gujarati-fantasy-novel-gandharva

ગાંધર્વ

ગાંધર્વ

ગુજરાતી ભાષામાં એક નવી અદભુત પ્રેમકથા હું વાચક મિત્રો સમક્ષ રાજુ કરવા માંગું છું. નવલકથાનું મુખ્ય પાત્ર અર્જુન એક ગાંધર્વ છે. વર્ષો પહેલા ગુમાવેલ તેનો પ્રેમ પ્રિયદર્શના અનેક વર્ષોથી એક અભીશાપ ભોગવતી પૃથ્વી પર આપણામાંથી એક એટલે કે માનવ બની જીવન જીવી રહી હોય છે. જે દેવરાજ ઇન્દ્રએ સોપેલા કાર્યને પૂરું પાડવા પૃથ્વી પર આવેલ પ્રિયદર્શના માનવ રૂપી જીવન જીવી રહી હોય છે અને પોતાનું અમરત્વ ગુમાવી બેઠી છે એજ દેવરાજ ઇન્દ્ર એના માટે કશુ જ કરી શકતા નથી અને એ વાસ્તવિકતા અર્જુને પણ સ્વીકારવી પડે છે.

અનેક વર્ષોથી પોતાના પ્રીયદર્શનાનો વિયોગ સહન કરી રહેલ અર્જુનને આકસ્મિક સમાચાર મળે છે કે તેની પ્રીયદર્શના જે માનવરૂપે જીવન જીવી રહી છે, તેનું જીવન જોખમમાં છે અને એજ સમયે દેવરાજ ઇન્દ્ર તરફથી સોપાયેલ એક કામ માટે તેને પૃથ્વી પર મોકલવાનું નક્કી થાય છે.

અર્જુન એક ગાંધર્વ છે અને પ્રેમ કરવો એ ગાંધર્વનો વણ-લખ્યો ધર્મ છે એ પોતાની પ્રીયદર્શના તરફ જતા મૃત્યુને રોકવા માટે દેવરાજ ઇન્દ્ર સાથે દગો કરવા પણ તૈયાર થઈ જાય છે એ જાણે છે કે એની પાસે પ્રિયદર્શનાને તેના અભીશાપથી કાયમી મુક્તિ અપાવવાનો પણ અંતિમ અવસર છે. પરંતુ તેના માર્ગમાં અનેક મુશ્કેલીઓ છે. તેની દરેક જાદુઈ શક્તિઓ તેની પાસેથી છીનવી લેવામાં આવે છે. શું તે એક માનવ જેમ કોઈ પણ જાદુઈ તાકાત વિના પોતાના પ્રેમને બચાવવામાં સફળ રહેશે??

અર્જુન એક ગાંધર્વ છે અને તે જાણે છે કે પ્રિયદર્શના તેની પ્રેયસી છે પણ પ્રિયદર્શના માનવરૂપે અવતરી હોવાને લીધે બધું ભૂલી ચુકી છે તે પોતાના પાછળના જન્મની સમૃતિ ગુમાવી ચુકી છે. જે સ્થિતિમાં પ્રિય દર્શના પોતાના અર્જુનને ઓળખી પણ નહી શકે એ પરિસ્થિતિમાં ફરી પ્રેમના ફૂલ કઈ રીતે ખીલશે???

સબંધોના તાણાવાણા.. અલોકિક શક્તિઓ… અતુટ પ્રેમ… હ્રદયના ધબકારા વધારી નાખે તેવું રહસ્ય… દેવતાઓ અને કેટલીક એવી પરા માનસ શક્તિઓ કે જેમને સમજવી માનવ મનથી પરે છે… અનેક પ્રપંચો… ટ્રેચરી… અને દિલધડક એકશન સાથેની આ નવી વાર્તાનો એક નાનકડો અંશ નીચે મૂકી રહ્યો છું એ નવલકથા લખતા પહેલા હું મારા વાચક મિત્રોની પસંદ અને તેમના સૂચનો જાણવા માંગું છું… તો આ નાનકડો અંશ વાચી તમને આ વાર્તા ગમશે કે કેમ? એ જણાવવા વિનંતી….

હું એક ગંધર્વ છું. ગાંધર્વ માત્ર સ્વર્ગના ગવૈયા કે સંગીતકાર જ હોય તે જરૂરી નથી. તેઓ પોતાની મરજી મુજબ કલાકાર-અદાકાર, ગાયક, સંગીતકાર, રક્ષક અને યોદ્ધા તરીકેનું જીવન પસંદ કરી શકે છે અને મેં એક યોધ્ધા તરીકે નું જીવન જીવવાનું પસંદ કર્યું.

પ્રિયદર્શના સ્વર્ગમાં હતી ત્યાં સુધીની વાત અલગ હતી. હું ગાઈ શકતો અને સંગીત વગાડી શકતો પણ એના ગયા પછી મારા ગળામાંથી દુ:ખના રાગ સિવાય અન્ય કોઈ રાગ નીકળતો નથી કે નથી મારી વીણાના તાર કોઈ ખુશીનો સુર રેલાવી શકતા.

હું ગંધર્વ છું, હું અમર છું પણ અમરત્વ મારા માટે એક શાપ છે કેમ કે હું પ્રિયદર્શના વિનાના આ નિસ્તેજ જીવનને ટૂંકાવી પણ નથી શકતો.. માટે મેં જીવવા માટે, સમય વિતાવવા માટે એક ચીજ પસંદ કરી. હું દેવરાજ ઇન્દ્રની ખાનગી વ્યક્તિઓ તરીકે કામ કરવા લાગ્યો. ઇન્દ્રના દિવ્ય હથીયારો અને અસુરી તાકતો સામેની લડાઈમાં મારો સમય વિતાવવા લાગ્યો.

મેં મારી જાતને એક યોધ્ધામાં પરિવર્તિત કરી નાખી, મને એ માટે ટ્રેનીંગ આપવામાં આવી, મારા મનને એ માટે તૈયાર કરવામાં આવ્યું, મને એ માટે મજબુત બનાવવામાં આવ્યો. અનેક દિલધડક લડાઈઓ મેં લડી છે. પૃથ્વીના ખૂણે ખૂણે મેં જીવસાટોસાટના ખેલ ખેલ્યા છે. પણ હ્રદય ક્યારેય બદલી શકાતું નથી.. શરીરને મજબુત અને કઠોર બનાવી શકાય છે પણ હ્રદયને કઠોર બનાવે તેવી કોઈ કસરત હોતી નથી.. હ્રદયને કોઈ પણ ટ્રેનીંગથી કઠોર બનાવી શકાતું નથી. દરેક ગાંધર્વના હ્રદયમાં એક ચીજ જન્મજાત હોય છે અને તે છે પ્રેમ..

હું પણ એક ગાંધર્વ છું તેથી બધા ગાંધર્વની જેમ મારું હર્દય પણ એક ગાંધર્વ હોવાને લીધે ખામી ધરાવે છે – પ્રિયદર્શના પ્રત્યેનો અપાર પ્રેમ એ મારી ખામી મારા અસ્તિત્વનું કારણ કે હું પોતે જ છું એ મને હજુ નથી સમજાઈ રહ્યું…..

પ્રિયદર્શનાનો ચહેરો છેલ્લા અનેક વર્ષોથી મારી આંખો સામે તરવરે છે. ગાંધર્વની સ્મરણશક્તિ માનવની સ્મરણ શક્તિ કરતા અનેક ગણી હોય છે એ તેમને મળેલા અનેક વરદાનોમાનું એક છે પણ મારા માટે એ પણ મારી સજા છે અનેક વર્ષો પહેલા સ્વર્ગ નિકાલ થયેલ પ્રિયદર્શનાનો ચહેરો મને એટલો યાદ છે જાણે કે હજુ આજે સવારે જ મેં એને જોઈ હોય, તેનો અવાજ મને હજુ પણ એવો સાંભરે છે જાણે કે એણીએ હમણા જ પ્રેમથી મારું નામ પુકાર્યું હોય!!! સ્વર્ગની પથરાળ જમીન ઉપર, મધુરી નદીઓના પાણીમાં ડૂબકી લગાવીને, ફૂલોના બાગમાંથી ફૂલોની સુવાસ આજુબાજુ વીંટાળીને જાણે એના હ્રદયના શબ્દો એના હોઠથી નીકળી મારા કાન સુધી આવતા હોય…!!!

એ દિવસ જ્યારે સ્વર્ગમાંથી સર્વથી સુંદર અપ્સરા હોવાને લીધે પ્રિયદર્શનાને પૃથ્વી પર કોઈ કામ માટે ઇન્દ્રએ પસંદ કરી હતી. પ્રિયદર્શના એ દિવસે પૃથ્વી પર ગઈ અને ત્યારબાદ ફરીને એ ક્યારેય સ્વર્ગમાં પાછી ન આવી.. તે ગઈ એ પહેલા અમે એકાદ કલાક જેટલો સમય ચંદ્ર બાગમાં પસાર કર્યો હતો… અમે એ સ્વર્ગના બગીચામાં એકમેકની આંખોમાં ડૂબ્યા હતા અને એકમેકને ફરી મળવાના વચન આપ્યા હતા… અમે ફરી મળવા માટે એકમેકથી અલગ થયા હતા પણ… પણ.. પ્રિયદર્શના પોતાનું વચન ન નિભાવી શકી. એ પાછી ફરીને એ બાગમાં મારા ખોળામાં માથું મૂકી સુવા માટે ન આવી.

ચંદ્ર બાગ એ સ્વર્ગના સુંદર સ્થળોમાંનું એક હતું. એ મારું અને પ્રિયદર્શનાનું મનગમતું સ્થળ હતું. અમે પહેલીવાર એ સ્થળે મળ્યા હતા. એ એના સફેદ સેલેસ્ટીયન મેઇડનના ડ્રેસમાં સજ્જ હતી. એના કપડા સફેદ ફૂલોથી શણગારેલા હતા. કદાચ એનું મુખમંડળ આકાશમંડળમાં અભિમાનથી ફરતા એ સફેદ વર્તુળ(ચંદ્ર)ને શરમાવે તેવું હતું…. કદાચ એના રૂપનું વર્ણન કરવું મારા માટે અશક્ય છે…

ગાંધર્વ માટે કોઈ પણ વર્ણન કાવ્યાત્મક રીતે કરવું પણ કોઈ મુશ્કેલ કામ નથી હતું.. દરેક ગાંધર્વ જન્મજાત કવિ હોય છે.. જન્મજાત લેખક હોય છે છતાં મને એના રૂપ રંગને સરખાવવા માટે કોઈ રૂપક કોઈ અલંકાર નથી મળી રહ્યા.. છંદાગ્ય કે પધાગ્ય કે ગધાગ્ય એક પણ પ્રકારે એના રૂપનું વર્ણન અશક્ય છે.

હું ગંધર્વ છું કાવ્યાત્મક વર્ણન મારા લોહીમાં છે, હું એમાં નિષ્ણાત હતો છતા એના રૂપની ચર્ચા કરવી મારા માટે મુશકેલ છે. પ્રિયદર્શનનું રૂપ તેના નામ મુજબ એટલું પ્રિય છે એટલું મધુર છે કે કોઈ પણ ગંધર્વનું ગીત એનાથી મધુર ન હોઈ શકે.. એટલું કર્ણપ્રિય છે કે કોઈ વિણાના સુર એનાથી કર્ણપ્રિય ન હોઈ શકે.

એક અન્ય ભાગ…

બહુમાળી ઈમારતો વચ્ચે આસ્ફાલ્ટથી બનેલ પાકો રોડ મને દેખાવા લાગ્યો. તેના પર કાળા રંગ પડતા સુરજના કિરણો તેને વધુ કાળો બનાવી રહ્યા હતા. મેં વિચાર્યું આ વખતે બધા નિયમો તોડવાના જ છે તો કેમ લેન્ડીંગનો નિયમ પણ નહિ? અને એ એક સારી શરૂઆત રહેશે. એના પાછળ પણ મારી એક અલગ ફીલોશોફી હતી.. કદાચ ફરીથી મને આવી મુસાફરી કરવાનો અવસર ન મળે તો? જો મારે કાયમી માનવ કે પથ્થરની શીલા (એ ઇન્દ્રના ગુસ્સા પર અધાર રાખે છે) બનીને પૃથ્વી પર રહેવું પડે તો? કદાચ આ મારું પૃથ્વી પરનું અંતિમ ઉતરાણ હશે તો? એવા અનેક વિચારોએ મને એકવાર અન્ય ગાંધાર્વોની જેમ હિરોપંતી કરવાની પ્રેરણા આપી અને આમેય હિરોપંતી કરવાની જ હતી. પ્રેમમાં હિરોપંતી કરવી જ પડે છે.

ગઈ વખતે હું પૃથ્વી પર આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉતર્યો હતો. એ વખતે ત્યાના થીયેટરોમાં મીડસમર નાઈટ ડ્રીમ નાટક ધૂમ મચાવતું હતું. હા, ત્યારે થ્રીએટરમાં ફિલ્મો ન લાગતી. લગભગ એ વખતે ચલચિત્રોની શોધ ન હતી થયેલ. થીયેટરમાં નાટકો ભજવતા, મેં એ નાટક જોયું હતું અને એમાંની સેક્સપિયરની એક થીયરી મને ગમી હતી કે પ્રેમી, પાગલ અને કવિ આ ત્રણેય વચ્ચે કોઈ જ ફરક નથી હોતો, પ્રેમીને તેની સુંદર ન હોય તેવી પ્રેયાસીનો ચહેરો પણ ટ્રોયની હેલન જેવો લાગે છે. આ તેમનું રૂપક છે બાકી મને તો હેલનના રૂપમાં કાઈ ખાસ લાગતું નથી. પાગલ વ્યક્તિને પોતાની ચારે તરફ ભૂત પ્રેત દેખાય છે જ્યારે કવિ એ દરેક વસ્તુ જોઈ શકે છે જે ખરેખર દુનિયામાં હોતી જ નથી. આમ આ ત્રણેય માત્ર તેમની કલ્પનામાં જ રચે છે, ત્રણેય વચ્ચે ફરક માત્ર વિગતનો જ છે.

સેક્સપિયરનું એક બીજું પણ વાક્ય મને ખુબ જ પસંદ છે, “જ્યારે મેં તને પહેલી વાર જોઈ હું તારા પ્રેમમાં પડ્યો અને એ સમયે તું હસી કેમકે તું એ જાણતી હતી.”

જોકે એના બીજા પણ ઘણા વાક્યો છે પ્રેમ માટે પણ એમના મોટા ભાગના મારા જીવન સાથે બંધ બેસતા નથી જેમકે એનું એક ફેમસ વાક્ય છે વેન લવ સ્પિક્સ, ધ વોઈસ ઓફ ઓલ ધ ગોડસ મેક્સ હેવન ડ્રોવ્સી વિથ ધ હરમની.

પ્રથમ વાર મેં ક્રેશ લેન્ડીંગ કર્યું.  હું ક્યારેય પૃથ્વી પર આવું ત્યારે ક્રેશ લેન્ડીંગ કરતો નહી…….

નવલકથા લખતા પહેલા હું મારા વાચક મિત્રોની પસંદ અને તેમના સૂચનો જાણવા માંગું છું… તો આ નાનકડો અંશ વાચી તમને આ વાર્તા ગમશે કે કેમ? એ જણાવવા વિનંતી…. નવલકથાનું નામ હજુ નક્કી કર્યું નથી અત્યાર પુરતું નામ ‘ગાંધર્વ’ રાખેલ છે….. આ પ્રકારની નવલકથા ગુજરાતીમાં બહુ ઓછા પ્રમાણમાં લખાય છે, હું નવી શરુઆત કરવા માંગું છું પણ એ પહેલા લોકો જોડે મત લેવા ઈચ્છું છું કે આ પ્રકારની નવલકથા લખવી કે કેમ?

અભાર જય શ્રી કૃષ્ણ……

Comment here