gujarati-story-avaj

અવાજ

“નહિ……”

“નહિ…. નહિ….. પ્લીઝ……”

“હું….. હું મા બનવાની છું. મને માર નહિ……”

રાઘવ ચીસ સાથે જાગી ગયો. આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નહિ. પોતે એજ ઘરમાં એજ રૂમમાં એજ પથારી ઉપર ઊંઘયો હતો.

બારી ઉપર લગાવેલ સફેદ પરદા હવાથી લહેરાતા હતા અને જાણે બારી બહાર રહેલ અંધકારને અંદર આવતો રોકવા મથી રહ્યા હતા. પણ એવું લાગી રહ્યું હતું કે એ અંધકારને રોકવામાં નિષફળ હતા કારણકે એમનો સાથ આપવા માટે એ રૂમમાં એક ઝીરો વોલ્ટના બ્લબ સિવાય કંઈ હતું નહીં.

રાઘવ ઉભો થઇ ગયો. સામેની દીવાલ ઉપર એક નજર કરી બાથરૂમ તરફ ગયો. હાથ મો ધોઈ એ ઘર બહાર નીકળી ગયો. અમાસની રાતનું અંધારું સર્વત્ર ફેલાયેલું હતું. દૂર દૂર સુધી કોઈ ઘરમાં લાઈટ જળતી નહોતી.

રાઘવે દરવાજે લગાવેલ ટયુબ લાઇટની સ્વીચ ઓન કરી પણ ટ્યુબમાં વીજળી ન આવી. ઓહ શીટ….. ‘આ તો પરમદિવસે જ બગડી ગઈ હતી.’ ટ્યુબ બગડેલ છે એ યાદ આવ્યું. એટલે ફરી ઘરમાં ગયો. રૂમમાં જઈને આમ તેમ નજર કરી. ઝીરો વોલ્ટના બ્લબની આછી પીળી રોશનીમાં ભીંત ઘડિયાળનો કાંટો બે ઉપર દેખાતો હતો.

‘હવે ઊંઘતો નથી આવવાની.’ મનોમન બબડાટ કરતા ટીપોઈ પરથી રિમોટ લઈને ટી.વી. ઓન કરી પણ સ્ક્રીન ઉપર કોઈ દ્રશ્ય ન આવ્યું. આમ તેમ બે ત્રણ ચેનલ બદલી જોઈ પણ દરેક ચેનલ ઉપર કાળો પરદો જ હતો! કંટાળીને રિમોટ બાજુ પર મૂકી દીધું ત્યાં અચાનક ટીવીમાંથી અવાજ આવ્યો.

“નહિ…..”

“નહિ……”

“નહિ…. નહિ….. પ્લીઝ……”

“હું….. હું મા બનવાની છું. મને માર નહિ……”

રાઘવને હવે ડર લાગવા મંડયો હતો. ઘર બહાર જઇ બાજુવાળા પડોશીઓને વાત કહી. ચંદ્રિકા બેન, નીતિનભાઈ બધા આવ્યા.

“દેખો. આ આ ટીવી માંથી અવાજ આવે છે નીતિન ભાઈ.” ટીવી તરફ ઈશારો કરી રાઘવે કહ્યું.

“શુ વાત કરો છો રાઘવ યાર તમે? ક્યાં અવાજ આવે છે? ટીવી તો બંધ છે.” કહી પડોશીઓ પાછા ચાલ્યા ગયા.

એ અવાજ તો રોજ રાઘવને સંભળાતા પણ આ ટીવી માંથી અવાજ આજે પહેલી વાર જ આવ્યો હતો. રાઘવના રોંગટા ખડા થઈ ગયા. તો હવે એની શક્તિ દિવસે દિવસે વધતી જાય છે. રાઘવે દાંત ભીંસયા. ફરી સોફામાં બેઠો. કોઈને પુરી વાત કહ્યા વિના કોઈ માને એમ જ નથી. હજુ દસ દીવસથી અહીં રહેવા આવ્યો છું. આખી સોસાયટીમાં કોઈને અહીં ભૂત નથી દેખાયું એટલે બધા મારો વહેમ જ સમજે છે. પુરી વાત કહું તો પણ હું ફસાવાનો ન કહું તો આ આત્મા મને ચેનથી જીવવા નહિ દે.

વિચારોમાં ફરી આંખો ઉપર ઘેન ચડવા લાગ્યું. રાઘવ ફરી એકવાર ઊંઘી ગયો.

“નહિ……”

એક ચીસ ફરી સંભળાઈ. રાઘવ ઓચિંતો જાગી ગયો.

“તું મારી સામે કેમ નથી આવતી? આવીને મારી નાખ મને.” રાઘવ બારડ્યો. પણ કોઈ વળતો અવાજ આવ્યો જ નહીં. નહિ……નહિ….   ની ચીસો એ અવાજ ફરી એકવાર રાત્રીના અંધકારમાં દબાઈ ગયો. રાઘવે નજર કરી બારી ઉપરનો પરદો કોઈ વિચિત્ર ભયથી ધ્રૂજતો હતો!

સવારના છ વાગ્યે અજવાળું થયું ત્યાં સુધી રાઘવ એમ જ જાગતો બેસી રહ્યો. અજવાળું થતા જ ઘરની ચમક અલગ લાગવા લાગી જાણે અહીં કોઈ આત્મા હોય જ નહીં એવું એ ઘર શોભવા લાગ્યું!

રાઘવ ઉભો થયો અને એકાએક માથું પકડી બેસી ગયો. એને ચક્કર આવતા હતા. સતત નવ દિવસથી રાઘવની ઊંઘ ‘નહિ……નહિ……’ ની ચીસથી ઉડી જતી હતી. માત્ર પહેલા દિવસે જ એ નિરાંતે સુઈ શક્યો હતો. પછીના દિવસોમાં તો રોજ એ ચીસ એના સપનામાં આવીને એને જગાડતી. પછી આખી રાત બારીમાંથી, ટીવી માંથી, પાણીની ટાંકીમાંથી કે બેડ નીચેથી આવીને એના કાનમાં ગુંજ્યાં કરતી!

રાઘવ ફરી ઉભો થયો. હજુ ચકકર તો આવતા જ હતા. અધૂરી ઊંઘથી માથાનો દુખાવો તીવ્ર બની ગયો હતો. રસોડામાં જઈ કોફી બનાવી. કોફીની ચૂસકી લેતો એ બાથરૂમના કાચ આગળ ગોઠવાયો. પોતાનો જ ચહેરો જોઈને એ ઓળખી ન શકે એવા હાલ થઈ ગયા હતા!

આંખો સુજાઈ ગઈ હતી. આંખો નીચે કાળા કુંડલ બની ગયા હતા. ચહેરા ઉપર જરાય નૂર નહિ. સૂકા હોઠ ફિક્કા થઈ ગયા હતા. આખો ચહેરો જાણે એક ગમગીન દુઃખ ઓઢી ગયો હોય એવું લાગતું હતું.

કોફી પુરી કરી રાઘવ કબાટમાંથી કપડાં લઈ આવ્યો. બાથરૂમમાં હાથ મો ધોઈ કપડાં બદલી દીધા. હવે પોલીસ સ્ટેશન જ જવું પડશે બીજો કોઈ રસ્તો નથી. રાઘવ તૈયાર થઈ ગયો અને શટેશન તરફ રવાના થઈ ગયો.

પોલીસ સ્ટેશન જઈને પી.આઇ. ભાર્ગવ ત્રિપાઠીને બધી વાત કહી. પુરી વાત સાંભળ્યા પછી પી.આઇ. એ કહ્યું, “દેખો રાઘવ ભાઈ તમને કોઈ વ્યક્તિ ઉપર શક છે જે તમને એવી રીતે કુત્રિમ આત્મા બનીને ડરાવતું હોય ?”

“ના.” રાઘવે સ્પષ્ટ કહી દીધું.

“ઓકે. આજે રાત્રે એક કોન્સ્ટેબલ તમારા ઘરે રહેશે.” ભાર્ગવે કહ્યું.

“આભાર.” કહી રાઘવ સ્ટેશનથી નીકળી ગયો. ઘરે જઈને પથારી ઉપર આડો થયો. આંખો બળતી હતી. શરીરનું એક એક અંગ દુખતું હતું. રાઘવ ક્યારે સુઈ ગયો એ પણ એને ખ્યાલ ન રહ્યો…

“ખટ ખટ ખટ ખટ…….” દરવાજો ખખડયો એટલે ફરી એ જાગી ગયો. બારી તરફ જોયું આછું અંધારું થઈ ગયું હતું. તો આજે ટીવી ને બદલે દરવાજો બોલશે એમ ને?  ઉભા થઇ રાઘવે દરવાજો ખોલ્યો.

“ઊંઘયા હતા કે શું?” ખુદ પી.આઇ. ભાર્ગવ આવ્યો હતો.

“સાહેબ તમે?”  કોન્સ્ટેબલને બદલે ખુદ પી.આઇ. આવ્યા એ જોઈ રાઘવને નવાઈ થઈ.

“હા તારી આંખો જોઈને થયું કે હું જ જાઉં કોન્સ્ટેબલનું કામ નથી.” ઘરમાં પ્રવેશતા ભાર્ગવે કહ્યું.

“બેસો સાહેબ.” સોફા તરફ ઈશારો કરી રાઘવે કહ્યું.

ભાર્ગવ સોફા ઉપર ગોઠવાયો. ટીવી ચાલુ કરી જોવા લાગ્યો. રાઘવ પથારીમાં બેઠો હતો. ટીવી જોતા જોતા એ જોકા ખાવા લાગ્યો. ભાર્ગવે જોયું કે રાઘવ ખૂબ જ થાકેલો છે એટલે એને ઊંઘવા દીધો અને પોતે એકલા ટીવી જોયા કરી.

રાતના બે વાગ્યે ભાર્ગવને થોડી થોડી ઊંઘ આવતી હતી એટલે બાથરૂમ જઈને મોઢું ધોયું. ખિસ્સામાંથી રૂમાલ ખેંચી મોઢું લૂછતો હતો ત્યાં ચીસ સંભળાઈ….

ભાર્ગવ તરત રૂમમાં ગયો. રાઘવ પથારી ઉપર કાન ઉપર હાથ મૂકીને બેઠો હતો.

“ક્યાંથી અવાજ આવ્યો?”

“ટીવી…..ટીવી માંથી….”

ભાર્ગવે ટીવી તરફ નજર કરી તો એમાં ફિલ્મ ચાલતી હતી. ભાર્ગવને પણ ખાતરી થઈ ગઈ કે કોઈ માણસ તો નથી જ અહીં જરૂર કોઈ આત્મા છે.

“તમે ઘર બદલી લો રાઘવ ભાઈ. આમાં પોલીસ તમારી કોઈ મદદ નહિ કરી શકે.”

“હું જ્યાં જાઉં છું ત્યાં આ અવાજ મારો પીછો નથી છોડતી સાહેબ.” રાઘવ રીતસરનો રડવા લાગ્યો.

ભાર્ગવ સવાર સુધી એની જોડે બેસી રહ્યો. સવારે ભાર્ગવ પોતાની જીપ લઈને નીકળી ગયો. રાઘવ ફરી એકલો પડ્યો. એને થયું હવે મારે સજા ભોગવવી જ પડશે બીજો કોઈ રસ્તો નથી. એ ફરી પોલીસ સ્ટેટશન ગયો.

“માફ કરજો રાઘવ ભાઈ પણ અમે તમારી કોઈ મદદ નહિ કરી શકીએ.” ફરી રાઘવને શટેશને જોઈ ભાર્ગવે કહ્યું.

“હું મદદ માટે નથી આવ્યો.” રાઘવે ખુરશીમાં બેસતા કહ્યું.

“હું કઈ સમજ્યો નહિ.” ભાર્ગવે ચા મંગાવતા કહ્યું.

“એ અવાજ મારી પત્ની રિદ્ધિનો છે સાહેબ. મેં એટલા દિવસ મારો ગુનો છુપાવ્યો પણ હવે લાગે છે કે મારે એ બધું સ્વીકારીને સજા ભોગવે જ છૂટકો છે.”

કોન્સ્ટેબલ ચા ના બે કપ મૂકી ગયો. ભાર્ગવે એક કપ લઈ બીજો રાઘવને આપ્યો. “તમારી પત્નીનો અવાજ?”

“હા મારી પત્નીનો અવાજ. રિદ્ધિને મેં જ મારી નાખી હતી સાહેબ. એ પ્રેગ્નન્ટ હતી છતાં મેં એને મારી નાખી એટલે એ હવે મને જીવવા નહિ દે જ્યાં સુધી હું ગુનો કબૂલ ન કરું.”

“તમે આ બધું પુરા હોશમાં કહો છો?” ઇન્સ્પેક્ટરે ખાતરી કરવા પૂછ્યું.

“હા સાહેબ ત્યારે હોશમાં નહોતો પણ હવે છું.”

ઇન્સ્પેકટર ભાર્ગવે રાઘવની બધી વાત સાંભળી અને ગુના મુજબ કલમો લગાવી.

એ પછી રાઘવને સજા થઈ. કોર્ટમાંથી સજા નક્કી થયા પછી રાઘવને કસ્ટડીમાં લેવાયો.

જેલમાં રાઘવ રાત્રે મોડા સુધી દિવલનો ટેકો લઈ સળિયા તરફ નજર ઠેરવી બેઠો હતો. એ વિચારતો જ હતો કે હવે મને રિદ્ધિનો અવાજ કેમ નથી સંભળાતો? શુ મને માફ કરી દીધો હશે? ત્યાં જ જેલમાં એક સ્ત્રી પોતાના હાથમાં નાનું બાળક લઈને આવી.

“રિદ્ધિ……!!!!!” રાઘવ એને જોતા જ બોલી ઉઠ્યો….

“રાઘવ હવે હું તમને ક્યારેય એ અવાજ નહિ આપું. અને હા મને મારી નાખી એ બદલ હું તમને સજા ન આપોત પણ તમે મારા બાળકને પણ મારી સ્વાથે મારી નાખ્યું આ એની સજા છે. હું હવે જાઉં છું રાઘવ….” રિદ્ધિએ કહ્યું.

રાઘવ કઈ બોલે એ પહેલાં તો રિદ્ધિ તેના બાળક સાથે અદ્રશ્ય થવા લાગી અને જોત જોતામાં અદ્રશ્ય થઈ ગઈ…..

રાઘવ ફરી જઈને દીવાલે ટેકો લઈ બેસી ગયો. પત્ની અને પોતાના જ બાળકને મારી નાખનાર રાઘવની આંખમાંથી પહેલી જ વાર એ દિવસે આંસુ નીકળ્યા હતા…..

એ પછી રાઘવને ક્યારે એ અવાજ એ ચીસ સંભળાઈ નથી…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “અવાજ”

Comment here