gujarati-love-story-chanda

ચંદા

“પાર્વતી કાકી…” બુમો પાડતી ચંદા ઘરમાં પ્રવેશી.

ચંદા ઘરમાં આવે એટલે ખબર પડી જ જાય, આખા ઘરને માથા પર લઈ લે. એને બહુ ઉતાવળું બોલવાની આદત, ક્યારેય ધીમી કે શાંત ન જ દેખાય, જયારે જુવો બસ ઉતાવળી અને અધીરી….

“શું થયું ચંદા?” પાર્વતીએ રસોડામાંથી બહાર આવી કહ્યું.

“દેખો ને કાકી, રાજુના લીધે રોજ મારે મોડું થાય છે, એ ક્યારેય સમયસર શાળાએ જવા તૈયાર થયેલ હોતો જ  નથી.” ચંદાએ ભવાં ઉલાળી કહ્યું.

“એ નાલાયકની રાહ જોઈ તું કેમ મોડું કરે છે? તું જા એ આવી જશે.” પાર્વતીએ કહ્યું.

“શું કાકી??? તમને તો ખબર છે ને મારે કોઈ બીજું મિત્ર નથી, રાજુ વગર હું એકલી કદી ગઈ છું શાળાએ??”

“રાજુ…રાજુ…” પાર્વતીએ બુમ મારી.

“કેમ મારો જીવ ખાવા ચાલી આવે છે??? તને એકલી શાળાએ જતા શું થાય છે???મારી મરજી હોય તો હું મોડો આવું તને મોડું થતું હોય તો તું જા. હું તને ક્યાં કહું છું કે મારી રાહ જો.” રાજુ અંદરના ઓરડામાં તૈયાર થતો હતો, ચંદાની બુમો સાંભળી બહાર આવી એણે કહ્યું.

“તારી સાથેજ જઈશ, ભલે ગમે એટલું મોડું થાય.” ચંદાએ જીદ કરી.

ચંદા બાળપણથી જ રાજુની પાક્કી મિત્ર બની ગઈ હતી, એની મરજી થાય ત્યારે પાર્વતી કાકીના ઘરે ચાલી જાય અને મોટાભાગે ચંદાને લીધે રાજુના શાળાના બધા પરાક્રમો પાર્વતી સુધી પહોચી જતા. એણે શાળામાં કોઈથી ઝઘડો કર્યો હોય કે લેસન બાકી રાખ્યું હોય કે કઈ પણ પરાક્રમ કર્યું હોય.

ખબર નહી ચાંદને એવી શું જીદ હતી પણ બસ રાજુ…રાજુ…રાજુ… એની દરેક વાતમાં એના દરેક કામમાં રાજુ નું નામ હોય જ…

ઘણીવાર તો ચંદા રાજુ પર એ રીતે હુકમ ચલાવતી જાણે રાજુ એનો નોકર હોય. ખબર નહી ખુદને શું સમજાતી હતી?? રાજુને શું સમજતી હતી???

રાજુનું ઘર રસ્તામાં આવતું એટલે ચંદા ક્યારેય રાજુને સાથે લીધા વિના શાળાએ ન જતી. કોઈ દિવસ એવો ન હોય કે એ રાજુને બોલાવવા જવાનું ભૂલી જાય… ને રસ્તા… રસ્તામાં તો બસ પટર પટર બોલ્યે જ જતી… રાજુને કાઈ બોલવાનો મોકો તો મળે જ નહી… કેટલીયે વાર રાજુ અને ચંદા બંને ઝ્ઘડી જતા… રાજુ કોઈ કોઈ વાર તેના પર હાથ પણ ઉપાડી દેતો, બાળક ખરા ને કેટલી બુદ્ધિ હોય???

પણ શું થઇ ગયું ?? ચંદાના મનમાં બીજી સવારે એ ગુસ્સો હોય જ નહી એમ શાળાના સમયે એ રાજુના ઘરના બારણે ઉભી રહી બુમ મારતી.. અને બંને શાળાએ તો ભેગા જ જતા!!

રાજુ એનાથી લડે… એનાથી ઝઘડે.. તોય એને કાઈ અસર ન થતી પણ જો રાજુ ક્યારેય એમ કહે કે જા હવે કાલથી તારા સાથે શાળાએ નહી આવું, હું બીજા મિત્રો સાથે જઈશ..તો એની આંખોમાં આંશુ આવી જતા… એ રડવા લાગતી..

પણ પછી રાજુ જ એને ચુપ કરાવતો અને, “કહેતો કેટલી મુરખ છે તું?”

એ પૂછતી, “કેમ???”

“કેમ શું?? તને ખબર નથી તારા સિવાય મારું કોઈ બીજું મિત્ર છે જ નહી તો બીજા કોના ભેગો શાળાએ જાઉં???”

“એટલે તું કાલે મારા સાથે જ શાળાએ આવીશ ને?” ચંદાના આંસુ ક્યાય ગાયબ થઇ જતાને એનો ચાંદ જેવો ચહેરો ચાંદની જેમ ખીલી ઉઠતો..!!

મોટા ભાગે ચંદા રાજુના જ ઘરે હોય બંને સાથે ભણે સાથે રમે.. ચંદા પાર્વતીને ઘરના કામમાં મદદ પણ કરે… ગામડાનું વાતાવરણ હતું એટલે છોકરીઓને હાલના જેટલી કામથી નફરત નહોતી!!!

“તું મા ને કામમાં મદદ કરે છે પણ મને ક્યારેય કેમ લેસન નથી કરી આપતી ?” રાજુ પૂછતો.

“કેમકે હું લેસન કરી આપું તો તું ઠોઠ થઇ જાય અને તને નોકરી ન મળે.” ચંદા કહેતી.

ઘણી વાર તો ચંદા મસ્તીમાં રાજુને પૂછતી કે તું મોટો થઈને મારી સાથે લગ્ન કરશે??

રાજુને ત્યારે ખબર ન હતી કે ચંદા એ બધુ ગંભીરતાથી લેતી હશે એટલે એ હા પાડતો.

એક બે વાર તો ચંદાએ રૂપા કાકાને કહી દીધેલ કે રાજુનું શાળાનું લેશન પૂરું નથી હોતું એટલે રાજુને પિતાજીના હાથે માર પડેલી.

“તે કેમ મારા પપ્પાને કહી દીધું? રાજુએ બીજા દિવસે શાળાએ જતા ચંદાને પુછયું.

“કેમકે તું લેશન ન કરે તો ઠોઠ બની જાય.” ચંદાએ એકદમ ગંભીર થઇ કહ્યું.

“પણ એનાથી તારે શું લેવાદેવા?” રાજુ ગુસ્સે થઇ ગયો.

“તને નોકરી ન મળે તો આપણા લગન પછી આપણે શહેરમાં રહેવા કેવી રીતે જઈશું?”

રાજુ નીરુતર થઇ ગયો.

પણ બાળપણ ક્યાં કાયમ સાથે રહે છે?? એ તો ચાલ્યું જવા માટે આવેજ છે!!!

સમય ધીમે ધીમે વીતતો ગયો.. બાળપણ વીતી ગયું અને બંને કિશોરાવસ્થામાં પહોચી ગયા. ગામની નિશાળમાં સાત ધોરંજ હતા… ગામડામાં છોકરી સાત ભણી એટલે બહુ થઇ ગયું હોય એમ મા બાપ સમજતા એટલે ચંદાનું ભણવાનું બંધ થઇ ગયું, પણ ભણવાનું બંધ થયે શું ફેર પડે?? એ પાર્વતી કાકીને ત્યાં આંટો મારીને આવું છું… એમ કહેતીકને ચાંદ પહોચી જતી રાજુના ઘરે!!

પણ એક દિવસ ચાંદ માટે સુખ અને દુ:ખ બંનેના સમાચાર લઈને ઉગ્યો… એ ઘરથી હસતી, કુદતી રાજુના ઘરે આવી, પણ ત્યાં એને એ સમાચાર મળ્યા જે સાંભળી એનું હૈયું હરખ અને સોક બંનેની લાગણીથી ઉભરાઈ આવ્યું..

“ચંદા મને પિતાજી શહેર ભણવા મોકલે છે.” રાજુએ એની પાસે આવી કહ્યું.

ચંદા નીરૂતર બની ગઈ, શું બોલવું એ કઈ સમજી ન શકી હોય જાણે!

“કેમ શું થયું?? તુજ તો ઇચ્છતી હતી કે હું હોશિયાર થઉ. હવે શહેર જઈ આગળ ન ભણું તો હોશિયાર ક્યાંથી થવાય?? નોકરી ક્યાંથી મળે???” રાજુએ એને કહ્યું.

“તો હવે હું વાતો કોનાથી કરીશ???“

“મા છે ને એની પાસે આવજે બેસવા.”

“હા, પણ તું શહેર જઈ મને યાદ તો કરીશને ?”

“હા, કેમ તે જ તો બાપુજીની માર ખવડાવી મારા એસી ટકા લવડાવ્યા છે ,હવે તને કેમ ભૂલું હું ભણીશ ત્યાં સુધી મને યાદ રહેશે કે તેજ મને પરાણે હોશિયાર કરેલો.”

“સાચે ??? મેં તને હોશિયાર કર્યો?” ગામડાની ભોળી ચંદા ખુશીથી ઉછળી પડી.

“હાસતો, નહિતર મને ક્યાં લેસન કરવું ગમતું હતું?”

રાજુ શહેર ભણવા ચાલ્યો ગયો. વરસમાં બે એક વાર ઘરે જતો.. શિયાળા અને ઉનાળાની રજાઓમાં અને એ સમય દરમિયાન ચંદા રાજુના ઘરે જ હોય…

મા રાજુને કહેતી કે ચંદા રોજ ઘરે એક આંટો તો મારે જ ભલે ગમે તે આડીઅવળી વાતો બહાના બનાવે પણ પછી જે પૂછવા આવી હોય એ પુછીજ લે રાજુનો પત્ર આવ્યો હતો???

અને જયારે જયારે ના મા જવાબ મળે એનું મો ઉતરી જતું.. પાર્વતી તો અને બાવલી કહેતા.

ધીમે ધીમે રાજુ ઘરે વેકેસનમાં પણ આવતો બંધ થઇ ગયો… એ કોલેજમાં આવી ગયો હતો અને કોઈ સરકારી નોકરીની પણ તૈયારી કરી રહ્યો હતો એટલે પોતાના શહેરી મિત્રો સાથે રૂમ પર ત્યાજ રહેતો…. કોલેજના ત્રીજા વર્ષ સુધીમાં તો એ ચંદાને જાણે બિલકુલ ભૂલી જ ગયો હતો… છેલ્લા ત્રણ વર્ષથી મળવાનુંય ન જેવું થઇ ગયું હતું…

એ કોલેજ પૂરી કરી ઘરે આવ્યો… ઘણા લાંબા સમય બાદ ઘરે આવ્યો.. એ આવ્યો છે એની ખુશીમાં ગાંડાની જેમ દોડતી આવવાની ઉમર હવે ચંદાની પણ ન હતી રહી… એ ઉછળતી કુદતી ચંદા હવે શાંત અને સ્થિર બની ગઈ હતી… એ બાળપણમાં ઉછળતું કૂદતું વહેતું ઝરણું હવે કોઈ તળાવના શાંત પાણી જેવું બની ગયું હતું.

એને સમાચાર મળ્યા કે રાજુ ઘરે આવ્યો છે પણ એ તાત્કાલિક ન આવી શકી, લગભગ સાંજના સમયે માંડ સમય મેળવી શકી..

સાંજ સુધી એનિએ પોતાના મનને કઈ રીતે રોકી રાખ્યું એતો બસ એનું મન જ જાણતું હતું… એનો બાળપણનો સાથી વરસો બાદ આવ્યો હતો પણ પોતે હજુ મળવા જઈ ન શકી એની અધીરાઈ તો એના શ્વાસ જ જાણતા હતા.. સાંજે જયારે સમય મળ્યો એના પગ એથીયે વધુ અધીરા બની રાજુના ઘરે જવા ચાલવા લાગ્યા પણ જેવી એ દરવાજે પહોચી એના એ અધીરા પગ ત્યાજ ચોટી ગયા… ચંદાએ જે સાંભળ્યું એનાથી એના પગ જાણે કે પથ્થર બની ગયા..

“મમ્મી એ બાળપણ હતું, અમે અને ચંદા નાના હતા, ન હતા સમજતા, એ બધું સાચું ન હતું, મને શહેરની એક છોકરી સાથે મિત્રતા થઇ છે અને અમે લગન કરવાનું પણ નક્કી કરી નાખ્યું છે, જે સાચું છે….” રાજુના શબ્દો ચંદાને તીરથીયે વધુ વાગી રહ્યા હતા… એ ત્યાજ ઉભી રહી ગઈ એક ડગલું પણ આગળ કે પાછળ ન ખસી શકી.

“પણ ચંદા. એ બાવલી તો…”

“ફોરગેટ હર… હું કોઈ બીજાને ચાહું છું.” પાર્વતીને વચ્ચે જ રોકી રાજુએ કહ્યું, એને શહેરની હવા અડી ગઈ હતી.

ચંદા પાછી વળી, જે ઘરમાં એ રાજુના પત્ર આવ્યાના સમાચાર સાંભળવા… રાજુના અક્ષરોને પત્રમાં લખાયેલ જોવા રોજ આવતી… મહિનામાં એકાદ વાર જ પત્ર આવતો અને મોટા ભાગે એમાં ચંદાનું તો નામે ન હોતું છતાયે આવતી.. પણ આજે એ ઘરમાં જવા માટે ચંદા પાસે કાંઈ જ ન હતું રહ્યું… કોઈજ કારણ ન હતું!!

એ પાછી વળી… એની આંખોમાં આંસુ હતા… એના હૈયામાં દુ:ખ હતું… એની આંખો સ્વપ્ના વિનાની થઇ ગઈ હતી.. પોતાના અને રાજુના ઘર વચ્ચેના જે રસ્તે એ હજારો વખત હજારો સપના લઈને ચાલતી હતી એ માર્ગ પર આજે એ એકલી હતી… કોઈ સપનું એની સાથે ન હતું… માર્ગ જાણે એને અજાણ્યો લાગી રહ્યો હતો..!!

રાજુ બે ત્રણ દિવસ માંડ ઘરે રહ્યો… એ પાછો શહેર ચાલ્યો ગયો… પોતાના મિત્રો પોતાની દિવ્યા પાસે..

થોડાક સમય મહેનત કર્યા બાદ રાજુને દશેક હજારના પગારની એક નોકરી પણ મળી ગઈ..એ  હવે પોતાનું ઘર વસાવવાના સપના જોવા લાગ્યો અને માણસ એક વાર સપનું જોવા લાગે પછી એ સપનું એનો પીછો નથી છોડતું.. કાતો એ સપનું પૂરું થાય કાતો એ સપનું ટુટયે જ પાર આવે છે!!

“દિવ્યા આપણે હવે લગન કરી લેવા જોઈએ.” એક વખત મોકો જોઈ રાજુએ કહ્યું, એ દિવસે દિવ્યા બહુ ખુશ હતી એટલે રાજુ ને લાગ્યું કે એ સારો મોકો હતો.

“કરી લઈશું.. હમણાં શું ઉતાવળ છે.. હજુ આપણા જલસા કરવાના દહાડા છે.”

“પણ લગ્ન કર્યા પછી ક્યાં જલસા નથી થતા?” રાજુ જરાક અધીરો થઇ ગયો, સપનું હોય જ છે એવું ભલભલાને અધીરા કરી મુકે છે.

“કરી લઈશું… જાન” દિવ્યાએ વાતને ટાળવા મીઠા શબ્દોનો સહારો લીધો, છોકરીના ખાસ સંકટ સમયના એ હથિયારને દિવ્યાએ અપનાવ્યું. પણ હવે રાજુ એ કાઈ પેલો ગામડાનો ભોળો રાજુ ન હતો રહ્યો.. એ હમણા જ ચંદાનું દિલ તોડીને આવ્યો હતો એને પણ પુરાવો આપેલો જ હતો કે એ હોશિયાર બની ગયો હતો(આજ કાલની હોસીયારની નવી વ્યાખ્યા મુજબ) હવે એ ગામડાનો ભોળો રાજુ ન હતો, એ ચંદાનો રાજુ ન હતો પણ દિવ્યાનો રાજુ હતો..

“તું મારી વાત ને સીરીઉસ નથી લઇ રહી?” રાજુનો અવાજ જરાક બદલાયેલો લાગતો હતો.

“તું આ બધું ખરેખર સીરીયસ લઇ રહ્યો છે, રાજુ?”

“તું કહેવા શું માંગે છે?

“એ જ કે કોલેજ જીવનમાં છોકરા છોકરી સાથે ફરે અને આપણે પણ ફર્યા, તું એને આટલું સીરીયસ કેમ લે છે?” દિવ્યાએ એજ શાંત અવાજે કહ્યું.

“કેમકે હું આ બધું સીરીયસ લઉં છું અને હું ખરેખર તારાથી લગન કરવા વિચારું છુ”  રાજુએ ફરી અવાજમાં નરમાશ લાવતા કહ્યું.

“તે એવું વિચારી કઈ રીતે લીધું? ત્રણ મહિના રખડ્યા બાદ તે દસ હજારની નોકરી મેળવી છે અને તું મારી સાથે લગન કરવાનું કઈ રીતે વિચારી શકે?”

રાજુ સમજી ગયો, એની પાસે દિવ્યાને આપવા માટે ઘણા જવાબ હતા પણ હવે રાજુ શહેરી હતો એ દિવ્યાને ઓળખી ગયો હતો, હવે એ એની સાથે વાત કરી એક પળ પણ બગાડવા માંગતો ન હતો. એને એકવાર પણ પાછળ જોયા વગર ચાલવા માંડ્યું અને પોતાની રૂમ પર આવ્યો.

તેનું મન તેને કહેવા લાગ્યું ક્યાં ચંદા અને ક્યાં આ શહેરી છોકરી… બહારના દેખાવને મેં જોયો… મેં કપડા જોયા, દિલ ન જોયું… એ સાદા કપડામાં ફરતી ચંદાનું દિલ આ સફેદ ચામડીમાં સંતાયેલ ખોટા દિલ જેવું ન હતું.. પણ પોતે બહારના રૂપને જ જોયું… એ વખતે તો ચંદા એને ખેતરમાં કામ કરનાર અણઘડ લાગી હતી અને દિવ્યા સ્વપ્ન સુંદરી!!

એને શહેરી પ્રેમ જે મોટા ભાગે કાચા દોરા જેવો હોય છે એ સાચો લાગ્યો અને દિલની પાકી ડોર એ તોડી આવ્યો પણ હવે શું???

હું ચંદા પાસે જઈશ, એની માફી માગીશ. એને કહીશ શહેરમાં ચંદા નથી એ મને ખબર ન હતી મને માફ કરી દેચંદા. એ માની જશે.. એ મને માફ કરી દેશે… એ મારાથી ક્યાં વધારે સમય ગુસ્સે રહી જ શકે છે…

રાજુ સીધોજ સ્ટેશન ગયો અને પોતાના ગામ જવા જે પહેલી બસ મળે એમાં ચડી ગયો… એને સીતેરની જડપે ચાલતી બસ પણ જાણે ધીમી લાગી રહી હતી.. કાસ… હું ચંદાને સમજ્યો હોત… કાસ !!!

ચંદા સાથે વિતાવેલ બાળપણની યાદોને વાગોવામાં ક્યારે ગામ આવી ગયું ખબરે ન પડી…એ મનોમન પસ્તાવો કરતો… પોતાની જાત ને વખોડતો એ ગામમાં પ્રવેશ્યો…

સીધો ચંદાના ઘરે જ જઈશ એની પાસે…. વિચારતો વાલજી મુળજીની દુકાનથી જરાક આગળ વધ્યો ત્યાં ચંદાના બાપુ તેને સામેથી આવતા દેખાયા.

“રૂપા કાકા, બધા ઘરે તો છે ?” રૂપાકાકા નજીક આવ્યા એવુ જ રાજુએ અધીરા થઇ કહ્યું, એને એમકે કદાચ હેમા કાકીને ચંદા ક્યાય બહાર તો નહી ગયા હોય ને.

“હા, ઘરે જ છે તારી કાકી, કાઈ કામ હતું?”

“અને ચંદા?” રુપકાકાએ ચંદાનું નામ કેમ ન લીધું??

રુપાકાકાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા, એ કશું બોલી ન શક્યા.

“શું થયું છે ચંદાને?” રાજુ જેના સાથે બાળપણ વીતાવ્યાની યાદોને સંભારતો આવ્યો હતો એના વિશે એનું મન આશંકાઓ કરવા લાગ્યું.

“એ નથી રહી. તું ગયો એના બીજે જ દિવસે… ”

રૂપાકાકાના શબ્દો રાજુની છાતીમાં તીર ઉતરે એમ ઉતરી ગયા, એ નથી રહી??

“મને ખબર કેમ ન કરી?” રાજુને જરાક કળ વળતા એ બોલ્યો.

“એ કાગળ લખીને ગઈ હતી કે રાજુને ખબર ન કરતા એના નવા નવા લગન થયા હશે, એને ખુશીના સમયે આવા દુખના સમાચાર ન મોકલતા.”

રાજુ ધબ્બ દઈ નીચે બેસી ગયો. રૂપાકાકા પણ ગભરાઈને એની પાસે બેસી ગયા, “શું થયું દીકરા?”

“કાગળ લખીને એટલે….” રાજુ પોતાનું વાક્ય પૂરું ન કરી શક્યો.

“હા, ભમ્મરિયા કુવામાં, મુઈ એ એકવાર એની મા ના મોઢા સામુયે ન જોયું.” રુપાકાકા બોલ્યા અને પછી ઉમેર્યું, “એને તારા શીવા કાઈ દેખાતું જ ક્યાં હતું?”

રાજુ ઉભો થઇ કશુજ બોલ્યા વગર પાછો વળી ગયો, પાછો સ્ટેશન તરફ

“શું થયું દીકરા? ઘરે મળવા આવ્યો હતો ને?” રુપકાકાએ બુમો મારી પણ એણે પાછળ ફરી ન જોયું.

“આ છોકરાઓ પણ અજીબ છે, પેલી આમ ચાલી ગઈ ને આ આમ!!” કહી રૂપાકાકા ઘર તરફ વળ્યા.

બીજે દિવસે શાળાથી છૂટીને આવતા છોકરાઓમાંથી કેટલાક છોકરાઓ ખબર લઈને આવ્યા, “ભમ્મરિયા કુવામાં કોઈ અજાણ્યો માણસ પડ્યો છે.”

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

3 Replies to “ચંદા”

Comment here