બેઇમાન બાપ !

બેઇમાન બાપ !

 

આશુતોષ છેલ્લા અઠવાડિયાથી લેપટોપ લાવવાની જીદ લઈને બેઠો હતો.  દસમાની બોર્ડની પરીક્ષા પુરી થઈ એટલે હા એ અને ના એ લેપટોપ લાવો એટલે લાવો જ! નમ્રતાબેને એને બહુ સમજાવ્યો પણ એ એકનો બે ન જ થયો. છોકરમત ખરીને!

એ દિવસે કંટાળીને અશોકભાઈએ પી.આઇ. ડી.કે. દેસાઈ પાસેથી ઉછીના પૈસા લઈને એને લેપટોપ અપાવ્યું હતું. અશોકભાઈ એક કોન્સ્ટેબલ હતા. પોલીસમાં હોવા છતાં જો ગરીબ હોય તો આખા ભવનગરમાં એક એ જ માણસ!

આશુતોષ તો નાદાન હતો એટલે જાણતો નહોતો. નમ્રતાબેન પણ ગામડાના હતા એટલે કાઈ ખાસ જાણતા નહોતા. માત્ર અશોકભાઈને જ ખબર હતી કે પોતે કઇ પરિસ્થિતિમાં જીવે છે. ઉપરી અધિકારીઓની ગાળો, મોટા માણસોને ચા-પાણી આપવું એ બધું અસહ્ય હતું.

આમ તો લગભગ બધા કોન્સ્ટેબલ હોંશે હોંશે મોટા માણસોની ખુશામત કરતા! પણ એ બધાને બક્ષિસ મળતી એટલે! જ્યારે અશોકભાઈ માટે તો હરામનો એક રૂપિયો ગાય બરાબર! કોઈ દિવસ કોઈ સામે હાથ લાંબો કરીને હરામના પૈસા નહોતા લીધા!

અશોકભાઈ પ્રામાણિકતાને પોતાનો આદર્શ માનીને જ જીવતા હતા. એક વાર અશોકભાઈ નાઈટ ડ્યુટી ઉપર હતા. રણજિતસિંહ, યાકુબ ખાન અને અશોકભાઈ ત્રણેય એ દિવસે હાઇવે ઉપર નાઈટ ડ્યુટીમાં હતા.

ત્રણેય મિત્રો ચા પીતા પીતા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ અચાનક એક સ્ત્રીની ચીસ સંભળાઈ. ત્રણેય જણ સાવધ થઈ ગયા. જોયું તો એક કાર સડસડાટ એમની પાસેથી નીકળી ગઈ! અશોકભાઈએ કારનો નમ્બર નોંધી લીધો.

“રણજિત ગાડી ચાલુ કર……” અશોકભાઈએ કહ્યું. પણ પાછળ ફરીને જોયું તો એક વીસેક વર્ષની છોકરી રોડ ઉપર પડી હતી!

ત્રણેય મિત્રો દોડીને એની નજીક ગયા. જઈને જોયું તો એ છેલ્લા શ્વાસ લઈ રહી હતી.  એના પેટમાં કોઈએ ચાકુ માર્યું હતું. દડદડાટ કરતું લાલ રક્ત વહેતુ હતું….. અશોકભાઈએ એની નજીક જઈને ઘા ઉપર પોતાનો રૂમાલ દાબી દીધો…. છોકરી બોલવા જતી હતી પણ બોલી નહોતી શકતી. અશોકભાઈનો હાથ પકડી લઇ એ બોલવા પ્રયત્ન કરતી હતી “ધ…….વ…..ધવલ……………….”

નામ બોલી શકી પણ એ શબ્દ સાથે એનો જીવ પણ નીકળી ગયો! ત્રણેય મિત્રો ઉદાસ થઇ ગયા. અશોકભાઈને તો જાણે પોતાની જ દીકરી સાથે એ થયું હોય એમ એ લાસ પાસે બેસી રહ્યા…..

રણજીતસિંહે કંટ્રોલરૂમમાં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી. થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી અને બોડી હોસ્પિટલ લઇ ગયા. પી.આઈ.ડી.કે. દેસાઈ પણ આવી ગયા. પંચનામું કરી અને પોલીસ ફરિયાદ નોધાઇ ગઈ. અશોકભાઈ પોતે જ ગવાહ તરીકે હતા એટલે એફ.આઈ.આર. જલ્દી થઇ ગઈ.

બીજા દિવસે પોલીસે અશોકભાઈના બયાન અને ગાડીના નંબર ઉપરથી તપાસ શરુ કરી દીધી. ગાડી મોટા માણસની હતી એટલે તપાસ સરળ રહી. પોલીસે ત્રણ દિવસમાં જ બ્લેક ફોર્ચ્યુંનર ગાડી પકડી પાડી. ગાડી એક નગરપાલિકા પ્રમુખના સવજી ગમજી ભાટીના નામે રજીસ્ટર થયેલી હતી. પી.આઈ. દેસાઈ પ્રમુખના ઘરે વોરંટ સાથે પહોચી ગયા. પ્રમુખનો મોટા છોકરા ધવલની ધરપકડ કરવામાં આવી.

બીજી તરફ તપાસ કરતા અશોકભાઈને માલુમ પડ્યું કે મૃતક રોશની જોશી હતી. અશોકભાઈ દયાળુ સ્વભાવના હતા એટલે એમણે રોશીનીના ઘર પરિવારની ખાનગી તપાસ કરી હતી.

તપાસ કરતા ખબર પડી કે રોશની એક અનાથ આશ્રમમાં રહેતી હતી અને કોલેજના છેલ્લા વર્ષમાં હતી. એ અનાથ બાળકોને ટ્યુશન આપતી અને સાથે સાથે પોતે ભણતી હતી. એ આઈ.ટી.ની વિદ્યાર્થીની હતી. ધવલ આ અનાથ આશ્રમની છોકરીઓને જોવા અહી આંટા મારતો અને એની નજર રોશની ઉપર પડી હતી ત્યારનો એ રોશની પાછળ પડી ગયો હતો. ધવલ એ તાકમાં જ હતો કે ક્યારે રોશની એકલી મળે અને ક્યારે હું…..

અશોકભાઈ બધી માહિતી લઈને બીજા દિવસે કોર્ટમાં હજાર થયા હતા. કોર્ટમાં અશોકભાઈએ આ એ બધું બયાન આપ્યું પણ ટે છતાં લાગ અને વગ ને લીધે તારીખ પડી હતી. ઇમાનદારીની વિસ વર્ષની નોકરીમાં આવા ઘણા કેસ જોયા હતા પણ આમ આંખ સામે કોઈ દીકરીને મરતી ક્યારેય જોઈ નહોતી…..!!!!!

ઘરે એક બીજી જ સમસ્યા તૈયાર હતી. ઘરે ગયા ત્યારે નમ્રતાબેન ઉદાસ ચહેરો લઈને પગથિયે જ બેઠા હતા.

“શુ થયું ? હવે અશુતોષને ફરી કાઈ જોઈએ છે?”

“ના…..” ગંભીર થઈને નમ્રતાબેન બોલ્યા, “એ આવ્યા હતા…..”

ચહેરાના ગંભીર ભાવ જોઈને અશોકભાઈ સમજી ગયા કે વાત છોકરાની નથી. કઈક બીજું જ બન્યું છે. “કોણ આવ્યું હતું?”

“ધવલના માણસો….”

“ધવલના માણસો ? ” અશોકભાઈને ઓચિંતી ફાળ પડી “આશુતોષ ક્યાં છે ?” કહી એ ઘરમાં જઈને જોવા લાગ્યા.

ઘરમાં આશુતોષ બેડ ઉપર ઊંઘયો હતો. અશુતોષને સલામત જોઈ અશોકભાઈને શાંતિ થઈ.

“ધમકી આપીને ગયા છે એ લોકો.” પાછળથી નમ્રતા બેને કહ્યું, “જો તમે બયાન નઈ બદલો તો એ લોકો અશુતોષને….” નમ્રતાબેન રડી પડ્યા…

અશોકભાઈએ એમને શાંત કર્યા અને પછી બધી વાત કરી. નમ્રતાબેનને પણ રોશની માટે ખૂબ દુઃખ થયું પણ દીકરાનો જીવ વહાલો કઈ માઁ ને ન હોય?

“જે મરી ગયું છે એ હવે જીવતું થવાનું નથી. તમે બયાન આપશો તો એ લોકો અશુતોષને પણ મારી નાખશે.”

અશોકભાઈ કાઈ બોલ્યા વગર ચુપચાપ બેસી બેસી રહ્યા.

એના પછીના ત્રણ દિવસ અશોકભાઈ સતત તણાવમાં જીવવા લાગ્યા. ચોથે દિવસે ફરી કોર્ટમાં જવાનું હતું. એ ઘરથી નીકળ્યા ત્યારે નમ્રતાબેને બે હાથ જોડીને અશુતોષના માથે હાથ મુકાવીને સોંગન આપ્યા હતા કે તમે બયાન બદલી દેજો.

કોર્ટ સુધીનો રસ્તો લાંબો હતો અને મન મોટું હતું! હજારો વિચાર મનમાં ઉથલપાથલ કરવા લાગ્યા. મારા અશુતોષને…… તો તો નમ્રતા સૂઝ બુજ ખોઇ બેસશે….. હું બયાન બદલી દઉં? હા એજ કરવું પડશે. આ દુનિયામાં ભલાઈ કરવી હવે શક્ય નથી અશોક….. જા બદલી દે બયાન અને ભૂલી જા બધું…. તારા એક ઉપર જ બધી જવાબ દારી નથી…. હજારો માણસો પાપ કરીને જીવે છે તો તે તો કોઈ પાપ નથી કર્યું…. એમાં એટલું શાને વિચારે છે?

થોડેક આગળ ગયા ત્યાં તો ફરી મનમાં વિચાર બદલવા લાગ્યા. વીસ વીસ વર્ષ સુધી જે ઈમાનદારીનો ગર્વ કરતો હતો એ પ્રામાણિકતા ક્યાં ગઈ? અશોક તું તારા આદર્શનો તંતુ લઈ રોજ ફરતો હતો એનું શુ થયું? ક્યાં ગઈ બધી ભલાઈ?

મન ફરી વિચારો કરવા લાગ્યું…..!!!!! એ લાસ….. એ રોશની….. એના પેટમાંથી નીકળતું એ લોહી….. એના કોમળ શરીર ઉપર એ ઉઝરડા….. હાથ પકડીને બોલવા મથતી લોહીથી લથબથ એ છોકરી….. ભયાનક દુખાવો થવા લાગ્યો….. અશોકભાઈ બે હાથથી માંથું પકડીને બેસી પડ્યા…..

ફરી ઉભા થઇ આ દુનિયાના લોકો ન હોય એવી કોઈ શુમસામ જગ્યા તરફ જવા લાગ્યા….. એક ખંડેરમાં જઈને બેઠા……!!!!!

“તમારી દીકરી હોત તો?”

એ લોહીથી લથબથ ચહેરો જાણે પૂછતો હતો…..!!! હવે એ ચહેરો એ યાદ એ લાસ પીછો છોડવાની નથી. પોતે આ રીતે નહિ જીવી શકે.  ના હું આ કલંક સાથે આ ચહેરાની યાદ સાથે નહિ જીવી શકું. હું મારૂ બયાન બદલીને નહિ જીવી શકું…..!!!!!

વિચારોમાં ક્યારે એ ખંડેરના ઊંચા મહેલ પર ચડી ગયા એ પણ ખ્યાલ ન રહ્યો. અચાનક નીચે નજર પડી ત્યારે જ ખબર પડી કે પોતે ક્યાં છે.

હા આજ બરાબર છે. અહીથી કૂદીને જીવ આપી દઉં તો જ આ ચહેરો મારો પીછો છોડશે. અશોકભાઈએ એ ઊંચા મહેલ ઉપરથી નીચે કુદી પડ્યા…….

“નહિ…………” એક ચીસ સાથે રણજિત સિંહ જગ્યા…..

“શુ થયું ભાઈ?” નમ્રતાબેન રસોડામાંથી દોડતા આવ્યા…..

“બહેન…… અશોક….. અશોક…… ” રણજિત સિંહની આંખમાં આંસુ આવી ગયા……

“તમે આમ ઢીલા ન પડો ભાઈ.” નમ્રતાબેને પોતાના આંસુ લૂછતાં કહ્યું, “બે મહિનાથી તમે મને અને અશુતોષને આ ગામમાં લઇ આવ્યા છો. અશુતોષના જીવ ખાતર તમે નોકરી છોડી દીધી બધું કર્યું હવે તમે આમ ઢીલા પડશો…..”

“ના બહેન….. હું નહિ રડું.” આંસુ લૂછતાં હસીને રણજિત સિંહે કહ્યું, “અશોકનું તો શહીદ છે એની પાછળ રડવાનું ન હોય.”

“હું તમારા માટે ચા લઈ આવું.” કહી નમ્રતાબેન રસોડામાં ગયા.

એકાએક રણજિત સિંહની નજર ઘડિયાળમાં પડી….. તારીખ ઉપર નજર ગઈ અને ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું. ” બહેન…… ”

“શુ થયું હવે ?” ચા આપતા નમ્રતાબેને કહ્યું.

“તમે અશુતોષની જરાય ફિકર ન કરતા એ લોકો ક્યારેય આશુતોષ સુધી પહોંચી નઈ શકે.” મૂછ ઉપર હાથ ફેરવતા રણજિતસિંહ બોલ્યા.

નમ્રતાબેન નિશબ્દ એ માણસની દરિયાદીલી જોઈ દેખતા રહ્યા.

“તમને ખબર છે આજે શુ થવાનું છે?” ફરી રણજિત સિંહે કહ્યું.

“શુ?” હળવા અવાજે એ બોલ્યા.

“આજે ધવલને ફાંસી થવાની છે બહેન. મારા શહિદ ભાઈબંધને આજે શાંતિ મળશે…..” કહી ઊંચે જોઈ ફરી રણજિતસિંહ બોલ્યા, “વાહ તારી ઈમાનદારી દોસ્ત…. વાહ….”

“હા એ ઈમાનદાર ઓફિસર અને બેઇમાન બાપ આજે સફળ થવાના છે.” આંસુ અને સ્મિત સાથે નમ્રતાબેન બોલ્યા ત્યાં જ આશુતોષ દોડતો આવ્યો.

“મમ્મી મમ્મી, હું બહાર રમતો હતો ત્યા એક અંકલ આવ્યા અને મને બેગ આપી.”

રણજિત સિંહે બેગ ખોલી અને જોયું તો અંદર એક પૈસાનું બંડલ અને એક ચિઠ્ઠી હતી. રણજિતસિંહે નમ્રતાબેનને પૈસા અંદર મુકવા કહ્યું અને ચિઠ્ઠી ખોલી શબ્દો વાંચ્યા.

રણજિત, આ પચાસ હજાર રૂપિયા મુકું છું દોસ્ત. આવતી વખતે આપણે જે પ્લોટ રાખ્યો હતો એ જમીન વેચીને પૈસા મોકલીશ. બધાને સાચવજે. મારા ઉપર કોઈને શક નથી ગયો. તે છતાં આશુતોષનું ધ્યાન રાખજે.

લિ.  યાકુબ ખાન.

 

Comment here