gujarati-story-khari-ma

ખરી મા

હું મુખ્ય ખંડમાં સોફા પર બેસી મારી સામે ચાલીશ ઈંચનું એલ. ઈ. ડી. ટી.વી. માં ચાલતો મારો પસંદગીનો ધાર્મિક કાર્યક્રમ જોઈ રહી હતી પણ હું  વિચારોમાં ડૂબેલ હતી મને મારી દીકરી, રિયાની હમણાં હમણાંથી ખુબ જ ચિંતા રહેતી.

રિયાનું ધ્યાન રાખવું કઈ રીતે? એ છોકરી આઝાદ સ્વભાવની થઈ ગઈ હતી. સવારે નવ વાગે ઉઠવાનું, બપોરે ૧૨ થી ૪ કોલેજ જાય. ઘરમાં હોય ત્યારે પુસ્તકને તો અડતી પણ નથી. આખો દિવસ એન્ડ્રોઇડ ફોન મચડ્યા કરે. મને પણ થાય અત્યારે ભલેને આઝાદ થઈને જીવતી. પરણ્યા પછી થોડી આમ મુક્ત રીતે જીવી શકશે! પણ હવે એ દિવસે દિવસે બગડતી જાય છે! મારી કોઈ વાત માનતી નથી. એમને વાત કરું તો ઘરમાં વિખવાદ થાય. આ છોકરી દિવસે દિવસે આઝાદ થતી જાય છે. કઈ પણ કહું એટલે કહે છે મમ્મી સમય બદલાઈ ગયો છે. સામું બોલતા જરાય ડરતી નથી અને હું?

આજ સુધી હું કયારેય કોઈની સામે બોલી શકી નથી, મને યાદ હતું હું જયારે રિયાની ઉમરની હતી. મેં મમ્મી સામે એકવાર જીદ કરી હતી.

“મમ્મી, હું ગૌરીના ઘરે જાઉં છું?” મેં  કહ્યું હતું,

“શું કામ છે?” મમ્મીનો એજ બધી પુછતાછ કરવાનો સ્વભાવ.

“મમ્મી, આજે ગૌરીનો જનમ દિવસ છે. એટલે એને ઘરે જાઉં છું.”

“નથી જવાનું.” મમ્મીએ સીધી જ ના પડી દીધી હતી.

“કેમ? આજે એનો જન્મ દિવસ છે. મારે જવું  જોઈએ.”

“એકવાર કહ્યું ને નથી જવાનું એટલે નથી જવાનું.”

“પણ મમ્મી, વાંધો શું છે હું જાઉં એમાં? પ્લીઝ, મને જવા દે ને, પ્લીઝ.”

“કોણ કોણ આવવાનું છે?” મમ્મીએ જરાક ગુસ્સાના ભાવ બદલી પૂછ્યું.

મને થોડી આશા બંધાઈ કે મમ્મી જવા દેશે.

“મમ્મી, હેમુ, ચારુ અને માલતી આવશે. બીજી પણ બે ચાર છોકરીઓ આવશે.”

“એના ઘરમાં કોણ કોણ છે?”

“મમ્મી, ગૌરી, એના મમ્મી-પપ્પા અને એના બે ભાઈઓ”

“ભાઈઓ એનાથી મોટા છે કે એનાથી નાના?”

“ભાઈઓ એનાથી મોટા છે બંને.”

“તો તારે નથી જવાનું.”

“મમ્મી! પણ કેમ?”

“તું સોળ વર્ષની થઇ ગઈ છે! તને જાતે ખબર નથી પડતી કે ગૌરીના ઘેર ન જવાય. તું છોકરી છે, છોકરો નહિ. અમુક નિર્ણયો તારી જાતે લેતા પણ શીખ. જા ચોપડી હાથમાં લઈને વાંચવા બેસી જા.”

હું રડમસ ચહેરે ચોપડી હાથમાં લઈને બેઠી. મારી આંખોમાં આંસુ ન આવ્યા. આંસુઓને ખબર હતી કે બહાર આવવાનો કોઈ ફાયદો નથી. મમ્મી નહિ જ માને. હું ગુજરાતીનું પુસ્તક હાથમાં  લઇ વાંચવા લાગી હતી.

“મોમ.” રિયાનો અવાજ સાંભળી હું વિચારોમાંથી બહાર આવી.

“આવી ગઈ મારી રિયા બેટા, આજે વહેલી આવી?” મેં હસીને કહ્યું.

“હું બાથરૂમમાં ફ્રેશ થઈને આવું એટલામાં ચા બનાવી દેજે, મોમ”

હું કીચનમાં જઈને ચા બનાવવા લાગી. બિચારી કોલેજમાં થાકી ગઈ હશે. આજકાલ ભણવાનું ક્યાં સહેલું રહ્યું છે! આપણી વખતે તો ૬૦% લાવો એટલે ફસ્ટ કલાસ ગણાતા. લોકો માનભેર કહેતા આણે તો ૧૨ માં ધોરણમાં ફસ્ટ ક્લાસ મેળવ્યો છે.

આજે તો કોઈને કહીએ કે મારી દીકરીએ ૧૨ માં ધોરણમાં  ૯૦% લાવ્યા છે તોય સલાહ મળે સામેથી – ટ્યુશન ન’તા મોકલતા તમે? સાયન્સ હોય તો – ૯૦% એ મેડીકલમાં તો એડમીશન નહિ મળે. કોમર્સ હોય તો – એચ.એલ.માં એડમીશન નહિ મળે. ફલાણામાં પણ ચાન્સ ઓછા. અને જો આર્ટસ હોય તો તો કોઈને કહેવાય જ નહિ કે અમારું સંતાન આર્ટસ કરે છે.

“મોમ, હજુ ચા નથી બનાવી રહી તું?” રિયાએ નારાજ થઇ કહ્યું.

મેં પાછળ જોયું. રિયા દરવાજે ઉભી હતી. એનું શોર્ટ કઈક વધુ વધુજ શોર્ટ હતું. મને એની આવા કપડા પહેરવાની આદત જરાય ન ગમતી.

“રિયા, આ શું પહેર્યું છે તેં?

“મોમ, આ બોડીકોન પેન્સિલ પાર્ટી ડ્રેસ છે. આજે જ લાવી છું. આજે થર્ટી ફસ્ટ છે, મોમ, થર્ટી ફસ્ટ.”

“તો?” મેં પૂછ્યું.

“આઈ એમ ગોના ટુ પાર્ટી. રાત્રે મોડી આવીશ. મે બી આફ્ટર ટ્વેલ્વ.”

“તારા પપ્પા આજે ઘરે નથી. ક્યાય નથી જવાનું તારે?”

“આઈ નો ડેડ ઇઝ નોટ એટ હોમ. પપ્પાનો ફોન આવ્યો હતો મારા પર.  એટલે જ તો અમે પ્લાનિંગ કર્યું છે પાર્ટીનું. બાકી ડેડ મને રાત્રે બહાર જવા દે ક્યારેય.” છેલ્લું વાક્ય બોલતા એનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઇ ગયો.

“કોણ કોણ છો પાર્ટીમાં.”

“સુકેતુ, માનવ, કેશવ, આરવ,  ડેની, રાવી એન્ડ મી ટુ” એ બોલી.

“છોકરાઓ ભેગી રાત્રે બાર વાગે તું પાર્ટી કરવા જઈશ. તું શું બોલે છે તેનું તને ભાન છે?”

“બોયસ એન્ડ ગલ્સ ભેગા હોય ત્યારે તો પાર્ટીનો મજા આવે. હું જાઉં છું.” એ હાથમાં એકટીવાની ચાવી રમાડતી રમાડતી બોલી.

“નથી જવાનું. તારા પપ્પા ઘરે નથી.”

“હું પાર્ટીમાં જાઉં છું એમ મેં કહ્યું છે. તારી રજા નથી માંગી. અને તું ના પાડે તો પણ કયારેય તારી વાત માની છે મેં? મોબાઈલ અને એકટીવા માટે શું થયું હતું યાદ છે ને?”

“મોબાઈલ અને એકટીવા અલગ વાત હતી. પાછળથી મેં પણ તને સાથ નહોતો આપ્યો? તારા પપ્પાને મેં નહોતા મનાવ્ય? પણ આજની તારી જીદ એકદમ ખોટી છે.”

“મોમ, સમય બદલાઈ ગયો છે.” એ બોલી.

હવે મારું મગજ ફરી ગયું. મને મારી એ ગુસ્સેલ મમ્મી યાદ આવી ગઈ. મેં નક્કી કર્યું કે મારે મમ્મી થવું જ પડશે રિયાની મમ્મી નહિ પણ શોભાની મમ્મી. જો આજ આ છોકરી સામે હું હારી જઈશ તો કાયમ માટે એને ખોઈ બેસીશ.

“રિયા, ટાઈમ હેઝ બિન ચેન્જડ બટ નોટ સો મચ ચેન્જડ ધેટ આઈ કેન અલાઉ યુ ટુ ગો ઇન ધ કેવ ઓફ ડેથ. એન્ડ ટાઈમ વિલ નેવેર ચેન્જ સો મચ ધેટ પેરન્ટસ વુડ અલાઉ ધેઈર ચિલ્ડ્રન ટુ ગો ઇન ધ કેવ ઓફ ડેથ.” મને અંગ્રેજી બોલતી સાંભળીને એ ડઘાઈ ગઈ.

હું એને હાથથી પકડીને ખેચીને રૂમમાં લઇ ગઈ. રૂમમાં પુરીને મેં બારણું બહારથી બંધ કરી દીધું.

“આઈ વિલ કોલ પોલીસ એન્ડ ફાઈલ કેસ ઓફ ક્રુઅલ્ટી ઓન ચાઈલ્ડ. યુ આર ઓલ્ડ માઈન્ડેડ સ્ટરબન ઈન્ડીયન લેડી.” એ અંદરથી સીરીયલના ડાયલોગ બરાડી રહી હતી.

એ લગભગ કલાક સુધી બુમો પાડતી રહી, પણ મેં દરવાજો ન જ ખોલ્યો. અંતે એ થાકી ગઈ, એનો અવાજ બંધ થયો એટલે હું સમજી ગઈ કે એ ઊંઘી ગઈ હશે. હું પણ ઊંઘી ગઈ.

મેં સવારમાં દરવાજો ખોલ્યો. એ હજુ ઊંઘતી જ હતી. મેં એને જગાડી નહિ અને મારા કામે લાગી ગઈ.

અગિયાર વાગ્યા હતા. હું રસોડામાં રાંધતી હતી ત્યાંજ રિયા પ્રવેશી. એ પંજાબી ડ્રેસમાં હતી. એના ચહેરા પર ગુસ્સાને બદલે ખુશી જોઈ મને નવાઈ થઈ.

“ગઈ કાલ માટે સોરી. થેંક યુ ટુ સેવ માય લાઈફ.”

“જીવ બચાવવા માટે?” મને કઈ સમજાયું નહિ? હું નવાઈથી બોલી.

રિયા મને ખેંચીને એના રૂમમાં લઇ ગઈ. ન્યુઝ ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ ચાલતા હતા.

મહેસાણા શહેરમાં થર્ટી ફસ્ટની પાર્ટીમાં ગેંગ રેપ પછી ટીનેજ ગર્લની કરપીણ હત્યા.

રાવીની લાશ અને પાંચ મોઢું બાંધેલા યુવકોને એ લોકો વારે ઘડીએ ઝૂમ કરીને બતાવતા હતા.

રીપોર્ટેર બોલી રહ્યો હતો –

રાવી નામની કોલેજીયન યુવતીને રાત્રે થર્ટી ફસ્ટની પાર્ટીના બહાને બોલાવી કોલ્ડ્રીંકમાં કેફી દવા પીવરાવી તેનાજ પાંચ ક્લાસમેટ – સુકેતુ, માનવ, કેશવ, આરવ અને ડેની દ્રારા ગેંગરેપ બાદ કરપીણ હત્યા.

પોલીસે રાવીના મોબાઈલની કોલ ડીટેઈલ્સ અને ઘટના સ્થળેથી મળેલ પુરાવાના આધારે પાંચે ગુનેગારોને ઝડપી લીધા છે. યુવકોએ તેમનો ગુનો કબુલ કરી લીધો છે. કેમરા મેન રાઘવ સાથે હું રાજેશ પટવારી છેલ્લે એટલું જ કહીશ કે સમય બદલાઈ ગયો છે અને આજની યુવતીઓએ બદલાયેલ સમય પ્રમાણે સાવધ રહેવાની જરૂર છે.

રિયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, મને ભેટી પડી. મારી પણ આંખોમાં આંસુ આવી ગયા.

મારી મમ્મીએ મને ગૌરીના ઘરે ન જવા દીધી હતી. મારી મમ્મીએ એ યોગ્ય કર્યું હતું કે ખોટુ એ મને ખબર નથી. પણ હું સાચી છું. કેમકે સમય બદલાઈ ગયો છે.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here