gujarati-story-chor

ચોર…

હું એ શહેરથી દુર નીકળી શકું તેમ હતો – એ પણ માત્ર દોઢ કલાકમાં જો બસ સમયસર ઉપડે તો!

હું ત્યાં નીરવને મળવા આવ્યો હતો પણ મને ખબર ન હતી કે નીરવ ગદ્દાર નીકળશે. તેણે મને જ નહિ પોલીસને પણ બોલાવી રાખલે હતી. એ મારા વતનનું શહેર હતું અને આજે ફરી વીસ વરસ બાદ હું ત્યાં ગયો હતો. વરસો પહેલા હું શહેરમાં એક સામાન્ય માણસની જેમ જીવન વિતાવતો હતો પણ કોણ જાણે કઈ રીતે ધીરે ધીરે મારા અંદરનો એ સામાન્ય માણસ મરી ગયો અને હું ગુનાની દુનિયા તરફ વળવા લાગ્યો. કદાચ નીરવ જેવા મિત્રોને લીધે જ એ થયું હશે…!!

વીસ વરસ પહેલા અમે બેંક ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને સફળ રહ્યા હતા પણ કોણ જાણે ખરા મોકે પોલીસ આવી ગઈ હતી. બધા કહે છે ને કે ભારતીય પોલીસ હમેશા લેટ જ આવે છે છતાં એ કોઈ સામાન્ય ઝઘડામાં કે ફિલ્મોમાં જ. તમે ક્યારેક બેંક લૂટવા જાઓ તો જ સમજાશે કે પોલીસ હમેશા મોડી જ આવે છે એ બાબત કેટલી ભૂલ ભરેલ છે. જોકે જતા નહિ કેમ કે મને જ ખયાલ છે કે હેઈસ્ટના નાણા હાથમાંથી ગયા બાદ પણ જો વીસ વર્ષ સુધી ભાગતા રહેવું પડે તો એ કેટલું મુશ્કેલ છે અને એ પછી પણ તમે જયારે વતન કોઈ મિત્ર પર ભરોષો કરીને આવો ત્યારે એણે માત્ર તમને જ નહિ પણ પોલીસનેય આમંત્રણ આપેલ હોય ત્યારી કેટલો ગુસ્સો આવે છે, કેટલું દુ:ખ લાગે છે એ માત્ર કોઈ ભાગતો ફરતો વ્યક્તિ જ સમજી શકે.

હું નથી ઈચ્છતો કે કોઈ બીજું પણ મારી જેમ આખા શહેરની પોલીસથી છુપાઈને બસની રાહ જોવે કે કાશ! પોલીસ સ્ટેશનમાં આવે એ પહેલા એ બસ આવે અને દોઢ કલાકમાં મને શહેર બહાર લઇ જાય! હું કોઈને બેંક લુટની સલાહ આપી શકું તેમ નથી.

દોઢ કલાક-બસ-પોલીસ સ્ટેશનમાં ન આવે – હું શહેર બહાર નીકળી શકું – બસ આ ચીજો મારા દિમાગમાં ચકરીઓ લીધા કરતી હતી.

દોઢ કલાક – જગ્યાએ જગ્યાએ એ ઉભી રહે, પેસેન્જરને ઉતારે – નવા પેસેન્જરને ચડાવે – પોતાની સીટીંગ અને સ્ટેન્ડિંગ ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ કરે તો પણ બસને એટલો સમય તો થઇ જાય તેમ જ હતો. હું એનાથી ઝડપી એ નરક જેવા સ્થળમાંથી બહાર નીકળી શકું તેમ ન હતો. જોકે એ સ્થળ માત્ર મારા માટે જ નરક સમાન હતું બાકી એક વિકાસ પામેલ શહેર હતું – વીસ વરસ પહેલા પણ જ્યાં બેંક હોય અને બેંક લુટ થતી હોય એ શહેરને વિકાસ વિહોણું તો ન જ કહી શકાય! આપણા દેશમાં ક્યાં મોટા મોટા શહેરોમાંય બેંક હેઈસ્ટ થાય જ છે?

બસ આવી પહોચી. મેં બસના બાજુમાં લાગેલા જાહેરાતના કાગળ પર નજર કરી. સર્વ શિક્ષા અભિયાન. મેં એ તરફથી નજર ફેરવી લીધી. એ મારા માટે હવે કોઈ કામની ચીજ ન હતી.

જયારે બસ સ્ટેશનમાં થોડોક વિરામ કરવા ઉભી રહી બસમાં ઘણા બધા યાત્રીઓ બેઠેલ હતા. બધા પ્રવાસીઓ પોત પોતાની સીટો પર એવી રીતે આરામથી ગોઠવાયેલ હતા જાણે એ સીટ હમેશા માટે એમની હોય. હું બસમાં ક્યારેય એ લાગણી સાથે ન બેસતો – મને હમેશા યાદ રહેતું કે એ સીટ પર મારો હક માત્ર એકાદ કલાક કે દોઢ કલાક પુરતો હતો ત્યારબાદ ત્યાં કોઈ અન્ય આવીને બેસવાનું હતું. બસ ક્યાં કોઈ એક પ્રવાસી માટે હોય છે?

માત્ર એક પ્રવાસી જ શું બસ પર તો ફેરિયા, ગોળી બિસ્કીટ વેચનારા અને એવા કેટલાય લોકોનો હક હોય છે. નામ લિયા ઓર શેતાન હાજીર એ કહેવત મુજબ મેં યાદ કરતા જ કાંસકા નેઈલ કટર વેચનાર એક બાઈ બસમાં સવાર થઇ. બસમાં પોતાની આદત મુજબ આમથી તેમ એક ચક્કર લગાવી એ કોઈ ગ્રાહક મળ્યું છે કે નહિ એની પરવા કર્યા વિના નીચે ઉતરી ગઈ. કદાચ એમને બધી બસમાં જવાનું હતું, કોઈ એક બસમાં ગ્રાહક શોધવામાં સમય વ્યસ્ત કરવો તેને પરવડે તેમ ન હતું.

“ગોળી- બિસ્કીટ.” બુમ લગાવતો એક પંદરેક વરસનો છોકરો બસમાં સવાર થયો. મેં એની તરફ એક નજર કરી. તેને કાળા રંગનું જુનું અને થોડુક મેલું શર્ટ પહેરેલ હતું. હજુ તેને દાઢી મુછના વાળ આવેલ જ ન હતા નહિતર મને ખાતરી હતી કે એણે ક્લીન સેવ ન જ કરેલ હોત! એને જોતા જ હું મારા ભૂતકાળમાં ડૂબી ગયો.

મારી પણ સ્થિતિ એના કરતા કાઈ ખાસ સારી ન હતી. બસ હું એના જેમ ગોળી બિસ્કીટ વેચવાને બદલે શાળામાં ભણતો ત્યારથી જ ચોરી કરવા લાગ્યો લાગ્યો હતો અને મારા દાઢીના વાળ આવ્યા એ પહેલા મેં અઠવાડિયે સેવ કરાવી શકું તેવી મારી આર્થિક સ્થિતિ સુધારી લીધી હતી.

“ભાઈ, પારલે બિસ્કીટનું એક પેકેટ આપજે.” મારા બાજુમાં બેઠેલ એક સ્ત્રીએ એ ગોળી બિસ્કીટવાળા છોકરા તરફ જોઈ કહ્યું.

મેં એ સ્ત્રી તરફ નજર કરી, એ આધેડ વયની હતી. લગભગ તે પાંત્રીસી વટાવી ચૂકેલ મહિલા હતી. મેં એના હાથમાં રહેલ બાળક તરફ નજર કરી એ બાળક હજુ પાચ વરસનું જ દેખાઈ રહ્યું હતું. મને પૂછવાની ઈચ્છા થઇ ગઈ કે એ તેનું પહેલું બાળક હતું કે એને બીજા બાળકો પણ છે? પણ મેં મારો વિચાર માંડી વાળ્યો. મારે શું લેવાદેવા…? મને આમેય દુનિયાથી ક્યા ખાસ મતલબ હતો જ…?

ગોળી બિસ્કીટવાળા જુવાનીયાએ તેને બે પાર્લેના પેકેટ આપ્યા. એ સ્ત્રીએ તેને દસ રૂપિયા આપ્યા ત્યાં સુધીમાં બસમાં કન્ડકટર આવી ગયો હતો એટલે એ તરુણ છોકરો ફટાફટ બસમાંથી નીચે ઉતરી ગયો. હું એને દુર સુધી જતા જોઈ રહ્યો… કદાચ મારું મન એમ વિચારતું હતું કે કાશ મેં પણ એના જેમ ગોળી બિસ્કીટ વેચી જીવવાનું નક્કી કર્યું હોત તો! તો કદાચ મારે આજે આમ ભાગતા ન ફરવું પડત.

જયારે બસ ઉપડવાને લીધે મને એક આંચકો લાગ્યો ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે હું વિચારોમાં ખોવાયેલ હતો એ દરમિયાન બસમાં ડ્રાયવર સવાર થયો હતો અને બસ મને એ નરકમાંથી બહાર લઇ જવા પ્રયાણ કરવા લાગી હતી. મેં રાહતનો શ્વાસ લીધો.

બસ કદાચ બહુ દુર જવાની હતી એટલે કોણ પેસેન્જર ક્યાં સુધી જવાનું હશે એ વિચાર મને આવ્યો. ખાસ તો મારા બાજુમાં બેઠેલ એ સ્ત્રી ક્યાં સુધી જવાની હશે? એનું ગંતવ્ય સ્થળ કયું હશે? અને છેલ્લે એ બસનું ગંતવ્ય સ્થળ કયું હશે? મને સતત વિચારો આવ્યે જતા હતા પણ હું મારી જાતને કહી રહ્યો હતો કે મને મારું જ ગંતવ્ય સ્થળ ખબર નથી તો બીજા લોકોનું ગંતવ્ય સ્થળ જાણીને હું શું કરીશ?

શહેર બહાર બસ નીકળે એ પહેલા બસ ચાર રસ્તા પર ઉભી રહી. ત્યાંથી કોઈ પેસેન્જર લેવા માટે એ બસ ઉભી રહી હશે એમ મેં વિચાર્યું પણ બસમાં બે પોલીસ ઓફિસર ચડ્યા એ જોઈ મારા ધબકારા વધી ગયા. મેં મારા માથા પર પહેરેલ ટોપી જરાક નીચી કરી લીધી. જયારે એ બંને બસમાં છેક છેલ્લી સીટમાં જઇ ગોઠવાયા એ મેં મારા આંખને ખૂણે જોયું ત્યારે મને રાહત થઇ.

“તમે ડરી કેમ રહ્યા છો?” મારા બાજુમાં બેઠેલ સ્ત્રીએ મારો ભય પારખી લીધો હોય તેમ કહ્યું.

“હું….? ડરી નથી રહ્યો….” મેં કહ્યું.

“અશોક તું ડરી રહ્યો છે.” એ સ્ત્રીએ મક્કમતાથી કહ્યું

એ સ્ત્રીને મારું નામ ક્યાંથી ખબર હોય મને નવાઈ લાગી.

“અશોક હું રશ્મી છું તે મને નથી ઓળખી પણ હું તને ઓળખી ગઈ છું.” એણીએ કહ્યું.

રશ્મી નામ સંભાળતા જ હું ભૂતકાળમાં ખોવાઈ ગયો. રશ્મી મારી સાથે બારમાં ધોરણમાં ભણતી હતી એ અમીર ઘરની તો ન હતી પણ ભણવામાં હોશિયાર હતી એટલે એનું પુરા કલાસમાં માન સમ્માન હતું. એને મારા પ્રત્યે હમેશા હમદર્દી હતી. એકવાર મેં મારા જ ક્લાસની છોકરી નેહાના બેગમાંથી તેના બસો રૂપિયા ચોર્યા ત્યારે હું પકડાઈ ગયો હતો અને મને શાળામાંથી કાઢી ન મુકવામાં આવે તે માટે રશ્મિએ બધા વચ્ચે કહ્યું હતું કે એ તેણીએ તેની ફ્રેન્ડ સાથે કરેલ પ્રેંક હતી. સદનશીબે નેહા તેની ખાસ ફ્રેન્ડ હતી એટલે બધાએ તે વાત માની લીધી અને જયારે મેં છુટ્ટી વખતે રશ્મીને એ બસો રૂપિયા આપતા કહ્યું હતું કે તે નેહાને તારા પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા છે તું આ પૈસા લઇ લે ત્યારે રશ્મિએ કહ્યું હતું કે તારે પૈસાની જરૂર હશે માટે જ તે ચોરી કરી હશે એ પૈસા તું રાખ પણ ફરી એવું ન કરીશ.

“આજે ફરી ચોરી કરી છે?” રશ્મીના શબ્દોએ મને ભૂતકાળના વિચારોમાંથી બહાર લાવ્યો.

“ના, વીસ વરસ પહેલા કરી હતી એ માટે પોલીસ મને શોધી રહી છે…..” મેં કહ્યું ત્યાં જ ફરી બસને બ્રેક લાગી અને બસમાં કેટલાક નવા પોલીસ અધિકારીઓ ચડ્યા.

તેમને જોતા જ હું સમજી ગયો કે હવે શું થવાનું હતું કેમકે એક જ બસમાં બે વખત પોલીસ પ્રવાસી તરીકે ન જ ચડે.

પોલીસ મારી નજીક આવી એ જ સમયે રશ્મિએ મારા હાથમાં એનું બાળક આપતા કહ્યું, “લો તમે જ સંભાળો તમારા લાડલાને… એ મારી વાત તો માને જ છે ક્યાં?”

પોલીસવાળા એ શબ્દો સાંભળ્યા બાદ આગળ ચાલ્યા ગયા. તેઓ છેક છેલ્લી સીટ સુધી ગયા અને છેલ્લી સીટ પર બેઠેલ એ બે પોલીસ અધિકારીઓથી વાત કરવા લાગ્યા. મેં મારી આંખના ખૂણે જોયું કે તેઓ મારી તરફ આંગળી કરી કઈક પૂછી રહ્યા હતા પણ ત્યારબાદ સીધા જ નીચે ઉતરી ગયા. હું સમજી ગયો કે એ છેલ્લી સીટ પર બેઠેલ બંને અધિકારીઓએ કહ્યું હશે કે તેઓ ચડ્યા ત્યારથી હું અને રશ્મી વાતો કરી રહ્યા હતા અને અમારા પર શક કરવા જેવું કશું નથી. મેં ફરી એક વાર રાહતનો શ્વાસ લીધો.

દોઢ કલાક બાદ બસ બીજા શહેર પહોચી. નવાઈની વાત એ હતી કે રશ્મિને પણ ત્યાં જ ઉતારવાનું હતું. અમે બંને નીચે ઉતર્યા.

“મને એમ હતું કે પૂરી દુનિયા ખરાબ છે પણ એવું નથી.” મેં એની તરફ જોઈ કહ્યું, “તે મને ફરી કેમ બચાવ્યો?”

“કેમકે તે જ કહ્યું કે પૂરી દુનિયા ખરાબ નથી.” કહી એ ચાલતી થઇ અને હું તેને જતી જોઈ રહ્યો… કાશ! જયારે રશ્મિએ મને પહેલીવાર બચાવી કહ્યું કે હવે ચોરી ન કરીશ ત્યારે મેં એની સલાહ માની લીધી હોત! તો મારે વીસ વીસ વર્ષ સુધી આમ ભાગતા ન ફરવું પડોત!!!

મેં મારી ટોપી સરખી કરી. ગજવામાંથી સિગારેટનું પાકીટ નીકાળી જોયું અંદર એક છેલ્લી સિગારેટ હતી. સિગારેટ મોમાં મૂકી સળગાવી અને વિચાર્યું આ સિગારેટ છેલ્લી અને ચોરી પણ છેલ્લી….. અંધારું ધીમે ધીમે વધતું હતું…  છેલ્લી સિગારેટના કસ લેતો હું મોટા શહેરની ભીડમાં દાખલ થઇ ગયો….

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here