gujarati-story-manomanthan

મનોમંથન

ડાઉન ટાઉન એટલાનટા રેસ્ટોરાં લગભગ ખાલી જેવુ જ હતું. માત્ર એક એક બીઝનેસમેન એક ખૂણા પરની ચેરમાં બેઠેલ હતો. પ્રીડીનર રસ ક્યારનીયે શરુ થઇ ગઈ હતી… બારટીન્ડર પોતાના ભૂરા વાળમાં હાથ ફેરવતી પોતે જે કળામાં માહિર હતી એનું પેરફોર્મંસ કરવા તૈયાર હતી, વિદેશના મોટા ભાગના રેસ્ટોરાંમાં આવી એકાદ બે બારટીન્ડર જોવા મળે જ, હવે ત્યાં ક્રેજ થઇ ગયો હતો.

કિચનમાં કટલરી અને ચાઈનાનો ખણખણાટ શરુ થઇ ગયો હતો. કાઉન્ટરથી થોડેક દુર બે ત્રણ વેઈટર ભેગા મળી ગપ્પા મારી રહ્યા હતા. કાઉન્ટર પર બેઠેલ રેસ્ટોરાં ઓનર એમને નિહાળી રહ્યો હતો પણ પ્રી ડીનર પ્રોગામ વખતે વેઈટરો પોતાની મરજી મુજબ હરી ફરી શકે એ નિયમ મોટા ભાગના રેસ્ટોરાંમાં આવી ગયો હતો એટલે એ પોતાનો ગુસ્સો દબાવીને બેઠો હતો.

બારની ઉપરના ભાગે લગાવેલ ટેલીવીઝન પણ જાણે કોર્નર બુથમાં બેઠેલ અશ્વિન પટેલની સાથે દુશ્મની હોય એમ એમ સતત અકસ્માત અને મૃત્યુના સમાચાર સંભળાવી રહ્યું હતું!! વેઈટરો પણ શહેરના ટોપ ટેન બીઝનેસમેનમાં આવતા અશ્વિન પટેલને આજે અજીબ હરકતો અને ચિંતાતુર ચહેરે રેસ્ટોરન્ટના કોર્નેર બૂથમાં બેઠેલ નિહાળી રહ્યા હતા. રેસ્ટોરન્ટ ઓનર જેમ્સ ડગ્લાર પણ થોડી થોડી વારે એની તરફ જોઈ રહ્યો હતો.

અશ્વિન પટેલ આમ તો ગુજરાતી હતો પણ આઠેક વરસ પહેલા એટલાન્ટા આવ્યો હતો અને એટલી ઝડપી પ્રગતી કરી હતી કે ત્યાના સ્ટીવ, કરેગ અને ડેનિયલ જેવા બિઝનેસમાં જાયન્ટ ગણાતા બીઝનેસમેનને પણ પાછળ છોડી દીધા હતા.

રેસ્ટોરાં ઓનર ડગ્લાસ અશ્વિનને નિહાળી રહ્યો, આ બીઝનેસમેન પાસે દસેક મીનીટનો સમય હોવો મુશ્કેલ હોય એ આજે પ્રી ડીનર રસ (દોડધામ) દરમિયાન અડધાએક કલાકથી આમ એક કોર્નર બુથમાં બેઠેલ જોઈ કદાચ તેને તેનું મગજ લોઝીકલ રીઝન આપવામાં નિષ્ફળ રહ્યું હશે.

અશ્વિન ટીવી પર ચાલતા સમાચારોને ધ્યાનમાં ન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને વાર વાર પોતાની ડાયમંડ ડેકોરેટ ગોલ્ડ વોચ તરફ નજર કરી રહ્યો હતો. સમય પણ એનો શત્રુ હોય એમ છેલ્લીવાર ધડીયાળમાં નજર કરી હતી ત્યાંથી હજુ સેકંડ કાંટો માંડ બે એક મિનીટ જ ખસ્યો હતો.

સમય પણ અજીબ છે જયારે માણસને મોડું થતું હોય એને રોકી નથી શકાતો અને જયારે એને દોડાવવો હોય તો ઘડિયાળના કાંટાને ઝડપી નથી કરી શકાતો!! બસ બંને પરિસ્થિતિમાં કાંટાને વારવાર નિહાળી શકાય છે…!!! અશ્વિન પણ એજ કરી રહ્યો હતો.

કલાક થઇ ગઈ હવે તો ફોન આવવો જોઈએ… છેલ્લે સુજલના પતિએ ફોન કર્યાને કલાક થઇ ગયો… એવા તો શું વ્યસ્ત થઇ ગયા કે હજુ ફરી ફોન ન કર્યો….??  અશ્વિને વિચાર્યું… કે પછી કઈક એવું થઇ ગયું કે એ લોકો મને ફોન ન કરી શકયા…!! ના ના એવું કાઈ ન થઇ શકે મારા સાથે એકવાર એવું થયું છે મેં મારી સોનિયાને ખોઈ છે હવે ભગવાન સુજલ સાથે એવું કાઈ નહી થવાદે…

અશ્વિને એમ્પ્ટી સ્ટ્રીટ પર નજર દોડાવી, બપોરનો સમય હતો એટલે એકાદ બે વોલ્વો, મેર્સડીઝ અને વોયેન સિવાય કાંઈ જ ન દેખાયું…

આવા સમયે હકારાત્મક વિચારો જ કામ આવે છે પણ દર વખતે નકારાત્મક વિચારો જ પોતાનું પ્રભુત્વ જમાવી દેતા હોય છે.

સુજ્લે સવારે ફોનમાં એ ન કહ્યું હોત તો હું આટલો ડરતો ન હોત… અશ્વિને વિચાર્યું… સુજ્લનો સવારે જ ફોન આવ્યો હતો… કેટલી ડરતી હતી.. ભાઈ મને પણ ભાભી જેમ કાઈ થઇ ગયું તો???

એને કાઈ નહી થાય… કાઈ હર કોઈને  કાઈ નથી થતું… બસ અતો એકવાર નસીબ ખરાબ હતું એટલે… એટલે હું સોનિયાને ખોઈ બેઠો પણ હવે મારી બહેનને કાઈ નહી થાય… ધીસ ડેમ’ન પ્રોટોકોલ ઓફ ફોરેઈગ્ન.. અધરવાઈઝ આઈ વુડ બે ધેર… મારી બહેન પાસે હું હોત બસ આ… અશ્વિનના મનમાં કયો વિચાર ક્યારે આવતો હતો અને ક્યારે જતો હતો એના પર એનું કોઈજ નિયંત્રણ ન હતું… પળમાં એ સુજલના શબ્દો યાદ કરતો તો પળમાં ફોરેઈગ્ન સિસ્ટમને ગાળો દેતો હતો…

અશ્વિનના જીવનમાં  સૌથી મૂલ્યવાન વ્યક્તિ, તેની બહેન સુજલ  તેની ડિલિવરી માટે શહેરની હોસ્પિટલમાં દાખલ હતી, મુંબઈની સર્વશ્રેષ્ઠ હોસ્પીટલમાં. એની બાવીસ વર્ષની બહેન પ્રથમ વાર માતા બનવા જઈ રહી હતી. એને ખબર હતી કે આજની દુનિયામાં આ સમાચાર નથી. પરંતુ એના માટે, તે હતા! ટીવીમાં ચાલતા દરેક સમાચાર કરતા વધુ મહત્વના, મેચના પરિણામ અને ચૂંટણીના ભાષણો જેવા નહી કે મરજી હોય તો સાંભળો અને ન મરજી હોય તો કાઈ નહી..!! આ એવા સમાચાર હતા જેની સાથે ભલે દુનિયાને કાંઈ જ લેવા દેવા ન હતી પણ એના માટે એ અમુલ્ય હતા.. જે અશ્વિન પટેલ કદાચ ટીવી પર એકાદ મીનીટનો ઇન્ટરવ્યુ આપી દે તો આખા શહેરમાં એ ન્યુઝ બની જાય… એ અશ્વિન આ ન્યુઝ માટે ચિંતિત થઇ રાહ જોઈ રહ્યો હતો…

આમ તો અશ્વિન પોતાની ઓફિસમાં કે બંગલા પર બેસીને એ ન્યુઝની રાહ જોઈ શકોત પણ એ આ રેસ્ટોરાંમાં આવીને બેઠો હતો કેમકે ઘર અને ઓફીસ કરતા એને અહી બેસવું વધુ ગમતું.. એ અને સોનિયા ઘણીવાર આ રેસ્ટોરાંમાં આવીને બેસતા… સોનિયા એની પત્ની ડીલીવરી દરમિયાન સ્ટીલબોર્ન બેબી (મૃત બાળક) સાથે મ્રત્યુ પામી હતી… અશ્વિન એ શોકમાંથી હજી બહાર ન હતો આવ્યો… એ વાતને પાંચ વરસ વીતી ગયા છતાયે..!!

તેના પરિવારના લોકોએ એને ફરી પરણવા કહ્યું હતું પણ એ એકનો બે ન થયો.. સોનિયા ગયા પછી બસ એ પોતાનો સમય માત્ર અને માત્ર બીઝનેસમાંજ વિતાવવા લાગ્યો.. કદાચ એને સોનિયાની યાદથી દુર રહેવાનો આ સરળ રસ્તો દેખાયો હશે…

બિઝનેસની લીબીરીન્થ લાઈફ જીવી એ ભૂતકાળની યાદોને થાપ આપવામાં સફળ પણ રહ્યો હતો… માણસ રૂપિયા પાછળની દોડમાં પોતાના લોકોને ભૂલી જતો હોય છે પણ અશ્વિને પોતાના લોકોને ભૂલવા માટે બસ રૂપિયા પાછળની દોડનો સહારો લીધો હતો… પણ…..પણ આજે ફરી પાચ વરસ બાદ એ જ પરિસ્થિતિ આવી ગઈ. સવારે જ નાની બહેન સુજલનો ફોન આવ્યો હતો એની ડીલીવરી હતી.. એ ખુબજ ડરેલી હતી.. આમતો આ દોરમાંથી દરેક સ્ત્રી પસાર થાય છે અને થોડો ઘણો ડર અનુભવે છે પણ સુજલ કઈક વધારેજ ડરેલી હતી… એણીએ પોતાની ભાભીને ડીલીવરીમાં ખોયા હતા એટલે એના મનમાં એક ડર ઘર કરી ગયો હતો કે કદાચ એને પણ સ્ટીલ બોર્ન બેબી….

“ભૈયા! વોટ ઇફ માય ફર્સ્ટ ચાઈલ્ડ ઈઝ સ્ટીલ બોર્ન? હું ચેક અપ માટે ગઈ ત્યાં મને એક સ્ત્રી મળી હતી એનું બેબી પણ સ્ટીલ બોર્ન હતું… મને ડર લાગી રહી છે અશ્વિન…” અશ્વિનના મનમાં વળી સુજલે ફોનમાં કહેલા શબ્દો ગુંજવા લાગ્યા… ઊંડી ઊંડી ખીણમાંથી અવાજ આવતો હોય, ડરેલો અવાજ, ભય….. ભૂતકાળના દુઃખોનો પડઘો પાડતો અવાજ…..

અશ્વિને તેને હકારાત્મક થવા માટે પ્રાર્થના કરવા માટે, આવું બધું ન વિચરવા માટે સમજાવી હતી પણ એ પોતે… ખરેખર તો એ પોતે આમાંનું કાંઈ જ ન હતો કરી શકતો… એ પોતેજ ડરેલો હતો… હકારાત્મક વિચારો અને પ્રાર્થના આ બધું તો મેં અને સોનિયાએ ક્યાં ન હતું કર્યું???? એનું મન એને ચિંતા કરવા પ્રેરતું હતું….

બીજા લોકો શું વિચારે છે એતો ખબર નથી પણ અશ્વિન….. અશ્વિન કઈક વધારે પડતો જ ચિંતિત હતો બહેનની ડીલીવરીને લઈને… આમતો ચાઈલ્ડબીયરીંગ કઈક મોટી વાત નથી રોજ લાખો બાળક જન્મે છે પણ એ સાવ સામાન્ય લાગતી ઘટના…. જયારે પોતાના કોઈ સગાની હોય ત્યારે… સૌથી મહત્વ પૂર્ણ સમાચાર બની જાય છે… દેશના વડાપ્રધાનની ચૂંટણીથીયે વધુ મહત્વની….. કદાચ લોટરી ટીકીટમાં લાખો જીતવાના સમાચારથીયે વધુ મહત્વની….. કેમ કે એમાં કા’તો એક સભ્ય મળે છે કા’તો બે ગુમાવવા પડે છે!! એ દુઃખ માત્ર એક સ્ત્રી જ એ હોસ્પીટલના બેડ ઉપર હોય ત્યારે અનુભવી શકે કે પછી એક પુરુષ જેણે ડીલીવરી સમયે બાળક અને પત્ની બંને ખોયા હોય!!

અશ્વિન પોતાના હ્રદયમાં વગર બોલાવ્યે મહેમાન બની બેઠેલ ડર સામે લડી રહ્યો હતો… એ થોડી થોડી વારે પોતાના આઈ ફોનનું લોક ખોલતો હતો… ફોન કરી જોઉં…?? પાછું વિચારતો હતો… સુજલને અત્યારે રોહિતની સૌથી વધારે જરૂર છે… હું ફોન કરીશ એ ડીસ્ટર્બ થશે… એને રોહિતને ફોનમાં પણ કહ્યું હતું એક મીનીટે ક્યાય આઘા પાછો ન થઈશ… હોસ્પિટલ છોડીને ક્યાય ન જઈશ… એવી તો કેટલીયે સૂચનાઓ આપી હતી કે હસીને રોહિતે કહ્યું હતું કે અશ્વિન કુમાર તમે તો સુજલથીયે વધારે ગભરાઈ રહ્યા છો… અને વાતે સાચી હતી અશ્વિન ગભરાઈ રહ્યો હતો… એને એકવાર કોઈકને આ પરિસ્થિતિમાં ખોયું હતું એટલે એનો ડર વાજબી પણ હતો….

એક છોકરીની શ્રેષ્ઠ મિત્ર હંમેશા તેની માતા હોય છે પણ સુજલ પાસે તો એય નથી, આવી સ્થિતિમાં એક માતાજ પોતાની દીકરીને બધા ભયથી દુર રાખી શકે છે પણ સુજલ પાસે એ ન હતી… રોહિત એક પુરુષ છે એ કેટલી હદે આ બધું સમજી શકે…?? હું પણ ક્યાં સમજી શક્યો હતો સોનિયાના ભયને… સોનિયા ઈચ્છતી હતી કે ઇન્ડિયા જતા રહીએ મમ્મી પાસે… ત્યારે મમ્મી હયાત હતા.. એને પોતાના ડર ને દુર રાખવા મમ્મી પાસે જવું હતું પણ હું…  હું ક્યાં સમજી શક્યો હતો એને…?? વિચારો અશ્વિનને ઘેરી રહ્યા હતા…

અશ્વિને ફરી ફોન તપાસ્યો.. નો ન્યુ મેસેજ!!! કોઈ મેસેજ પણ ન હતો… એ અકળાઈ રહ્યો હતો….

શું થયું હશે???

જેમ જેમ સમય વીતતો જતો હતો અશ્વિનના હ્રદયમાં ભય પણ વધતો જતો હતો… એ પોતાની લાગણીઓને કાબુ કરી શકે તેમ ન હતો… બસ એ પોતાના ફોનને વારે વારે જોઈ રહ્યો હતો તો ક્યારેક ક્યારેક ટેબલ પરના સોડા બોટલના ઢક્કણને ગોળ ફેરવતો હતો…

શું ચિંતાઓ કાઈ કામ આવે છે? શું આપણો ડર કઈ ફેર પાડી શકે છે? શું વિચારવાથી પરિણામ બદલે છે? એ પોતાની જાતને જ પ્રશ્નો પૂછી રહ્યો હતો… એ જાણતો હતો કે એણે પોતેજ પોતાના ભયને કાબુમાં રાખવો પડશે કોઈ આમાં કાઈજ કરી શકતું નથી…

કરોડોની ડીલ કરતા પહેલા એકવારે ન વિચારનાર અશ્વિન પટેલ આજે વિચારોના વંટોળમાંથી બહાર આવી શકવા અસમર્થ હતો.. કાસ આ ફોરેઈગ્ન પ્રોટોકોલ મને નડયા ન હોત….. હું આત્યારે મુંબઈમાં હોત….

ફોનની રીંગ વાગી…  એકદમ ચોકી જઇ અશ્વિને હાથમાં રહેલા ફોન તરફ જોયું… રોહિત જીજુ.. સ્ક્રીન પર નામ ઝ્બુકતું હતું…. એ ફોન ન હતો ઉઠાવી રહ્યો… જે ફોનની એ અધીરો બની રાહ જોઈ રહ્યો હતો એ ફોન એટેન્ડ કરતા એ ગભરાઈ રહ્યો હતો…. મોબાઈલના વાઈબ્રેશન કરતા પણ વધુ ઝડપે એનો હાથ ધ્રુજતો હતો..!!

અશ્વિન દરેક વ્યક્તિને જિંદગી જે આપે તે સ્વીકારવું જ પડે છે પછી એ સારું હોય કે ખરાબ.. એણે પોતાની જાત ને યાદ અપાવ્યું…

તેનું હ્રદય જોરથી ધબકી રહ્યું હતું, એણે ફોન સ્લાઈડ કરી કોલ રીસીવ કર્યો..

“અશ્વિન કુમાર..” સામે છેડેથી રોહિતનો અવાજ આવ્યો.

“હા..” અશ્વિનનો અવાજ એકદમ ધીમો હતો..

“તમે એક સુંદર દેખાવડી ભાણજીના મામા બન્યા છો..”

અશ્વિન કૈઈજ બોલી ન શક્યો.. અંદરના ડરની જગ્યા ક્યારે ખુસીઓના રંગે લઇ લીધી ખબરે ન પડી..!! ચહેરા પર ક્યાંકથી ચિતાના બદલે સ્મિત આવી ગયું.. બસ એ સાંભળતો જ રહ્યો..

“તમે ત્યાં છો? અવાજ આવે છે?”

“હા, મને ખબર હતી ભગવાન દયાળુ છે.”

“ફોન સુજલને આપું છું…..”

“ભાઈ, એ એકદમ સોનિયા ભાભી જેવી જ દેખાય છે.. એજ આંખો ને એજ નાક..” કહેતા સુજલ રડી પડી.

અશ્વિનની આંખોમાં પણ આંસુ હતા પણ ખુશીના, એને થોડીક વાર ભાણજીના દેખાવ વિશે વાત કરી અને ફોન મૂકી દીઘો..

એ કોર્નર બુથ છોડી બાર પાસે આવ્યો… બારટીન્ડર તરફ જોઈ કહ્યું…”લાઈટ સ્કોચ પ્લીઝ”

“વાય સર લાઈટ ટુડે?  બારટીન્ડર વિદેશી હોવા છતાં જાણે એની આંખો જોઈ સમજી ગઈ, એણીએ ઉમેર્યું, “આઈ નો સર લાઈટ સ્કોચ મીન્સ મેન ઇન હેપીનેસ.”

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here