gujarati-horror-story-mulakat

મુલાકાત

હું સફાળો જાગ્યો, મેં જોયું તો સવારના દસ વાગ્યા હતા. હું ત્રણેક વાગ્યે ઊંઘ્યો હતો એટલે મોડો ઉઠ્યો એ દેખીતું હતું, હું ફટાફટ મારા પલંગ પરથી ઉતર્યો. હોસ્ટેલમાં પોતાની પથારી સવારે ઉઠી વાળવાનો નિયમ હતો પણ મારી પાસે એ સમય ન હતો, મારી પાસે મો ધોવાનો કે બ્રસ કરવાનોય સમય ન હતો તો પથારી કરવાનો સમય ક્યાંથી હોય???

હું રૂમ બહાર આવ્યો અને બહાર ઉતારેલ કાળા પાર્ટીવેર સુજમાં પગ નાખ્યા, મોજા મારા પગમાં જ હતા, રાત્રે આવી હું મોજા ઉતારવાનું જ ભૂલી ગયો હતો, હું મોજા પહેરીને જ સુતો હતો.

હું રોડ પર આવ્યો અને રિક્ષાને રોકવા હાથ કર્યો, સવારનો વ્યસ્ત સમય હતો છતાં સદનસીબે પહેલીજ રિક્ષાવાળાએ રિક્ષા રોકી.

“વિલાસ નગર.” મેં રિક્ષામાં બેસતા કહ્યું.

હું ભાડું નક્કી કર્યા વગર જ રિક્ષામાં બેઠો એટલે રિક્ષાવાળો પણ જાણે સમજી ગયો હતો કે મને કેટલી ઉતાવળ હતી એટલે એણે રિક્ષાને ટેક્સીની ઝડપે રોડ પર દોડાવી. રિક્ષાની ગતી સાથે મારા વિચારો પણ ગાતી પકડી રહ્યા હતા. મેં રાત્રે શું જોયું હતુ?? શું મેં જોયું એ સાચું હોઈ શકે???

દસેક મિનીટ બાદ રિક્ષા વિલાસ નગરના જુના પાટિયા આગળ અટકી અને સાથે મારા વિચારો પણ. મેં રિક્ષામાંથી ઉતરી એને પચાસની નોટ આપી. એ સમજુ ડ્રાયવરે કોઈ રકજક ન કરી અને હું પણ એ મને દસ રૂપિયા પાછા આપે એની રાહ જોયા વિના જ ચાલવા માંડ્યો, બાકી આમ અમારી હોસ્ટેલથી વિલાસનગર પાટિયાનું ભાડું ચાલીશ રૂપિયા જ હતું પણ મને આજે એ દસ રૂપિયા વધુ લઇ ગયો એની જરાયે ફિકર ન હતી.

વિલાસ નગર શહેરનો હાલ પછાત ગણાતા વિસ્તારોમાંનો એક હતો, આમતો એક સમય એવો પણ હતો કે વિલાસપુર પાટિયાની રોનક હતી પણ એ સમયને વર્ષો થઇ ગયા હતા, હવે એ વિસ્તારમાં જુના પુરાણા ખખડધજ્જ મકાનો સિવાય કઈ ન હતું.

હું એ જુના ખંડેર જેવા મકાનો ને નિહાળતો એજ વૃક્ષ સામે આવીને ઉભો રહ્યો જે વૃક્ષ આગળ ગઈ રાતે હુ મારો જીવ ખોવાનો હતો, હું એ વિશાળ પીપળાના વ્રુક્ષને જોઈ રહ્યો હતો, મને લાગ્યું કદાચ આ વ્રુક્ષે આ વિસ્તારની ચડતી-પડતી બંને જોયા હશે કેમકે એ વ્રુક્ષ સો દોઢસો વરસ જુનું હોય એવું એની વિશાળતા અને એની ઘટાના ફેલાવા પરથી લાગતું હતું પણ એ હવે રાત જેવું અડીખમ વ્રુક્ષ ન હતું, કાલે રાત્રેજ કોઈએ એને આખે આખું સળગાવી નાખ્યું હોય એમ લાગતું હતું.

“શું જોઈ રહ્યો છે દીકરા?” ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ માજીએ ઉભા રહી પૂછ્યું.

“આ વ્રુક્ષ કેવી રીતે સળગી ગયું?” મેં સવાલ કર્યો.

“રાત્રે વીજળી પડી હોય એમ લાગે છે. સારું જ થયું, આમેય કેટલાયના જીવ લીધા હતા એ નરાધમે…” માજીને એ વ્રુક્ષના બળવાથી ખુશી થઇ હોય એમ તેમણે કહ્યું.

“જીવ લીધા હતા?” મેં નવાઈ પામી પૂછ્યું.

“સાંભળી વાત છે કોઈને પાકી ખબર તો નથી પણ કહે છે કે આજાદી પહેલાની અહી એક ગોરા અંગ્રેજની આત્મા આ પીપળાના વ્રુક્ષ સાથે જોડાયેલ હતી.. અને સાચું હોય એમે લાગે છે કેમકે કેટલાય લોકોએ આ ઝાડ પર ફાંસો ખાધો છે.” કહી માજી આગળ ચાલતા થયા.

હું એ વ્રુક્ષને જોતો રહ્યો… હું જાણતો હતો એ વ્રુક્ષ કઈ રીતે બળ્યું.. હું જાણતો હતો કોઈ વીજળી ન હતી પડી… હું જાણતો હતો ગઈ રાતે અહી શું થયું હતું.

હું ગઈ રાતે અહી હતો… મમ્મીએ મને ઘણું સમજાવ્યો હતો કે રાતે ન નીકળ પણ હું નહોતો માન્યો. મમ્મીએ ઘણી દલીલ કરી હતી.

“પણ તારે આટલું મોડું નીકળવાની શી જરૂર છ?”

“મોડા નીકળવામાં વાંધો શું છે? હું કઈ નાનું છોકરું છું કે ખોવાઈ જઈશ?” મેં દલીલ કરતા કહ્યું.

“કોલેજમાં આવી ગયો છે પણ તોયે જીદ તો નાના છોકરા જેવી જ કરે છે ને?” પપ્પાએ પણ ભાગ લીધો.

“પપ્પા કોલેજમાં છું એટલે જ જીદ કરું છું કે સાંજે જવામાં વાંધો શું છે?”

“આજકાલ અપરાધ અને ગુનાનું પ્રમાણ કેટલું વધી ગયું છે.” પપ્પાએ કહ્યું.

“અને રાતનો સમય ભૂત પ્રેત??” મમ્મીએ પોતાની વાત રાજુ કરી.

“મમ્મી ભૂત પ્રેત કઈ ન હોય.. જો કોઈ મર્યા પછી ભૂત બનતું હોત તો મારો મીત્ર સુનીલ ભૂત બની પાછો કેમ ન આવ્યો? હું એક વર્ષથી રોજ એને યાદ કરું છું.. એક દિવસ પણ એવો નહોતો કે અમે બંને ભેગા મળી ફર્યા ન હોઈએ.. તો એ કેમ ન આવ્યો?” મેં કહ્યું.

“એ બધું સમય પર આધાર રાખે છે આપણી મરજી મુજબ કઈ નથી થતું.” મમ્મીએ કહ્યું.

“હા, તો સમય થયો હશે મને ભૂત સાથે મુલાકાત કરવાનો તો એ હું નહિ જાઉં તો ઘરે પણ મને મળવા આવશે.. તો સારું છે ને હું હોસ્ટેલ પહોચી જાઉં અને કાલથી કોલેજ જોઈન કરી લઉં.” કહી મેં પોતાની બેગ લીધી.

“સંભાળીને જજે, અને ત્યાં ઉતરી રિક્ષા કે ટેક્ષી ભાડે કરી લેજે.” મમ્મીએ કહ્યું, મેં બેગ લીધી એટલે એ સમજી ગઈ હતી કે હું એની વાત માનવાનો નથી.

“હા, બાય મમ્મી, બાય પપ્પા, અને તમે સાચવજો મારી ફિકર ન કરતા.” કહી હું ઘર બહાર નીકળી ગયો પણ મને મમ્મીના શબ્દો કાને પડ્યા. સુનીલના ગયા પછી એકદમ ગાંડો જ બની ગયો છે, શું કરે છે એનું એને ભાન જ નથી હોતું, ક્યાંક? એ પપ્પાને કહી રહી હતી.

પણ મમ્મીને કઈ રીતે સમજવું કે સુનીલ અને હું બંને હોસ્ટેલમાંથી મોડે સુધી ફરવા જતા, હજુ હું રાત્રે બહાર નીકળું તો મને એ સાથે હોય એવી અનુભૂતિ થાય છે અને મને સંતોષ મળે છે.

હું ઓટોમાં સ્ટેશન ગયો, ખાસ્સી વાર રાહ જોયા પછી જયારે મને બસ મળી ત્યારે સાડા અગિયાર વાગી ગયા હતા.

હું બસમાં બેસી સુનીલની યાદોને વાગોળવા લાગ્યો, સુનીલ એક જ મારો એવો મિત્ર હતો જે મારા હ્રદયની એકદમ નજીક હતો, પણ એક વર્ષ પહેલા અકસ્માતમાં એ…. કોલેજ આખીમાં એનું ફેજર વખણાતું એની રાઈડ કરવાની સ્ટાઈલ અને અદા જોઈ મોટાભાગના છોકરા એને બુલેટ રાજા કહી બોલાવતા.

લગભગ દોઢેક કલાક બાદ બસ નખતાર સ્ટેશને પહોચી, હું બસમાંથી ઉતર્યો મેં કાંડા ઘડિયાળમાં જોયું તો રાતનો દોઢ વાગ્યો હતો. મને ઉતારી બસ નીકળી ગઈ મને નવાઈ લાગી બસમાંથી નખતાર પાટીએ ઉતરનાર હું એક જ હતો બીજું કોઈ નહિ!!

શિયાળાના દિવસો હતા એટલે ઠંડીનું પ્રમાણ પણ ખાસું એવું હતું અને મારી રોજની આદત જેમ મેં જરશી કે સ્વેટર કાંઈ જ નહોતું પહેર્યું. હું ઠંડીને લીધે જરાક ધુજી રહ્યો હતો. બે કલાક જેવો સમય બસમાં બેસી રહેવાને લીધે મારુ શરીર પણ જરાક અકળાઈ ગયું હતું, હું જરાક આગળ પાછળ નમ્યો જાણેકે મધરાતે એ સ્ટેશન પર કસરત કરવા આવ્યો હોઉં, એનાથી જરાક મારી પીઠને રાહત થઇ.

મેં એક ઊંડો શ્વાસ લીધો, પણ જાણે હું હવાને બદલે એમાં રહેલી ઠંડકને ગળી રહ્યો હોઉં એમ મને લાગ્યું. મેં બંને તરફ જોયું, કોઈ ટેક્ષી ન હતી, જયારે ટેક્ષીવાળા નીકળી ગયા હોય એ સમયે રિક્ષા મળવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. મેં મારું બેગ મારી પીઠે ભરાવ્યું અને સ્ટેશનમાંથી બહાર આવ્યો. એક ઝાંખા સ્ટ્રીટ લેમ્પ સિવાય મારી ચારે તરફ માત્ર અને માત્ર અંધકાર હતો.

ત્યાજ બેસી રહી કોઈ ટેક્સીની રાહ જોવાનો કોઈ મતલબ ન હતો કેમકે રાત્રે બે વાગ્યે કયો ટેક્ષીવાળો ત્યાં આવે?? અને એમાયે આ પાટિયું ક્યાં વધુ પેસેન્જરો ઉતરતા હોય એવું સ્થળ હતું જ !!

હોસ્ટેલ સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટર જ દુર હતી એટલે મેં ત્યાજ ઉભા રહી રાહ જોવાને બદલે ચાલતા જ હોસ્ટેલ પહોચી જવાનું નક્કી કર્યું. હું સ્ટેશનથી જરાક આગળ વધ્યો ત્યાજ મને કુતરાના રડવાનો અવાજ સંભળાયો, હું એ બેધ્યાન કરી ચાલ્યે ગયો પણ જાણે આજે મારા રસ્તામાં દરેક વિઘ્ન બનવા માંગતા હોય એમ એ રડવાના અવાજમાં બીજા પણ આઠ-દસ કુતરાઓનો રડવાનો અવાજ ભળી ગયો અંધારી રાત, એકલો વ્યક્તિ અને એ અવાજ… લાખ પ્રયત્ન બાદ પણ એ અવાજ બેધ્યાન કરી શકાય તેમ ન હતો.

મારા શરીરમાંથી એક ભયનું લખલખું પસાર થઇ ગયું… મારું રોમે રોમે એક ગુઝ-બમ્પનો અનુભવ કરી ઉઠ્યું. હું આગળ વધ્યે ગયો પણ મારા હ્રદયના ધબકારા વધે જતા હતા… અચાનક બધું શાંત થઇ ગયું, એ કુતરાઓના રડવાનો અવાજ બંધ થઈ ગયો.

હું વિચારતો હતો કે કદાચ મને કોઈ લીફ્ટ મળી જાય પણ હું પોતે જ જાણતો હતો કે હું મારી જાતને ખોટું આશ્વાશન આપી રહ્યો હતો, મને ખબર હતી એટલા મોડા મને કોઈ લીફ્ટ આપનાર ન મળે.

મેં હોસ્ટેલ જવા માટે નો શોર્ટકટ લીધો, હું ખાસ એ રસ્તે ચાલતો નહિ પણ એ માર્ગ પર ચાલીને થોડોક સમય બચાવી શક્ય તેમ હતું, જરા જલ્દી પહોચી શકાય તેમ હતું, મારે એ શોર્ટકટની પહેલીવાર જરૂર પડી હતી. અને કદાચ છેલ્લીવાર પણ…!!

હું એ માર્ગે આગળ વધતો રહ્યો, પણ એકાએક મને લાગ્યું હું માર્ગ ભૂલી ગયો હતો કેમકે એકાદ બે વાર હું એ માર્ગે ચાલેલો હતો- એ પણ દિવસે જ. મેં મારા મગજમાં ફીટ થયેલ ભૂતકાળના નકશાને તાજો કર્યો, મારો અંદેશો સાચો હોય એમ લાગી રહ્યું હતું.

“ના, આજ રસ્તો છે.” મેં મારી જાતને કહ્યું અને હું આગળ વધે ગયો. લગભગ અડધોએક કિલોમીટર ચાલ્યા પછી પેલી ઝાંખી સ્ટ્રીટ લાઈટોએ પણ મારો સાથ છોડી દીધો, હવે રસ્તા પર કોઈજ સ્ટ્રીટ લાઈટ ન હતી, એ મને અંધકારના હવાલે છોડી ચાલી ગઈ હતી, હવે માત્ર અંધકાર અને હું હતા, પેલા રડવાવાળા કુતરાય મને ક્યાય નજરે ન ચડ્યા.

ફરી ઓચિંતો હું ઉભો રહી ગયો, પાછળ જોયું….. મને લાગ્યું હમણા જ હું જે ઝાડ પાસેથી પસાર થયો ત્યાં કોઈ ઉભું હતું. હું ત્યાંથી પસાર થયો ત્યારે એ મારા ધ્યાનમાં કેમ ન આવ્યું??? કદાચ હું ડરેલો હોઈશ માટે… મેં જ મારી જાતને જવાબ આપ્યો.

હું પાછળ ફર્યો એ ઝાડ નીચે કોઈ ઉભું હતું. પણ અંધારાને લીધે એ કોણ હતું એ દેખાઈ નહોતું રહ્યું, પણ એ કોઈ પુરુષ હશે એની મને ખાતરી હતી કેમકે કોઈ મારા જેવો મૂરખ હોય તો રાત્રે નીકળ્યો હોય બાકી કોઈ સ્ત્રી રાત્રે બે વાગ્યે એકલા અહી આવવાની હિમ્મત કે મૂર્ખાઈ જે કહો તે ન જ કરે!!!

“મને લાગે તમે મારી મદદ કરી શકો તેમ છો?” મેં દુરથીજ એના તરફ જોઈ બુમ પાડી.

એણે કોઈ જવાબ ન આપ્યો.

“હું રસ્તો ભૂલી ગયો લાગુ છું, શું આ રસ્તો દેસાઈ કોલોની જાય છે?” મેં પૂછ્યું, મારી હોસ્ટેલ દેસાઈ કોલોનીમાં હતી.

કોઈ જ જવાબ ન આવ્યો, મને જરાક ડર લાગી.

શું હું ભૂતથી વાત કરી રહ્યો હતો??

શું મમ્મીની વાત સાચી હતી???

શું મારી સામે ઉભેલ વ્યક્તિ ભૂત હતી??? મારા મગજમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા, મારી સંકટ સમયની ગ્રંથી સક્રિય બની રહી હોય એમ મને લાગ્યું, ઠંડીમાં પણ મારા શરીરનું તાપમાન જરાક વધ્યું હોય એમ મને લાગ્યું, હું સમજી ગયો કે મારી અંત:સ્ત્રાવી ગ્રંથીએ મગજમાં એડ્રેનાલીનનું પ્રમાણ વધારી દીધું હતું, હું હાઈ-સ્કુલમાં ભણ્યો હતો કે સંકટ સમયે તાત્કાલિક નિર્ણય લેવામાં મદદ રૂપ થાય એવા અંત:સ્ત્રાવોનું નિર્માણ યુધ્ધના ધોરણે મગજમાં થઇ જતું હોય છે જેથી મગજ ઝડપી કોઈ નિર્ણય પર આવી શકે.

“શું આ સાચો માર્ગ છે?” મેં ખાતરી કરવા આખરી સવાલ કર્યો.

મને કોઈ જવાબ તો ન મળ્યો પણ એ ઓળો જરાક મારા તરફ ખસતો હોય એવું મને લાગ્યું.

શું એ ચાલી રહ્યો હતો???

મેં એના પગ તરફ નજર કરી પણ એના પગ સ્થિર હતા એ ચાલી નહોતો રહ્યો, પણ મને ખાતરી હતી ધીમે ધીમે મારા અને એના વચ્ચેનું અંતર ઘટી રહ્યું હતું…….!!

એ કઈ રીતે શક્ય હતું???

હું થીજી ગયો, હું અસહાય બની ગયો , હું પોતે જ પોતાની મદદ કરી શકું તેમ ન રહ્યો, મારી સંકટ સમયની ગ્રંથીએ મને દગો આપ્યો. મેં ચીસ પાડવાનો પ્રયાસ કર્યો પણ વ્યર્થ, મને એવું લાગ્યું જાણે મારી પાસે ક્યારેય અવાજ હતો જ નહિ, જાણે હું ક્યારેય બોલી શક્યો જ ન હોંઉ, જાણે મને બોલતા આવડતું જ ન હોય..!!

મારું મો ખુલ્યું પણ માત્ર હવા બહાર નીકળી, મારા ગળામાંથી કોઈ અવાજ બહાર ન આવ્યો, મારો અવાજ રૂંધાઇ ગયો જાણે કે કોઇકે મારું ગળું દબાવી નાખ્યું હોય..!!

એ ઓળો હવે મારાથી બહુ દુર ન હતો, મને હવામાં તેની વાસનો અનુભવ થવા લાગ્યો, મને એમ લાગવા માંડ્યું જાણે મને કોઈએ વર્ષોથી સડેલા કચરાના ઢગ નીચે દફનાવી નાખ્યો હોય… મને મૃત વાસ આવી રહી હતી, એ દુર્ગંધને લીધે મારો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો, મારા ફેફસા જાણે હવા શોષવાનો ઇનકાર કરી રહ્યા હતા…. અને મારું  હ્રદય જાણે ફાટી જવાની તૈયારી મા જ હતું…

મેં મારી મોતની ઘડી નક્કી કરી લીધી…. આંખો બંધ કરીને હું ઉભો રહ્યો કેમ કે મારા પગ ઉપડતા જ નહોતા….ત્યાજ મેં એક અવાજ સંભાળ્યો.

મને લાગ્યું જાણે કોઈએ મારું નામ લઈ મને બોલાવ્યો.

એ અવાજ તો પરિચિત હતો, હું એ અવાજને ઓળખતો હતો, એ સુનીલનો અવાજ હતો, મને એક પળ માટે થયું એ મારો ભ્રમ હતો. મેં આંખો ખોલી એ જ પળે મને એ ઓળાની એક કાનફાડી નાખે એવી ચીસ સંભળાઈ… એ ઓળો હવામાંથી ધુમ્મસ અદશ્ય થાય એમ અદશ્ય થઇ ગયો… જાણે સુરજ ઉગતા અંધકાર દુર થાય… જાણે તુફાન આવ્યા પછી સુકા પાંદડા!!!

“અહીથી ચાલ્યો જા.”  ફરી એક અવાજ સંભળાયો અને બીજી જ પળે સુનીલના ફેઝરને પૂરી સ્પીડ સાથે મારા બાજુમાંથી પસાર થઇ એ ઝાડ તરફ જતું જોયું, ફેઝરને ઝાડ સાથે અથડાતું જોયું અને એ ઝાડ પર કોઈ ભારે વિજળી પડી હોય એમ મેં એ વિશાળ વુક્ષને આગની જવાળામાં લપેટાતા જોયું, જેમ એક સારા વાચકની આંખો પુસ્તકના શબ્દોને પોતાનામાં સમાવી લે એમ એ આગ ધીમે ધીમે વ્રુક્ષને પોતાનામાં સમાવી રહી હતી!!!

સુનીલ ક્યાં ગયો?? એનું ફેઝર ક્યાં ગયું?? એ વિચારવા કે જોવા રહેવાની ત્યારે મારામાં હિમ્મત ન હતી હું પાછળ જોયા વગર દોડ્યો.. લગભગ પંદરેક મિનીટ દોડ્યા બાદ મેં પાછળ ફરી જોયું… કોઈ મારી પાછળ ન હતું… કોઈ મારો પીછો ન હતું કરી રહ્યું… એ ઓળો મને અનુસરી ન હતો રહ્યો… બસ દુર વર્ષોથી વિરહની આગમાં પીડાતા પ્રેમીઓ એકબીજાને પોતાનામાં સમાવી લે એમ એ આગ વ્રુક્ષને પોતાનામાં સમાવી રહી હતી… એ વ્રુક્ષ પણ મદહોસ પ્રેમીની જેમ એ આગમાં પોતાની જાતને સોપી રહ્યું હતું.

હું ફરી દોડ્યો.. મારા પગ છેક હોસ્ટેલ જઈને જ થાક્યા… ત્યાં સુધી મને જરાયે થાક ન લાગ્યો..

બીજી સવરે ઉઠી હું અહી છું… મને હતું કે રાત્રે મેં જોયેલ બધું મારો ભ્રમ હતો પણ ના….

હું અહી એ બળેલા ઝાડ સામે ઉભો છું એજ સ્થળે જ્યાં હું રાત્રે ઉભો હતો અને અહી જમીન પર સુનીલની ફેઝરના ટાયરનું નિશાન હજુયે એ વ્રુક્ષ તરફ જઇ રહ્યું છે.

મમ્મીની વાત સાચી હતી, બધું જ સમય આવ્યે થાય છે મારા યાદ કરવાથી સુનીલ ક્યારેય ન આવતો પણ સમય આવ્યે એ વગર યાદ કર્યે જ આવી ગયો……!!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

5 Replies to “મુલાકાત”

Comment here