ભુતબંગલો

ભુતબંગલો

 

ઘોર અંધકાર હતો. એ કાજળ જેવી કાળી રાત જાણે પોતાની તરુણાવસ્થા વટાવીને યુવાનીના ઉંબરે પહોચી હોય એવી યુવતી જેવી ચંચળ લાગતી હતી. એનું રૂપ પૂરું ખીલ્યું હોય એમ લાગતું હતું. એના અંધકારમાં એવું કામણ હતું કે ક્યાંક જોનારની આંખને એના કાળા રૂપને છોડીને અન્ય કાઈજ નજરે નહોતું ચડતું.

ચંચળ યુવતીના મોહમાં ડુબેલાને એ યુવતી સિવાય અન્ય કાઈજ નથી દેખાતું. એવી જ રીતે એ રાતમાં ખોવાઈ જનારને એ રાતના અંધકાર સિવાય કાઈજ દેખાય એમ નહતું.  હું એ અંધકારમાં ખોવાયેલો ન હતો કારણ કે હું એના મોહ્પાસમાં જકડાયેલ ન હતો. મારી પાસે અહી આવવા માટે એક અલગજ કારણ હતું. એક અલગજ હેતુ હતો.  એ રાતનેય એનો અંદાજ આવી ગયો હોય કે હું એ મધુરાણીના મોહ્પાસમાં નથી જકડાયેલો. મને અંધ બનાવવા એણીએ એના દરેક સારા નરસા કામમાં સાથ આપનાર કાયમના સાથીની મદદ લીધી. વરસાદ! એના દરેક કાળા કામમાં આંખો બંધ કરીને સાથ આપનાર એ સાથી આંખો બંદ કરીને વરસવા લાગ્યો.

હવે મારી સામે ઘોર અંધારું અને ઉપર ધોધમાર વરસાદ હતો. આખું આકાશ કાળાશને લપેટીને બેઠું હતું. જાણેકે આજે તો બધાએ નક્કી કરી લીધું હતું કે મને શરતમાં હરાવવોજ છે. બસ કોઈ મારો સાથ આપનાર હતું તો એ કાળાશના પડદાને ક્યાંક ક્યાંકથી ઉભો ચીરતી એ વીજળીની તલવાર! એ અંધારાની મરણચીસ જેવી ગર્જનાઓ સંભળાતી હતી. પણ હું એ  બધું જોવા કે સાંભળવા અહી નહોતો આવ્યો.

મારું ધ્યાન મારી સામે રહેલા ભૂતબંગલા પર હતું. એ ચારે બાજુ વ્રુક્ષોથી ધેરાયેલો હતો. એના બાજુમાં રહેલા એના જેવા જ જીર્ણ થયેલા એક વિશાળ વ્રુક્ષ કે જેની ડાળ ઉપર કે થડ ઉપર ક્યાય લીલાશના દર્શન દુર્લભ હતા. એના પર પાંદડા હોવાની તો વાતજ નહતી. બસ એ ધોધમાર વરસાદમાં અંધારાની કાળી પછેડી ઓઢીને નહાવાનો આનંદ માણતા એ વ્રુક્ષ પાસે એકજ સાથીદાર હતો. એની ડાળ પર ઠુંઠવાઈને બેઠેલ એક ઘુવડ. એની પંખો પલળી ગઈ હતી કે પછી એ તેના ખખડધ્ધજ મિત્રને એકલો છોડીને જવા નહતું માંગતું. કોણ જાણે કેમ? પણ એ પેલા ભૂત બંગલાની એક બારી કે જેમાંથી મીણબત્તીનું અજવાળું દેખાઈ રહ્યું હતું એ તરફ જોઇને બેઠું હતું. કદાચ એ ત્યાં જવા માંગતું હતું. કદાચ તેના મનમાં મનોમંથન ચાલતું હતું કે પોતાના જુના સાથીને છોડીને ત્યાં જવું જોઈએ કે નહિ?

મેં નજર આમતેમ ફેરવી પણ આખરે મારુય ધ્યાન એ બારી પર ગયું. એ બારીને છોડીને બાકીની કોઈ જ  બારીમાંથી પ્રકાશ નહતો આવતો. બધેજ અંધારું હતું. એ બારી પાસે વરસાદથી બચવા બેઠેલ કબુતરોનું ટોળું એક દમ ઉડ્યું. તેઓ બધા એક સમાંટા ઉડયા. જાણેકે એમને હવે એ બારીના આશરાની જરુર નહતી. પણ ના, એવુતો ન હતું. વરસાદ હજુયે ચાલુ હતો ને એમને હજુયે એ બારીના આશરાની જરૂર હતી. તો પછી કેમ? કેમ એ પારેવાનું ટોળું એ આશ્રય છોડી ગયું? શું એમને કોઈ અદશ્ય શક્તિની હાજરીનો એહસાસ થયો હશે? શું  ખરેખર ત્યાં કોઈ અદશ્ય શક્તિ આવી પહોંચી હતી? જો હા, તો કેમ? શું એ ઘરમાં જવા માંગતી હતી? પણ ના, એવું ન હતું. મને યાદ આવ્યું કે રમેશે તો મને કહ્યું હતુ કે એ બંગલામાં એક ભૂત છે. એ બંગલાની બહાર નથી નીકળી શકતું. એ શાપિત છે. તો પછી અહી આ અન્ય અદશ્ય શક્તિ ક્યાંથી હોઈ શકે?

હું એ ભુતબંગલાથી થોડેક દુર આવેલી ઝાડીમાં છુપાયેલો હતો. મને આ ગામમાં આવ્યે હજુ ત્રણ મહિના થયા હતા. મેં રાધનપુરની જે.એમ. હાઈસ્કુલમાંથી બારમું ધોરણ પાસ કર્યું હતું. આમતો બધા સામાન્ય રીતે પાંચ વરસની ઉમરે ભણવા બેસે ને બારમું ધોરણ પાસ કરે ત્યારે એમની ઉમર સત્તર વરસની થાય. પણ મારા માતા પિતા ગામડાના હતા. રાધનપુરમાં મેહનત મજુરીનું કામ કરીને રોટલો રળનારા વર્ગમાં એમનો સમાવેશ કરી શકાય. એ વર્ગના માણસો માટે દીકરાને ભણાવવા કરતા ખવડાવવું મહત્વનું હોય છે! એટલે એમણે મને પાંચ વરસનો છોકરો ભણવા માટે નાનો પડે એમ સમજીને છ વરસે ભણવા બેસાડેલ.  હું મન લગાવીને ભણેલ ને બારમાં ધોરણમાં સારું પરિણામ લાવ્યા બાદ ગવર્મેન્ટ પરિક્ષાની તૈયારીમાં લાગી ગયેલ.

પિતાજીને લોકોને ત્યાં ઓછી રકમના પગારે કામ કરતા જોયેલ એટલે ભણવામાં મેહનત કરતા જોર ન પડ્યું.  હું સમજતો હતો કે જો સરકારી નોકરી ન મળી તો એજ પિતાજીના પ્લમ્બર ના ઓજારો મારા માટે રાહ જોઈ રહ્યા છે. પણ મને નહતું લાગતું કે મારા હાથ પિતાજીના હાથ જેટલી મજુરી કરવા સક્ષમ હતા. મેં દિવસ રાત વાંચન કરીને પોસ્ટની પરિક્ષા પાસ કરી ને રેવાપુરમાં ટપાલી તરીકે નોકરી મેળવી જીવન વિતાવવા લાગ્યો.

મારા મનમાં કોઈ અદ્રશ્ય  શક્તિ આ બંગલામાં છે એવા વિચારો આવ્યે જતા હતા. હું એમને વાળી જુડીને મારા મનમાંથી બહાર કાઢી નાખતો હતો. હું એ ભૂત બંગલા તરફ આગળ વધ્યો. ક્યાંક અંદરથી મારું મન મને એ તરફ જવાની ના પાડી રહ્યું હતું. એક તરફ વર્ષોથી મનમાં અંધશ્રદ્ધામાં ન માનવાની જે લાગણી હતી એ ત્યાં જવા માટે પ્રેરી રહી હતી. પિતાજીને અને મા ને આવા ખોટા શુકન અને અપશુકન, વહેમ વેગેરેમાં માનતા જોયેલા. ત્યારથી નક્કી કરી લીધેલું કે ગામડામાં મોટા થયેલ અભણ અને મજુરવર્ગના માણસો અંધશ્રધામાં માને. અને મને નોકરી મળ્યા પછી હું મારી જાતને ભણેલ અને સભ્ય વ્યક્તિ માનવા લાગ્યો હતો. એક મજુરના છોકરા માટે સરકારી નોકરી બહુ મોટી વાત કે’વાય. પછી ભલેને એ સાત હજાર પાંચસોના ફિક્ષ પગારની હોય!

મારી બુદ્ધિ મને ત્યાં જતા રોકી રહી હતી તો મારો અહંકાર મને ત્યાં જવા પ્રેરી રહ્યો હતો. મજબુર કરી રહ્યો હતો એમ કહો તોય ચાલે. તમે સાંભળ્યું હશે કે ઇન કોન્ફ્લીક્ટ બીટવીન ઈગો એન્ડ પૃડેન્સ ઓલવેઝ વિન્સ. પણ મારી બાબતમાં એ ખોટું પડ્યું મારો અહંકાર મારી બુદ્ધિ સામે જીતી ગયો, એટલે કે મારામાં બુદ્ધિ કરતા ઈગો વધારે હતો એમ કહીએ તોયે ચાલે.

મેં ફરી એકવાર ચારેતરફ નજર દોડાવી. બધુજ સુમસામ હતું. ક્યાંક કોઈજ ફેરફાર ન હતો પેલું ઠુંઠા જેવું ઝાડ ત્યાજ હતું ને એના પર બેઠેલ ઠુંઠવાયેલ ઘુવડ પણ ત્યાજ હતું. એ ઘુવડની આંખો હજુયે એ ભૂતબંગલાની પેલી બારી પર સ્થિર હતી જ્યાંથી આછું અજવાળું આવી રહ્યું હતું.

હું હિંમત એકઠી કરીને એ તરફ ચાલવા લાગ્યો. મારે શરત  જીતવી હતી.  હું ઓફીસમાં હમેશા અંધશ્રદ્ધાનો વિરોધી રહ્યો હતો અને એજ બાબતે અમારી પોસ્ટ ઓફીસમાં હમણા નવા આવેલ પટાવાળા રમેશ સાથે મારે શરત લાગેલી કે ભૂત બુત કઈ ના હોય અને એ શરત મુજબ હું આ મહેલની મુલાકાતે આવી કાળી રાતે આવ્યો હતો.

હું ધીમેથી પેલી બારી તરફ ખસવા લાગ્યો. મારા મનમાં એક અદમ્ય ડર હતો. કોણ જાણે શેનો? જેમ જેમ હું બારીની નજીક જવા લાગ્યો તેમતેમ બારીમાંથી આવતું અજ્વાળું વધવા લાગ્યું.  હું બારીની એકદમ નજીક ગયો અને બારી બહાર ઉભો રહી અંદર જોવા લાગ્યો. મને અંદર બેડ ઉપર એક વ્યક્તિ સુતેલી દેખાઈ. છ બાય છ ના એક ભવ્ય બેડ પર એ વ્યક્તિ સુતેલી હતી. એક પાતળા બાંધાની વ્યક્તિ એનો ચેહરો મને ના દેખાયો કારણ કે એ બીજી તરફ જોઇને સુતી હતી. તેના બેડ પાસે રહેલ એક ત્રણ પાયા વાળા મેજ પર એક ચશ્માં અને પાકીટ મુકેલા હતા. કદાચ એ ચીજો બેડ પર સુતેલ એ વ્યક્તીની જ હશે. અચાનક  મને લાગ્યું કે હું એ ચશ્માં અને પાકીટને ઓળખું છું! મેં એ ચીજો પેહલા પણ જોયેલ હતી. એ પાકીટ અને એ ચશ્માં રમેશના હતા. એજ રમેશ જેની સાથે મેં શરત લગાવી હતી. એજ રમેશ જે છેલાં એક અઠવાડિયાથી અમારી પોસ્ટ ઓફિસમાં કામ કરતો હતો.

હું સમજી ગયો કે રમેશ મને ડરાવવા માંગે છે અને ખરેખર પણ હું ડરી ગયો હતો. જે વ્યક્તિને હું પાંચજ દિવસથી ઓળખતો હતો એના કહેવાથી અહી આવવા બદલ મેં મારી જાતને કોસી.  હું ડરી ગયો. મેં કાંઈજ વિચાર્યા વિના ત્યાંથી દોટ મૂકી. જયારે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે રાત્રીના બે વાગ્યા હતા. હું પરસેવાથી રેબ જેબ હતો. રમેશે મને ત્યાં કેમ બોલાવ્યો હશે એ વિચારો સાથે હું સુઈ ગયો.

બીજા દિવસે ઉઠવામાં જરાક મોડું થઇ ગયું. હું ફટાફટ તૈયાર થઈને પોસ્ટ ઓફીસ ગયો. જઈને સીધો જ રમેશને શોધવા લાગ્યો પણ મને રમેશ ક્યાય દેખાયો નહિ!!!!!  મારા મનમાં વિચારો ચાલતા હતા કે એ મળી જાય તો સાળાને ધમકાવી જ નાખું. મને એ સમયે એના પર કેટલો ગુસ્સો હતો એ કહેવું અશક્ય છે!!!!! એ મને ક્યાય દેખાયો નહિ એટલે મેં  મારા બાજુની ચેમ્બરમાં બેસતા બાબુકાકાને પૂછ્યું, “આજે રમેશ કેમ દેખાતો નથી?”

એ મને વિશ્મયથી જોતા રહ્યા. મેં  ફરી પૂછ્યું, “બાબુકાકા રમેશ કેમ દેખાતો નથી?”

“કોણ રમેશ?” બબુકાકાએ મને જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન કર્યો.

“રમેશ આપણો પટાવાળો.” મેં કહુયું.

“આપણી પોસ્ટ ઓફીસમાં એકજ પટાવાળો છે ને એનું નામ મનું છે. મેં હજુ સુધી કોઈ રમેશ નામના પટાવાળાને આ પોસ્ટ ઓફીસમાં જોયો નથી.’ બબુકાકાએ જવાબ આપ્યો.

“તમે ગાંડા થઇ ગયા છો કે શું કાકા?” મેં કંટાળીને કહ્યું.

“મને ધોળા આવી ગયા છે આ ઓફિસમાં પણ મેં તો કોઈ રમેશ નામનો પટાવાળો સાંભળ્યો નથી!!!!!”  બબુકાકાએ કહ્યું….

એમનો જવાબ સાંભળી મારું હૃદય ધબકારો લેવાનું ચુકી ગયું. મારા કપાળે પરસેવો વળવા લાગ્યો!!!!! મને શ્વાસ લેવામાયે તકલીફ પડવા લાગી. હું ઝડપથી એ ચેમ્બરની બહાર ગયો.

અન્ય ટપાલીઓને પણ રમેશ વિશે પૂછ્યું પણ એ કોઈજ એને ઓળખાતા ના હતા. મારું મન ફરી વિચારોમાં ખોવાઈ ગયું. રમેશના વિચારોમાં!!!!!  કોણ હશે એ રમેશ? પણ મારી પાસે જવાબ ન હતો…..!!!!!! માત્ર રમેશ પોતે જ એ જવાબ આપી શકે. પણ રમેશ ફરી મને ક્યારેય એ પોસ્ટઓફિસમાં દેખાયો જ નહિ!!!!! ને એને સવાલ પૂછવા પેલા ભૂત બંગલામાં જવાની ક્યારેય મારી હિંમત થઇ નહિ. આ વાતને અગિયાર વરસ થઇ ગયા છે. આજે હું પોસ્ટ માસ્ટર છું. જયારે પણ પટાવાળો મને પાણી આપવા આવે ત્યારે એના ચેહરા તરફ જોઉં છું. પણ એ મનુડો કે પછી કોઈ બીજો વ્યક્તિ હોય છે પણ રમેશ નહિ.…..!!!!!!!!!!!!!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here