gujarati short story by vicky trivedi

શરાબી

નિશાએ મારાથી ઝઘડો કર્યાને હજુ ક્યાં ઘણો સમય થયો જ હતો? આજે ગુરુવાર હતો ને હજુ અમે બે દિવસ પહેલા જ મંગળવારના દિવસે તો ઝઘડ્યા હતા.  એ ઝઘડો પણ કેવી નાનકડી વાત પર હતો એનું કેવુ હતું કે રમણલાલ ઉછીના લઈ ગયા એ પૈસા પાછા નથી આપ્યા પણ મને યાદ હતું કે એમણે એમના મહેતા ભેગા એ મોકલાવી દીધા હતા.

એ વાત તો જવાદો. આજે તો નિશાએ હદ જ કરી નાખી. એને સવારે શાળામાં જવાનું મોડું થયું એ બદલ પણ એ મને જવાબદાર ઠેરવવા લાગી. એનું કહેવું એમ હતું કે હું મોડો ઉઠું તો મને ચા પાણી કરાવી શાળાએ જવામાં એને મોડું થઈ જાય છે. મેં એને કેટલીયે વાર કહ્યું હતું કે જો હું મોડો ઉંઠું તો તારે શાળાએ જતા રહેવું. હું જાતે ચા બનાવીને પી લઈશ. પણ ના એ માને તો નિશા શેની?

“તમે ચા બનાવીને નહિ પીવો કે સવારનો નાસ્તો ય નહિ કરો. બજારમાં ચા પી લેશો એ તમારી હેલ્થ માટે સારું નહિ.” એ શાળાની શિક્ષિકા મટી ડોક્ટર બની જાય ને બસ વળગી જાય મને સલાહ આપવા.

દરેક વાર ઝઘડો થયા બાદ અમારા ઘરમાં બે દિવસ તણાવ રહે. અમે સરખી રીતે બે દિવસ એકબીજાથી બોલીએ નહિ ને પછી નિશા જ મોંનવ્રત તોડે, કઈક ને કઈક સલાહ આપવા માટે!

હું ખરેખર કંટાળી ગયો હતો  એ લગ્નજીવનથી. ઘણીવાર મનમાં થતું અલગ થઈ જઈએ. ઘણીવાર થતું નિશાને છોડી દઉં.

આજે પણ નિશા અને મારા વચ્ચે નજીવી બાબતે વિવાદ થયો અને તણાવ વધી જાય એ પહેલાજ હું ઘર છોડીને બહાર આવી ગયો. તોયે એને જે કહેવું હતું એતો કહીજ નાખ્યું, “જાઓ મોડા સુધી મિત્રો સાથે ગપ્પાં મારી બાર વાગ્યે આવજો અને સવારે મોડા ઉઠજો તે મારે ફરી શાળામાં મોડું થાય.”

મને એકવાર થયું મેં શિક્ષિકા સાથે લગ્ન કરીને જ ભૂલ કરી છે.

હું ઘર છોડી બહારના મુખ્ય રોડ પર આવ્યો. પંકજનું ઘર એ જ રોડ પર એટલે જરાક મન હળવું કરવા એની પાસે જઈ ગપ્પા મારવાનું નક્કી કર્યું. પંકજ મારો  નવોજ બનેલ ભાઈબંધ. આમ તો એ ઉમરમાં મારાથી દસેક વરસ મોટો હશે પણ મારી ઓફીસ બહાર જ એનું પણ પાર્લર એટલે છેલ્લા એક વર્ષથી અમારી દોસ્તી થઈ.

અમારી દોસ્તી કાઈ એકદમ ગાઢ ન હતી. અમે માત્ર ગપ્પા મારતા બાકી ક્યારેય એકબીજાથી ઘર પરિવાર વિશે કોઈ ચર્ચા થયેલ નહીં. બસ હું એને જાણું ને એ મને ઓળખે એટલુ જ.

પંકજ પાસે બેસવા મેં એના ઘરના ઓટલે નજર કરી પણ એય આજે મને દેખાયો નહિ! હું કદી એના ઘરે તો નહતો ગયેલો. જરૂરજ ન પડતી. એ મોટાભાગે ઘરની બહાર ઓટલા પર જ હોય. પણ આજે એના ઘરને તાળું હતું. મને ખબર હતી એ એક નંબરનો શરાબી હતો. પાક્કું પત્ની પિયર ગઈ હશે એટલે બાજુની હોટલે પહોંચી ગયો હશે દારૂ પીવા.

હા, તમે બરાબર વાંચ્યું છે. અમારે ત્યાં હાઇવે પરની હોટલોમાં રાત્રે જોઈએ એટલો દારૂ મળી રહે. જમવા માટે તો બહુ ઓછા લોકો જ ત્યાં આવે! ખાસ તો દારૂડિયા જ આવે. એ હોટલોના દીદાર જ બહારથી એવા હોય કે કોઈ ફેમિલીવાળું ડીનર માટે આવે જ નહીં. કોઈ મૂર્ખ જ એવો હોય કે પરિવાર સાથે ડિનર પર નીકળ્યો હોયને આ હોટલો આગળ કાર ને બ્રેક લગાવે!

હું પંકજના ઘરથી આગળ ચાલ્યા અને મુખ્ય રોડ પર પહોંચ્યો. હું મુખ્ય રોડ પર ગોળાઈ પડે ત્યાં ઉભો હતો. લગભગ રાતના નવેક વાગ્યા હતા. આકાશમાં તારાઓ જાણે કોઈએ ખુલ્લા મેદાનમાં કબૂતરને દાણા નાખ્યા હોય એમ પથરાયેલા હતા! ને એમની વચ્ચે ચંદ્રમાં ચાંદીની થાળી જેવો લાગી રહ્યો હતો!

અજવાળું એટલુ ફેલાયેલું હતું કે રાત જેવું લગેજ નહિ. આમેય શહેરોમાં રાત જેવું હોય જ છે ક્યાં? બારેક વાગ્યા સુધી તો રિક્ષાઓ જ આમતેમ દોડા દોડી કરતી હોય ને ત્યારબાદ રાતના  બારથી  સવારના ચાર સુધી એ ટ્રાફિકથી જામ રેહતા રોડ એકલા પડી જાય. બધા એમને ભૂલી જાય. બસ કોઈ એમનું સાથી હોય તો રાત્રે એમના જેવાજ ઉદાસ અને દુઃખમાં રડતા આવારા કુતરાઓ કે પછી એકલ દોકલ દારૂડિયા કે પછી મારા જેવા જીંદગીથી કંટાળી ગયેલા જુવાનીયા.

મને અચાનક થયું લાવને આજે પંકજની જેમ દારૂનો અખતરો કરી જોઉં. મેં ઘણા ફિલ્મોમાં જોયેલું ને લોકો પાસેથી સાંભળેલું કે શરાબ પીવાથી મન હળવું થાય. ગમે તેવો તણાવ દુર થઇ જાય.

“ના ના એવુ તો ન કરાય. ક્યાં આપડા સંસ્કારો અને ક્યા એ કામ.” અંદરથી અવાજ આવી.

“કેમ પંકજ સંસ્કારી નથી? એય સારો માણસ જ છે ને?” મનના બીજા છેડેથી અવાજ આવ્યો.

મેં એક રિક્ષાને હાથ કર્યો.

“કઈ બાજુ સાહેબ?” રિક્ષાવાળાએ બ્રેક મારી પુછ્યું.

“હોટલ ભવાની…..” મેં જ્યાં દારૂ વેચાતો એ હોટલનું નામ કહ્યું.

“પચાસ રૂપિયા થશે સાહેબ.”

“કેમ આટલા બધા?” મેં અજાણ બની કહ્યું.  હું જાણતો હતો કે એ એરિયામાં જવા પચાસ રૂપિયાથી નીચો કોઈ રિક્ષાવાળો તૈયાર ન જ થાય.

“શું સાહેબ ત્યાં જીઈને પાંચસો હજાર ખર્ચવાના જ  છો ને? અમારા જેવા ગરીબને ય  પચાસ રૂપિયા કમાવા દો સાહેબ.”

મને એની વાત યોગ્ય લાગી. “ભલે.” કહી હું રિક્ષામાં બેઠો.

દસેક મીનીટમાં મને હોટલ ભવાની ઉતાર્યો. હોટલ ભવાની બહુ ઝાકમઝોળવાળી હોટલ નહિ. સાદો દેખાવ. એમને સો ની કોઈ જરુર જ ન હતી. એમને ક્યાં સારા ગ્રાહકોની જરૂર હતી? દારૂડિયા તો વગડામાં કે ગટરની બાજુમાં બેસીને પી લે તો એ લોકોતો બેસવા માટે ટેબલ ખુરશી આપતા હતા. કઈ ડીલ ખોટી ન હતી. બીજો ઓપ્સન પણ ક્યાં હતો? સારી ફેમીલી હોટલવાળો તો પેસવ જ ક્યાં દે છે? બહાર જ બોર્ડ લગાવેલ છે. “દારૂ પીને આવવાની માનાઈ છે.”

હું હોટલના દરવાજે પહોંચ્યો. મારું ધ્યાન ત્યાં કોઈ વિવાદ થાય તો સાંભળી લેવા માટે ઉભા રાખેલ બુસ્ટરના બાવડા તરફ ગયું. મને એમ લાગ્યું કે આ લોકો આખી રાત અહી ઉભા રહે એના કરતા દિવસે મજુરી કરી લે તોય વધારે કમાઈ લે એમ હતા! એક એક બુસ્ટર એક બોરી એકલા હાથે ઊંચકી લે એવા એમના બાવડા હતા.

એક પળ માટે તો મારા પગ પાછા પડ્યા. મને થયું રખે ને કોઈ વિવાદ થાય તો????? પણ પછી થયું મારે નિશા સિવાય કોઈથી વિવાદ ક્યાં થાય જ  છે?  ને એમાય મારો ક્યાં વાંક હોયજ છે? એક એ જ મને નથી સમજતી બાકી તો બધે મારું માં છે.

મન મક્કમ કરી હું અંદર ગયો. હું એજ ગુંચવણમાં હતો કે કાઉનટર પર જઈ શું કહેવું? મને ક્યાં બધી બોટલોના નામ મોઢે હતા?

પણ અચાનક મારી મુઝવણ ચાલી ગઈ. મારું ધ્યાન બીજા નંબરના ટેબલ પર ગયું. પંકજ ત્યાં બેઠો હતો. એના આગળ એક બોટલ પડી હતી. હું કાઉનટર તરફ જવાને બદલે સીધોજ એના પાસે ગયો.

“અરે હરેશ તું?” મને જોતાજ એ નવાઈથી બોલ્યો.

“કેમ મારે ન અવાય?” મારી જોડે બીજો કોઈ જવાબ ન હતો એટલે મેં એ જ કહ્યું.

“નાના એવું નથી પણ…”

“હા એવું નથી પણ શરાબ પર તમારો જ ઈજારો છે એમને?” મેં જરાક હસી કહ્યું. આપણે ઘરથી બહાર નીકળતા જ  કેવા સારા ને શાંત બની જઈએ છીએ એ મારા ધ્યાનમાં આવ્યું.

“તો બેસને યાર.” એણે કહ્યું. “બોલ શું લઈશ?”

“મેં ક્યાં તારા જેમ બધી બ્રાંડ ટેસ્ટ કરેલ છે તે ખબર હોય કે કઈ સારી? જે સારી હોય એ મંગાવ.” મેં એની સામેની ખુરસી પર બેસતા કહ્યું.

“સૌથી સારી બ્રાંડ તો આ તારા સામે ટેબલ પરજ પડી છે પણ આતો મને એમકે તમને મોટા માણસોને  ને વોડકા કે રમ જ જોઈએ.”

“મેં એવું કદી રાખ્યું મોટા માણસ જેવું?” મેં કહ્યું. અને ખરેખર પણ હું એવું ન રાખતો હું ડ્યુક પ્લાસ્ટોમાં મેનેજર હોવા છતાં કંપની ઓફીસ બહાર રહેલ પાન પાર્લર વાળાનેય પાકો મિત્ર બનાવી દીધો હતો.

“હા યાર એય ખરું” કહી પંકજે મારા માટે પેગ બનાવ્યો.

મેં એક પછી એક ત્રણ પેગ ગટગટાવી નાખ્યા. એ મારા પેટમાં પહોંચતા જ મારામાં એક અલગજ જોર આવી ગયું. હું પોપટની જેમ બોલવા લાગ્યો. મેં એ દિવસ સુધી ક્યારેય ઘરની વાતો સેર ન’તી કરી કોઈનાથી પણ મેં પંકજ ને બધું જ કહી દીધું.

મેં એને કહ્યું કે હું મારી પત્ની ના રોજના ઝઘડાથી કંટાળી ગયો છું એટલે જ આજે મેં દારૂ પીધો છે. એ કઈ બોલ્યો નહિ. એણે મને મારી પત્ની જેમ કોઈ જ સલાહ ન આપી .મને એ ગમ્યું. મને કોઈ સલાહ આપે એ મને જરાય ન ગમતું. અચાનક મારા મનમાં વિચાર આવ્યો આ પંકજને ય કોઈ દુ:ખ હશે એટલે જ પીતો હશે ને? લાવને પુછી જોઉં.

“પંકજ તું કયા દુઃખમાં પીવે છે?” મેં પૂછ્યું. મારી જીભ જરાક અટકતી હતી. જરાક નસો આવી ગયો હતો.

“તારી સાથે પત્ની રોજ ઝઘડા કરે છે એટલે પીધો પણ મારી સાથે રોજ ઝઘડો કરનાર પત્ની નથી. એ દુનિયા છોડીને ચાલી ગઈ છે. મને એકલો મૂકીને એટલે હું પીવું છું.” પંકજે કહ્યું. એની લાલ આંખોમાં એક ઉદાસી મને સ્પસ્ટ દેખાઈ.

એના એ શબ્દોએ મારો બધો જ નશો ઉતારી નાખ્યો.  મારું મન ચકડોળે ચડી ગયું! મને નિશાની જે દરેક વાત વિવાદ લાગતી એ દરેક જીદ પાછળ રહેલ એનો પ્રેમ સમજાવા લાગ્યો.

“આભાર દોસ્ત.” કહી હું ઉભો થયો.

“કેમ શું થયું અને શાનો આભાર?” પંકજે  કહ્યું.

“લોકો કહે છે કે સમય અને વ્યક્તિને ગુમાવ્યા બાદ જ એનું મહત્વ સમજાય છે પણ તે મને એનુ મહત્વ સમજાવી દીધું. હવે મારે કશુ જ ખોવું નહિ પડે.” મેં કહ્યું.

“મને સમજાયું નહિ?” એણે નવાઈથી કહ્યું.

“તને નહિ સમજાય પણ મને સમજી ગયું.” કહી હું બહાર નીકળી ગયો. તો એટલે રોજ આ પંકજ ઘરની અંદર નહી પણ ઓટલે બેસે છે? મારા પગ ઘર તરફ જવા લાગ્યા…. અડધી રાતે ઘરે પહોંચ્યો. દરવાજો ખખડાવ્યો ત્યાં તરત જ નિશાએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ એક ગંધ ઘરમાં ફેલાઈ ગઈ.

“તમે પી ને આવ્યા છો?”

છ મહિના પછી પહેલી જ વાર મેં નિશાને ગળે લગાવી લીધી. “ના હું સમજીને આવ્યો છું ડાર્લિંગ.”

“ચડી ગયો છે?” મને આઘો ખસેડતા નિશાએ પૂછ્યું.

“નાં કેમ આવું બોલે છે?”

“ના આ તો કુતરી, આવી, તેવી એ બધા શબ્દો ને બદલે ડાર્લિંગ સાંભળ્યું એટલે પૂછ્યું….”

“સોરી નિશા….” મેં નીચું જોઇને કહ્યું.

નિશા મને ભેંટી પડી. કોણ જાણે કેમ પણ મારા મોઢામાંથી  બદબૂ આવતી હતી એમાં પણ સુગંધિત એક શબ્દ નિશાને મળ્યો હતો!!!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

All rights are reserved. No part of this publication may be reproduced without the written permission of the author.

2 Replies to “શરાબી”

Comment here