gujarati-short-story-ek-duje-ke-liye

એક દુજે કે લિયે…..!

આમ તો બધા ઓફિસના લોકો સાંજે ભેગા મળીને ઘણીવાર નાસ્તો કરતા, ફિલ્મ જોવા જતા તો કોઈ વાર બેસીને વાતો કરતા, પણ સૂરજ એના નામ મુજબ જ ગરમ સ્વભાવનો હતો. એ ભાગ્યે જ કોઈ સાથે હળતો મળતો. ઓફિસમાં કોઈ સાથે એને મૈત્રી તો હતી જ નહીં. કામ સિવાય કોઈ સાથે ન બોલવું ન ચાલવું એ જ એનો સિદ્ધાંત! પોતાની સાથે કોલેજમાં ભણેલ અંગદને પણ એ ઓફીસના કામ પુરતો જ બોલાવતો!

સૂરજ કોઈ સાથે લગ વળગ રાખતો જ નહીં. એને બસ એની પત્ની નંદની પ્રત્યે પ્રેમ ભાવ. નંદનીને એ દિલો જાનથી ચાહતો હતો પણ બીજા કોઈ ગમે તે કરે એને કોઈ મતલબ નહિ. કોઈ મરતું હોય તો પણ સૂરજ એને  હાથ ન જ આપે.

સાંજના છ નો સમય થયો હતો. સૂરજ આથમ્યો એટલે સૂરજ ઓફિસેથી નીકળ્યો. થોડું માથું દુખતું હતું અને સામે જ ચાની હોટેલ ઉપર લાલો ચા ઉકાળતો હતો. પણ સૂરજને થયું હવે ઘેર જતા ક્યાં સમય થવાનો છે? ઘરે જઈને નંદનીના હાથની ચા પીશ અને તાજો થઈ જઈશ!

સૂરજ હોટેલ પસાર કરી આગળ ચાલવા લાગ્યો. રસ્તા ઉપર સડસડાટ ગાડીઓ વહી જતી હતી. ક્યાંક એમ્બ્યુલન્સના હોર્ન તો ક્યાંક ડાન્સ કલાસના ડી.જે. નો અવાજ, ક્યાંક ગરીબના વાટકામાં પડતા સિક્કાનો ખણખણાટ તો ક્યાંક બિયરની બોટલ ફૂટ્યાનો અવાજ સંભળાતો હતો. એકંદરે શહેરનું વાતાવરણ હોય એવું જ વાતાવરણ હતું! બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા.

સૂરજ ચાલતો ચાલતો હાઈવે ઉપર આવી પહોંચ્યો. એના પગ નંદની પાસે જવા એને ઉતાવળે ખેંચી જતા હતા. ‘તેરે મેરે બીચ મેં કેસા હે યે બંધન અંજાના.’ ગીતની વિસલ વગાડતો એ ચાલતો હતો અને નંદની સાથે વિતાવેલ સમયને યાદ કર્યે જતો હતો.

સૂરજ કોલેજમાં હતો ત્યારે નંદની એના પ્રેમમાં પડી હતી. બન્નેનું પ્રણય શરૂ થયું ત્યારે નંદનીએ એક ફિલ્મની સી.ડી. આપી હતી. ‘એક દુજે કે લિયે’ કમલ હસન અને રતી અગ્નિહોત્રીની એ ફિલ્મ નંદનીએ એને આગ્રહ કરીને જોવા કહ્યું હતું.

ફિલ્મ તો આમ જોનારની આંખમાંથી પાણી લાવી દે એવી હતી પણ સૂરજ એક એવો માણસ હતો જેને પોતાના અને નંદની સિવાય કોઈ માટે લાગણી થતી જ નહીં! એને ફિલ્મમાં બસ ગમ્યું હોય તો એક ગીત ‘તેરે મેરે બીચ મેં….”. એ નંદની આગળ એ ગીતના મુખરા ગાયા કરતો. જોકે નંદનીને એ ફિલ્મના ‘હમ બને તુમ બને એક દુજે કે લિયે’ અને ‘સોલહ બરસકી બાલી ઉંમર’ વધારે ગમતા.

લગન પછી પણ જ્યારે એ લોકો એ બાગમાં જતા જ્યાં એ  કોલેજ કાળમાં મળતા ત્યારે નંદની એ ગીતના જ મુખરા ગાઈ લેતી…..

‘મિલતે રહે યહાઁ હમ યે હે યહાઁ લીખા,
ઉસ લીખાવટકી જેર ઓ જબર કો સલામ…..’

નંદની જ્યારે ગાતી ત્યારે સૂરજ એને બસ કમલ હસનની જેમ સાંભળ્યા કરતો. એની અવાજ સૂરજને લતા મંગેશકર કરતા પણ મધુર લાગતી! શાંત બાગમા ચાલતી નંદનીની પાયલનો રણકાર એ ગીતમાં ભળતો ત્યારે સૂરજને એ આહલાદક સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત કરતાંય વધુ ગમતું!

સૂરજ મનોમન હરખાતો ચાલ્યે જતો હતો અને મીઠી યાદોને  વાગોળ્યા કરતો હતો. એ ચાર રસ્તા ઉપર આવી ગયો. પોતાનું ઘર હવે નજીક જ હતું. નંદની હવે પળ વારમાં પોતાની સામે હશે!

અચાનક એની નજર ચાર રસ્તાની પેલી તરફ ગઈ. સુમસામ રસ્તા ઉપર એક સ્ત્રી પડી હતી. કદાચ અકસ્માત થયો હશે. દૂરથી એને કાઈ વધારે દેખાયું નહિ પણ એ સ્ત્રીને મદદની જરૂર છે એવું તો દેખનારને સ્પષ્ટ દેખાઈ જ આવે એમ હતું.

મરવા દે ને આપણે શુ? કહી સૂરજ આગળ વધવા લાગ્યો. દસેક કદમ આગળ જતાં તો એ બધું ભૂલી ગયો જાણે કોઈ સ્ત્રીને એણે જોઈ જ ન હોય ને!

થોડી જ વારમાં એ પોતાના ઘર આગળ જઈ પહોંચ્યો. દરવાજો ખખડાવી, એજ ગીતની વિસલ વગાડતો રાહ દેખતો ઉભો રહ્યો…..

“સુ…..ર…..જ…..” દરવાજો ખુલતા જ એક લહેકા ભરી બૂમ આવશે અને શબ્દો પછી એક મૃદુ સ્પર્શ થશે.

સૂરજ કેટલીએ વાર ત્યાં ઉભો રહ્યો. રસોડામાં ચા બનાવતી હશે હમણાં આવશે. દસ મિનિટ થઈ ગઈ પણ નંદની આવી જ નહીં! સૂરજને એક ભય લાગવા મંડયો! દરવાજો ખોલી એ અંદર ગયો.

“નં…..દુ…..” ઘરમાં જતા જ એણે કહ્યું. પણ કોઈ જવાબ આવ્યો નહિ!

તરત રસોડામાં જઈ ને જોયું પણ નંદની ત્યાં પણ દેખાઈ નહિ! પછી તો આખા ઘરમાં ફરી વળ્યો પણ ક્યાંય એ ન દેખાઇ.

રોજ પોતાની રાહ જોતી નંદની ક્યાં ગઈ હશે? અમારું બીજું તો કોઈ છે જ નહીં. ન કોઈ સગા ન કોઈ સંબંધી એ ક્યાં જાય? ખરેખર પણ સુરજ અને નંદનીનું સાચું સગું કોઈ ન હતું. સુરજ બાળપણથીજ  જાત મહેનતે ઉછરેલો. બસ કોઈએ એનો સાથ આપ્યો હોય તો એ હતા એના હાથ પગ બાકી બીજે બધે તો ઠોકરો જ લાગેલી. કદાચ એટલેજ સુરજના વિચારો જરાક સંકુચિત બની ગયેલા. એનામાં એ માનસિકતા ઘર કરી ગયેલી કે આ દુનિયા ખરાબ છે અહી કોઈ કોઈનું નથી એટલે કોઈની મદદ ન કરવી. ભલે કોઈ મારતું હોય તોયે નહિ!

પણ આજે તો સવાલ અલગ હતો એની નંદુ ઘરે નહોતી. એ નંદુ કે જે એનો શ્વાસ હતી, કદાચ આ દુનિયામાં એનું પોતાનું ગણી શકાય એવી એકજ વ્યક્તિ હતી ને એ હતી નંદની.

માટલાંમાંથી પાણીનો ગ્લાસ ભરીને આંખો ધોઈ. માથું તો દુખતું જ હતું ઉપરથી નંદનીની ચિંતા થવા લાગી. બે હાથે માથું દબાવી એ સોફામાં જેમ તેમ પડ્યો. ભયંકર થાકને લીધે આંખો મીંચાઈ ગઈ. જોત જોતમાં સુઈ ગયો.

“સૂરજ….. તું લોકો સાથે હળતો મળતો રહેતો હોય તો શું થાય?”

“ના પ્લીઝ એવી વાત પણ ન કરતી. લોકોથી દુનિયાથી મને નફરત છે. અહીં કોઈ કોઈનું નથી.”

“તો તું પણ ક્યાં કોઈને મદદ કરે છે? આજે તે જે રીતે પેલા માંગણને ભગાડ્યો એ મને ન ગમ્યું.” મોઢું ચડાવીને એ બોલી એટલે સૂરજ ઉભો થઈને ચાલવા લાગ્યો.

“સૂરજ….. કોઈ દિવસ આપણે પણ કોઈની જરૂર પડશે. તને મારા માટે એટલી લાગણી છે તો દુનિયા માટે કેમ નહિ?”

સૂરજ ઝબકીને જાગી ગયો. ઉભો થયો બહાર જોયું. આછું અંધારું થતું હતું. માટલાં પાસે જઈ ધ્રુજતા હાથે ફરી ગ્લાસ ભરીને પાણીથી આંખો ધોઈ.

આસ પાસ કે બજારમાં ગઈ હોય તો એટલો સમય ન લાગે. કૈક તો ખરાબ થઈ રહ્યું છે નઈ તો નંદનીને ખબર છે કે સાંજે મને ચા જોઈએ જ. એ એટલો સમય લગાવે જ નહીં!

ઘર બંધ કરી ફરી એ નીકળી પડ્યો. એના પગ ડગમગવા લાગ્યા હતા. અશુભ થયાનો અણસાર હ્ર્દયના એક ખૂણે ડોકિયું કર્યા કરતો હતો. તો નંદનીને કોઈ……. ના ના એવુ શક્ય નથી. પણ કેમ શક્ય નથી? આ વિસ્તાર તો સાવ નિર્જન છે.

એના પગ ફરી જોશમાં આવી ઉપડવા લાગ્યા. ચાર રસ્તે આવ્યો ત્યાં એકાએક યાદ આવ્યું. બ્લ્યુ સાડીમાં લાલ લોહીથી ખરડાયેલ એક સ્ત્રી પેલી બાજુ પડી હતી.

બ્લુ સાડી? ના એ શક્ય નથી. નંદની એ બ્લુ સાડી આજે શુ કામ પહેરે? એ તો દિવાળી માટે લાવી હતી ને? ના ના એ સ્ત્રી નંદની ન હોય…. ન જ હોય… એવું હું નઈ થવા દઉ…. ના નઈ જ થવા દઉં……

પોતાના મન સાથે એ લડતો હતો પણ સાવ નિર્થક હતું! એક તરફ પોતાની પત્નીને કાઈ થાય એવું માની લેવા તૈયાર નહોતો તો બીજી તરફ હકીકત હતી કે નંદની ઘરે નહોતી! એના પગ જ્યાં એ સ્ત્રી પડી હતી એ તરફ જવા લાગ્યા. આંખમાં આંસુ આવવા લાગ્યા…..

હા અહીં જ…. અહીં જ એ સ્ત્રી પડી હતી…… પણ અહીં તો ક્યાંય કોઈ માણસ નથી એને કોણ લઈ ગયું? કદાચ કોઈએ ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હોય…. પણ…… પણ એ નંદની જ હતી એ શું ખાતરી? હું ખાતરી કેમ કરું? એ કઈ હોસ્પિટલમાં હશે? આટલા મોટા શહેરમાં એ ક્યાં મળે?

લોહીનું ખાબોચિયું એ અંધારામાં પણ સ્પષ્ટ દેખાતું હતું. સુરજે આમ તેમ જોયું. રોડની બીજી તરફ એક પર્સ પડ્યું હતું. તરત જઈને પર્સ ઉઠાવી લીધું. પર્સ હાથમાં લેતા જ એના પગ ભાગી ગયા! આ તો ……. આ તો મારી પત્ની…. મારી નંદ…..  મારી નંદનીનું જ પર્સ છે….. તો એ કેમ હશે? ક્યાં શોધું એને? સરકારીમાં પહેલા તપાસ કરું? હા હા એજ એજ બરાબર રહેશે..

રસ્તાની બન્ને તરફ નજર કરી પણ કોઈ વાહન દેખાયું નહિ. એ સુમસાન રોડ પર એ સમયે કોઈ ટેક્ષી પણ ન મળી. તેણે બે ત્રણ વાહનચાલકોને હાથ કરી રોકવાના પ્રયત્નો કર્યા પણ વ્યર્થ!!!!! કોઈએ વાહન ઉભું ન રાખ્યું! સુરજે વિચાર્યું કદાચ આ બધા પણ મારા જેવા વિચારો વાળા હશે કે દુનીયા ખરાબ છે એટલે કોઈની મદદ ન કરવી. એટલે જ વાહન રોક્યું નહીં હોય. પણ બધા કઈ આ એક જ વિચાર પર જીવતા નથી હોતા. સુરજે હાથ  કરી વળી એક વાહન રોકવાનો પ્રયાસ કર્યો. એ એક કાર હતી. કાર ચાલકે બ્રેક કરી પોતાની હોન્ડા ઝેજને ઉભી રાખી.

“ભાઈ સાહેબ મારી પત્નીનો અકસ્માત થયો છે. મને શહેર સુધી લેતા જાવને.” સુરજે રીતસરની આજીજી કરતો હોય એવા અવાજે કહ્યું.

“બેસી જાઓ મિત્ર, માણસ માણસના કામ નહિ આવે તો કોણ આવશે?” પેલા કાર ચાલકે હસીને કહ્યું. એના કપડા અને દેખાવ પરથી એ કોઈ કંપનીના કર્મચારી જેવો લાગતો હતો. એની કાર પરથી દેખાઈ આવતું હતું કે એ ઊંચા પગારની નોકરીમાં હશે.

સુરજે કારનો બેક ડોર ખોલ્યો અને અંદર બેસી ગયો. કાર ચાલકે ગાડી શહેર તરફ દોડાવી મૂકી. લગભગ કાર સીતેર થીયે વધુ ગતિએ જતી હતી પણ સુરજને આજે ઉતાવળ હતી એટલે એમ લાગતું હતું કે કાર બહુ ધીમી છે. એના માટે કાર હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધીનો માર્ગનો સમય વિતાવવો બહુ અઘરો હતો.

સુરજ ક્યારેય કોઈથી ખાસ બોલતો નહિ, ઓફીસના પરિચિત માણસોથીયે નહિ તો પછી કોઈ અજાણ્યાથી તો વાત કરવાનો સવાલ જ ન હતો. પણ આજે તે બોલ્યો. પેલા અજાણ્યા કાર ચાલક સાથે વાર્તાલાપ શરુ કર્યો.

“આભાર તમે મને લીફ્ટ આપી.”

“એમાં આભાર જેવું કશું ન હોય મિત્ર, કદાચ તમારી જગ્યાએ હું હોતને મારી જગ્યાએ તમે હોત તો તમેય મારી મદદ કરત.” ચાલકે પાછળ જોયા વગર કહ્યું.

સુરજના મનમાં વિચારો ઘોડાપૂરની જેમ દોડવા લાગ્યા. શું પોતે કોઈ અજાણ્યાની મદદ કરત? પણ એ ઘોડાપુર ઘડીભરમાં સમી ગયું એને એના મનનો જવાબ મળી ગયો ના સુરજ ના તું ક્યારેય કોઈની મદદ ન કરત.

સુરજને પોતાની મદદ કરનાર વ્યક્તિ આગળ જુઠું બોલવાનું ગમ્યું નહિ એટલે એ વ્યક્તિના સવાલનો જવાબ આપવાને બદલે પૂછ્યું, “શિહોરી તરફ જતા હતા?”

“ના રાધનપુર બાજુ.” પેલાએ કહ્યું.

“પણ તો પછી શહેર બાજુ પર રહી જશે. તમારે તો સીધા જ નીકળી જવાનું થશે.” સુરજે થઇ કહ્યું.

“મિત્ર તમે કહ્યું ને કે તમારી પત્નીનો અકસ્માત થયો છે. હું તમને છોડીને દસ મિનીટ મોડો રાધનપુર પહોચીશ તોય શું ફેર પડશે?” પેલા એ કહ્યું.

સુરજને નવાઈ લાગી કે કોઈ અન્યની મદદ કરવા પોતાનો સમય બગાડી શકે? શું હજીયે દુનિયામાં એવા લોકો છે?

સુરજે મનોમન નક્કી કરી લીધું કે હવે પોતાની ખોટી માનસિકતા બદલી નાખશે. દુનિયા પ્રત્યે બાળપણમાં થયેલ ચાર કડવા અનુભવોએ જે ઝેર ભર્યું છે એ નીચોવીને કાઢી નાખશે.

લગભગ પંદરેક મિનીટ બાદ હોન્ડા ઝેજ જનરલ હોસ્પિટલ આગળ ઉભી રહી. સુરજે કારમાંથી ઉતરી કાર ચાલકને આભાર કહી હોસ્પીટલના ગેટ તરફ દોટ લગાવી.

હોસ્પિટલનો મીની ગેટ વટાવી તે અંદર ગયો. ત્યાં હોસ્પીટલના ગ્રાઉન્ડમાં જ તેની સાથે કામ કરતો અંગદ મેવાડા ઉભો હતો. અંગદ તેનાથી ઉપરી હતો તે એકાદ બે વાર સુરજ અને નંદનીને માય મોલમાં મળેલો એટલે બંનેને ઓળખાતો હતો.

સુરજ ત્યાં ઉભેલ ચોકીયાતને પૂછવા લાગ્યો, “અહી કોઈ બ્લુ સાડીવાળી સ્ત્રીને કોઈ લાવ્યું છે તેનો અકસ્માત થયેલ છે.”

ચોકીયાતનો જવાબ એને સંભળાય એ પહેલાજ એક આવાજ કાને પડ્યો. “સુરજ”

તેણે પાછળ ફરીને જોયું તો અંગદ મેવાડા તેને બોલાવી રહ્યો હતો.

“જી મેવાડા સર.” સુરજે તેની પાસે જઈ કહ્યું.

“તારી પત્ની આ હોસ્પિટલમાં છે. હુ જ એને અહી લાવ્યો છું.”

‘એ કેમ છે હવે?” સુરજે ધ્રુજતા અવાજે પૂછ્યું.

“ઠીક છે કોઈ ગંભીર ઈજા નથી. હું તારી પાછળ જ તને અને નંદિતા ભાભીને મારી અને જાનકીની મેરેજ એનીવર્સરીનું આમંત્રણ આપવા તારા ઘરે જ આવતો હતો. ત્યાજ મને રસ્તામાં નંદની ઘવાયેલ હાલતમાં દેખાઈ હું એને લઈને અહી આવ્યો. તને ફોન કર્યા પણ તે ઉપડ્ય જ નહિ.”

સુરજે પોતાના ગજવવા તપાસ્યા ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે એ ફોન તો આજે ઓફીસે જ ભૂલી ગયો હતો.

“ફોન આજે ઓફીસેજ રહી ગયો લાગે છે અને આભાર મેવાડા સર કહી સુરજ હોસ્પિટલમાં ગયો. નંદનીને કોઈ ખાસ મોટી ઈજા ન હતી આવી એટલે એને જનરલ વોર્ડમાં જ રાખી હતી.

સુરજ દોડીને નંદનીના પલંગ પાસે ગયો. કોઈ ખાસ ઈજા ન હતી એ હોસમાં હતી.

“ભગવાનનો આભાર કે તને કઈ થયું નહિ.” સુરજે નંદિતા તરફ જોઈ આંખમાં આસું સાથે કહ્યું.

“હા અને મેં કહ્યું હતું ને કે ક્યારેક કોઈકની જરૂર પડે.” નંદનીએ હસીને કહ્યું.

“હા નંદની એ તો હું આજે રસ્તામાં બધુ જ સમજીને આવ્યો છું.”

“મને ખબર હતી કે તું એક દિવસ બદલી જઈશ. જેમ મને ચહે છે એમ બધાને ચાહીશ. બસ તારી એક ખામી હતી જે આજે દુર થઇ ગઈ છે હવે તું મારો સંપૂર્ણ હીરો છે મી. પરફેક્ટ…..” નંદનીએ બે હાથ ખોલી એને નજીક બોલાવ્યો.

સુરજ એને ભેટી પડ્યો. એને થયું ખરેખર મારી એ એક ખામી કેટલી ખરાબ હતી છતાં નંદનીએ એક પળ પણ એ વિશ્વાસ ન છોડ્યો કે હું એક દિવસ સુધરી જઈશ. એના પ્રેમમાં કેટલી શ્રદ્ધા હતી? એ મારા જેવા ઝેરીલા માણસને ય સુધારી ગયો? એ ક્યારેય ન જુકી? અને સુરજે ફરી એક વિસલ શરુ કરી પણ આ વખતે વિસલના શબ્દો અલગ હતા….. “દુનિયામે સબસે પહેલે જિસને એ દિલ દિયા, દુનીયાકે સબસે પહેલે દિલબર કો સલામ….. દિલસે નિકલને વાલે રસ્તે કા સુક્રિયા, દિલ તક પહોંચને વળી ડગર કો સલામ…… એ પ્યાર તેરી પહેલી નજર કો સલામ……”ને એ વીસલના મીઠા સુર સાથે સુરજના હ્રદયની એ નફરત એ આગ બધી પીગળીને એની આંખોમાંથી વહેતી રહી….

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here