gujarati-story-love-marriage

લવ મેરેજ

“સાહેબ, આ નાના બાળકને મૂકીને ક્યાં આવું?” હેમા રીતસરની કરગરી પડી.

“પણ પ્રતીક આ હેમા રોજ એના બાબાને લઈને આવે છે એક કલાકનું કામ કરવામાં એ બે કલાકનો સમય લે છે!” રોશનીએ રોષ ઠાલવ્યો.

“રોશની પણ તને પ્રોબ્લેમ શુ છે? બે ના ચાર કલાક થાય તોય કામ તો એને જ કરવાનું ને? અને બે વર્ષનું બાળક છે એ ક્યાં મૂકીને આવે એ તો વિચાર?”

“કેમ એને હસબન્ડ નથી? એ ન રાખી શકે?” રોશની ખરેખર દલીલ કરવા તૈયાર હોય એમ લાગતું હતું.

“જેનો પતિ એટલો સમજુ હોય એની પત્નીને કામ કરવું જ ન પડે રોશની! તને સારો પતિ મળ્યો એટલે દુનિયાના બધા પતિ સારા જ હોય એવુ જરૂરી નથી, સમજ તું.”

“પણ…..”

“સાહેબ…..” હેમા એના એ જ દર્દ ભર્યા અવાજે બોલી. “સાહેબ, મારો પતિ તો ક્યાંય દારૂ પી ને ફરતો હોય એના ભરોસે હું આ ફૂલ જેવું બાળક કેમ કરી આપું?”

“હા બેન કાઈ વાંધો નહિ, તું તારે અનુકૂળતાએ કામ કર.” હસીને પ્રતીક બોલ્યો.

રોશની પણ બેન શબ્દ સાંભળી થોડી ઠંડી પડી ગઈ. હેમા દેખાવમાં સુંદર હતી. હા દુઃખને લીધે ચહેરો ઉદાસ રહેતો, આંખો નમ રહેતી, શરીર પણ થોડું દુબળુ થઈ ગયું હતું પણ તે છતાં એના કુદરતી ગુલાબી હોઠ, અને ચહેરાનો આકાર રોશની કરતા વધુ સુંદર હતા. એ ભાગ્યે જ હસતી પણ હસતી ત્યારે બાગમાં ખીલેલા ફૂલ જેવી શોભતી! અને એટલે જ રોશનીને લાગતું હતું કે હેમા કામમાં ધીમી છે છતાં પ્રતીક એને કેમ સહન કરે છે? વારંવાર ફરિયાદ કરવા છતાં એ કેમ એને નોકરી પરથી છુટ્ટી નથી કરતો? છે તો નોકરાણીને?

બસ રોશનીને એક શંકા પ્રતીક અને હેમાના સબંધ વિશે થયા કરતી અને એટલે જ એ હેમાને છુટ્ટી કરવા માંગતી હતી. પણ જ્યારે બહેન શબ્દ સાંભળ્યો ત્યારે રોશનીને પોતાની જાત ઉપર જ ગુસ્સો આવ્યો. એક સ્ત્રી થઈને બસ હેમાની સુંદરતા ખાતર એના પેટ ઉપર લાત મારવા જતી હતી!

“સારું, વાંધો નહિ પણ હવે તું બાબો મને આપી દેજે તું કામ કરે ત્યાં સુધી હું એને સાંભળીશ બસ, પણ કામ જલ્દી પતાવજે એટલે હુ પછી ડાન્સ કલાસ જઇ શકું.” રોશનીએ જીન્સના ખિસ્સામાં બંને હાથ ખોસતા જરાક સંકોચથી કહ્યું.

“ભલે બેન, ખૂબ ખૂબ આભાર.” હેમા એના બાળકને ઊંચકીને ચાલવા લાગી.

રસ્તા પર જતાં જતાં એને ઠોકર વાગી. પગની આંગળીમાંથી લોહી નીકળ્યું. મારા પગ એ મહેલ જેવા ઘરમાં ફરતા. ઘરની આગળના બગીચામાં હું ખુલ્લા પગે ફરતી એ ખાતર પપ્પાએ બગીચાને નિયમિત ઘાસ કાપવા માણસ રાખ્યો હતો! ક્યાંક ઘાસમાં કોઈ સાપ હોઈ જાય તો?

એકવાર ફરી રોજની જેમ હેમાને મમ્મી પપ્પાની યાદ આવી ગઈ. એ સમયે હેમા કોલેજમાં હતી. ગોવિંદ એને મળ્યો અને પ્રેમમાં પડી! ગોવિંદ સ્વભાવે પણ સારો હતો! હેમાને રોજ નવા નવા સપના બતાવતો હેમા આપણે ખૂબ મહેનત કરીશું. એક સારું ઘર લઈશું, હું નોકરી કરીશ, તું ઘર અને છોકરા સંભાળજે. એક દિવસ આપણે પણ તારા પપ્પા જેવો બંગલો અને ગાડી લઈ લઈશું.

વીસ વર્ષની ઉંમરે હેમા એવી તો સુંદર લાગતી કે બધા ગોવિંદ ઉપર ઈર્ષ્યા કરતા. પણ હેમા ક્યારેય ગોવિંદના શ્યામ ચહેરા વિશે વિચારતી પણ નહીં.

એક વાર ગોવિંદે હેમાને લગન કરવા કહ્યું અને હેમાએ એક વાર મમ્મી પપ્પાને સમજાવી લેવા કહ્યું. પણ જ્યારે હેમાએ ઘરે એ બધું કહ્યું ત્યારે એના પપ્પા નગીનભાઈ ભડકી ગયા. ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ગિવિંદ સાથે તારા લગ્ન શક્ય નથી. તારા માટે અમે શ્રેષ્ઠ ઘર શોધી લઈશું.

હેમા પપ્પાને તો કઈ બોલી નહિ પણ મનોમન વિચારવા લાગી. બીજાને પરણું કે ગિવિંદને મારે પરણીને જવાનું તો છે જ ને? તો મને ગમે એ પાત્ર સાથે કેમ ન પરણું? જો લવ મેરેજ ગુનો હોય તો એરેન્જ મેરેજ કેમ નહિ? મૂળ તો બંને રીતે મારે બાળક પેદા કરવાના છે ને? આ દુનિયા એને કલંક કહે છે, ખરાબ કહે છે પણ મૂળ તો બધું એરેન્જ મેરેજમાં પણ એ જ થાય જે લવ મેરેજમાં થાય.

હેમા મનોમન નક્કી કરી ગઈ હતી કે ગોવિંદ સાથે જ લગન કરવા છે. અને એ મુજબ બે ત્રણ દિવસ પછી હેમા ગોવિંદ સાથે ભાગી પણ ગઈ હતી.

હેમાને એના પપ્પાના એ દિવસના શબ્દો અને ગુસ્સો જોતા એમ હતું કે પપ્પા કેસ કરશે, મારા ઘરથી પૈસા અને ઝવેરાત લઈ ગઈ છે એવો કેસ લગાવશે. પણ હેમાની ધારણા ખોટી પડી. નગીનભાઈએ કોઈ કેસ કર્યો જ નહીં.

હેમા અને ગિવિંદ એ જ શહેરમાં રહેવા લાગ્યા. ગોવિંદ રોજ હેમાને ફરવા લઈ જતો. અવનવી વાનગીઓ લાવતો. પણ હેમા ને તો એ બધું મહત્વનું ન હતું. હેમા માટે તો એનો પ્રેમ જ મહત્વનો હતો. પ્રેમ માટે જ તો એ મમ્મી પપ્પા વિરુદ્ધ પગલું લઈને ગોવિંદ સાથે પરણી હતી.

એ રીતે એમનું જીવન ચાલતું હતું. અને એકાદ વર્ષ પછી હેમાને એક દીકરી જન્મી. દીકરીનું નામ લક્ષ્મી રાખ્યું. લક્ષ્મી બે મહિનાની થઈ ત્યારે ગોવિંદે હેમાને કહ્યું કે હવે તું પિયર જઇ આવ એકવાર. હું આ રીતે નોકરી કરીને ક્યારેય પૈસા ભેગા નહિ કરી શકું. હેમાએ એને સમજાવ્યો કે મારે બંગલા ગાડી નથી જોઈતા. બસ તું જે આપે એમાં હું ખુશ છું ગોવિંદ. પણ ગોવિંદના મનમાં કઈક અલગ જ હતું. એણે કહ્યું કે તું ખુશ છે હું નહિ! આ જિંદગીથી હું કંટાળી ગયો છું હેમા. તારા બાપ પાસે એટલા રૂપિયા છે અને કોઈ દીકરો તો છે નહીં તો શું કરશે એ પૈસાને?

હેમા કાઈ બોલી નહીં. પણ એ દિવસથી ગોવિંદ હેમાની અવગણના કરવા લાગ્યો. એક એક વાતે એને ધમકાવવા લાગ્યો. પછી તો એ દારૂ પણ પીવા લાગ્યો. ઘણીવાર હેમાને મારપીટ કરવા લાગ્યો. પણ હેમા ક્યાં જાય? બાપનું ઘર તો એ એના માટે તરછોડીને આવી હતી ને!

હેમા પાસે કોઈ રસ્તો ન હતો એક સહન કરવા સિવાય. એટલે એ ચૂપચાપ બધું સહન કરવા લાગી. પણ ગોવિંદ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનવા લાગ્યો અને પછી તો એણે ઘરે પૈસા આપવાનું જ બંધ કરી દીધું. એક તરફ ગોવિંદ રાત રાત ભર બહાર રહેતો અને બીજી તરફ હેમા પ્રેગ્નન્ટ હતી. બીજી ડિલિવરી વખતે એક બે દયાળુ પડોશી જ હેમાને હોસ્પિટલ લઈ ગયેલા.

એ દિવસે હેમા સાવ ભાંગી પડી હતી! કેટકેટલા સપના લઈને આવી હતી પોતે? જે બાળકોના નામ લગન પહેલા રાખેલા એ ગોવિંદ દીકરાના જન્મ સમયે હાજર પણ ન હતો????? કેવી કરુણતા ?

છતાંય હેમા બધું દુઃખ મનમાં ભરીને જીવવા લાગી. લક્ષ્મી અને હેત બન્ને બાળકોને ઉછેરવા માટે હવે એક જ રસ્તો હતો. મજૂરી! એ પછી હેમાએ બે ત્રણ ઘરના કામ બાંધી દીધેલ. સવારે પ્રતીકને ત્યાં અને સાંજે ગોરધનદાસને ત્યાં.

લોકોના ઘરના કામ કરતી કરતી એ જીવતી હતી. ધીમે ધીમે દીકરો હેત બે વર્ષનો થયો અને લક્ષ્મી પાંચ વર્ષની. લક્ષ્મીને તો એ ઘરે એકલી મૂકીને કામ પર જતી પણ બે વર્ષના હેતને લક્ષ્મી સંભાળી ન શકે, અને પતિ તો ક્યાંય દારૂના નશામાં પડ્યો હોય!

કરુણ જીવન જીવતી હેમા એ રીતે બાળકોને મોટા કરતી હતી. જીવનમાં એકેય વાતે કાઈ સારું નહોતું થતું. એમાંય બે મહિનાથી તો પ્રતીક મને છુટ્ટી કરશે એ ડર એને સતત સતાવતો હતો પણ એ દિવસે રોશનીએ પહેલીવાર દયા બતાવી હતી એ જોઈ એના જીવને જરાક કળ વળી હતી!

હેમા પોતાના ભૂતકાળ અને વર્તમાનને જોતી જઈ રહી હતી. કેવો હતો ગોવિંદ અને કેવો થઈ ગયો? વાંક એનો નથી મેં એને બરાબર જાણ્યા વગર જ પ્રેમ કર્યો એટલે ભૂલ મારી જ છે ને? મેં બસ એની મીઠી બોલી જોઈ પણ અંદરનું હ્ર્દય ન જોયું! મારી એકની વાત ક્યાં છે? કોલેજમાં જેટલા છોકરાઓને છોકરીઓ પ્રેમમાં પડે છે એ બસ બહારનું જોઈને જ તો આ ભૂલ કરે છે?

પગની આંગળીમાંથી લોહી વહી રહ્યું હતું અને હૃદયમાંથી પણ. પોતાના ફૂલ જેવા શરીરને મજૂરીથી, દુઃખથી સાવ ઝાંખું કરીને એક ફુલને ઉછેરવા એ મથી રહી હતી! ખેર મારુ જે થયું એ થયું હું મારા બાળકોને આ બધું જ શીખવીશ. એ બધાને હું મારા જેમ ભોળા નહિ રાખું….. આંખો લૂછી હેમાએ ફરી એકવાર હેત તરફ જોઈ ચહેરા ઉપર સ્મિત લાવ્યું ને ઘર તરફ જવા લાગી……

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

(સત્ય ઘટના પર આધારિત. ઘટનાની જાણ કરનાર વાંચક બહેનનો આભાર.)

Comment here