહ્યું.
“શું તમે પણ આ કેટલો સરસ લાગે છે.” નિશાએ કહ્યું.
“ના હું યેલોજ ટ્રાય કરીશ.” ધારાએ જીદ કરતા કહ્યું.
“આ બહુ સરસ લાગે છે બેટા.”
“ના. પપ્પાને નથી ગમ્યો.” ધારાએ કહ્યું.
“ના, ના એવું નથી આય સારો છે પણ હું તો ખાલી સજેશન આપતો હતો.” પ્રણવે કહ્યું.
“ના, હવે યેલોજ ટ્રાય કરીશ.” ધારાએ જીદ કરી.
“એક મિનીટ આપણે પહેલા તારો ફોટો પાડી લઈએ આ ડ્રેસમાં પછી યેલોમાં પાડીશું પછી તને જે ગમે એ લઈશું.”
“ભલે.”
“ફોન આપજો તમારો.” નિશાએ પ્રણવ તરફ જોઈ કહ્યું.
“તું નથી લાવી તારો ફોન?”
“ના, નથી લાવી અને એ બહાને ફોનનો કેમેરોય ચેક થઇ જશે કેવું રિજલ્ટ છે એનું?”
પ્રણવે કચવાતા મને મોબાઈલ પોતાના ખિસ્સામાંથી કાઢી નિશાને આપ્યો. નિશાએ ધારાના બે ત્રણ ફોટા પાડ્યા અને ત્યારબાદ ધારા પીળો ડ્રેસ પહેરીને આવી એનામાં પણ એના બે ત્રણ ફોટા પાડ્યા.
“પિંક લઈએ પપ્પા.” ધારાએ એ ફોટામા જોઈ નક્કી કર્યું કે પિંક સારો છે અને ફોન પપ્પાને પાછો આપી દીધો.
“તને જે ગમે તે.” પ્રણવે મોબાઈલ પોતાની પતલુનના ખિસ્સામાં સરકાવતા કહ્યું.
“તો પિંક રાખીએ.” નિશાએ પણ પ્રણવ તરફ જોઈ સવાલ કર્યો.
“હા, એજ સારો છે, તમે બીલ બનવડાવો હું આવું.” કહી પ્રણવ દુકાન બહાર નીકળ્યો.
તેને બહાર અવાજ સંભળાતો હતો. નિશા દુકાનદાર જોડે ભાવ માટે રકજક કરતી હતી. પ્રણવને એ ન ગમતું, પણ નિશાની આદત હતી. એ ગરીબ ઘરની હતી એટલે ક્યારેય વધુ પડતા પૈસા ન ખરચતી! એણીએ દુ:ખ જોયેલું હતું . એ પૈસાનું મહત્વ જાણતી હતી પણ પ્રણવના તો પિતાએ ડોક્ટર હતા એને મન ક્યારેય રૂપિયાનું કોઈ મહત્વ હતુ જ નહિ. આથી જયારે પણ બીલ બનાવવાનો સમય થાય પ્રણવ બહાર નીકળી જતો. નિશાના પર્સમાં પૈસા હોતા જ. એ થોડી ઘણી રકજક કરી બીલ ચુકવતી.
પણ આજ પ્રણવએ ડરથી નહિ પણ કોઈ બીજા ડરથી બહાર આવ્યો હતો. એણે ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો. એ ફોનને એવી રીતે હાથમાં પકડીને ઉભો રહ્યો જાણે એ વીસ હજારની કિમતનો ફોન નહિ કોઈ ઝેરી જાનવર હોય અને એને કરડી જવાનું હોય!!!!!
એણે ફોનનું લોક ખોલવા પેટર્ન પર આંગળી ફેરવી, તેની આંગળી ધ્રુજી રહી હતી, તેની આંગળી જ નહિ તેનો પૂરો હાથ ધુજી રહ્યો હતો.
એણે ફોનની ગેલેરી ખોલી અને હમણા જ નિશાએ પાડેલા ધારાના ફોટા એકપછી એક પોતાની આંગળીથી સ્લાઈડ કરી જોવા લગ્યો. એની આંગળી હજુ ધ્રુજી રહી હતી, એનું પૂરું ધ્યાન ફોનમાં જ હતું. અંદર નિશા દુકાનદારથી શું વાત કરી રહી હતી, કેટલી રકજક કરી રહી હતી એ તરફ એનું જરાયે ધ્યાન ન હતું!!!!!!
અચાનક એની આંખો પહોળી થઇ ગઈ, શિયાળાની સવાર હતી, હજુ અગિયારે ન હતા વાગ્યા હવામાં ઠંડક હતી છતાં એના કપાળ પર પરસેવાના ટીપા બાજી ગયા, એની આંગળી અને હાથને બદલે એ પોતે જ ધ્રુજવા લાગ્યો.
એકાદ પળ બાદ એને હોશ આવ્યો હોય એમ એણે એ ફોનનો છુટ્ટો ઘા કર્યો!! ફોન સામે રહેલ એક બંધ દુકાનના પગથીયા પર જઈને પડ્યો અને ટુકડા થઇ ગયો.
“તમે ફોન કેમ ફેકી દીધો?” એજ સમયે દુકાનમાંથી બહાર આવેલ નિશાએ ચોકીને પૂછ્યું. એની આંખો નવાઈથી પહોળી થઇ ગઈ હતી. એની પાસે ઉભેલ ધારાની પણ આંખો નવાઈથી એ તૂટેલો ફોન જોતી રહી!!!
“કાઈ નહિ મને ગમતો ન હતો એટલે મેં ફેકી દીધો, હેંગ થતો હતો.” પ્રણવે આવી ડરની પરિસ્થિતિમાં પણ શું બોલવું એ વિચારી લીધું. અને એમાં નવાઈ પણ શું હતી એ એમાં માહિર હતો.
“પણ તમે ધ્રુજી કેમ રહ્યા છો?”
“ઠંડી… ઠંડી વધારે છે ને એટલે.”
નિશા જાણતી હતી કે એ કૈઈક છુપાવી રહ્યો છે પણ ધારાની સામે વધુ વાત કરવાનું એને યોગ્ય ન લાગ્યું એટલે એ કાંઈજ ન બોલી. પણ ઘરે ગયા પછી જયારે નિશા બગીચામાં રમવા ગઈ ત્યારે એણીએ પૂછ્યું.
“શું વાત છે? તમે મારાથી શું છુપાવી રહ્યા છો.”
પહેલા તો એણે આડાઅવળા જવાબો આપી વાતને બદલાવાની કોશિશ કરી પણ જયારે નિશાએ તેને પોતાના અને ધારાના સોગન આપ્યા ત્યારે એની પાસે બીજો કોઈ રસ્તો જ ન રહ્યો.
“એક અઠવાડિયા પહેલા મેં મારા ફોનથી ધારાના ફોટા લીધા હતા. જયારે મેં એમાંથી છેલ્લો ફોટો જોયો હું ડરી ગયો કેમ કે એ ફોટામાં ધારાની સાથે એક સ્ત્રી હતી! મેં એ ફોટા ડીલીટ કરી નવા ફોટોઝ ક્લિક કર્યા પણ ફરી એજ થયું એના છેલ્લા ફોટામાં એજ સ્ત્રી એની બાજુમાં ઉભી હતી………”
નિશા અવાચક બની સાંભળી રહી. એ જાણે પથ્થર બની ગઈ હોય એમ જોઈ રહી….. પ્રણવના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું છતાં એણે આગળ કહ્યું, “હું ડરી ગયો અને મેં એ ફોન બહાર જઇ તોડીને ફેકી દીધો અને નવો ફોન લાવ્યો એનાથી ધારાના ફોટા ખેચ્યા પણ એમાંના છેલ્લા ફોટામાં પણ એ સ્ત્રી ધારા સાથે હતી.”
“એ સ્ત્રી કોણ હતી?” નિશાનો અવાજ ધ્રુજતો હતો.
“એ મને ખબર નથી. પણ આજે જયારે તે દુકાનમાં ધારાના ફોટા લીધા એ સ્ત્રી છેલા ફોટામાં હતી.” પ્રણવનો અવાજ પણ ધ્રુજતો હતો.
“હવે આપણે શું કરીશું?”
“હું નવો ફોન જ નહિ લાવું, હું ફોન વગર રહીશ.”
“શું એનાથી કોઈ ફર્ક પડશે.?”
“કદાચ?”
ધારા અંદર આવી ગઈ એટલે એમણે એ ચર્ચા બંધ કરી નાખી અને પતિ પત્નીએ ફરી આખા દિવસમાં એ ચર્ચા ન કરી કેમકે એ બંને ને એ વાત પર વિચારવા માત્રથી ડર લાગતો હતો. ચર્ચા કરવાની તો એમની હિંમત જ ન હતી!!!!!
સાંજનો સમય થયો એટલે આસપાસના લોકો અને ધારાના શાળાના મિત્રો જેમને ધારાએ આમન્ત્રણ આપ્યું હતું એ આવવા લાગ્યા અને પતિ પત્ની મહેમાનોની હાજરીને લીધે બધુ જ ભૂલી ગયા, કમસે કમ એ લોકો એવો દેખાવ તો કરી જ રહ્યા હતા કે એ બધું ભૂલી ગયા છે.
કેક કપાયા બાદ ઉજવણીમાં આવેલા મહેમાનો ધીમે ધીમે એક એક કરીને જવા લાગ્યા… લગભગ રાત્રીના અગિયાર વાગ્યે ઘરમાં માત્ર ત્રણ જણ જ રહ્યા… ધારા પણ આખા દિવસના થાકને લીધે સુઈ ગઈ બસ એ પતિ પત્નીને ઊંઘ ન હતી આવે તેમ તેઓ પોતાના રૂમમાં જાગતા હતા..
“મેં મારા ફોન થી ધારાના ઉજવણી વખતે ફોટા ખેચ્યા છે?” નિશાએ ધીમેથી પતિને કહ્યું.
“કેમ?” પ્રણવના અવાજમાં ગભરાહટ હતી..
“ખાતરી કરવા કે એ સ્ત્રી કોણ છે અને મારા ફોનથી ફોટા ખેચું તો એ એમાં આવે છે કે નહી?”
“મારામાં જોવાની હિંમત નથી તુજ જોઈ લે.” પ્રણવે કહ્યું.
નિશાએ ધ્રુજતા હાથે ફોન હાથમાં લઇ એક પછી એક બધા ફોટા જોયા અને છેલો ફોટો જોઈ એ ચોકી ગઈ, એની આંખો પહોળી થઇ ગઈ શિયાળાની ઠંડી રાતમાં પણ એના કપાળે પરસેવો વળી ગયો અને એ જોઈ પ્રણવ સમજી ગયો કે છેલા ફોટામાં એ સ્ત્રી હજાર હતી છતાં એને ખાતરી કરવા પૂછ્યું, “શું એ ફોટામાં છે?”
“હા, પણ એને એક નામ છે એ કોમલ છે.” નિશાએ કહ્યું.
“તું એને ઓળખે છે?” પ્રણવે નવાઈ પામી કહ્યું.
“હા, તમે ભૂલી ગયા છો પણ એ આપણા લગ્નમાં પણ હાજર હતી. તમે કૈક મારાથી છુપાવી રહ્યા છો?”.
“એ આપણા દવાખાને ડીલીવરી કેશમાં આવી હતી પણ હું એને બચાવી નહોતો શક્યો એનો એ બદલો લઇ રહી છે.” પ્રણવે કહ્યું.
“હવે તો સાચું બોલી જાઓ, હું કોમલને સારી રીતે ઓળખું છું.” નિશાએ કહ્યું.
“મેં પૈસા માટે જરૂર ન હતી તો પણ એનું ઓપરેશન કર્યું પણ એમાં એ અને એનું બાળક બંને મરી ગયા પણ હવે ગમે તેમ કરીને આપણે એનાથી છુટકારો મેળવી લઈશું?” પ્રણવે કહ્યું.
“કેટલાક પાપ એવા હોય છે જે કર્યા બાદ એની સજા ભોગવવી જ પડે છે એમાંથી છુટકારો નથી મળતો ડોક્ટર સાહેબ .” નિશાએ આસુંભરી આંખે કહ્યું.
“પણ કોઈક રસ્તો તો હશે જ? ધારાનો એમાં કોઈ જ વાંક નથી. ગુનેગાર હું છું. એણીએ સજા આપવી હોય તો મને આપે.” પ્રણવની આંખોમાં પણ આંસુ હતા.
“એ નહી હું સજા આપીશ તમને. હું ધારાને લઈને ચાલી જઈશ”
“ક્યાં?”
“જ્યાં એના પર તમારા પાપનો પડછાયો ન પડે.”
“અને એનાથી કોમલ એનો પીછો છોડી દેશે?”
“હા, હું એને ઓળખું છું એ બાળકને કઈ નહી કરે એને બાળપણથી બાળકો બહુ ગમતા.” નિશાએ પોતાના આંશુ રોકવાનો પ્રયાસ કરતા કહ્યું.
“અને મેં મારી દીકરી માટે ભેગું કરેલું આ બધું, મારી ધન દોલત, મકાન ગાડીઓ?
“એ સજા રૂપે ભોગવ્યા કરજો.”
“હું મારી દીકરીને પણ ડોક્ટર બનાવવા માંગતો હતો?” પ્રણવ પોતાના આંસુ રોકી સકવા અસમર્થ હતો.
“એ તમારાથી દુર રહી ડોક્ટર નહી બને તોય કદાચ કોઈક નો જીવ બચાવશે ક્યારેક પણ તમારી પાસે રહી ને તો ડોક્ટર બનીને જીવ લેતાજ શીખશે.” નિશાએ કહ્યું અને ત્યારબાદ પતિ પત્ની ખામોશ થઇ ગયા.
બીજી સવારે નિશા ધારાને લઈને ચાલી ગઈ.
એ વાતને વર્ષો વીતી ગયા છે. આજે ધારા ડોક્ટર છે પણ એના બાપના પાપના પૈસાથી નહી એની માની મજુરીના પૈસાથી… અને હા એ ઘર છોડ્યા પછી ક્યારેય ધારાના ફોટામાં કોમલ નથી દેખાઈ… પણ હજુયે ધારા સેલ્ફી લીધા બાદ ફોન મૂકી આડાઅવળી થાય ત્યારે એની મમ્મી એના ફોનની ગેલેરી ચેક કરી લે છે… પણ એમાં કોમલ નથી હોતી…
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’