gujarati-story-andhkar

અંધકાર

ફરી એક વાર અનાયાસે જ એ શાળા આગળથી નીકળ્યો અને મારું બાઈક બ્રેક કરી ગયું. મારી નજર એ શાળાના બિલ્ડીંગ અને ગેટ ઉપર વારાફરતી સ્થિર થવા લાગી. મારા પગ મને ખેંચી ગયાં….. ગેટમાં પ્રવેશતા જ હું ફરી સોળ વર્ષનો નિકુંજ બની ગયો હોઉં જાણે! મારે એ જ યુનિફોર્મ પહેરેલો હોય અને કેન્ટીનની ભીડમાંથી નિલનો અવાજ આવતો હોય, “નિકલા, ભાભી આવે છે…..” અને હું જોઉં તો ખરેખર જાણે નેહા આવતી હોય….. ક્યાંક આડી નજરે મને જ જોતી! મનોમન હસતી….. મારી નજરથી છુપાવીને પાયલને ઈશારામાં કઈક કહેતી હોય.

 

આવું એ સમયે તો રોજ થતું. નીલ રિસેસના સમયે એક જ બૂમ પાડતો, “નિકલા, ભાભી આવે છે જો……” અને નેહા એ સાંભળી બહારથી ગુસ્સો પણ બતાવતી.

એ દિવસોમાં મને ભણવા કરતા નેહા વધુ ગમતી! સાચું કહું તો હું રોજ ક્લાસ એટેન્ડ એટલા માટે જ કરતો જેથી નેહાને જોઈ શકું! કદાચ નેહા પણ એવા જ ઈરાદાથી આવતી હતી.

બસ રોજ આમ ચાલ્યા કરતું….. હું નિલને ઠપકો આપતો, “નીલ, તું આ બધા ચેનચાળા રે’વાદે યાર પ્લીઝ”

“કેમ?” મોટી આંખો કરીને નીલ પૂછતો, “ડોન્ટ યુ લવ હર…..?”

“લવ ડજન્ટ મીન ટુ ગેટ ઓન્લી…….”

“અરે નિકલા સો ટકા એ ગળાડૂબ છે તારામાં….. પછી શું કામ એવો ચાન્સ ગુમાવે…..!”

” ભાઈ આપડે રહ્યા ગરીબ માણસ એ અમીર બાપની લાડલી હશે લિવ ઇટ…..”

“હોય કાઈ? નેહાને હું ઓળખું છું યાર. એ પણ આપણા જેવી જ છે. નો મની….. આ તો કુદરતની દયાથી દેખાવ એવો છે નેહાનો બાકી કાઈ પૈસાદાર નથી એ.”

હું વાત બદલી દેતો. હિન્દી ફિલ્મો જોઈને મને એક જ વાત સમજાઈ હતી કે માણસ પ્રેમમાં પડે એટલે જ હિરોઇનને મજબૂરી ઉભી થાય! વિલનની એન્ટ્રી થાય! અને હીરો બરબાદ! ના હું બસ આમ દૂરથી જ એને ચાહતો રહીશ નજીક જવામાં કોઈ ફાયદો નથી….. હું મનોમન નક્કી કરતો…. અને બસ એમજ મારુ જીવન ચાલ્યા કરતું હતું…..

અંતે બોર્ડની પરીક્ષાઓ લેવાઈ અને છેલ્લા પેપરમાં નેહા મારા જ ક્લાસમાં આવી. પેપર આપી હું નીકળ્યો ત્યારે નેહા મને બહાર મળી.

“નિકુંજ…..” નેહા બેફામ બોલનારી હતી પણ એ દિવસે એ ખચકાતી હતી……

“નિકુંજ આઈ વાંટ યુ ટુ બી માય પર્સનલ ફ્રેન્ડ…..”

વાદળ ખસી ગયું…… ઉનાળાની બપોરનો સૂરજ ઉઘાડો થઈ ગયો હોય એમ મને પરસેવો થવા લાગ્યો….. વર્ષોથી જે વાત હું કહી નહોતો શકતો એ બધું જ નેહા એ જાતે જ….. નદી આવીને સાગરને જાતે જ મળતી હોય એ દ્રશ્ય સાગર માટે આંખ ભીંજવનારું બની જાય એવો જ બસ હું અનુભવ કરતો હતો……

સમય વીતતો ગયો અને અમે અમારા સંબંધમાં આગળ વધતા ગયા….. બાળકોના નામ સુધી નક્કી કરી દીધા હતા….. અને અચાનક એક દિવસ નેહાએ કહ્યું…..

“નિકુંજ મને ભૂલી જજે હવે……”

“પણ કેમ? આ તું શું બોલે છે?”

“તે જે સાંભળ્યું એજ બોલું છુ હું….. મારા પેરેન્ટ્સે મારા માટે છોકરો જોયો છે અને થોડા દિવસોમાં મારા મેરેજ થઈ જશે…..”

“તો તે જે સપના બતાવ્યા એ? આપણા બાળકોના નામ? મારા જીવનમાં કરેલ પ્રકાશને ઓલવીને ફરી તું અંધકાર ભરી દેવા કહે છે? તે જે મને સુખ દુઃખમાં સાથે રહેવાનું કહ્યું હતું એ બધું?”

“સમય જતાં તું એ બધું ભૂલી જઈશ નિકુંજ. હું મજબુર છુ. હું કઈ કરી શકું એમ નથી….”

બસ મ….જ…બુ….રી…. ચાર અક્ષરો કહી એ બધો ભાર ઉતારીને ચાલી ગઈ હતી….. અને મારા જીવનમાં ફરી એક અંધકાર છવાઈ ગયો હતો…..

નીલ મને સમજતો હતો એટલે એ મને એ સમયે ખૂબ સાથ સહકાર આપતો. રવિવારે મને બળજબરીથી ફરવા લઈ જતો પણ મારું મન નેહા નામના ભૂતકાળને જ ગોળ ગોળ ફેરવ્યા કરતું હતું…..

સમય વીતતો ગયો અને હું એન્જીનીયર બની ગયો પછી તો ધંધામાં લાગ્યો એટલે ભૂતકાળ ભૂલવા લાગ્યો….. એ બધા દ્રશ્યો ઉપર એક આછો પરદો છવાઈ ગયો…. પણ મારા નસીબમાં એનાથી પણ વધારે એક દુઃખ લખેલ હતું…. એ દિવસે રવિવાર હતો અને હું ફરી નેહા નામના ભૂતકાળમાં જઇ આંખો રૂપી વાદળોથી એ સુસ્ક ભૂતકાળમાં વરસાદ વરસાવતો હતો કે અચાનક નીલ ઘરે આવ્યો…..

“હાય બ્રો…..”

જટ જટ આંખો લૂછી મેં દરવાજો ખોલ્યો…..

“નિકલા ચલ ફરવા…”

“ના યાર, આજે નહિ મારી તબિયત ખરાબ છે….”

“અરે ભાઈ તારા કામમાં તું દોસ્તને તો સાવ ભૂલી જ ગયો છે કમસેકમ રવિવાર તો કમ્પની આપ…”

“નીલ તું દર રવિવારે આજ શબ્દો કહીને લઈ જાય છે પણ મને આ અઠવાડિયે ઓવર ટાઈમનો લોડ છે પ્લીઝ….”

“ઓકે સી યુ….” કહી નીલ એના હસમુખ ચહેરાને ઉતારીને ચાલ્યો ગયો…

હું ફરી મારા ભૂતકાળના સ્મરણોમાં ખોવાઈ ગયો અને ક્યારે આંખ મળી એ ખબર ન રહી…..

હું જાગ્યો ત્યારે સતત ફોનની ઘંટડી વાગતી હતી….. સોફામાં ગૂંચળું વળેલ મારા શરીરને શક્તિ આપી ઉભો થયો.

“હા કોણ….?”

“હું ….. હું નિલની સિસ્ટર પ્રિયા. નિલનો એક્સિડન્ટ થયો છે. તું જલ્દીથી સિવિલ હોસ્પિટલ આવ એ તને મળવા માંગે છે….”

હું મારા ચોળાયેલાં કપડામાં ઘર ખુલ્લું મૂકી ભાગ્યો…. સદનસીબે ટેક્સી ઝડપથી મળી ગઈ… પણ હું લેટ પડ્યો…. હું પહોંચ્યો ત્યારે નીલ …… એનો એ હસમુખ ચહેરો બધા ભાવ સમેટી ગયો હતો….. એના પિતા અને પ્રિયાનું રુદન ક્યાંય એના હૃદયને સ્પર્શતું સુદ્ધાં ન હોય એમ એ સૂતો હતો……

હું એની પાસે ભીની આંખે બેઠો….. શુ કહું? ના કોઈ શબ્દો હતા જ નહીં…. એક અફસોસ હતો માત્ર…. કાસ….. કાસ હું તારી સાથે ફરવા આવ્યો હોત નીલ……. પણ કોને કહું…… હું બસ ચુપચાપ બેસી રહ્યો…..

રડતી પ્રિયા મારા હાથમાં એક પરબીડિયું મૂકી ચાલી ગઈ. ઉપર લખેલું હતું, “આ લેટર તું આપણી શાળામાં જઈને જ ખોલજે દોસ્ત…..”
મેં પરબીડિયું ખિસ્સામાં મૂકી દીધું. નિલના વૃદ્ધ માં બાપને હું ઘરે લઈ ગયો. પ્રિયાને મેં હિંમત આપી. કોઈ કરનારું ન હતું એટલે બાર દિવસની વિધિમાં હું હાજર રહ્યો. નિલના માં બાપ અને પ્રિયાના રુદનમાં, નિલની એ છબીમાં જોઈ વિચારતો ફરી મારા જીવનમાં આ અંધકાર કેમ?

અને આજે આ શાળામાં આવ્યો એટલે તરત એ પરબીડિયું યાદ આવ્યું…. શુ હશે એમાં? શાળામાં ખોલવાનું કેમ કહ્યું હશે?

મેં તરત ખિસ્સામાંથી પરબીડિયું નીકાળ્યું. અંદરથી કાગળ નીકળ્યો અને એમાં નિલના એજ અક્ષરો…..

“પ્રિય મિત્ર કમ ભાઈ નિકલા….

નેહા તારા લાયક હતી જ નહીં એ મને ખબર પડી ગઈ હતી. મને ખબર હતી કે તારી આગળ પાછળ તારી વૃદ્ધ માં સિવાય કોઈ નથી એટલે તને એ કહેવું યોગ્ય રહેશે નહીં. ત્યારે આપણી ઉંમર જ એવી હતી ને યાર….. ગરમ ખુન… તું ક્યાંક હોશ ખોઈને કઈક ઉલટું કરી બેસે તો? એ ડરને લીધે મેં તને કહ્યું જ નહીં કે નેહા કેરેકટર લેસ છોકરી છે અને એને શાળા બહાર ઘણા સંબંધો છે…. પણ મેં નેહા ને જ કહ્યું કે નિકુંજને બ્લડ કેન્સર છે અને તને તો ખબર જ છે કે હું સારો એકટર છું એટલે નેહા માની પણ ગઈ અને મારા કહ્યા મુજબ એ તને જાતે જ છોડીને ચાલી ગઈ……

મને ખબર હતી કે તું એને ક્યારેય ભુલિશ નહિ કેમ કે તારું દિલ જ સાલું રૂ જેવું છે પણ દોસ્ત હવે હું નથી બચવાનો એટલે આ બધું તને કહેવું જ રહ્યું….. મારા કાકા અને સમાજના લોકો મારી બહેનને પૈસા લઈને ક્યાંય ખોટી જગ્યાએ મેરેજ કરાવશે એ મને ખબર છે. આમ તો મેં તારી બીમારીનું ખોટું બહાનું કરીને તને દુઃખ આપ્યું છે પણ મને આશા છે કે તું મને સમજીશ દોસ્ત….. શક્ય હોય તો પ્રિયા સાથે તું મેરેજ કરી લેજે નહિ તો મારા સગાઓ એને ખોટી જગ્યાએ પરણાવી દુઃખમાં મુકશે દોસ્ત……

તારો લંગોટિયો….. નીલ……”

અંધકાર…. ક્યાંય કઈ ન દેખાય એવો અંધકાર….. દૂર દૂર સુધી કાળું અંધારું ને હું એકલો….  કોઈ ઊંડી અંધારી ખીણમાં હું પછડાઉ જાણે….. નીલ…. નીલ…… ના ક્યાંય અવાજ નો કોઈ ઉત્તર વળતો નથી બસ એ અંધારી ખીણમાં મારો જ પડઘો પડતો હોય….  ક્યાંય મારા આંસુ પાડીને એ અંધારી ખાઈમાંથી એકાદ અવાજ ઉત્પન્ન કરતા હોય બસ….

હું ક્યાંય સુધી એ શાળામાં બેસી રહ્યો…. રીસેસ પડી કેન્ટીનમાં ટોળું થઈ ગયું…. મારી નજર બાળકો ઉપર સ્થિર હતી…. કૈક શોધતી હતી…. પણ ના ક્યાંય નીલ નથી….. ક્યાંય એ વેફર લઈને આવતો નથી દેખાતો….. ક્યાંય એની એ બુમ નથી ….. છે તો બસ મારી ભીની આંખો અને ઊંડાણમાંથી રહી રહી ને આવતા ડુસકા……

અંધકારના પેલે છેડે ક્યાંક એક સફેફ વસ્ત્રોમાં એક યુવતી પણ મારી જેમ જ રડે છે….. અરે હા એ તો પ્રિયા છે…..

હું બસ નીકળી પડ્યો….. બાઈક સીધુ જ નિલના ઘર તરફ જવા લાગ્યું….. ના પ્રિયાને હું ક્યાંય દુઃખી નહિ થવા દઉં દોસ્ત…… નીલ…… પ્રિયાના જીવનમાં હું અંધકાર હટાવીશ અને અજવાળું કરીશ નીલ……. વિચારો સાથે બાઈક નિલના ઘર સુધી જવા ઉતાવળ કરતું હતું…….

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

2 Replies to “અંધકાર”

Comment here