gujarati-story-boj

બોજ…!

હું શિવાની, તમારા બધાની જેમ એક સામાન્ય યુવતી. બસ દિવસ દરમિયાન બે ચાર કલાક વાંચવાનું કે ભણવાનું ને બાકીનો સમય જે મરજી હોય એ કરવાનું. શાળાના દિવસો જીવનમાં સૌથી યાદગાર દિવસો હોય છે કેમકે એ દિવસો દરમિયાન તમારી પાસે સૌથી વધુ કઈ હોય તો એ હોય છે મિત્રો. મનેય યાદ છે નયના, નિશા, ડીમ્પલ, સલોની, કાવ્યા અને હું. અમે બધા ખુબજ મજા કરતા. ત્યારે જવાબદારી એટલે શું અને ચિતા કે તણાવ કોને કહેવાય એતો ખબરેય ન હતી.

ક્યારેક ક્યારેક મમ્મી લડી લે તો થોડું ઘણું કામ કરી લેવાનું બાકી તો મમ્મીને પપ્પાજ કહી દેતા, “તારાથી કામને પહોંચી ન વળાતું હોય તો કામવાળી રાખીલે પણ મારી શીવલીને ભણવામાં ડીસ્ટર્બ ન કરીશ.”

પપ્પા મને લાડમાં શિવલી જ કહેતા. બાકીતો કોઈની ખેર ન હતી કે શિવાની શર્માને શીવલી કહીને બોલાવે! કોઈ નહિ મારો ભાઈ નિસર્ગ પણ નહિ જ. એ ક્યારેક ક્યારેક મને શીવલી કહીને બોલાવતો પણ જો હું પપ્પાને કહું તો એનું આવી બનતું.

પપ્પા કહેતા, “અલ્યા નીશલા તે તો તારા ભાઈબંધોને ફાટવાડયા છે તે તને કોઈ નિસર્ગ કહેતુ જ નથી બધા નીસલા નીસલા કહીને બોલાવે છે, કેવું ખરાબ લાગે છે? એવી ખબર હોત તો તારું નામ નીસલો જ રાખત ખોટું નિસર્ગ એવું નામ ન બગાડત.”

બસ ભાઈ ચુપ. પપ્પા સામે વધારે જીભ તો લડાવે નહિ કા’તો મૂંગો મૂંગો ઉપરના માળે વાંચવા જાઉં છું એમ બહાનું બનાવી નીકળી જાય ને કા’તો વાતને ફેરવી નાખે, “પપ્પા આપડી ગલીના બધા છોકરા છેજ એવા ક્યાં કોઈનેય પુરા નામથી બોલાવે છે? પેલા પાર્લર વાળા કાકાનું નામ રમણીકલાલ છે તોય ભધાં ચાલો રમણીકાના પાર્લરે જઈએ એવું કહે છે તો હૂતો એ બધા મિત્રો સાથે મોટો થયો છું મને એ ક્યારે નિસર્ગ કહી બોલાવવાના હતા?”

બારમું ધોરણ પાસ કર્યાપછી મારી સગાઇ નક્કી થઇ. આમતો સગાઈની મમ્મી પપ્પાને કોઈ ઉતાવળ ન હતી પણ ભાઈ માટે સારા ઘરથી સંબંધ આવ્યો હતો છોકરી પણ  ભાઈ સાથીજ કોલેજમાં ભણતી હતી. મમ્મી પપ્પાને એ સંબંધ ગમ્યો ને ભાઈ તો સપના ભાભી પર સ્કુલ ટાઇમથી લટ્ટુ હતો જ એટલે એને તો ફટાક દેતાની હા પાડી દીધી. બસ સપનાના પિતાજીએ એક શરત મૂકી કે અમારે સાટું જોઈએ છે. અમારી સમાજમાં એ વખતે સાટાનો રીવાજ ઘર કરી ગયો હતો! સાટું એટલે ટૂંકમાં કહીએ તો દીકરીઓ અદલ બદલ કરવાની. લો વેવઈ અમારી દીકરી તમારી થઈને તમારી દીકરી અમારી એવા ઉચ્ચ ભાષાના શબ્દો વાપરીને જીવંત રખાતો એક કુરિવાજ.

સપનાના પપ્પાએ સાટાની વાત મૂકી એટલે પપ્પાએ જરાક વિચારવાનો સમય માંગ્યો ને બે એક દિવસ મમ્મી પપ્પા વચ્ચે બંધ બારણે ચર્ચાઓ થઇ ને પછી દરેક ઘરમાં જેમ નિર્ણય લેવાય એમ નિર્ણય લેવાયો. આજે નહી તો કાલે આમેય દીકરીના હાથ પીળા તો કરવાજ પડે ને? બાબુલાલનું ઘર સંસ્કારી છે ને રૂપિયાવાળા પણ છે કહી મમ્મી અને પપ્પાએ નિર્ણય કરી લીધો. હા નિર્ણય લીધા બાદ પણ પપ્પાએ થોડા ઘણા સગા સંબંધીઓમાં પૂછ પરછ કરી કે બબુલાલનું ઘર કેવું છે.

“અરે સો ટકા સોનું તમે નસીબવાળા કે તમારી દીકરી એમના ઘરે જશે! એમનો દીકરો જયેશ તો લાખોમાં એક છે! સોફ્ટવેર અન્જિનિયર છે સોફ્ટવેર એન્જીનીયર.”

ને લોકો કઈ ખોટા પણ ન હતા. સગાઇ પછી બે વરસે અમારા  ભાઈ  બહેનના એકજ મૂર્તે લગન લેવાયા. પરણીને સાસરે આયા બાદ પહેલા જ  દિવસે હું સમજી ગઈ કે ખરેખર મારા સસરા બબુકાકાનું ઘર સંસ્કારી હતું. લોકો કેહતા હતા એમ સો ટકા સોનું હતું ને મારા પતિ જયેશ પણ લાખોમાં એક હતા. વ્યવસાયે સોફ્ટવેર અન્જિનિયર હતા અને હ્ર્દયથીયે એટલા જ સોફ્ટ હતા! મને પરણીને સાસરે આયાને લગભગ આઠ વરસ વીતી ગયા હતા પણ હજુ સુધી એમને ક્યારેય મારા સાથે ઊંચા અવાજે વાત પણ ન હતી કરી.

મારું દામ્પત્ય જીવન સુખમાં વીતવા લાગ્યું. મને જીવનમાં કોઈ જ વસ્તુની ખોટ ન હતી એમ કહો તોયે ચાલે પણ કહેવાય છે ને સાસરે ગમે તેટલું સુખ હોય તોયે પિયર તો પિયર જ હોય ને! પરણીને આયા બાદ પહેલા છ મહિના તો મહીને ને મહીને પિયર જવાનું! બસ આમ જરાક મન થાય એટલે જયેશને કહેવાનું, “સાંભળો છો આજે શનીવાર છે ને કાલે તમારે રવિવારે રાજા હશે કિરણ દીદીએ રવિવારની રજા ને લીધે ઘરે હશે તો હું જરાક મમ્મીને મળી આવું.”

જયેશ કઈ જવાબ આપે એ પહેલાજ કિરણ હસીને કહેતી, “હા હા ભાભી તમ તમારે જઈ આવો બે દિવસ, જરાક ભાઈને બહેનના હાથના રોટલાય ખાવા દો. આમેય વહુ ઘેલો થઇ ગયો છે છ મહિના થવા આવ્યા છે પરણ્યાને ને હજુ તમારાથી ઊંચા અવાજે વાતે કરતા જોયો નથી.”

કીરણ એમની મજાક કરતી. કિરણ ઘરમાં સૌથી નાની હતી સૌથી મોટા જયેશ મારા પતિ એમનાથી નાની સપના ભાભી એનાથી નાના રોહિત અને સૌથી નાની કિરણ. સૌથી નાની એટલે બધાએ લાડમાં ઉછેરેલી. ઘરમાં નાની દીકરીને બધા કેટલા કોડથી ઉછેરે એનાથી હું ક્યાં અજાણ હતી? લાડમાં ઉછેરેલી એટલે મોટાભાઈથી જરાયે ડરે નહિ. ગમે ત્યારે મોકો મળે એટલે ભાઈનો ટાટીયો ખેચવા લાગે.

જયેશ પણ એનાજ ભાઈ હતાને એને જવાબ આપવામાં પાછા શાના પડે! એમને ખબર હતી કે કયો જવાબ આપવાથી કિરણ ચુપ થઇ જશે એટલે એય સામું કેહતા, “હા હા તું જા મમ્મીને મળી આવ હું બહેનના હાથના રોટલા ખાઈ લઈશ. તારા હાથનું તો આમેય જીવન ભર હવે જમવાનું જ છે પણ આપડી કિરણના હાથ ક્યારે પપ્પા પીળા કરાવીદે કોને ખબર?” બસ એટલું બહુ થઇ ગયું.

“તારા હાથ પીળા કરાવ્યા એટલું બહુ નથી વહુ ઘેલા?”  કહીને કિરણ છણકો કરી બા પાસે ચાલી જાય.

બસ મારો સંસાર એમ ખુશીના દિવસોમાં વીતતો રહ્યો. કોઈ આર્થીક કે સામાજિક તકલીફ તો ન હતી. મારા સસરાનું ઘર સમાજમાં વખણાતું એટલે સમાજમાં ખુબ માન મોભો પણ મહેમાંનોની રોજ કતાર લાગે. આસપાસના ગામમાંથી કોઈ શહેરના દવાખાને આવે તો એના માટે ટીફીન અમારા ઘરથી જ જાય. આસપાસ ના ગામમાં કોઈ ધણી ધાણીયાણી બાખડી પડે તોયે વિવાદ સીધો બાપુજી પાસે આવે! બાપુજી પાંચમાં પૂછાય એટલે બધાનો વહીવટ કરે. બાપુજી જે ફેસલો કરે એ બધા મંજૂરે કરે પણ જે દિવસે એ ફેસલો થાય એ દિવસે અમારા ઘરે જાણે કોઈ પ્રસંગ હોય એટલી માનવ મેદની ઉમટી આવે! એ બધાના ચા પાણી ને જમવાનું બધું જ અમારે ત્યાં.

હું એકવીસ વરસે પરણી. પરણ્યાને હજુ અઢી વરસ થયા હતા એટલે મારી ઉમર સાડા ત્રેવીસની થઇ હતી. ઘરે મા આગળ ક્યારેય કામ નહિ કરેલું ને અહી તો કામનો બોજ એટલો વધી ગયો કે મને એમ લાગવા માંડ્યું હતું જાણે કે હું શિવાનીજ ન હતી રહી. શિવાની મટીને આખો દિવસ કામમાં વ્યસ્ત મશીન બની ગઈ હતી. એમાયે છ મહિના પહેલા કિરણના હાથ પીળા કરાવી નાખ્યા ત્યાર પછીથી તો જાણે શ્વાસ લેવાનીયે ફુરસદ નથી મળતી. મને તો એક જ વિચાર આવ્યે કરતો કે આમ તો મારું પોતાનું અસ્તિત્વ જ  હું ખોઈ બેસીશ. ક્યારેક ક્યારેક તો એમ લાગતું કે હું એ ઘરમાં નોકરાણી બની ગઈ છું! જેને જુવો તે બસ મનેજ કામ આપે. વહુ બેટા આ કરો ને વહુ બેટા તે કરો. ભાભી આ કામ પડ્યું છે ને ભાભી તે કામ પડ્યું છે. બસ બધાની જીભ ચાલતી ને મારા હાથ.

એમાં જયેશ તો ક્યારેય દિવસે ઘરે હોય જ નહિ. બસ એ અને એનું  કામ. મને યાદ નથી છેલ્લા એક વરસમાં એ મને ક્યાય બહાર ફરવા લઇ ગયા હોય. હું ખુશ રહેતી જયારે મને પિયર જવા મળતું પણ છેલાં ઘણા સમયથી તો પિયરે જવા ન હતું મળ્યું. કિરણના સાટામાં નવી દેરાણી આવી હતી એ નવી અને નાની એટલે મહીને ને બેં મહીં એ પિયર જાય ને મારુયે મન મમ્મી પાસે જવા તલપાપડ થાય.

ભાઈનો ફોન આવેલો કે ભાઈને ભાભીને પડોસમાં રેહતા નરેશ ભાઈ અને બીજા એક બે મહ્હોલાવાળા ભેગા મળીને વસંત ભાઈની સ્કોર્પીઓમાં ગોવા ફરવા જાય છે. મેં ભાઈને કહ્યું કે મારેય ફરવા આવવું છે ને ભાઈ એ કહ્યું તો એમાં શું આવીજા તુયે.

જયેશને વાત કરી એટલે એણે કહ્યું, “જઈ આવ એમાં શું વાંધો છે?”

એ મને સ્ટેશને મુકવા આવ્યા અને હું નવની બસમાં રામગઢ પહોંચી ગઈ. રામગઢ મારું પિયર. હું રામગઢના ગોદરે ઉતરી હરખાતી હરખાતી ઘરે ગઈ. હમણાં ભાઈ અને ભાભી મને જોઇને જ ખુશ થઇ જશે! પણ ઘરે પહોંચી ત્યારે ભાઈ ભાભી વચ્ચે મહાભારત ચાલતું હતું. એ મહાભારત હતું મને ટુરમાં લઇ જવા બાબતે! ભાભીએ ટુરમાં ફરવા જવાનો પ્રોગ્રામ રદ કરી નાખ્યો હતો. એનું માનવું હતું કે હરવું ફરવું તો મિત્રો સાથે ગમે બધેય ભાઈને બહેનોને મોરના બચ્ચાની જેમ સાથે લઈને ફરવામાં મજા ન આવે.

હું હકીકત સમજી ગઈ હતી. મેં જતાજ ઝઘડાને પતાવી દીધો.

મેં કહ્યું, “જયેશને ઓફિસે જવાનું હોય છે એટલે બધું સાસુમા સંભાળી નથી શકતા એટલે હું નહિ આવી શકું. આતો બસ આજનો દિવસ જ મળવા આવી હતી. થયું કે ભાઈએ ગોવા સુધી ફરવા આવવાનું કહ્યું છે એટલે ઘર સુધી જઈ મળી તો આવું ને.”

મારી વાત સાંભળતાજ ભાભીનો ચહેરો એકદમ ખીલી ઉઠ્યો. એ બોલ્યા, “ના ના શિવાનીબેન એમ કઈ એક દિવસમાં થોડું જવાય અમે ગોવા જઈએ છીએ એટલે બા આમેય એકલા હશે. તમે બે દિવસ એમની જોડે રહેશો તો એમનેય સારું લાગશે.”

હું કેહવા તો માંગતી હતી કે હવે મને અહી સારું નહિ લાગે પણ કઈ બોલી નહિ !બસ બીજા દિવસે વહેલી બસ પકડી શહેર ચાલી ગઈ. હું પાછી આવી ગઈ એ જોઈ બધાએ પૂછ પરછ કરી પણ મેં કહ્યું કે મારી તબિયત સારી ન હતી એટલે બધા માની ગયા. એ બધા ક્યાં મારા હ્રદયને શમજી સકતા હતા કે એમને કઈ ખબર પડે? પણ જયેશને ખબર પડી ગઈ. સાંજે એમણે મને પુછ્યું, “શું થયું શિવાની?”

મેં ચેહરો બનાવતા કહ્યું કઈ નહિ જરાક તબિયત…..

“ના શિવાની તબિયત ખરાબ હોય તોયે તું અખા ઘરનું કામ કરી નાખે છે તો ફરવા જવામાં તો શું?”

મેં આંખોમાં આંશુ સાથે કહ્યું, “અહી મારા પર બોજ વધી ગયો છે પણ ત્યાં તો હું પોતેજ બોજ બની ગઈ છું.”

જયેશે મારો હાથ હાથમાં લેતા કહ્યું, “આ બધું સમજાય એટલી તારી ઉમર કયા છે હજુ?”

અને હું જીવનની ઘણી વાસ્તવિકતા મારા હ્રદયમાં સમાવી રડી પડી…………..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “બોજ…!”

Comment here