બાંદ્રા ચંડીગઢ એક્સપ્રેસમાં મેં પાલનપુરથી બેઠક લીધી હતી….. મારી બર્થની સામે જ એ બેઠી હતી! સતત એનું ધ્યાન બારીના સળિયામાંથી દોડી જતા અવનવા પદાર્થો ઉપર હતું! પાલનપુરથી માઉન્ટ આબુ સુધી જતા પહાડો, વૃક્ષો, બહુમાળી ઇમારતો, માઉન્ટના સ્ટેશન ઉપર દોડ ધામ કરતા ફેરિયાઓ એ બધું જ એ એક જ ભાવે જોતી હતી! પહાડો કે વૃક્ષો જોઈ એના અંતરમાં ક્યાંય પ્રકૃતિને માણવાનો આંનદ કે ફેરિયાઓના ઊંચા અવાજનો કંટાળો એના ચહેરા પર દેખાતો ન હતો!
એ જાણે યંત્રની જેમ બેઠી હતી! એક જ ભાવથી બધું જોયા કરતી હતી કે પછી બારી બહાર દોડી જતા દ્રશ્યોની જેમ એનો દોડી ગયેલો સમય – ભૂતકાળ જોતી હતી ? એના ઉદાસ ચહેરામાં કોઈ ચેતના પૂરતું હોય તો એ હતી એની આંખોની પલકાર! એના રેશમી વાળની લટ સાથે બારીમાંથી આવતો પવન સતત રમતો હતો. કેમ ન રમે એ હતી જ એટલી સુંદર …..!
પાંદડીયાળી આંખો અને શિયાળાની ઉજળી ગુલાબી સવાર જેવો વર્ણ! એના ઉપર ઉપમા તરીકે ગાલ ઉપર એક કાળો તલ! છતાં કૈક ખૂટતું હતું ! હા એક ઉદાસી….. એક ઉદાસી એ ચહેરાની બધી સુંદરતા ઉપર પાણી ફેરવતી હતી!
એ જે રીતે ખોવાયેલી હતી એ જોતાં લાગતું ન હતું કે એ કોઈ વાતચીત કરવા માંગતી હશે!
“તમારે ચંડીગઢ જવાનું છે?” મેં શાંત વાતાવરણમાં પ્રત્યુત્તરની અપેક્ષા વગર જ શબ્દો ઉચાર્યા.
“જી હા…..” ટૂંકા શબ્દો બોલી એ ફરી એજ બારી બહારના દોડી જતા દ્રશ્યો જોવા લાગી.
મને એ ગુજરાતની લાગતી નહોતી. એના જીન્સ, ટી શર્ટ, ગોલ્ડન ડાઈવાળા વાળની સોનેરી લટ, કાનમાં ઉપર નીચે ત્રણ ત્રણ રિંગ્સ, એના પગમાં રહેલા લોફરના સૂઝ, ગળામાં લટકતા હાફ હાર્ટનું માદળીયું, જિન્સની નીચેથી બે એક પટ્ટીવાળીને બનાવેલી એક અલગ ફેશન….. એ બધું – એ બધી ફેશન 2005 ની સાલમાં ગુજરાતમાં આવી નહોતી. ગુજરાતમાં છોકરા છોકરીઓ પટ્ટી વાળતા ખરા પણ માત્ર ચોમાસામાં – રસ્તા પર કીચડ હોય ત્યારે!
જ્યારે અજમેર આવ્યું ત્યારે મારાથી રહેવાયું નહિ. મેં કહી જ દીધું….
“તમે રજત ટોકાસની સિરિયલ પૃથ્વીરાજ ચૌહાણ તો જોઈ હશે ને?”
જવાબમાં એણીએ પોતાનું માથું હકારમાં હલાવ્યું.
“એ પૃથ્વીરાજનું ગામ છે આ અજમેર!” મેં કહ્યું.
“હા મને ખબર છે.” એણીએ કહ્યું.
થોડી વાતચીત પછી એના ચહેરા ઉપર થોડી ઉદાસી આછી થઈ હતી, કે પછી સૂરજના કિરણો બારીમાંથી આવવા લાગ્યા હતા એટલે ચહેરો ચમકતો હતો એ હું નક્કી ન કરી શક્યો પણ મેં વાત આગળ વધારી…..
“હું કુંજ, કુંજ ત્રિવેદી….. અહીં ગુજરાતમાં બનાસકાંઠાનો છું, પાલનપુર મારુ ગામ, અને ચંડીગઢ મારા ભાઈ એકાઉન્ટન્ટ છે ત્યાં એમને મળવા અને ફરવા જાઉં છું!”
“હું પણ આમ ગુજરાતની જ છું.” ગુજરાતી છું એ જાણી એણીએ પહેલી જ વાર એક લાબું વાક્ય બોલ્યું!
“ક્યાંના?”
“અમદાવાદ, પણ હું ચંડીગઢમાં જ જન્મી હતી અહીં મારા ફોઈબા રહે છે પાલનપુરમાં એટલે હવાફેર માટે આવી હતી.”
“પણ તમારો ચહેરો જોતા લાગતું નથી કે હવાફેર થઈ હોય ઉલટાનું તમે તો ઉદાસ લાગો છો.” હું મારી આદત વગર જ સ્પષ્ટ બોલી ગયો…. મને બસ જે દેખાય એ બોલી જવાની આદત – કેટલીયે વાર હું મુસાફરીમાં અપમાનિત થઈ ચૂક્યો હતો છતાં એ આદત બદલી નહોતી જ!
“હમમમમ…. ના ના એવું નથી પણ ફોઈને છોડીને જાઉં છું એટલે દુઃખ થાય, બે મહિનાથી અહીં જ હતીને એટલે….”
તો એને ગુજરાતી કેમ આવડતું હતું અને એનો પહેરવેશ કેમ એવો હતો એ હું સમજી ગયો હતો…
“તમારું નામ?”
“કાજલ…..” એ થોડા સંકોચથી બોલી પણ મને ત્યારે એ કઈ સમજાયું નહીં કેમ કે હું એના દેખાવ, એની ભાષા અને ખાસ તો એની ઉદાસીથી એની સાથે જોડાઈ ગયો હતો.
એ પછી અમારે ભણવાની, નોકરીની એવી બધી વાત થઈ અને કોણ જાણે કેમ એ મોટા શહેરની હતી એટલે કે પછી એને પણ મારી જેમ મારી અંદર કૈક ગમ્યું હશે પણ અમારી વચ્ચે નમ્બરની આપ-લે પણ થઈ ગઈ!
ચંડીગઢ સ્ટેશન ઉતર્યા ત્યારે કાજલે હસીને કહ્યું, “તમે મળી ગયા કુંજ એટલે મારી સફર સારી રહી નહિતર હું…..”
“વેલકમ….” એ મને આભાર કહે એ પહેલાં જ હું બોલી ગયો ને એથી એના ચહેરા ઉપર રમતા સ્મિતમાં થોડો વધારો થયો..
“હાઉ ક્યૂટ….” એ બોલી, “ક્યાં જવાનું છે તમારે?”
“મારે ખુડા અલી સેર….” મેં કહ્યું.
“અરે મારે પણ ખુડા અલી જ જવાનું છે.” કાજલે કહ્યું, “તમને કોઈ લેવા આવશે?”
“ના ભાઈ મણીમાંજરામાં એકાઉન્ટન્ટ છે એ સાંજે આવશે. મને કહ્યું છે રૂમ પર જઈને બાજુવાળા જોડેથી ચાવી લઈ લેજે.”
“વેલ મારી ફ્રેન્ડ અમિતા એક્ટિવા લઈને મને લેવા આવી હશે, ઇફ યુ ડોન્ટ માઈન્ડ અમારી સાથે આવી શકો…..”
એકાએક પવન આવ્યો….. કબર ઉપર મુકેલા એ ફૂલ હવામાં ફરફરવા લાગ્યા. જાણે કાજલ કહેતી હતી કુંજ આ ફૂલ મારા હ્ર્દય ઉપર મૂકીને મને ભાર શુ કામ આપે છે? તું તો હ્ર્દય ઉપર પથ્થર મૂકીને ચાલ્યો ગયો હતો હવે આ વર્ષો વર્ષ ફૂલ લઈને તું શું કામ આવે છે?
પણ હું શું કહું? એ ક્યાં સાંભળવાની હતી? એને કેમ સમજાવું કે કુંજ અહીં ફરવા નથી આવતો, કુંજ આવે છે બસ સુખના લેકની એ યાદો તાજી કરવા, કાજલની કબર ઉપર બસ આ ફૂલ મુકવા….
પણ એ ખોટી પણ ક્યાં હતી? સાચું જ તો કહેતી હતી કે મેં હ્ર્દય પર પથ્થર મૂકીને એને છોડી દીધી હતી એ પણ એક ભ્રમમાં – ખોટા ભ્રમમાં…..
એ દિવસે પણ હું રોજની જેમ સુખના લેકની પાવડી પર બેઠો હતો. કાજલની રાહ જોતો હતો, કાળા સફેદ બતક આવીને મારા સામે બેસતા ઉડતા હું જોઈ રહ્યો હતો…. લેકમાં કેટલાય છોકરા છોકરીઓ – અમારી ઉંમરના જ બોટિંગ કરતા હતા, કોઈ મારી જેમ કોઈની રાહ જોતા હતા તો કોઈ છોકરો – છોકરી માથા સાથે માથું ટેકવી એકાંતમાં લેકના પાણીમાં આવતા હળવા મોજા જોઈ રહ્યા હતા…..
એકાદ કલાક હું બેઠો એ બધું જોતો રહ્યો પછી મને થયું કાજલ આજે નહિ આવે….. ઉભો થઇ હું ચાલવા લાગ્યો…. કાજલના જ વિચારમાં હતો…. થોડો આગળ ગયો ત્યાં મને કાજલ જતી દેખાઈ…. મને થયું એ મને મળવા જ આવતી હશે પણ એવું ન હતું એ સુખના લેક તરફ નહોતી જતી, એ બીજી તરફ જઈ રહી જ્યાંથી સુખના લેક જવાનો કોઈ રસ્તો જ નહોતો…..
મને નવાઈ થઈ મેં ધ્યાનથી જોયું તો એના હાથમાં ફૂલ….. નવા કપડાં…. ફૂલ…. નવા કપડાં…. મારુ મન શંકાઓ કરવા લાગ્યું….. આંખમાંથી આંસુ આવી ગયા…. જે કાજલ માટે હું બે મહિનાથી અહીં છું એ કાજલ આજે કોઈ બીજાને……
આંખમાં આંસુ અને મનમાં નફરત સાથે હું રૂમ ઉપર ગયો. મારી બેગ ભરી દીધી…. ભાઈ આવે એની રાહ જોવા લાગ્યો…
સાંજે ભાઈ આવ્યો ત્યારે મેં કહ્યું કે મારે આજે જવું છે….. ભાઈએ ઘણું પૂછ્યું કે શું થયું? કેમ આમ અચાનક? પણ એ મારો જિદ્દી અને ગુસ્સેલ સ્વભાવ બરાબર ઓળખતો હતો એટલે મને રોક્યો નહિ!
એ જ રાત્રે ભાઈ મને જીદ પર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ રેલવે સ્ટેશન મુકવા આવ્યો. ભાઈને રડતી આંખે ત્યાં મૂકી હું વિદાય થઈ ગયો. ગુસ્સામાં મેં મોબાઈલ પણ ફેંકી દીધો.
એ રાત્રે ભાઈ ઊંઘયો હશે કે કેમ એ પણ મેં ન વિચાર્યું. ઘરે જઈને પણ હું ઘરે ખાસ રહેતો નહિ જ. બસ ક્યાંય બાગ બગીચા, સ્ટેશન કે મિત્રો જોડે ફર્યા કરતો – કાજલના વિચાર મનમાંથી ધકેલી દેવા..!!
સતત હું ફર્યા કરતો. ભાઈ કહેતો તું આવ આપણે મનાલી જઈએ, અહીંથી નજીક પડે છે પણ મને એ શહેરથી જ નફરત થઈ ગઈ હતી! શુ સમજતી હશે એ શહેરની છોકરીઓ? બસ થોડા કપડાંની ફેશન અને અંગ્રેજી શબ્દો બોલી લેવાથી એ ગમે તે કરી શકે? બે બે બોયફ્રેન્ડ રાખી શકે? જેમ મને સપના બતાવ્યા એમ એને પણ બતાવશે જ ને જેને ફૂલ આપવા જતી હતી..!?
હું એક વર્ષ સુધી ભાઇને મળવા પણ ન ગયો. પણ એક દિવસ ભાઈનો ફોન આવ્યો અને મને કહ્યું કે અમિતા નામની કોઈ છોકરી આવી છે અને તારો નમ્બર માંગે છે. મેં ખાતરી કરવા પૂછ્યું કે એની સાથે કોઈ બીજું છે કે કેમ? ભાઈએ કહ્યું કે એ એકલી જ છે એટલે મેં નમ્બર આપવાની હા કહી.
હું વિચારતો હતો કે આ અમિતાને મારો નમ્બર શુ કરવો હશે? શુ કામ પડ્યું હશે? નક્કી કાજલે જ એને મૂકી હશે, નમ્બર ન આપ્યો હોત તોય સારું… પણ તો પછી ભાઈ હજાર શંકા કુશંકા કરોત ને!! હું હજુ વિચારતો હતો ત્યાં જ મોબાઈલમાં ધ્રુજારી થઈ…
“હેલો….”
“કુંજ….”
ના એ અવાજ કાજલનો નહોતો એ હતી અમિતા…. સદાય મસ્તી, મજાક કરતી ને હસતી રહેતી અમિતાનો અવાજ સાવ જુદો જ લાગ્યો…
“બોલ, શુ હતું?”
“કાજલ…..”
“એનું નામ મારી આગળ ન લેતી….” અમિતા હિન્દી ભાષી હતી એટલે હિન્દીમાં જ કહ્યું.
“વાત તો સાંભળ કુંજ!!” અમિતા કરગરવા લાગી…
હું કઈ બોલ્યો નહિ એટલે ફરી એ બોલી…..
“કુંજ, કાજલ અને તારા વચ્ચે શુ થયું હતું એ મને ક્યારેય કાજલે કહ્યું નથી પણ તું એકાએક ચાલ્યો ગયો, તારો નમ્બર સતત બંધ જ આવતો હતો, અને કાજલ તારી યાદમાં સાવ નિરાશ થઈને ફર્યા કરતી હતી…. ફર્યા કરતી…. બસ એ જ વિચારમાં કે કુંજ ક્યાં ગયો? કેમ ગયો ? અને એક દિવસ એ જ વિચારમાં એ મારી જ એક્ટિવા પર એક ટ્રક સાથે અકસ્માતમાં….” હું ફોન મૂકી ન દઉં એ ખાતર એ પુરી વાત એક સાથે બોલી ગઈ પણ છેલ્લા શબ્દો ન બોલી શકી… અમિતા રડી પડી…. ભાષા કોઈ પણ હોય મૃત્યુ – એનું દુઃખ એક જ હોય છે!
મેં એને એ દિવસની સુખના લેકની વાત કહી ત્યારે અમિતા એ જે જવાબ આપ્યો એ સાંભળી હું મારી જાતને કાજલનો ખૂની સમજુ છું….. હા કાજલ એ ફૂલ લઈને એના મા બાપની કબર ઉપર જતી હતી અને મેં એક વાર એને પૂછ્યું પણ નહીં મેં મારી રીતે જ એનું અર્થઘટન કરી દીધું અને હું શહેર છોડી ચાલ્યો હતો…. કાજલ ને મેં ક્યારેય એના નામ સિવાય, એની જાતિ એનો ધર્મ કે એના પરિવાર વિશે એ બે મહિનામાં કાઈ પૂછ્યું જ નહોતું અને કદાચ એ કઈ કહેવા પણ નહોતી માંગતી…. એ બસ મને મેળવીને ખુશ હતી !!
ફરી પવનની એક લહેરખી આવી, સવારે અહીં આવીને મુકેલા તાજા ફૂલ કરમાઈ ગયા હતા, જેને એ પવન ઉડાવી ગયો…..!! ફરી કાજલ અને એના માતા પિતાની કબર ઉપરથી એ ફૂલ નીચે પડ્યા…. જાણે કેમ મારા લાવેલ ફૂલ પણ….. મારી આંખમાંથી આંસુ સર્યા…. કાજલની કબરના પગ તરફ બે ચાર આંસુ ખર્યા…
છેલ્લા સાત વર્ષની જેમ જ આ વખતે પણ હું છેક સાંજે છ વાગ્યે જ એ કબર આગળથી ઉભો થયો….. સ્ટેશન જઈને પાલનપુરની મેં ટ્રેન પકડી….
શરૂઆતમાં તો અમિતા મને એ ખબર આગળ લઈ ગઈ હતી અને જ્યાં સુધી અમિતાના મેરેજ દિલ્હી નહોતા થયા ત્યાં સુધી એ મારી સાથે દર વર્ષે એ કબર પર ફૂલ ચડાવવા આવતી….
પણ છેલ્લા ત્રણ વર્ષથી તો હું એકલો જ આવું છું….. પહેલા કાજલના માતા પિતાની કબર પર અને પછી કાજલની કબર પર ફૂલ મુકું છું…. ભાઈ પણ હવે અહીં નથી રહેતા…. સવારે અહીં આવીને સાંજ સુધી અહીં રોકાવ છું….. સાંજે સુખના લેકની એ પાવડી પર થોડી વાર બેસું છું….. પાણીમાં બનતા પરપોટા અને ક્ષણમાં ફૂટી જતા એ પરપોટાને મારી સાથે – મારા જીવન સાથે સરખાવી ફરી સ્ટેશન જઇ પાલનપુર તરફ નીકળી પડું છું……
એક હુંકાર સાથે ટ્રેન ઉપડી…. એજ ટ્રેન…. 22452 વળતા આવવા માટે જવા માટે હતી 22451…. દર વખતની જેમ સામે નજર કરી, બારી સામે તાકતી એ સુંદર છોકરી – કાજલ મને આજેય સ્પષ્ટ દેખાવા લાગી – સુંદર પણ ઉદાસ ચહેરો ને બારી બહાર દોડી જતા દ્રશ્યો – સમય ને જોતી જાણે એ આજેય ત્યાં બેઠી હોય…..!! હું એને જોતો રહ્યો…..
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’