gujarati-story-ardhangini

અર્ધાંગીની…

પત્ની એ એક એદભૂત શબ્દ છે. આપણા જુના પુસ્તકોમાં અને કેટલાક શ્લોકમાં એને અર્ધાંગીની તરીકે ઓળખવામાં આવે છે. પણ કોણ જાણે કેમ આજના નવા લેખકો અને કવિઓની કલમ ખાસ કરીને પ્રેમીઓ અને પ્રેમિકાનું વર્ણન અને વખાણ કરવાનું પસંદ કરે છે…!! કોણ જાણે કેમ પત્નીનું વર્ણન અને વખાણ કરનારી કલમોની શાહી ઓછી પડી ગઈ કે શું??

હું અને ભાવના પાંચ વરસ પહેલા કોલેજ દરમિયાન મળ્યા હતા. અમારા વચ્ચે ક્યારે પ્રેમના સંબંધો રચાઈ ગયા એ તો મને યાદ નથી પણ અમે 7 જુન 2001ના દિવસે એકબીજા સાથે કાયમના માટે બંધાઈ ગયા.

અમે લગન નામના અતુટ બંધનમાં બંધાયા. કહેવામાં જેટલું સરળ છે એટલું સરળ એ કાર્ય ન હતું. ભાવનાના પિતાજી સમાજમાં એક ક્રિમીનલ તરીકે ઓળખાતા હતા. લોકો એમના નામ માટે ગુંડા અને અસામાજિક તત્વ જેવા વિશેષણોનો ઉપયોગ કરતા હતા. રાજકારણીઓમાં પણ વગ ધરાવનાર માણસ!

મારા મમ્મી પપ્પા પણ અમે એક જ શહેરમાં રહેતા હોવાથી એના પિતાજી વિશે જાણતા હતા એટલે એમણે એ લગ્નનો સખત વિરોધ કર્યો હતો પણ મેં એમની એક વાત નહોતી માની. મારી આદત મુજબ જ મારી મરજી ચલાવી એમની મરજી વિરુધ્ધ પણ ભાવના સાથે લગન કર્યા હતા.

લગ્ન બાદ અમે શુખી જીવન જીવવા લાગ્યા હતા. મેં ભાવનાને ક્યારેય નહોતું પૂછ્યું કે શું એના પિતાજી ખરેખર ક્રિમીનલ છે કે નહી…?? છતાં એકવાર ભાવનાએ જ સામેથી મને કહ્યું હતું કે એના પિતાજી ખરેખર હત્યારા છે, એમણે એક નહિ પણ બે વ્યક્તિઓની હત્યા કરી છે કેમકે એ લોકોએ ભાવનાની મમ્મી પર નજર બગાડી હતી. એમણે એમની સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો એટલે મજબુરીમાં એ લોકોની હત્યા કરી હતી અને એ ઝેલની સજા ભોગવી રહ્યા હતા.

અમારા લગ્નમાં પણ ભાવનાના પિતાજી હાજર રહ્યા ન હતા. બધું કામ ભાવનાના મોટાભાઈ શિવમે સંભાળ્યું હતું. મને એ દિવસે એમ લાગ્યું હતું કે શિવમ હજુ માંડ મારી ઉમરનો જ છે અને એ એટલી બધી જવાબદરીઓ કઈ રીતે સંભાળી શકતો હશે??? સમય જતા મને સમજાઈ ગયું હતું કે જે ઘરમાં વડીલોની છત્ર છાયા ન હોય એ ઘરના બાળકો જલ્દી મોટા થઈ જતા હોય છે ક્મકે એમને બહુ નાની ઉમરે પોતાની જવાબદારીઓનું ભાન થઇ જતું હોય છે.

લગ્ન બાદ અમે બાળક પ્લાન કર્યું અને ભગવાને અમારી એ ઈચ્છા પણ પૂરી કરી. છેકથી મારા ઘરમાં કોઈ બહેન ન હતી કે મારા પિતાજીને પણ બહેન ન હતી એટલે હું ઈચ્છતો હતો કે મને દીકરી મળે અને ભાવના પણ એવુ જ ઇચ્છતી હતી. અમારી બંનેની વીસ ભગવાને પૂરી કરવાનું ધાર્યું હોય એમ અમને એક દીકરી થઈ જેનું નામ અમે સોનિયા રાખ્યું.

લગભગ લગન બાદ મારું જીવન ચાર વર્ષ સુધી શાંતિ અને સુખના છાયડામાં ચાલતું રહ્યું પણ કહે છે ને કે જીવન એ કોઈ ફૂલોથી સજાવેલ બેડ નથી અને એ કહેવત મારા જીવનમાં પણ દાખલ થઇ.

ભાવનાના ચારિત્ર્ય વિશે લોકોમાં જાતજાતની અટકળો થવા લાગી. અફવાઓ આગ કરતા પણ વધુ ફેલાઈ જતી હોય છે આગને તો ફેલાવા માટે પવનની જરૂર હોય છે પણ અફવાઓને ફેલાવા માટે તો એ પણ જરૂર હોતી નથી, બસ એકથી બીજા વ્યક્તિ પાસે ગમે તે રીતે એ પહોચી જતી હોય છે.

અફવાઓ મારા કાન સુધી પણ પહોચી ગઈ હતી કે કોઈ માણસ મારી ગેરહાજરીમાં ભાવનાની મુલાકાત લેતો હતો. મેં જ્યારે એ શબ્દો સાંભળ્યા હું ભાંગી પડ્યો. હું બેંક ઓફ બરોડામાં મેનેજરની નોકરી પર હતો. મહીને ચાલીસેક હજાર રૂપિયા કમાઈ લેતો, ઘર પરિવાર માટેના કેટલા સપના દેખી રહ્યો હતો. મેં તો અમારો પરિવાર 2+1 થયો હતો એ ખુશીમાં અલ્ટો કાર પણ બૂક કરાવી નાખી હતી પણ બસ એક જ પળમાં બધું ખતમ થઈ ગયું.

બધા સુખના સપનાઓને બદલે મારા મનમાં અન્ય વિચારોએ પ્રભુત્વ જમાવવા માંડ્યું હતું. પત્ની શું છે? પત્ની એટલે માત્ર કોઈ સ્ત્રી કોઈ પુરુષથી લગન કરે એટલે તે પત્ની નથી બની જતી. પત્નીનો અર્થ થાય છે વફાદારી. પતિના જીવનમાં પત્નીનો એના પોતાના જીવન જેટલો જ ફાળો હોય છે એટલે જ એને પતિની અર્ધાંગીની સમજવામાં આવે છે.

પરિવારમાં એક પત્નીથી વધુ મહત્વનું સભ્ય કોઈ જ નથી હોતું. પત્ની ધારે તો પરિવારને તારી શકે છે અને પત્ની ધારે તો પરિવારને ડુબાડી શકે છે. કદાચ ભાવનાએ મારા ઘર પરિવારને ડુબાડવાનું નક્કી કરી નાખ્યું હતું.

લોકો સાચા હતા, એક ક્રીમીનલની દીકરીમાં સારા ગુણો ન જ હોઈ શકે. મારે મારા મમ્મી પપ્પાની વાત માની લેવી જોઈતી હતી. મારે એમની મરજી વિરુધ્ધ ભાવનાથી લગન કરવા જ ન જોઈએ એનું મને ભાન થયું.

પહેલા મને થતું કેટલાક લોકો લગન કેમ નથી કરતા? હું તો આખો દિવસ ઓફિસે ભાવનાથી દુર રહું એમાય બેબાકળો થઈ જતો. ક્યારે સાંજ પડે ક્યારે ઘરે જાઉં અને ક્યારે ભાવનાનો ચહેરો જોઉં??? મને થતું તો એ લોકો જીવનમાં ક્યારેય પોતાની પત્નીનો ચહેરો જોયા વિના કઈ રીતે રહી શકતા હશે??

પણ હવે મને મારા સવાલનો જવાબ મળી ગયો હતો કદાચ તેઓ બહુ સમજદાર હોતા હશે?? કદાચ તેઓ પહેલેથી જ જાણતા હશે કે કેટલીક પત્નીઓ ભાવના જેવી નીકળે છે???

હું રોજની જેમ જ ઓફીસ જતો રોજની જેમ જ જીવતો હતો રોજની જેમજ ખાતો હતો પણ એ જીવનમાં પહેલા જેવો આનંદ ન હતો. મારો ભાવના સાથેનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો. અમાર વચ્ચે કોઈ પ્રેમ ભાવ ન હતો રહ્યો કેટલીક વાર તો દિવસ ભર કે બબ્બે દિવસ સુધી અમારી વચ્ચે કોઈ જ વાતચીત પણ નહોતી થતી.

મેં એક નિર્ણય કરી લીધો હતો. એ અફવાઓની ચકાસણી કરવી અને જો એ સાચી નીકળે તો ભાવના સાથેના લગ્ન જીવનનો અંત લાવવાનો.

હું એ સમયની રાહ જોતો રોજીદા જીવનને ધક્કા લગાવી રહ્યો હતો ત્યાં એ અવસર એ દિવસે મળી ગયો. હું ઓફિસમાં હતો લગભગ અગીયારેક વાગ્યા હતા અને મારા પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો.

“તમારા ઘરમાં હમણા જ એક અજાણ્યો માણસ ગયો છે તમારી પત્નીને રંગરેલીયા મનાવતી જોવી હોય તો… એને રંગે હાથ પકડવી હોય તો…” બસ એ ફોન કપાઈ ગયો. હું સમજી ગયો કે એ અફવાઓ ફેલાવનાર લોકોમાંથી જ એક હશે….

એકપળ માટે તો મને થયું કે એમને કોઈના ઘર પરિવાર સાથે શું લેવા દેવા? એણે મને ફોન કેમ કર્યો?? પણ પછી થયું કે એક રીતે એ મારી મદદ જ કરી રહ્યો હતો ને?? હું આમેય ભાવના સાથેના લગ્ન જીવનો અંત લાવવા માંગતો હતો અને એણે મને એ માટેનું કારણ આપી દીધું હતું.

હું ઓફિસમાંથી બહાર નીકળ્યો. હું થોડોક નર્વસ હતો. શું મેં સાંભળેલી બધી જ અફવાઓ સાચી હશે?? મારી સાથે જ કેમ એ થયું?? પાંચ વરસના લગ્ન જીવન બાદ હવે ભાવના કેમ બેવફા નીકળી??

મેહસાણા કોઈ મોટું શહેર ન હતું અને એટલે અફવાઓને ફેલાતા બહુ વાર ન લાગી. આમેય મારી આબરૂ ઈજ્જત ઓછી કરી નાખવા એ અફવાઓને માત્ર મારા વિસ્તારમાં ફેલાવુ જ પૂરતું હતું….! અફવાઓને આખા શહેરમાં ફેલાવાની જરૂર પણ ન હતી. ભાવના એવું કઈ રીતે કરી શકે?? હું બેંકમાં હોઉં ત્યારે કોઈ માણસ ભાવનાની મુલાકાત કેમ લેતો હશે? શું હોઈ શકે?

એ વિચારોમાં જાત સાથે સવાલ જવાબ કરતા મને ઓફીસથી ઘરે પહોચતા પંદરેક મિનીટ થઈ. મારી પાસે સ્પ્લેન્ડર બાઈક હતું. હું ઓફીસ બાઈક લઈને જતો.

હું બાઈકને ઘરના દરવાજા આગળ સ્ટેન્ડ કરી દરવાજે પહોચ્યો. મેં ઉપરા ઉપરી બે ત્રણ વાર ડોર બેલ વગાડી પણ કોઈએ દરવાજો ન ખોલ્યો.

હું સમજી ગયો કે અંદર શું થઈ રહ્યું હશે?? મેં દરવાજો જોરથી ખખડાવવાનું શરુ કર્યું. થોડીવાર પછી ભાવનાએ દરવાજો ખોલ્યો.

“તમે આ સમયે..???” એ બોલતી વખતે ગભરાઈ હતી.

મેં એને ધક્કો મારી જરાક બાજુમાં કરી અને ઘરમાં પ્રવેશ્યો, હોલમાં અને બંને બેડરુમમાં જોયું. કોઈ ન હતું મેં નીચેના બાથરૂમનો દરવાજો ખોલ્યો.

હું આભો બની ગયો. ત્યાં એક મારી જ ઉમરનો વ્યક્તિ ઉભો હતો પણ એ કોઈ અજાણ્યો માણસ ન હતો. એ મારો પરિચિત હતો

“શિવમ, તું આમ પોતાની જ બહેનને કેમ ચોરી છુપીથી મળવા આવે છે?” મેં કહ્યું.

“કેમકે એ પોલીસથી ફરાર છે.” શિવમ કાઈ જવાબ આપે એ પહેલા જ ભાવના ત્યાં આવી પહોચી હતી.

“કેમ? શું ગુનો કર્યો છે?”

“એક વરસ પહેલા મારા પિતાજીએ જે બદમાશોને મારી નાખ્યા હતા એમાના એક બદમાશના પરિવારના કેટલાક લોકોએ શિવમ પર હુમલો કર્યો હતો અને એ દરમિયાન શિવમે એમાંથી એક બે ને ગંભીર ઈજાઓ પહોચાડી હતી.” ફરી ભાવનાએ જ જવાબ આપ્યો.

“પણ તું મને તો એ બધું કહી શકતી હતીને?”

“હું ન કહી સકી કેમકે મને એમ હતું કે તમે મને નહી સમજી શકો?” ભાવનાએ રડમસ અવાજે કહ્યું.

એની વાત પણ સાચી હતી હું એને ક્યા સમજી જ શકું તેમ હતો? પાંચ વરસના લગ્ન જીવન બાદ પણ જો હું ભાવનાને સમજી શક્યો હોત તો લોકોની અફવાઓને સાચી ન માનત. તો હું અજાણ્યા લોકો કે જેમની સાથે મારે કોઈ સંબંધ ન હતો એવા લોકોની વાત સાંભળી મારી પત્ની મારી અર્ધાંગીની પર શક ન કરોત.

મને પસ્તાવો થઈ રહ્યો હતો કે મેં મારી અર્ધાંગીનીના ચારિત્ર્ય પર વાંધો ઉઠાવ્યો હતો.

ખરેખર લોકોની ખોટી અફવાઓમાં દોરાઈ જઈ ઘણા ઘર પરિવારો બરબાદ થઈ જતા હોય છે. બસ પતિ પત્નીએ એકબીજા પર વિશ્વાશની જરૂર છે પછી તેમને કોઈ જ અફવાઓ અલગ કરી શકતી નથી. હું સમજી ગયો હતો કે દરેક સંબંધોનું આગવું મહત્વ હોય છે.

લેખક : નારાયણ ત્રિવેદી (શ્યામ)

Comment here