gujarati-story-prashna

પ્રશ્ન ?

સવારે વહેલા ઉઠાવાની મને છેકથી આદત હતી. હું નાની હતી ત્યારથી જ મમ્મી મને વહેલી ઉઠાડતી એ મને યાદ છે. મને તૈયાર કરીને મમ્મી મને શામળીયાની મૂર્તિ આગળ જે જે (જય જય) કરવા લઇ જતી.

એ પછી તો મને આદત જ પડી ગઈ હતી. હું છેલ્લા અઢાર વર્ષથી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને શાળાનો સમય સવારના સાત વાગ્યાનો હતો એટલે મારે વહેલા ઉઠવું જ પડતું. રવિવાર કે રજાના દિવસે પણ હું ક્યારેય મોડા સુધી ન ઊંઘતી.

એ દિવસે પણ રવિવાર હોવા છતાં હું વહેલી ઉઠી ગઈ. લગભગ સાડા છ ના ટકોરે તો હું નાહી ધોઈને તૈયાર પણ થઇ ગઈ. મને દરેક રજાના દિવસે મંદિરે જવાની આદત હતી. જોકે મને મન તો હમેશા વહેલા ઉઠી મંદિરે જવાનું થતું પણ શાળાને લીધે જઇ શકાતું નહિ. તેમ છતાં ફૂલ નહિ તો ફૂલની પાંદડી મુજબ હું જેટલું થઇ શકે તેટલું કરતી.

અઢાર વરસ પહેલા એ નાનકડા ગામમાં મને સરકારી શાળામાં નોકરી મળી હતી. હું જયારે એ ગામમાં નોકરીએ લાગી ત્યારે ગામમાં માંડ સો ઘરની વસ્તી હતી અને હવે વધીને કદાચ બસો જેટલા ઘર થયા હશે. એટલે ગામમાં મને બધા નામથી જ ઓળખતા થઇ ગયા હતા. ખોબા જેવડું ગામ પણ દરિયા દિલના લોકો એમાં વસતા! ગામડાનું વાતાવરણ એ બાબતમાં બહુ સારું. આપણા શહેરી જીવન જેવું નહિ જ્યાં એક ને બીજા સાથે કોઈ નિસ્બત જ નથી હોતી. પણ ગામડામાં તો જે છોકરા મારી પાસે ભણીને ગયા છે એ છોકરા હવે વીસ બાવીસના થઇ ગયેલ હોય અને એમના બાળકોને શાળામાં ભણવા મુકવા આવે ત્યારે પણ એ જ નિધીબેન બાબલો ભણે છે કેવું? સવાલ પૂછે અને સવાલ પૂછતી વખતે એમના અવાજમાં રહેલી વિનમ્રતા મને કહી જાય કે ભલે એ એક છોકરાનો બાપ થઇ ગયો છે પણ એનામાં રહેલ બાળક હજુ અકબંધ છે! કેમકે તેના અવાજમાં એક બાળકની નીર્દોષતા અને નિખાલસતા હોય છે. ગામડાનો વ્યક્તિ ક્યારેય વૃદ્ધ થતો જ નથી એમ કહીએ તો પણ ચાલે! છેક સુધી એનામાં એ જ બાળપણની નીર્દોષતા અને નિખાલસતા રહે છે.

હું મંદિરે જવા માટે ઘરથી નીકળી. રસ્તામાં મળતા લોકો કેમ છો બેન? પૂછી લેતા અને હું એમને એ મજામાં ભાઈ… કે મજામાં બહેન… જેવા એમના જ શબ્દોમાં જવાબ આપ્યે જતી મંદિર પહોચી.

મંદિરને દરવાજે પહોચતા જ એ ગામની માયામાં જે દુ:ખ હું ભૂલી જતી એ જ દુ:ખ ભગવાનની મૂર્તિ જોતા જ છાતીમાં ઉભરાઈ આવ્યું. ભગવાન તે મને બધું આપ્યું પણ એક શેર માટીની ખોટ કેમ??? એ મારા જીવનનો સનાતન પર્શ્ન મારા હ્રદયમાંથી આહ બની સારી પડ્યો.

મારી હમેશા હસતી રહેતી આંખો દુઃખનું પ્રતિબિંબ બની ગઈ. હું ભગ્ન હ્રદયે મંદિરની સીડીઓ ચડી. શામળીયાની મૂર્તિને પગે લાગી અને વરસોથી જે સવાલ એના ચરણોમાં ધરતી હતી એ જ સવાલ એના ચરણોમાં ધરી સીડીઓ ઉતરી મંદિર બહાર આવી.

રજાનો દિવસ હતો એટલે થોડોક સમય હું એ નદી કિનારે આવેલ મંદિરની સુંદરતાને નિહાળતી ઉભી રહી અને એ મારા જીવનના સનાતન પ્રશ્નને એ વહેતી નદીના પટમાં ડુબાવી હું ઘરે ગઈ.

ગામમાં જ એક નાનકડા ઘરમાં હું રહેતી. મારા પતિ સુખદેવ પણ મારી જેમ જ ભક્તિભાવવાળું જીવન જીવવા ટેવાયેલા હતા. કદાચ એમને મારા કરતા પણ વધુ ભગવાન પર વિશ્વાસ હતો એમ કહું તો ચાલે. ધણીવાર મને એ મારા સનાતન પ્રશ્ન પર ઠપકો આપી કહેતા તું ભગવાનને ફરિયાદ કરી તેમના પર તને વિશ્વાસ નથી એ છતું કરી રહી છે. મને થતું તેઓ એટલા વિશ્વાસી કઈ રીતે બની શકતા હશે?

હું ઘરે પહોચી ત્યારે તેઓ ઘરની આગળના ભાગમાં બનાવેલ નાનકડા શાકભાજીના બગીચાની સાર સંભાળ લઇ રહ્યા હતા. ગામડાના વિસ્તારમાં શાકભાજી ખાસ મળતી નહિ એટલે મેં ઘરની આગળની ખુલ્લી જગ્યામાં એક નાનકડો વાડો તૈયાર કર્યો હતો. જે પણ બાળકના ઘરની કે ખેતરની હું મુલાકાત લેતી એ ઘર કે ખેતરમાં ઉગેલો એકાદ છોડ હું મારા એ વાડાને ભેટ આપવા માટે લઇ આવતી. અને બદલામાં મને વાડો પણ કાઈ ઓછું ન આપતો! એક તો મારી ગેરહાજરીમાં એ સુખદેવને વ્યસ્ત રાખતો. અમને શાકભાજી આપતો. એ વાડામાંથી લીંબુ ચોરવા આસપાસના છોકરાઓ આવતા અને મારા ઘરને એ બહાને હર્યું ભર્યું રાખતો.

કેટલાક ચોરી કરવી એ ખરાબ બાબત છે એવું સમજતા સમજદાર છોકરાઓ લીબું કે અન્ય ફળ લઇ જવા માટે છાસ આપવાને બહાને આવતા. બેન તમારા માટે છાસ લાવ્યા છીએ… આવીને બુમ લગાવતા અને હું છાસ તેમની બરણીમાંથી મારી બરણીમાં લઈને બરણી પાણીથી ધોઈ પાછી આપું એટલી વારમાં ચારેક લીંબુ તોડી રાખતા. બેન ચારેક લીંબુ લીધા છે મારા કાકાને આજે પેટમાં દુ:ખે છે.. બહાનું બનાવી જતા. એ લોકો ગામમાં પપ્પાને કાકા અને મમ્મીને મા કહે. કેટલાક છોકરા તો માડી પણ કહે. પણ એ મા માડી કે મમ્મી શબ્દો પોતાના બાળકના મોઢેથી સાંભળવાનું મને નસીબ સાંપડ્યું નહી..!! જોકે અન્ય બાળકોના મોઢે એ શબ્દ સાંભળતી ત્યારે પણ એ મને મીઠો જ લાગતો પણ એની સાચી મીઠાસ તો આપણું બાળક આપણને મા કહે ત્યારે જ અનુભવી શકાય છે..!

આમ વાડો અમને અમારા એકલવાયા જીવનથી મુક્તિ આપાવનાર સાધન હતો.

“હું ગઈ ત્યારના વાડામાં મહેનત કરી રહ્યા છો… આટલું બધું શું કામ હોય છે વાડામાં?” મેં ઘરમાં દાખલ થઇ સુખદેવ તરફ જોતા કહ્યું.

“કેમ કામ ન હોય? તું તો એક રવિવારે જ એને જુવે છે એટલે તને એમ કે એમાં શું કામ હોય. બાકી તો આ પવન રોજ બિચારાને ક્યાયથી પાંદડા તાણી લાવી પરેશાન કરી મુકે છે.” તેમણે કામ કરતા કરતા જ જવાબ આપ્યો.

“હા, હવે ચાલો, વાડા સાથે તો આખું અઠવાડિયું રહેવાનું જ છે… એક રવિવાર તો તમારા ધર્મપત્ની સાથે પણ વિતાવો.”

“હા, કેમ નહિ પણ અહી વાડામાં બે ખુરસીઓ છે જ એના પર બેસીએ તો વાડાનો અને તારો બંનેનો સાથ એકસાથે મળે તેમ છે.” તેમણે હસીને કહ્યું.

“હા, પણ મારે બાળકોના ટેસ્ટ ચેક કરવાના છે… હું એ અંદરથીથી લઇ આવું. વાડામાં બેસસુ, તાજી હવા પણ છે વાતોય થશે અને ટેસ્ટ પણ ચેક થઇ જશે.” કહી હું અંદરથી ટેસ્ટના કાગળો લઇ આવી અને એ લાકડાની ખુરશીમાં એમની સામે જોડાઈ.

“શું લખ્યું છે બાળકોએ?”

“બસ ખાસ તો કાઈ નહિ… ગામડાના બાળકો છે એટલું ઘરે ક્યાં વાંચતા જ હોય છે? ને એમાય ત્રીજા વાળા બાળકો છે!”

“તોય કઈક તો લખ્યું હશે ને?”

“પણ એ બધું જાણીને તમે શું કરશો?”

“કેમ? કાલે ઉઠીને ક્યાંક કામ ન લાગે?”

“તો સાંભળો પ્રશ્ન હતો.. મા એટલે શું? એક બાળકે લખ્યું છે મા એટલે કંકુ. એની મમ્મીનું નામ કંકુ છે.”

અમે બંને હસ્યા.

“અને બીજા બાળકોએ શું લખ્યું છે?”

મેં બીજો ટેસ્ટ હાથમાં લીધો અને એમાં પણ મા એટલે શું એ પ્રશ્ન નો જવાબ જોયો..

“માં એટલે ઘરમાં બધાથી વહેલી ઉઠે અને ભેસો દોયા બાદ ચા બની જાય પછી જ મને ઉઠાડે.. કાકાને હેરાન કરે પણ મને ક્યારેય ન વઢે એ.”

અમે બંને ફરી હસ્યા.

“ત્રીજાએ શું લખ્યું છે?”

“મા એટલે ટીવીમાં બતાવે એવો સુપર હીરો ક્યારેય થાકે જ નહિ.” ત્રીજાએ લખેલું મેં વાંચ્યું.

વાંચતા વાંચતા મારી આંખોના ખૂણા ભીના થઇ ગયા.

“શું થયું?” સુખદેવ સમજી ગયા કે મારી આંખોમાં પાણી કેમ હતું, “ફરી એ જ સનાતન પર્શ્ન યાદ કરી રહી છે ને?”

“હા..” મેં કહ્યું.

“એ ભૂલી જા અને આગળ વાંચ.” એમણે કહ્યું.

“તો હવે ધ્યાનથી સંભાળજો કલાસના સૌથી તોફાની છોકારનો ટેસ્ટ છે કઈક અલગ જ જવાબ લખ્યો હશે.” મેં હથેળીથી આંખો લૂછતાં કહ્યું અને પછી એ મોતી નામના તોફાની બારકસનો ટેસ્ટ વાંચવા લાગી, “માં એટલે શું એ મને ખબર નથી કેમકે મારે મા નથી પણ હું કાળો છું એટલે મને ખબર છે કે મા કાળી હશે.. એકદમ શામળીયાની મૂર્તિ જેવી કાળી.. કાયમ તો વહેલું શાળાએ જવું પડે છે પણ રવિવારે સમય મળે છે એટલે વહેલો ઉઠી શામળીયાના મંદિરે જાઉં છું.. શામળીયાને જોવા નહિ.. મને એ મૂર્તિમાં મારી મા દેખાય છે એટલે ફાઈનલ મા કાળી હોય.”

હું એનો ટેસ્ટ વાંચી રહ્યા બાદ પણ શૂન્ય બની એ કાગળને જોતી જ રહી..

“રોજ શામળીયાને એ સનાતન પ્રશ્ન પૂછતી હતીને એનો જવાબ મળી ગયો હવે.” મને સુખદેવના શબ્દો સંભળાયા. મેં માત્ર હકારમાં માથું હલાવ્યું હું કાંઈજ બોલી ન શકી. મારી આંખ સામે રહેલા એ કાગળમાં મને એ છોકરાનો ચહેરો દેખાવા લાગ્યો અને એકવાર દર્શન કરી આવી હતી છતાં ફરી હું શામળીયાના મંદિર તરફ રવાના થઇ. એ મૂર્તિને જોવા નહિ…. મારા મોતીને જોવા… એ શામળીયાની મૂર્તિમાં મા ને જોવા આવે ત્યાં એને મા ના દર્શન કરાવવા.

મને થયું માત્ર હું જ શામળીયાની મૂર્તિ જોઈ ફરિયાદ કરી જીવન નથી વિતાવી રહી. કેટલાય બાળકો પણ છે જેમને ફરિયાદ એટલે શું એ પણ એમની ભાષામાં ફરિયાદ કરવાના બહાને મૂર્તિને જોવા જાય છે…..!  કેટલી અજીબ છે એ શામળીયાની મૂર્તિ ? કોઈ સામે મા બને છે તો કોઈ માટે દીકરો દેખાડી દે છે !!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “પ્રશ્ન ?”

Comment here