gujarati-story-anjali

અંજલી

હું રોજ આ પીપળાના ઝાડને એક લોટો પાણી રેડું છું અને એના થડ પાસે માટીના કોડિયામાં એક દીવો કરું છું. આ કામ હું ક્યારેય નથી ભુલતી. અઠવાડિયામાં એકાદ વાર તો ધુપબત્તી પણ કરું છું. આજે પણ હું અહી ઉભી છું કેમકે આજે અંજલીની વાર્ષિક તિથી છે.

અંજલી મારી દીકરી હતી, એકની એક દીકરી જેને લાડ લડાવવામાં મેં ક્યાય કચાસ ન હતી રાખી. એને આ પીપળાનું વ્રુક્ષ ખુબ જ પસંદ હતું. અંજલીને જયારે પણ અવસર મળતો આ વ્રુક્ષ સાથે રહેવાનો એ ખુશી ખુશી આ ઝાડ નીચે રમતી. એ નાની હતી ત્યારથી જ એને આ પીપળાના વ્રુક્ષથી ખુબ જ લગાવ હતો. એનું કોઈ કારણ હોય તો એ હતું એના દાદા કપુરસિંહ. એના દાદા બધા જ મોટા બુજુર્ગોની જેમ જાદુ અને ચમત્કારમાં માનતા તેઓ કહેતા કે આ ઝાડના દર્શન માત્રથી અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. અંજલીની દાદીએ એને શીખવ્યું હતું કે આ ઝાડની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે બસ ત્યારથી અંજલી આ ઝાડ પાસે આવી એક જ સપનું જોતી એને આર્મિમાં જવા મળે. એના દાદા કપુરસિંહ પણ આર્મિમાં હતા, એના પિતા બહાદુર સિંહ પણ આર્મીમાં હતા. મેં મારા પતિ અને સસરાને આર્મિનું જીવન જીવતા જોયા હતા. પણ દીકરીની આ બાળપણની ઘેલછા મોટા થયા પછી પણ એમની એમ રહેશે એ મને ખબર ન હતી.

એ નાની હતી ત્યારે મને કહેતી કે હું આર્મીમાં જઈશ ત્યારે હું એને હા કહેતી, ત્યારે મને ક્યા ખબર હતી કે એ એક દિવસ સાચે જ આર્મીમાં જશે અને એના પિતા અને દાદાની જેમ જીવતી પાછી આવવાને બદલે તિરંગામાં લપેટાયેલ પરત આવશે..!!

આજે એની જનમ તિથી છે એટલે હું નાના બાળકોને અહી આ પીપળાના વ્રુક્ષ નીચે જમાડી રહી છું કેમ કે આ જ પીપળાના વ્રુક્ષ નીચે આવાજ નાના ભૂલકાઓ વચ્ચે રમી મારી અંજલી મોટી થઇ હતી. હવે એના દાદા કપુરસિંહ તો નથી પણ એ જીવ્યા ત્યાં સુધી અંજલીને ભૂલી ન હતા શક્યા. સવારથી જ આ પીપળાના ઝાડ નીચે આવી બેસી જતા. ઘણીવાર તો હું કહેતી કે તમે ચા પીને સીધા કેમ એ ઝાડ પાસે જાઈ બેસી જાઓ છો? ત્યારે એ ઉદાસ અવાજે કહેતા, “મારી અંજલીથી વાત કર્યા વગર મને કોઈ દિવસ ચાલે?”

હું સમજી ગઈ હતી. તેઓ દુઃખમાં ભાંગી પડ્યા હતા. તેમને એ ઝાડને પોતાની અંજલી બનાવી નાખ્યું હતું. એની યાદોને એના પાને પાનમાં શોધ્યે રાખતા હતા. અરે એમને શરીર છોડ્યું તો પણ એ જ પીપળા નીચે. બપોરના સમયે પીપળા નીચે ઢોલીયો લઈને સુતા હતા અને સાંજે  એમને ઉઠાડવા ગયા તો ખબર પડી કે એ અંજલીની દુનિયામાં એને મળવા ચાલ્યા ગયા હતા..!!

અંજલી બાળપણથી જ જીદ્દી હતી. એને કોઈ ભાઈ ન હતો એટલે પોતાની જાતને દીકરાની જેમ જ રાખતી, એ કહેતી મમ્મી હું તારો દીકરો છું અને હું ફોજમાં જોડાઇશ જ. એણીએ તો દાદીની વાતને ગાંઠે કરી લીધી હતી. એ નાની હતી ને દાદીએ કહેલું કે કે આ પીપળાના ઝાડને રોજ સવારે ઉઠી એક લોટો પાણી રેડીએ તો એ તમને મન ચાહી મંજિલે પહોચાડ્યા વિના નથી રહેતું, અને દાદા દાદી કહેતા એ વાત જાણે સાચી નીકળી એ પીપળાની પૂજાએ એને એની મન ચાહી મંજિલે મોકલી લીધી.

એ ઝાડ અમારા ઘરના આગળના ભાગે હતું, એની ઘેઘુર ઘટાઓ ઉનાળામાં પણ એવો છાયો અને ઠંડક આપતી કે જાણે શિયાળો ન હોય!! એ નાની હતી ત્યારે આજ ઝાડની નીચે બેસી કલાકો સુધી વાંચતી. મને કહેતી મારે મોટા અફસર બનવું છે. એને ફોજમાં જવાનુ જ નહિ ત્યાં પણ મોટા અફસર બનવાનું ઘેલું લાગેલ હતું. એના દાદા પણ અર્ધદળી હતા, એ છેક આઝાદી પહેલાના ફોજમાં જોડાયા હતા. એમનું સપનું અંજલીના પિતાને અફસર બનાવવાનું હતું પણ એમના મગજમાં ભણતર ઘૂસ્યું જ નહિ એટલે એ પણ અર્ધદળી જ બન્યા. ત્યારબાદ અંજલીએ દાદા અને બાપ બંનેનું સપનું પૂરું કરવાનું નક્કી કરી દીધું અને એ કર્યું પણ ખરું.!

એ ઊંચા હોદાની અફસર બની… તેના ભણતરને લીધે તેની નાની ઉમરમાં પણ તે ઉંચી અધિકારી બની.. ઘણીવાર તો એના બાપે પણ એને સેલ્યુટ મારવી પડતી. ને દાદા તો એ નાની હતી ત્યારેથી જ એને સેલ્યુટ મારતા.. એ સાતમાં આઠમમાં ભણતી અને થોડુક ઓછું સમજતી ત્યારે દાદાને કહેતી તે અર્ધદલી  ને હું ઓફિસર બનવાની છું એટલે મને સેલ્યુટ કરો ને દાદા દીકરીને લાડમાં સેલ્યુટ કરતા.

અંજલી જ્યારે પંદર વરસની થઈ ત્યારે થયેલ એક ઘટના પરથી હું સમજી ગઈ હતી કે એક દિવસ એ પરમવીર ચક્ર મેળવશે.

એક દિવસની વાત છે જ્યારે મારી તબિયત બહુ જ ખરાબ થઇ ગઈ હતી. મને એકાએક પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપાડ્યો હતો. એવો દુ:ખાવો કે પલંગમાંથી બેઠા થવુયે મુશ્કેલ થઇ ગયું હતું. એ દિવસે અંજલી મારી દેખભાળ કરવામાં લાગી ગઈ એના પપ્પાતો સરહદ પર હતા, દાદા રીટાયર હતા. ઘરે હતા પણ અમારી રાજપૂત કોમમાં લાજ પ્રથાનો રીવાજ હોય અને એમાયે એક સસરા પોતાની દીકરાની વહુની કેટલી સેવા કરી શકે? એક સ્ત્રીને શારીરિક પીડાના સમયે કોઈ અન્ય સ્ત્રી કે એનો પતી જ સાથ આપી શકે છે પણ અંજલીના પપ્પાતો ઘરથી દુર સરહદ પર હતા.

દિવસભર દાદા કપુરસિંહ લોકોએ જે દવાખાને જવાનું કહ્યું તે દવાખાને મને લઈને દોડ્યા. અહીથી ત્યાં ડોકટરો પાસે ચક્કર લગાવ્યા.

સાંજ સુધીની રખડપટ્ટી અને મહેનતબાદ સાંજે છ એક વાગે મારી તબિયત જરાક સુધરી એટલે અમે ઘરે આવ્યા.. દાદાનું શરીર હતું તો મજબુત પણ એમની ઉમરે એમને થકવી નાખ્યા હતા. ઘરે આવતા જ અંજલીએ ચા બનાવી એમને પાઈ. મારી તબિયત ઠીક હતી છતાં અંજલીએ મને જમવાનું ન બનાવવા દીધું. મને આરામ કરવાનું કહી એ જમવાનું બનાવવા રસોડામાં ચાલી ગઈ. જયારે રસોઈ બનાવી અંજલીએ દાદાને જમવા માટે બુમ મારી દાદા થાકને લીધે જમ્યા વિના જ સુઈ ગયા હતા. એમ પણ એ સાંજે હળવું જ જમતા અને એ દિવસે બહુ થાકેલા હતા એટલે એમને ઉઠાડી તો પણ  અડધો એક રોટલોયે માંડ ખાય તો ખાય… એટલે અમે એમને ઊંઘવા જ દીધા.

મેં જે ભાવ્યું તે ખાઈ લીધું, મને પણ ભૂખ ન હતી પણ અંજલીએ જીદ કરી કે તું ખાઈશ તો જ હું જમીશ… એટલે ન છૂટકે મારે પણ ચાર કોળિયા ભરવા જ પડ્યા.

જમ્યાબાદ બે એક કલાક બાદ જાણે અચાનક પેટમાં પથરો નાખ્યો હોય એમ લાગવા લાગ્યું.. મારા પેટમાં એકાએક દુ:ખાવો ચાલુ થઇ ગયો.. હું જાણતી હતી દાદા કપુરસિંહ રાતે ઓછું જોતા હતા અને આખા દિવસના થાકેલા પણ હતા એટલે મેં એમને જગાડવાનું વાજબી ન ગણ્યું.. હું એ દુખાવો સહન કરતી પડી રહી.. લગભગ બે એક કલાક સુધી હું એ દુ:ખાવા સામે લાગી પણ શરીરની સામે લડી નથી શકાતું મારા શરીરમાં ધીમે ધીમે તાવ પ્રસરવા લાગ્યો.. તાવ આવ્યા બાદ અડધા કલાકમાં તો હું કણસવા લાગી.. મને ખયાલ પણ ન રહ્યો કે હું એટલે મોટેથી ખાંસી રહી હતી કે અંજલી મારા બેડની પાસે આવી ગઈ હતી.

“મમ્મી શું થાય છે?” કહેતા અંજલિએ મારા માથા પર હાથ મુક્યો.

“કાંઈ જ નહિ દીકરા.” મેં કહ્યું.

“પણ તારું શરીર તાવથી ધખી રહ્યું છે.” અંજલીએ કહ્યું, એના અવાજમાં ચિંતા હતા.

“મેં ગોળી લીધી છે.. જમ્યા બાદ લેવાની ડોકટરે આપેલી ત્રણ ગોળીઓ ગળી છે હમણા ઠીક થઇ જશે. તું ચિંતા ન કર.” મેં કહ્યું.

“કેમ ચિંતા ન કરું? એ દવા પેટના દુ:ખાવા માટેની છે તું તાવથી કણસી રહી છે તારે તાવની દવાની જરૂર છે.”

“પણ હવે રાતના નવ થયા છે.”

“તો શું થયું નવ વાગે ક્યા મેડીકલો બંધ થઇ જાય છે. મહાલક્ષ્મી મેડીકલ તો રાતના દસ અગિયાર વાગ્યા સુધી ખુલ્લી હોય છે.” અંજલીએ દલીલ કરી.

“પણ દાદાની ઉમર તો જો એમને તો રાતે બરાબર દેખાતું પણ નથી.” મેં કહ્યું.

“પણ દાદાને મુકવાની જરૂર શું છે હું લઈ આવીશને.” અંજલીએ કહ્યું, તેના અવાજમાં એક મક્કમતા હતી.

“તું? તું આટલી મોડી રાતે એકલી જઈશ.. આ શેહેર છે તું નથી જાણતી શું?” મેં સવાલ કર્યો.

“અને મારે સરહદ પર જવાનું છે તું નથી જાણતી શું?” અંજલીએ સામો સવાલ કર્યો.

મેં એને ઘણી સમજાવી પણ આખરે મારે એની જીદ સામે હાર માનવી જ પડી.

“સંભાળીને જજે અને સંભાળીને આવજે.” મેં કહ્યું.

“ઠીક છે મમ્મી હું સંભાળીને જઈશ અને સંભાળીને આવીશ. તું નાહક ચિંતા ન કરીશ.” કહેતી એ મારા પાકીટમાંથી સોની નોટ લઈ ચાલતી થઈ.

એ અડધાએક કલાકમાં દવા લઈને આવી ગઈ, મને જરા સરખો પણ ખયાલ ન આવ્યો કે રસ્તામાં શું થયું હતું.

બીજી સવારે જ્યારે સમાચાર મળ્યા કે ગઈ રાત્રે કોઈ અજાણ્યી છોકરીએ બાઈક સવાર ત્રણ યુવકોના માથા ફોડી દીધા છે. હું બધું સમજી ગઈ કે એ ઘટના અમારા ઘરથી મહા લક્ષ્મી મેડીકલ જવાના માર્ગ પર જ થઇ હતી, એ ઘટના સાડા નવના આસપાસના સમયગાળામાં થઈ હતી. હું સમજી ગઈ કે એ અજાણ્યી છોકરી કોઈ અન્ય નહી અંજલી હતી..!!

“તે એમને કેમ માર્યા?” મેં અંજલીને એકલા ઘરમાં લઈ જઇ પૂછ્યું.

“એ મને દવા લઈને આવું ત્યારે વળતા રસ્તામાં મળ્યા હતા.. મને એમણે તેમના બાઈક પર બેસી જવા કહ્યું. એટલે મારે એમને મારવા પડ્યા.”

“પણ એમના બે ને ગંભીર ઈજાઓ થઇ છે એટલું બધું કરવાની શું જરૂર હતી?”

“કેમકે એ તારા વિશે ખરાબ બોલ્યા હતા, હું એ કઈ રીતે સાંભળી શકું?” અંજલીનો જવાબ સાંભળી હું સત્બધ બની ગઈ. હું સમજી ગઈ હતી કે એ માને કોઈ બોલે તે સાંભળી ન શકે તો ભારત માતાને કોઈ અપમાનિત કરે તે કઈ રીતે જોઈ શકશે. અને સાચે જ એવુ જ થયું, ગયા વખતે કાશ્મીરમાં થયેલ તોફાનોમાં અંજલી શહીદ થઇ ગઈ… એના બદલે એનું સપનુ જ પાછું આવ્યું.. એનું પરમવીર ચક્ર નું સપનું…!!

અંજલી તો અમર થઇ ગઈ પણ એની સમૃતિ રૂપી એ પીપળાનું વ્રુક્ષ અજર અમર ઉભું છે.

મારી અંજલીને અંજલી આપવા માટે એનાથી યોગ્ય કયું સ્થળ હોઈ શકે કેમકે એ સ્થળ સાથે એને એવો નાતો હતો જ્યારે ફોજના અફસરો એનું શબ સમ્માન ભેર લઈ આવ્યા ત્યારે તેમણે આખરી વિશામો આ ઝાડ નીચે જ લીધો હતો.. એની સવ પેટીને આ પીપળા નીચે જ મૂકી હતી જાણે કે તે જાણતા ન હોય કે એ ઝાડ અંજલી માટે કેટલું મહત્વનું હતું????

હું જાણું છું એ ઝાડ અંજલી માટે કેટલું મહત્વનું હતું, એ ઝાડ મારી અંજલીને કેટલું વહાલું હતું.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here