એ સમયે મારો લંગોટિયો મિત્ર રાહુલ શનિ રવિ મને મળવા મારા ઘરે આવતો. રાહુલનો પરિચય ટૂંકમાં આપવો બહુ મુશ્કેલ છે કેમ કે લાંબા સમય સુધી હુ જ એને નહોતો શમજી શક્યો.
શરમ વગર આવીને એ બા ને કહેતો, “બા મેગી બનાવી દો ભૂખ લાગી છે.” એ મારી મમ્મીને બા કહીને બોલાવતો ને મમ્મી પણ એનું સગા દીકરા જેવું રાખે.
રાહુલ આખા બોલો અને પ્રેમાળ સાથે સાથે સમજુ પણ ખરો. એને ખબર કે હું મધ્યમવર્ગનો એટલે આવતી વખતે મેગીના ચાર પેકેટ, એક છાસની થેલી અને એક દૂધની થેલી સાથે લઈને જ આવતો.
“લ્યા તું સમજે છે શું? હું કઈ ભિખારી છું?” હું ચિડાઈને કહેતો. એ વખતે મારામાં જરાક ઘમંડ કે આપણને કોઈ નીચો શું કામ સમજે?
“એમાં સમજવાનું શુ? છે તો છે!” એ નફ્ફટની જેમ મને સંભળાવી દેતો ને અમારા વચ્ચે મગજમારી ચાલુ થઇ જતી. મગજમારી મારામારીનું રૂપ ક્યારેય ન લેતી કેમકે ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં બા ગરમ ગરમ મેગીની બે ડિસ લઈ આવતી.
રાહુલ ટેશથી ખાવા લાગી જતો. એમતો એના પૈસાની લાવેલ મેગી મને મારુ અપમાન લાગતું એટલે હું ખાવા ન માંગતો પણ એ એવી રીતે મેગીની ચમચી મોઢામાં મૂકીને ઉપર ડુંગળીની કાતરી ખાતો ને કહેતો “અહં શું ટેસ્ટ છે. આ તો ભાઈ નસીબદરને જ મળે……” હું ઈર્ષ્યાથી બળી જતો.
મારી બા એ બનાવેલ મેગી નસીબદરને મળે એટલે જો હું ન ખાઉં તો હું બદનસીબ કહેવાઉં અને એ નસીબદાર થઈ જાય એ ઇર્ષામાં હું આખી ડિસ એના કરતાં પહેલાં જ પુરી કરી દેતો…….
આમ તો ઘણીવાર આજ શબ્દો અને આજ દ્રશ્ય ખડું થતું.
એ દિવસે પણ એવું જ થયું હતું. મેગી પ્રોગ્રામ પતાવી દસેક મિનિટ પછી રાહુલે બાને કહ્યું, “બા તો ચા બનાવી દો હવે એટલે પી ને હાલતીનો થાઉં! અહીં મન વગર ઘણું બેસવું મને નઈ ગમે!” મારા સામે જોઇને દાંત કાઢી એ બોલ્યો.
હું ચૂપચાપ બેસી રહ્યો. થોડીવાર પછી બા ચા લઈને આવી. બન્નેને એક એક કપ ચા આપી.
હું તો પાંચ મિનીટ માં ચા પી ગયો પણ રાહુલની ચા ઠરી ગઈ છતાએ મને ખીજવવા રાહુલ ધીમે ધીમે પણ આવાજ થાય એમ એ ઠંડી ચાની ચુસ્કીઓ ભરતો નખરા કરવા લાગ્યો. મને એવી દાજ ચડી કે મારા હાથમાં રહેલ કપ મેં એને છુટ્ટો માર્યો.
કપ રાહુલને માથા ઉપર વાગ્યો અને ફૂટી ગયો. રાહુલ નારાજ થઈને ચાલતો થયો. જતા જતા કહેતો ગયો, “એક દિવસ યાદ કરીશ.”
એ ગયો પણ બા મને કાઈ બોલી નહિ કેમ કે બા જાણતી હતી કે હું સ્વભાવનો ગરમ. પણ ખરું કહું તો મનેય અફસોસ થયો હતો. મેં રાહુલના લોહીથી ખરડાયેલો એ કપ લઈને મારી તિજોરીમાં મૂકી દીધો.
એ પછી ત્રીજા શનિવાર સુધી રાહુલ આવ્યો જ નહીં! પણ હું હતો છેક જ ઘમંડી એટલે સામેથી હું એની માફી માંગવા ન ગયો. બા એ મને ઘણો સમજાવ્યો પણ મેં કહી દીધું, “આપણે તો કેટલાય ભાઈબંધ છે એક રાહુલ ઉપર છાપ નથી મારી.”
મનમાં તો મને પણ ખબર હતી કે રાહુલ જેવો બીજો એકેય ભાઈબંધ નથી છતાં બા આગળ અને ખુદના અભિમાન આગળ વટ રાખવા હું એ દિવસ પછી બીજા ભાઈબંધો સાથે ફરવા લાગ્યો.
ચોથા શનિવારે હું સવારથી જ બીજા મિત્રોને મળવા નીકળી પડ્યો. સાંજે ઘરે આવ્યો ત્યારે બા ઉદાસ બેઠી હતી.
“શુ થયું બા?” મને ચિંતા થઈ આવી.
“રાહુલ આવ્યો તો વિકી.” બા એ જુકેલો ઉદાસ ચહેરો ઉઠાવી કહ્યું.
“તો? ચા પાઈને મૂકી દેવો હતો ને.”
“એ રોજની જેમ મેગી છાસ ને દૂધ લઈને જ આવ્યો હતો.” બા એ કહ્યું.
“અને ખાઈને ગયો હશે રોજની જેમ જ.” મેં બાઇકની ચાવી ઉછાળતા કહ્યું.
“ના એણે તારું પૂછ્યું ને મેં કહ્યું બહાર ગયો છે એનું કાઈ નક્કી નથી હમણાં હમણાંથી બહાર જાય છે ને સાંજે કે રાત્રે મોડો આવે છે.”
“પછી?”
“પછી એણે કહ્યું. બા મને અમેરિકામાં કોમ્પ્યુટર ટેક્નિશિયનની નોકરી લાગી છે. આજે સાંજે નીકળવાનું હતું એટલે આ મેગી છાસ ને દૂધ લઈ આવ્યો હતો છેલ્લીવાર વીનું સાથે બેસીને ખાવા.” એટલું કહેતા તો બાની આંખો માંથી પાણી આવી ગયું.
“તો પછી તે એને બનાવી આપ્યું કે નઈ?” હું પણ થોડો ઇમોશનલ થઈ ગયો.
“ના બેટા. રાહુલને મેં ઘણો આગ્રહ કર્યો પણ એણે કહ્યું બા નાસ્તો તો બજારમાં શુ શું નથી મળતો? ને મારે ક્યાં પૈસા ખૂટે છે? આ તો વીનુંને હેરાન કરીને તમારા હાથનું ખાવા મળે એની મજા લેવા આવતો હતો.”
“એટલું કહી રાહુલ ચાલ્યો ગયો.” ને એટલું કહી બા પણ રસોઈ બનાવવા ચાલી ગઈ.
હું છત ઉપર ગયો, ફોન નીકાળી રાહુલનો નમ્બર ડાયલ કર્યો. નવ સાત આંઠ… મારું મગજ જાણે કે કામ કરતુ બંધ થઇ ગયું હતું કે મારા હાથ ઢીલા પડી ગયા હતા. મારાથી બે વાર ખોટો નંબર ડાયલ થઇ ગયો. એવું લાગતું હતું જાણેકે મારી આંગળીઓ પણ જીદે ચડી હતી એમનેય મારી જેમ ઘમંડ હતો ને એય આજે સાચા આંકડા દબાવવા નહોતી માંગતી. પણ આજે મારામાં તો ઘમંડ ક્યાય નહતો તો થયું શું ફરી મેં ખૂટતા બટન દભાવી ફોન નંબર મેળવ્યો.
“હેલો રાહુલ.”
“હા ભાઈ બોલ.” સામે છેડેથી આવાજ આવ્યો. એજ નરમ અને પ્રેમાળ આવાજ.
“સોરી યાર.” મેં કહ્યું, કદાચ જીવનમાં પેહલી વાર કોઈની સાચા દિલથી હું માફી માંગી રહ્યો હતો.
“ઇટ્સ ઓકે.” તેના અવાજમાં એજ મધુરતા હતી જે મધુરતા હું વર્ષોથી ઓળખી ન હતો શક્યો.
“ક્યારે આવીશ હવે?”
“હવે તો પાંચ વર્ષે આવીશ ભાઈ. ખબર નઈ ક્યારે મેગી જોઇશ ને ક્યારે તને ખીજવીશ.”
“પણ દોસ્ત…” ફોન કપાઈ ગયો. હું હલો હલો કરતો રહ્યો પણ રોમિંગમાં મારુ બેલેન્સ પૂરું થઈ ગયું. બીજી તરફ રાહુલ ફ્લાઈટમાં અમેરિકા તરફ જતો હતો ને આ તરફ મારી આંખમાંથી આંસુનો વરસાદ છૂટ્યો.
મને એ દિવસ દિવા જેવો સ્પષ્ટ યાદ છે. આજ સુધી હું એ એકેય પળ નથી ભુલ્યો. આજે પાંચ વર્ષ થઈ ગયા છે એ વાતને. આજે રાહુલ ત્યાંથી નીકળવાનો છે એટલે મેં એ તિજોરી ખોલીને પેલો તૂટેલો કપ બહાર નીકાળ્યો છે. કદાચ એ કપ મારા માટે કોઈ મિત્રે આપેલી મોઘી ભેટ થીયે મુલ્યવાન બની ગયો છે. એને સાચવીને રાખ્યો છે પણ મને ખુદનેય ખબર નથી કે કેમ?
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’
પીન્ક સીટી, રાણપુર રોડ,
ડીસા – ૩૮૫૫૩૫
Very nice…👌