gujarati-story-sansar

સંસાર

નિર્મલાબેન અને હું વરસોથી સાથે કામ કરતા હતા. એક જ કાર્યાલયમાં અમે પંદર વર્ષથી પણ વધુ સમય સાથે વિતાવ્યો હતો. કદાચ અમે ઘરમાં અમારા પરિવાર સાથે જેટલો સમય વિતાવ્યો હશે એનાથી વધુ સમય બાજુ બાજુના ડેસ્ક પર અમારા જીવનવીમાના કાર્યાલયમાં વિતાવ્યો હતો.

નિર્મલાબેન પંદરેક વર્ષથી મારા પરિચિત હતા. હું એમને હમેશા ખુશ જ જોતી! મેં એમને છેલા પંદર વરસમાં ક્યારેય ગુસ્સામાં કે વ્યથિત નહોતા જોયા. પણ છેલ્લા એકાદ મહિનાથી એમનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો. મોટા ભાગના નવા કર્મચારીઓ મને સુશીલાબેન કહીને બોલાવતા કેમ કે હું અહી જૂની હતી ને આમેય મારી ઉમર પણ મોટી હતી. હું ચાલીસી વટાવી ગયેલી મહિલા હતી, છતાં હું મારા વાળને કાળા કરી રાખતી એટલે એકદમ ઘરડી ન દેખાઉં કારણ કે મારા ચહેરાને સતત ચાલતી આર્થીક તંગી અને અન્ય સામાજિક સમસ્યાઓએ જરાક જીર્ણ બનાવી દીધો હતો!

કોણ જાણે કેમ મારા જીર્ણ ચહેરાને લીધે કે પછી મારી ઉમરને લીધે લોકો મને સુશીલાબેન કહીને જ બોલાવતા પણ નિર્મલાબેન મને ખાલી સુશીલા કહેતા કેમકે એ મારાથી પણ ઉમરમાં મોટા હતા. એ મારાથી આઠ વરસ સીનીયર હતા અને હોડમાં પણ મારાથી ચડિયાતા હતા. પણ મને સુશીલા કહી બોલાવવા પાછળ એ બેમાંથી એકે કારણ જવાબદાર ન હતા. હું અહી આવી ત્યારે છવીસેક વરસની હતી ને ત્યારે નિર્મલાબેન ત્રીસ ઉપરના હતા. અમે બંને મિત્રની જેમ રહેતા, ત્યારથીજ એ મને સુશીલા કહીને બોલાવતા, એતો મનેય ઘણીવાર કહિતા તું મને નિર્મલા કહીને બોલાવે તોય ચાલશે પણ મને એ જરાક અસભ્ય લાગતું કેમકે તેઓ ઉમર અને હોદા બન્નેમાં મારાથી ઊંચા હતા.

એજ સંસ્કારી ને સભ્ય નિર્મલાબેન જે એકદમ નિર્મળ હતા એ છેલ્લા એકાદ મહિનાથી સાવ બદલાઈ ગયા હતા. પહેલા તો કોઈ પર ક્યારેય મેં એમને ગુસ્સે થતા ન હતા જોયા કોઈથીયે ઊંચા અવાજે વાત ન કરતા, અમારા પ્યુન મંજુલાને પણ એ પ્રેમથી બોલાવતા પણ હમણાં હમણાંથી બધું બદલાઈ ગયું હતું. તે નાની નાની વાતોમાં ગમે એના પર ચીડાઈ જતા. ક્યારેક ક્યારેક તો એમને મુકેલી ફાઈલ ન મળે તોયે બીજા પર ચીડાતા. બીજા પર તો શું મારા પર પણ ચીડાતા!!!

કાર્યાલયના લોકો ધીમે ધીમે એમના તરફ અણગમો કરવા લાગ્યા હતા. અમુક તો કહેતા છ મહિના પહેલા દીકરીને મોટા વેપારીના ઘરે પરણાવી ત્યારથી ઘમંડ વધી ગયો છે પણ હું નિર્મળાને સમજતી હતી, એમનામાં ઘમંડ આવે તે અશક્ય હતું. કૈક અજુગતું હતું તેઓ મને ઘમંડમાં નહી પણ વ્યથામાં લાગતા. તેઓ જયારે મારા પર ગુસ્સે થતા ત્યારે મને એમ લાગતું કે એ માર પર નહિ પણ પોતાની જાત પરજ ગુસ્સે છે.

પણ કહે છે ને કે માણસ સુખ કે દુખ કંઈ પણ એકલો જીરવી સકતો નથી. એ કોઈને તો એમાં ભાગીદાર બનાવે જ છે. નિર્મલાબેન પણ ક્યાં સુખ એકલા પી ગયા હતા. દીકરી ફોરમના લગન વખતે પુરા સ્ટાફને આમંત્રણ આપ્યું હતું અને હીરાની પાર્ટી પ્લોટમાં બધાને એવું ભોજન આપ્યું હતું કે સાચું કહું તો અમારા મન ઘણાને તેઓ એ બધી વાનગીઓના નામ પણ ન હતી ખબર. સાચું કહું તો મને જ એક અલગ પડતી મીઠાઈ હતી એનું નામ ખબર ન હતી. હું હતી જૂની પણ માત્ર રીકવરી એજન્ટ હતી એટલે મારો પગાર હજુયે પંદર હજાર જ હતો એટલે બહુ મોઘીને મોટી વસ્તુઓથી હુય પરિચિત ન હતી.

નિર્મલાબેન મેઈન હતા એમનો પગાર ચોપન હજાર હતો ને એમના પતિએ હીરા બજારમાં સારું એવું કમાઈ લેતા હતા. એક દીકરો હતો મૌલિક એય મેડિકલનું ભણ્યો હતો અને સારી જગ્યાએ કોઈ કંપનીમાં નોકરી પર હતો, ને ફોરમનું જયા સગું કર્યું એતો અમારા શહેરમાં વખણાતો વેપારી પરિવાર હતો એટલે પુછવું જ શું? ફોરમના લગનમાં પૈસો તો પાણી ની જેમ વાપર્યો હતો.

નિર્મલાબેને એમનું સુખ તો અમારી સાથે વહેચ્યું હતું પણ કૈક ઊંડું દુખ હતું જે અમારી સાથે વહેચતા એ ખચકાતા હતા. પણ મેજ એક શનિવારે કાર્યાલયેથી વહેલી રજા મળી ત્યારે રસ્તામાં એમને પૂછ્યું, “શું વાત છે નિર્મલાબેન?”

“શેની?”

“તમે આમ દિવસેને દિવસે વધુને વધુ ઉદાસ ને દુખી થતા જાવ છો?”

“ના ના એવું કઈ નથી.”

“કઈક તો જરૂર છે, દીકરી ને કઈ દુખ છે?” મેં મારી રીતે અંદાજ લગાવી પૂછ્યું.

બસ જાણે હું એટલું પૂછું એની જ રાહ જોઈ રહ્યા હોય એમ નિર્મલાબેન એકદમ તૂટી ગયા એમની આંખમાં આંસુ આવી ગયા.

હું એમને મારા ઘરે ચા પર લઇ ગઈં અને બધી પુછતાછ કરી.

“શું વાત છે?”

“મોટું ઘર જોઈ દીકરી પરણાવી પણ ત્યાં એને સુખ નથી.“

“સુખ નથી એટલે?”

“એના સાસુ સસરા એને સામાન્ય ઘરથી આવેલી સમજી નાની નાની વાતે એનું આપમાન કરે છે.”

“પણ તમારું ઘર ક્યાં સામાન્ય છે?” મેં નવાઈ પામી કહ્યું.

“એમની સરખામણીમાં સામાન્ય જ છે, અમે મૂળ તો નોકરિયાત વર્ગ.”

“પણ એનાથી શું? એ એમની મરજીથી, એમને ઘર ગમ્યું ત્યારેજ ને…” મેં કહ્યું.

“અમે વિચાર્યું હતું કે નોકરિયાત વર્ગમાં દેઈશ તો મૂળ તો એજ અમે રૂપિયા વાપરતા પહેલા બે વાર વિચાર કરીએ એમ જ કરવો પડશે ને સુરેશભાઈ મોટા મિલ માલિક છે એમના દીકરા સાથે પરણાવશું  તો દીકરી સુખી થશે, એમને ત્યાં ક્યાં કોઈ ચીજ ખરીદતા પહેલા બે વાર વિચાર કરવો પડે છે?” નીર્માંલાબેને એક નિશ્વાસ નાખતા કહ્યું.

“તો પછી સમસ્યા શું છે?”

“એજ કે એ લોકો કંઈ પણ લાવતા પહેલા બે વાર નથી વિચારતા, એમને જે ગમે એ લાવીને જ જંપે છે,  ફોરમના ઘરવાળાને એમના કોઈ બીઝનેસ પાર્ટનરની છોકરી ગમી ગઈ છે. એટલે એ લોકો ફોરમ ડિવોર્સ લઈલે એ માટે એને સતત ત્રાસ આપી રહ્યા છે.”

મારા હ્રદયને એક જોરદાર ધક્કો વાગ્યો, હુયે ઓછા પગારની નોકરી અને આર્થિક તંગીથી કંટાળી ગયેલી હતી એટલે મારી શિવાનીને કોઈ મોટા ઘરે પરણાવવા માંગતી હતી.

“તો હવે?”

“ફોરમ સંસ્કારો લઈને ગઈ છે એટલે બધું સહન કરી રહી છે.” રડમશ અવાજે એ બોલ્યા.

“પણ ક્યાં શુધી કરશે?”

“હવે શું કરવું એ મને નથી સમજાતું?” નીર્માંલાબેને લાચાર બની કહ્યું.

“તો તમે દીકરીને પાછી કેમ નથી લાવી દેતા.”

“આટલા મોટા ઉછ્રંગે પરણાવી હતી હવે લોકો અને સમાજ શું કહેશે?” નિર્મલાબેને ઉદાસ શ્વરે કહ્યું.

“જુવો નિર્મલાબેન હું તમારાથી નાની છું પણ આજે નાના મોઠે એક મોટી વાત કરું છું ખોટું ન લગાડતા..”

“શું? કહીદે સુશીલા હવે મને બીજી કોઈ વાતનું દુખ નથી થાય એમ.”

“તમે દીકરીને વધુ સુખ મળે એની ઘેલછાએ દુઃખમાં નાખી દીધી છે, એક ભૂલ તો અજાણ્યે થઇ ગઈ છે તમને ત્યારે ખબર ન હતી કે  એ ઘર કેવું નીકળશે.પણ હવે બીજી ભૂલ અજાણ્યે નહી જાતે આંધળા બનીને કરી રહ્યા છો.”

“કઈ ભૂલ?”

“દીકરીને ત્યાં રાખવાની, એના સંસ્કારે એ ત્યાં પડી પીડાય છે પણ આપડે જઈને લઇ આવીએ, દીકરીએ કઈ આડા અવળું કર્યું તો? એ લોકોને તો એનાથી છુટકારો મેળવવો છે.”

“પણ સંસાર શું કહેશે?”

“સંસાર શું કહેશે એ ફિકર ન કરો, સંસાર તો વાત કરવાનો જ જો તમે લઇ આવસો તો કહેશે કે મા એ ભેગી રહીને દીકરીનું ઘર ભગાવ્યું. ને નહી લાવો તો કાલે કહેશે મા જ ડાકણ થઇ દીકરીને કુવામાં નાખી ને એ મરી ન ગઈ ત્યાં સુધી એ તરફ જોયું એ નહી.”

થોડીવાર પછી નીર્માંલાબેને રજા લીધી. એમના ગયા પછી હું વિચારતી રહી એ મારી સલાહ માનશે કે નહી? જે હોય તે તેઓ મને તો એક સલાહ આપીને જ ગયા હતા કે દીકરીને આપણા જેવા સામાન્ય ઘરે જ પરણાવવી, મોટા સપના હમેશા ખોટાજ પડતા હોય છે.

બીજા દિવસે હું જયારે કાર્યાલયે ગઈ, નિર્મલાબેન એમના ટેબલ પર બેઠા હતા, એમના ચહેરા પર ખુસી તો ન હતી પણ રોજના જેટલું દુ:ખે ન હતું હું સમજી ગઈ કે તેઓ પોતાની દીકરીને ઘરે લઇ આવ્યા હતા.

નીર્માલાબેને મને બોલાવી, હું એમની પાસે જઈને  બેઠી, એમને પોતાની ફાઈલમાંથી જરાક ઉપર જોઈ કહ્યું, “ખરેખર દીકરીને પરણાવી દીધી એટલે બધી જવાબદારી પૂરી નથી થઇ જતી. જેમ દીકરાની કાળજી જીવનભર લઈએ એમ દીકરીને પણ જીવનભર સાચવવી પડે.”

અમે બંને મનોમન રાજી થતા એકબીજામાં સામે જોઈ રહ્યા.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ (ડીસા)

Comment here