gujarati-story-girlfriend

 કાસ મારે પણ એક ગર્લફ્રેન્ડ હોત !

મુંબઈના બ્રોડ રસ્તા ઉપર અમારી જૂની ખખડધજ્જ મારુતિ જતી હતી. એનો દેખાવ જોતા જ કોઈ પણ સમજી જાય કે આ મોડલ 2000નું હશે! વિજય પુરપાટ ઝડપે ગાડી હંકારી રહ્યો હતો. ગાડીની ઝડપ અને ગાડીનું મોડલ મેચ ન થાય એવી અસાધારણ ઝડપ હતી એમ કહું તો પણ કાઈ ખોટું નથી જ! પણ અમારા હાથમાં પહેલી જ વાર એટલા બધા રૂપિયા આવ્યા હતા કે અમને પકડાઈ જવાનો ડર હતો અને સાથે સાથે સેફ જગ્યાએ જઈને અમારે પૈસાના ભાગ પણ પાડવાના હતા!

હું અને રાજ તો જુના મિત્રો હતા પણ વિજય અમને છેલ્લા બે વર્ષથી જ મળ્યો હતો. હું અને રાજ બંને અનાથ હતા અને જ્યારે એક ચોરી કરવા ગયા ત્યારે વિજય અમને મળ્યો અને કહ્યું કે મારી પણ ફેમિલી આતંકવાદી હુમલામાં મરી ગઈ છે ત્યારથી અમે એને પણ અમારા સાથે જ રાખ્યો હતો.

વિજય પુરા ધ્યાનથી ગાડી ચલાવતો હતો. રાજ મારી બાજુમાં જ બેઠો હતો. એના ચહેરા ઉપર ક્યાંક અકસ્માત ન થઈ જાય તો સારું! એ ભય સ્પષ્ટ દેખાતો હતો. આમ તો રાજ કયારેય મોતથી ડરે એવો નહોતો પણ પૈસા એવી ચીજ છે જે મળી ગયા પછી મૃત્યુનો ભય આપોઆપ આવી જાય છે. એને પણ કદાચ એમ જ હશે કે રૂપિયા હાથમાં છે, કરકડતી નોટથી ભરેલી એક બેગ ખોળામાં પડી છે તો શું કામ મરવું????

એ બંને પોતાના ધ્યાનમાં હતા. રાજના ખોળામાં પૈસાથી ભરેલ બેગ જોઈને મને મારા જીવનના ચોવીસ વર્ષ ફિલ્મની પટ્ટી જેમ કારના કાચ ઉપર દેખાવા લાગ્યા.

ધોરણ બારથી સાંભળતો આવું છું દર્શનની ગર્લફ્રેન્ડ રીમાં અને જનકની માધુરી. ઋત્વિ નિહારના પ્રેમમાં છે ને અંજલીને હાર્દિકથી અફેર છે!

આ બધું સાંભળીને મને પણ ઈર્ષા થતી. હા સાચું જ કહું છું કે મને એ લોકોની એ છોકરાઓની ખૂબ જ ઈર્ષા થતી. હું તો ઘણીવાર રાહુલને પૂછતોય ખરો, “રાહુલ, યાર મારા ફેસમાં કાઈ પ્રોબ્લેમ છે?”

“ના ના યાર એવું નથી, તું તો અંદર બહાર સો ટચ સોનુ જ છે!” રાહુલ કહેતો.

રાહુલના એ શબ્દો મને જરાક શાંતિ આપતા પણ માણસ સ્વભાવ ખરો ને! બીજા દિવસે ફરી મને ઈર્ષા થતી. ઋત્વિ નિહાર પાસે ચોપડા માંગતી અને એ ચોપડા પરત કરતી વખતે એમાં પાછળના પેજ ઉપર સ્માઇલી દોરીને નીચે આઈ લવ યુ લખતી…..!!!!! એ જોઈને તો મારું અર્ધું લોહી બળી જતું.

ખેર આ તો એક્વાત જ હતી. આવી તો દરેક વાતે મને જીવનમાં દુઃખ અને ઈર્ષા સિવાય કંઈ નહોતું મળ્યું! નાનપણમાં જ્યારે શાળાએ જતો ત્યારે બધાને મમ્મી મુકવા આવતી ગાલ ઉપર ચુંબન કરીને “મારો ડાહ્યો દીકરો મસ્ત મસ્ત ભણજે હો!” કહી હાથ હલાવી ચાલી જતી. એ જોઈને હું વર્ગમાં જઇ પાછલી પાટલીએ બેસી ઘણીવાર રડતો. મને થતું મારે કેમ મા નથી?

રક્ષાબંધન તો મારા માટે સૌથી દુઃખદાયક તહેવાર હતો. નાનપણમાં બધા ડઝનેક રાખડી બાંધીને શાળાએ આવતા ને બતાવતા જો આ મારી સગ્ગી બહેને બાંધી, આ મારી ફૈની  છોકરીએ, આ મારી કાકાની છોકરીએ…… ત્રાસી જતો હું. ઇર્ષાથી મારુ મન ભરાઈ આવતું….. લીલી પીળી રાખડીઓના ફુમડાં, અને ગોળ પારા જોઈને મારુ મન ગોળ ચકરી લેવા લાગતું. આ બધાંને બહેન ને મારે નહિ????

થોડો મોટો થયો એટલે સમજાયું કે મા બાપ, ભાઈ બહેન તો નસીબદારને મળે પણ હા એ બધા ન હોય એને પણ એક સ્ત્રીનો પ્રેમ મળી શકે ખરા! હા ગર્લફ્રેન્ડ રૂપે! એક ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડને એ બધો જ પ્રેમ આપી શકે! એ પછી તો છેક કોલેજ સુધી મેં ગર્લફ્રેન્ડની રાહ જોઈ પણ મને કોઈ છોકરીએ ક્યારેય એક ગુલાબનું ફૂલ આપીને કહ્યું જ નહીં, “આઈ લવ યુ….!”

મારા કાન એ શબ્દો સાંભળવા તરસતા જ રહ્યા! મારી આંખો એ છોકરીને ગુલાબનું ફૂલ લઈને મારા આગળ ઉભી હોય એ દ્રશ્ય જોવા તરસતી જ રહી! મારુ હ્ર્દય એકલતાની આગમાં સતત બળતું જ રહ્યું!

અને પછી બધાની સાથે જે થાય છે એ મારી સાથે પણ થયું! માણસની એક હદ હોય છે સારા દિવસ, કોઈના પ્રેમની રાહ જોવાની. જે હદ હું ક્યારનીયે વટાવી ચુક્યો હતો. ધીમે ધીમે હું ખરાબ રસ્તે વળતો ગયો. હું પણ રાજની જેમ બગડતો ગયો. એ પછી તો સ્ત્રી માટેનું માન પણ ક્યાંય ગાયબ થઈ ગયું! હું અને રાજ ક્યાંય પણ જતા તો રસ્તે મળતી છોકરીઓને છેડતા.

“તું છોકરીઓને છેડતો ક્યારનો થઈ ગયો યાર?” રાજ મને નવાઈથી બે ત્રણ વાર પૂછતો “તું તો સ્ત્રીને માન આપતો હતો ને?”

“હું માન આપતો હતો તો કઈ છોકરી આવીને મારી એકાંતમાં રડતી આંખો લૂછી ગઈ એમ બોલ ને? તો પછી ખરાબ બનવામાં શુ વાંધો છે હવે?” હું એજ જવાબ એને આપતો. પછી તો રાજ પણ એ સવાલ મને ન કરતો.

એ પછી અમે બંને એ નોકરી માટે તપાસ કરી પણ અમને ક્યાંય સારી નોકરી ન મળી. રાજ અને હું બંને એક પ્રાઇવેટ વકીલની ઓફિસમાં કામ કરવા લાગ્યા. ત્યાં અમને પગાર પાંચ પાંચ હજાર મળતો અને કામ સવારના આઠથી સાંજના આઠ! છ મહિના સુધી તો અમે એ નોકરી કરી પણ એ પછી અમે એ બધું સહન ન કરી શક્યા. ત્યાં અમારું ખૂબ શોષણ થતું હતું. આખરે કંટાળીને અમે બંનેએ નોકરી છોડી દીધી.

“ધત્ત તારી…. આ પણ કોઈ લાઈફ છે યાર.” બેકાર બન્યા પછી રાજ બસ આજ એક વાક્ય બોલતો.

હું કઈ જવાબ આપતો નહિ. અને એ બહાર ચાલ્યો જતો. ઘણીવાર તો રાત્રે મોડો મોડો ઘરે આવતો. એક વાર રાજ એવી જ રીતે ગુસ્સામાં જમ્યા વગર બહાર ગયો. હું રાત્રે બાર વાગ્યા સુધી એની રાહ જોતો જ રહ્યો. આખરે બાર વાગ્યે એ આવ્યો ત્યારે એના હાથમાં ઘણું બધું હતું અને ચહેરા ઉપર સ્મિત.

“તું જમ્યો નથી ને?” રાજે આવતા જ પૂછ્યું.

“ના હું તારા વગર કેમ જમુ?”

“લે ત્યારે હું પુલાવ અને પાઉભજી અને બીયર લઈ આવ્યો છું. ચલ ખાઈએ.”

“તું આ બધું ક્યાંથી લાવ્યો? અહીં ગુજરાતી ડિસના પૈસા નથી ને તું આ…..”

“ગમે ત્યાંથી લાવ્યો તું ખા નિરાંતે પછી બધી વાત કરું…..”

અમે બન્ને એ ધરાઈને પુલાવ અને પાઉભજી ખાધા. એ પછી રાજે મને બધી વિગત આપી. રાજ પૈસા ચોરી કરીને એ બધું લઈ આવ્યો હતો. માત્ર એટલું જ નહીં એ તો પુરા વીસ હજાર રૂપિયા ચોરી લાવ્યો હતો! અમે એ પૈસાથી પૂરો એક મહિનો એસ કરી! અને પછી તો અમને એ રસ્તો મળી ગયો!

એ પછી તો અમે બસ આવી ચોરી જ કરતા અને એસ કરતા. નવી નવી ટ્રિક, પકડાઈ ન જવાય એની સાવધાની એ બધામાં અમે ધીમે ધીમે પારંગત થઈ ગયા. રાજ અને મારો સાથે ઘણી વાર રાહુલ પણ એ ચોરીમાં સાથ આપતો. રાહુલ આમ ઘર પરિવાર વાળો હતો એટલે ચોવીસ કલાક અમારી સાથે ન રહેતો પણ અઠવાડિયે એકાદ ચોરી અને એકાદ પાર્ટી અમારી સાથે કરતો.

એ પછી તો એક ચોરીમાં અમને વિજય મળ્યો. એ દિવસે અમે પકડાઈ જ જાઓત જો વિજય ન મળ્યો હોત તો અમે ત્રણેય સળિયા ગણતા હોત. પણ વિજયનું ડ્રાઇવિંગ જ એવું હતું કે પાછળ આવનારા જખ મારે! એ દિવસે પહેલીવાર વિજય મળ્યો અને પહેલી જ વાર અમને મદદ કરી એ પછી એ પણ અમારી ટિમમાં ભળી ગયો!

અમે આવી નાની નાની ચોરી કરતા હતા પણ અમારા મનમાં એક ભય હતો કે આમ કેટલા દિવસ નીકળશે? પાછળની ઉંમરે શુ અમે બધા ચોરી કરી શકીશું?

એ દિવસે હું રાજ અને વિજય પુલાવ ખાતા હતા અને એક મોટી ચોરી કરીને ક્યાંક દૂર જઈને રહેવા લાગવું એવું આયોજન કર્યું. ત્યાં જ રાહુલ આવ્યો. એનો ચહેરો જોતા જ અમે સમજી ગયા કે નક્કી આજે પણ એના મા બાપે એને અમારી સાથે ન ફરવા બાબતે જ કહ્યું હશે કૈક!!!!

“શુ થયું રાહુલ?” મેં પૂછ્યું.

“હું હવે તમારી સાથે આ બધા કામ નઈ કરી શકું.” રાહુલે સીધી જ મુદ્દાની વાત કરી.

“કેમ?”

“મેં તમને બધાને કહ્યું નથી પણ…..” રાહુલ ખચકાતો હતો કેમ કે એ જાણતો હતો કે અમને તો સ્ત્રી જાતથી જ હવે કાઈ મતલબ નહોતો રહ્યો.

“પણ શું…..?” રાજ અને વિજય બન્ને એક સાથે જ બોલ્યા.

“મારે એક ગર્લફ્રેન્ડ છે જુહી. તમે પ્લીઝ એના વિશે કાઈ ખરાબ ગંદુ બોલો એ પહેલા એ સાંભળી લો કે હું એની સાથે તરત જ લગ્ન કરવાનો છું….”

રાહુલના એ શબ્દો અમને બધાને તીરની જેમ ખૂંચી ગયા.

“સાલા હરામી….. ” રાજ બરાડ્યો “તને પુલાવ, પાઉભજી, બિયર એ બધું ખાવા પીવામાં તો એ જુહી ન નડી હવે જ્યારે અમે મોટી ચોરીનું વિચાર્યું ત્યારે તને આ બધું સુજ્યું???” રાજે રાહુલને કોલરથી પકડ્યો.

“રાજ….. એ એની જિંદગી છે.” કોલર છોડાવતા મેં કહ્યું. “એને જીવવાનો પૂરો હક છે.”

“દોસ્ત, મને આ બધી ચોરી, બિયર અને પુલાવમાં જે મળ્યું એના કરતાં જુહીએ મને એક જ મહિનામાં ઘણું બધું આપ્યું છે. એ મળી એ પછી જ મને સમજાયું કે જીવન શુ છે….”

“તારું ભાષણ બન્ધ કર ભડ…….” રાજ ફરી રાહુલ તરફ ધસ્યો…… “તું નીકળ અહીંથી નહિતર તારા અને તારી ગર્લફ્રેન્ડના બન્નેના જુહુના દરિયાકિનારે કાલે સવારે પોલીસ ફોટા પાડતી હશે.”

મને પણ રાહુલ ઉપર ગુસ્સો આવ્યો હતો પણ રાજ એના ઉપર હાથ ઉપાડે એ પહેલા હું રાહુલને બહાર લઈ ગયો અને એને મેં રવાના કર્યો….

એકાદ મહિના સુધી તો રાજ અને હું રાહુલ અને ખાસ તો જુહીને ગાળો દેતા રહ્યા. વિજય એ બાબતમાં ખાસ કંઈ બોલતો નહિ એ માત્ર પ્લાનિંગ જ કરતો રહેતો. અને એક દિવસ અમને એક જબરજસ્ત આયોજન મળી ગયું…

પ્લાન મુજબ જ અમે ત્રણેય એક મોટી ચોરી કરવામાં સફળ રહ્યા.

“ક્યાં ખોવાઈ ગયો યાર????” રાજે મારા ગાલ જોરથી થપથપાવ્યા…. “હમણાંથી પૈસા કેમ વાપરવા એનું પ્લાન કરવા લાગ્યો કે શું?” રાજ ખડખડાટ હસ્યો.

એકાએક, એનું એ હાસ્ય, ખખડધજજ મારુતિનો અવાજ, મુંબઈના રસ્તાઓ ઉપર વાગતા હોર્નના અવાજ મારા કાનમાં આવીને ધસી ગયા. હું વર્તમાનમાં આવી ગયો….

“કાઈ નહિ યાર….”

એ પછી અમે કેટલીયે વાત કરી. આખી રાત ગાડી ચાલતી રહી. સવારે ચારેક વાગ્યે અમે સુરત પહોંચ્યા ત્યાં સુધી અમારી એકેયની આંખમાં ઊંઘ ન આવી.

સુરતમાં અમે એક હોટેલમાં જઇ રૂમ રાખી. મને થોડી થોડી ઊંઘ આવતી હતી એટલે મેં સીધા જ બાથરૂમમાં જઈને નાહી લીધું.

નાહીને મેં કપડાં બદલ્યા ત્યા મને અચાનક યાદ આવ્યું કે રાજ રૂમમાં નહોતો.

“રાજ ક્યાં ગયો?”

“પુલાવ લેવા.” પહેલી ચોરી કરીને રાજ પુલાવ અને બિયર લઈ આવ્યો હતો એ પછી રાજને પુલાવ ફેવરિટ થઈ ગયો હતો.

“મારી એક વાત સાંભળ.” વિજયે એકાએક ગંભીર થઈને કહ્યું.

“શુ?” ટીપોઈ પરથી બિયર ઉઠાવતા મેં કહ્યું.

“આ પૈસાના બે જ ભાગ પાડીએ તો?”

એનું એક જ વાક્ય મારા મનમાં ગોળ ગોળ ફરવા લાગ્યું. એક મોટો બંગલો એક મોંઘી કાર મારી આંખ સામે આવીને ગાયબ થવા લાગી. મારુ મન દોસ્તી એટલે શું જાણે જાણતું જ નહોતું !!!!!!

“પણ કઈ રીતે? આપણે અહીંથી ભાગી જઈએ તો રાજ આપણને જીવતા જ ન છોડે વિજય.”

“રાજ હોય તો ને?” વિજય હાથમાં બિયર લઈને ખંધુ હસીને બિયર સામે જોતા બોલ્યો.

“એટલે?”

“એટલે આ બિયરમાં ઝેર…..” એક તરફ હસતા વિજય બોલ્યો.

“પણ અત્યારે ઝેર ક્યાંથી લાવવાનું?”

એક ઇન્જેક્શન નીકાળી વિજયે મને બતાવ્યું. આનું એક ટીપું પણ કામ તમામ કરી દેશે.

અમે એક બિયરમાં ઉપરના ભાગથી એ ઇન્જેક્શન લગાવી ઝેર અંદર ભેળવી દીધું અને રાજ આવે એની રાહ જોવા લાગ્યા.

આમ તો હું માણસ હતો પણ મને ક્યારેય કોઈ પ્રેમ મળ્યો જ નહોતો એટલે હું જાનવર બની ગયો હતો. મા બાપ, ભાઈ, બહેન કોઈ ન મળ્યું ન તો કોઈ પ્રેમ કરવાવાળી ગર્લફ્રેન્ડ મળી! રાજ હતો પણ રાજ ક્યાં સારો હતો? એય મારા જેવો જ હતો ને!

થોડીવારમાં રાજ પુલાવ લઈ આવ્યો. અમે બધા પુલાવ ખાવા લાગ્યા. મેં પેલા બિયર ઉપર પૂરું ધ્યાન રાખ્યું હતું. રાજ પુલાવ અર્ધો ખાઈ લે એ પછી જ બિયર ઉઠાવતો એટલે હું એ જ ધ્યાનમાં હતો. રાજ બિયર ઉઠાવે એ પહેલાં જ મેં એ બિયર ઉઠાવીને રાજને આપ્યું, “ભૂલી ગયો કે શું?”

“ના ના થેન્ક્સ યાર…..” કહી રાજે પણ મને એક બિયર ઉઠાવીને આપ્યું. ત્રીજું બિયર વિજયે ઉઠાવ્યું. ત્રણેય હસતા હસતા પુલાવ ખાઈ લીધો પછી પૈસાના ભાગ પાડ્યા. કાઈ ગણતરી તો કરી નહોતી માત્ર બંડલની ગણતરી કરીને ત્રણ ભાગ પાડ્યા હતા કેમ કે અમને ખબર હતી કે હમણાં રાજ મરી જવાનો છે એટલે એના ભાગના પૈસા પણ અમારા જ છે!

પૈસાના ભાગ પાડી રાજે એક સિગરેટ સળગાવી અને જેવો સિગરેટનો કસ લીધો કે એના મોઢામાંથી ખુન નીકળ્યું. મેં અને વિજયે એકબીજા સામે જોયું અને હસયા… પણ વિજય અને મારા હાસ્યમાં ઘણો ફેર હતો એ મને બીજી જ પળે ખબર પડી જ્યારે મને ચક્કર આવવા લાગ્યા, આંખો ખેંચાવા લાગી….

હું અને રાજ બંને જમીન ઉપર પડ્યા હતા. છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે વિજયે બધા પૈસા એ બેગમાં ભર્યા. બેગ ખભે કરીને એક સિગરેટ સળગાવી એ અમારી નજીક આવ્યો….

“તમે બન્ને કેટલા મૂર્ખ હતા…!!!!!”

અમે બોલી શકવાની હાલતમાં નહતા માત્ર એના શબ્દો સાંભળી શકતા હતા….

“ઉલુલુલુલુ…… તું જ્યારે બાથરૂમમાં ગયો ત્યારે રાજને પણ મેં એ જ પ્લાન આપ્યો જે મેં રાજના ગયા પછી તને આપ્યો…..” વિજયનું ખડખડાટ હાસ્ય મારા કાને અથડાયું….. “બન્ને બિયરમાં ઝેર હતું મૂર્ખાઓ. મને ખબર જ હતી કે તમે તૈયાર થઈ જશો એટલે ચોરી કરતા પહેલા મેં આ પ્લાન બનાવ્યો હતો….”

ફરી એકવાર વિજયનું ભયાનક હાસ્ય મારા કાને પડ્યું અને મેં વિજયને રૂમનો દરવાજો ઓળંગતો જોયો….

મેં રાજ તરફ જોયું અને રાજે મારા તરફ….. બન્ને પોતાની જાત ઉપર અફસોસ કરતા પડ્યા હતા…. અમારા મોઢામાંથી ફીણ નીકળતું હતું….. રાજનું શરીર જરાક પાતળું હતું એટલે એ મારી પહેલા….. પોતાની આંખો મારા ઉપર રાખી રાજ શ્વાસ છોડી ગયો…..

મારુ મોત પણ મારા ઉપર ચક્કર મારતું હતું….. પણ મારા મજબૂત શરીરમાંથી હજુ શ્વાસ ઉડતો નહોતો…. આંખો સામે ફરી એકવાર જીવનની પટ્ટી ફરવા લાગી….

કાસ કે મેં રાજ સાથે દગો ન કર્યો હોત… કાસ કે હું થોડો પણ માણસ હોત…. કાસ કે હું બાળપણમાં હતો એવો જ હોત…. કાસ કે મને એક ગર્લફ્રેન્ડ મળી હોત… તો હું પણ રાહુલની જેમ સુધરી જાઓત…. એના પ્રેમમાં…. એ મારા હ્ર્દયમાં એજ પ્રેમ ભરી દોત જે મારા બાળપણમાં હતો! જેવો હું હતો બાળપણમાં એવો જ એ મને એના પ્રેમથી સદાય રાખોત…. એની સાથે લગન કરીને મારા બાળકો સાથે હું પણ સુખી જીવન જીવતો હોત!!!!! કાસ મને એક ગર્લફ્રેન્ડ મળી હોત તો તો એ એના કોમળ હૃદયથી મારા મનનો આ મેલ કાઢી નાખોત…. એ મને માણસ બનાવી દોત રાહુલની જેમ…… પણ એ બધું હવે કાસ છે…… હું તો હવે એકાદ બે મિનિટનો કે એથી પણ ઓછા સમયનો મહેમાન છું….. એ કાસ હવે કાસ જ રહેશે….. આ આખી કહાનીમાં ક્યાંય મારુ નામ તો મેં લખ્યું જ નથી…. ખેર મારા નામમાં શુ રાખ્યું છે? મારુ નામ એક રહસ્ય જ રહેશે તો સારું…. પણ મરતા પહેલા મેં આ જે લખ્યું છે એ જો રાહુલ ક્યારેય વાંચશે તો એ સમજી જશે કે મારું નામ શું છે….. અલવિદા…….

ઇન્સ્પેકટર કરણ માથુરે કાગળ વાંચી લીધો. એની આંખમાંથી આંસુ સરી પડ્યા… એણે તરત બન્ને બોડી પી.એમ. માટે લઈ જવા કહ્યું….

ક્યાંય સુધી ઇન્સ્પેકટર કરણ એ હોટેલના રૂમમાં જ બેસી રહ્યો.  તો મારી બહેન જુહી આ રાહુલથી લગન કરવાની છે એમ? ખેર ચલો એક રાહુલ તો મારી બહેનના લીધે બચી ગયો નહિતર આ બન્નેની જેમ આ જ હોટેલમાં એની પણ લાસ પડી હોત….

ઇન્સ્પેકટર મરણ કાગળ ખિસ્સામાં મૂકી રૂમ બહાર નીકળી ગયો…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

2 Replies to “ કાસ મારે પણ એક ગર્લફ્રેન્ડ હોત !”

Comment here