gujarati-children-story-jadui-paxi

જાદુઈ પક્ષી !

રવિવારનો દિવસ હતો. રશ્મિ ચોકમાં બેસીને પર્યાવરણ વિષયનું ગૃહકાર્ય કરતી હતી. દિવસે દિવસે કથળતા પર્યાવરણથી પ્રાણીઓ, પક્ષીઓ અને માનવજાત ઉપર થતી માઠી અસર વિશે વાંચીને રશ્મિ ઉદાસ થઈ ગઈ.

હજુ તો એ લખતી હતી ત્યાં અચાનક એક પક્ષી આવીને તેણીના  ખોળામાં પડ્યું. રશ્મિ તો ગભરાઈ ગઈ એણીએ તરત પક્ષીને ઉઠાવી લીધું. પક્ષી ચીં ચીં કરવા લાગ્યું એટલે રશ્મિને હાશકારો થયો કે એ જીવિત તો છે. એ પક્ષીનો દેખાવ અલગ જ હતો. ચકલી જેવડું એનું કદ, સફેદ દૂધ જેવો રંગ, નાનકડી ગુલાબી ચાંચ અને ઘઉંવર્ણી પીંછા. રશ્મિ તરત પક્ષીને ઘરમાં લઈ ગઈ અને પથારી ઉપર મૂક્યું. એક વાટકીમાં દૂધ લાવીને આપ્યું. દૂધ પી લઇ પાંખો ફફડાવી એ બોલ્યું, “આભાર રશ્મિ…..!”

રશ્મિ નવાઈથી જોતી રહી. આ પક્ષી માણસ જેમ કઈ રીતે બોલી શકે..! રશ્મિએ તરત એને પૂછ્યું “એ પક્ષી, તું અમારી જેમ કઈ રીતે બોલી શકે ? બીજા પક્ષી તો બોલી નથી શકતા! અને તારું નામ શું છે?”

પક્ષીએ ફરી પાંખો ફફડાવી કહ્યું “મારુ નામ જાદુ અને હું એક અલગ જ જાતનું પક્ષી છું. અમારી જાતના પક્ષીઓને માણસની બોલી આવડે છે પણ દુઃખની વાત એ છે કે અમે બોલીને માણસોને સમજાવી શકતા નથી. અમે જ્યાં રહેતા હતા ત્યાં લોકો જંગલો કાપવા લાગ્યા અને ફેકટરીના કચરા નાખીને અમારું રહેઠાણ પ્રદુષિત કરવા લાગ્યા. શરૂઆતમાં તો અમે જીવી લીધું પણ ધીમે-ધીમે અમારી જાતિના બધા પક્ષીઓ મરવા લાગ્યા એટલે અમારી જાતિના પક્ષીઓએ ગુજરાતમાં આવવાનું નક્કી કર્યું”

“તમે ગુજરાત કેમ પસંદ કર્યું? અને તારા બીજા સાથીદારો ક્યાં છે?” રશ્મિએ કુતૂહલવશ પૂછ્યું.

“કારણકે ગુજરાતમાં તો લોકો સારા છે, જંગલો છે, પર્વતો છે, રણ છે અને દરિયા કીનારો પણ છે, વળી ગુજરાતના લોકો જાગૃત પણ છે. મારા સાથીદાર તો રસ્તામાં જ મરી પરવાર્યા બસ હું એક બચી ગયુ.” પક્ષીની આંખમાંથી આંસુ સરી પડ્યા.

રશ્મિએ પક્ષીને કહ્યું, “હું તને ન્યાય અપાવીશ, તું રડ નહિ જાદુ. પણ તારી જાતનું તું એક જ પક્ષી છે તો તારો વંશ આગળ કઈ રીતે રીતે વધશે ?”

“અમે જાદુઈ પક્ષી છીએ. અમારી જાતિના પક્ષીઓમાં નર માદા બેની જરૂર નથી!

“તો તો ફરી તારા જેવા બીજા પક્ષીઓ થશે ને?” રશ્મીએ રાજી થતા પૂછ્યું.

“હા… હું પણ ઈંડુ મૂકી શકું પણ સમસ્યા એ છે કે આ વાતાવરણમાં પણ મારું બચ્ચું જીવી ન શકે મારા બચ્ચાને જીવવા માટે એકદમ પ્રદુષણ મુક્ત વાતાવરણ જોઈએ. એટલે હું ઈંડુ ન મૂકી શકું કેમ કે અમારી જાતિના પક્ષી એક જ વાર ઈંડુ મુકી શકે” પક્ષી તો ફરી દુઃખી થઈ ગયું.

પક્ષીને દુઃખી જોઈને રશ્મિ પણ દુઃખી થઈ ગઈ, પણ રશ્મિ હિંમત હારે એવી નહોતી. એ નાની હતી પણ બુદ્ધી અને હિમત કાબિલે તારીફ હતા! એણીએ તરત સુજાવ બતાવ્યો….

“હું ગામમાં વૃક્ષો વાવી દઉં તો ?”

“તો તો મજા પડી જાય. પણ તું એકલી કેટલા વૃક્ષો વાવી શકે ?”

“હું એકલી નથી જાદુ. મારે તો આખી ટિમ છે નિખિલ, રાજ, ઋત્વિક, ઈલા અને મંથન. અમે બધા વૃક્ષો વાવીશું અને એ પણ આજથી જ.”

પક્ષી રશ્મિની સમજદારી જોઈને ખુશ થઈ ગયું. પાંખો ફફડાવી ને નાચવા લાગ્યું. એ સુંદર પક્ષીને લઈને રશ્મિ બધા મિત્રો જોડે ગઈ અને બધી વાત કહી. બધા મિત્રો પણ ખુશ ખુશ થઈ ગયા! પછી રશ્મિ અને બીજા મિત્રોએ મળીને ગામમાંથી ઠળિયા અને બીજવારો એકઠો કર્યો. લોકો પણ નવાઈમાં પડી ગયા કે આ બાળકોને અચાનક શું થયું હશે? રશ્મિના માતા-પિતા પણ રશ્મિનું આ કામ જોઈને ખુશ થઈ ગયા અને કામમાં સાથ આપવા લાગ્યા. રશ્મિ અને મિત્રોએ તો બધી જગ્યાએ ઠળિયા અને બીજવારો વાવી દીધો. ઘેર આવીને રશ્મિએ પૂછ્યું “જાદુ હવે તો તું ઈંડુ મૂકી શકે ને ?”

પક્ષીએ નિરાશ થઈને કહ્યું, “રશ્મિ હજુ તો માત્ર વૃક્ષો વાવ્યા છે, વૃક્ષો ઉગે અને એ મોટા થાય તો જ ઈંડુ મૂકી શકાય. અને વૃક્ષો વાવવાંથી પ્રદુષણ ઓછું થાય, પણ ગામમાં મેં જોયું બધા લોકો એંઠવાડ અને ગંદુ પાણી ખુલ્લામાં ફેંકે છે એ બધું હશે ત્યાં સુધી હું ઈંડુ મુકું તો બચ્ચું જન્મતા ની સાથે જ મરી જાય”

“તો હું ગામમાં બધાને કહીશ કે કોઈએ ખુલ્લામાં કચરો નાખવો નહિ અને જો કોઈ નાખશે તો હું સફાઈ કરીશ પણ તું આમ નિરાશ ન થા જાદુ” રશ્મિએ પક્ષીને વહાલ કરતા કહ્યું “ચાલ મારી સાથે હું આજથી જ રસ્તા ઉપરનો બધો કચરો સાફ કરવાનું શરૂ કરી દઉં”

રશ્મિ જાદુને લઈને બહાર ગઈ. પણ ઘરની બહાર જઈને જોયું તો સામે દિવાળી માસી એંઠવાડ અને મંજુ કાકી કપડાં ધોઈને મેલું પાણી રસ્તા ઉપર નાખી રહ્યા હતા. એ જોઈ જાદુ ફરી નિરાશ થઈ ગયું. રશ્મિ તો ગઈ દિવાળી માસીએ એંઠવાડ નાખ્યો ત્યાં અને રોટલાના ટુકડા, સડેલું શાકભાજી બધું વીણી લીધું. દિવાળી માસીએ પણ એ જોયું અને શરમથી પાણી પાણી થઈને બોલ્યા, “રશ્મિ બેટા માફ કરજે હવે થી હું એવું નહિ કરું, ક્યારેય નહિ કરું.”

રશ્મિ અને જાદુ તો ખુશ થઈ ગયા.પછી તો આખા ગામમાં એવી રીતે ફરી વળ્યાં અને બધાએ રશ્મિની માફી માંગી. સરપંચ વાલજીભાઈ આ વાત મળી એટલે એમણે પણ રશ્મિને ઘેર એક મિટિંગ બોલાવી અને બધાને કહ્યું કે આપણે એમ સમજીએ છીએ કે ગામડામાં પ્રદુષણ નથી પણ હવે આપણે પણ પ્રદુષણ કરીએ છીએ. શહેર તો રહેવા લાયક રહ્યા જ નથી હવે જો ગામડાની હાલત આવી રહેશે તો આપણી પેઢી પણ આગળ નહિ ચાલે.”

બધા વાલજીભાઈ સાથે સહમત થઈ ગયા. જો એક બાર વર્ષની રશ્મિ એટલી સમજદાર હોય તો આપણે કેમ નહિ..!!? પછી તો વાલજીભાઈ અને ગામના લોકો પણ રશ્મિનો સાથ આપવા લાગ્યા. અને એવામાં ચોમાસાનો પહેલો વરસાદ આવ્યો. થોડા દિવસમાં તો પેલા ઠળિયા ઊગી નીકળ્યા. ક્યાંક લીંબડા તો ક્યાંક આંબા.એમ આખા ગામમાં ઝાડ ઉગવા લાગ્યા. સરપંચ તો રશ્મિનું કામ જોઈને ખુશ થઈ ગયા અને ગામના લોકોને આદેશ આપ્યો કે આ ઝાડ ઢોર બકરી ખાઈ ન જાય એ માટે એની ફરતે વાડ કરો. જોતજોતામાં તો લોકોએ બધા વૃક્ષો ફરતે વાડ કરી દીધી. મહિનામાં તો વૃક્ષો મોટા પણ થવા લાગ્યા. રશ્મિ અને એના મિત્રો રાજીના રેડ થઈ ગયા.

રાણપુર ગામમાં આ અભિયાન ચાલતું હતું એવા સમયે જ બાજુના શહેરની નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઇ આ જ ગામની મુલાકાતે આવ્યા અને ગામમાં ઠેર ઠેર વૃક્ષો જોઈ એ પણ ખુશ થઈ ગયા. પ્રવીણભાઈએ તરત વલજીભાઈ સરપંચને સન્માનિત કર્યા અને વલજીભાઈએ રશ્મિની વાત કહી એટલે પ્રવીણ ભાઈએ રશ્મિને પણ સન્માનિત કરી અને કહ્યું, “ગામમાં જાગૃતિ લાવવા માટે આભાર અને વધુ વૃક્ષો વાવવા માટે તેમજ ગટરની સુવિધા માટે હું પુરા બે લાખ રૂપિયાની ગ્રાન્ટ આપું છું.” ગામના લોકોએ પ્રવીણભાઈ, રશ્મિ, રશ્મિના મિત્રો અને સરપંચ બધાને તાળીઓથી વધાવી લીધા. પછી તો ગામમાં ગટરની સુવિધા પણ થઈ ગઈ. નાનકડી રશ્મિએ એક પક્ષીને બચાવવા માટે ધગસપૂર્વક કામ કર્યું અને ગામના લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડી દીધા.

ગામ દિવસે દિવસે સુંદર અને સ્વચ્છ થતું હતું એટલે ફરી એક દિવસ રશ્મિએ જાદુને પૂછ્યું, “હવે તો તું ઈંડુ મૂકી શકે ને ?”

જાદુએ કહ્યું, “ના રશ્મિ હજુ તો ગામમાં બધે પ્લાસ્ટિક અને ઝભલાનો કચરો પડ્યો છે, ઠેર-ઠેર ઉકરડા છે એ બધું ન ચાલે. એવા પ્રદૂષણમાં તો બચ્ચું જન્મતાની સાથે જ મરી જાય.”

રશ્મિએ તરત વલજીભાઈને કહ્યું અને ગામની બહાર એક મોટો ખાડો ખોદાવી એમાં ગામનો બધો કચરો ભેગો કર્યો. કચરો ભેગો કરીને પછી ઉપર માટી નાખી દીધી.

એ જોઈ જાદુએ કહ્યું “રશ્મિ હવે હું ઈંડુ મુકું પણ ગામમાં પક્ષીઓ ઓછા છે અને મારા જેવા કોઈ પક્ષી તો છે જ નહીં એટલે અમારી શક્તિ ઓછી પડે.”

જાદુ ખરેખર જાદુઈ પક્ષી હતું એ માણસનું મન વાંચી શકતું. એને ખબર હતી કે જો એના બચ્ચાને લોકો ચાહશે નહિ તો એ મરી જશે એટલે એ નાનકડી મિત્ર રશ્મિ પાસે બધું કામ કરાવવું પડશે. જાદુઈ પક્ષીએ રશ્મિનું મન અને હ્ર્દય વાંચી લીધું હતું એટલે એને ખબર હતી કે રશ્મિ કોઈ પણ ભોગે મારા બચ્ચાને મરવા નહિ દે.

રશ્મિએ વિચાર્યું કે જો ગામમાં ખૂબ પક્ષીઓ હોય તો આ જાદુના બચ્ચાને એ બધા ચાહશે. એ શાળામાં ગઈ અને આચાર્ય સાહેબને વાત કરી કે તમે એક ચિત્ર સ્પર્ધા રાખો જેમાં માત્ર પક્ષીઓ દોરવાના. આચાર્ય સાહેબ પણ રશ્મિની વાતથી રાજી થઈ ગયા અને ચિત્ર સ્પર્ધા ગોઠવી દીધી.

બીજા દિવસે બાળકોએ ચિત્રો દોર્યા. કોઈએ ચકલી તો કોઈએ મોર દોર્યા. રશ્મિ અને એના મિત્રોએ તો પેલા જાદુઈ પક્ષીને જોયું હતું એટલે એ બધાએ જાદુનું ચિત્ર દોર્યું. ચિત્ર સ્પર્ધા પુરી થઈ એટલે ઘણા બાળકોને વિજેતા જાહેર કર્યા. રશ્મિએ શિક્ષકોને કહ્યું કે, “આ બધા ચિત્રો આપણે વૃક્ષો ઉપર લટકાવી દઈએ.” શિક્ષકો પણ રશ્મિની સમજ જોઈને ખુશ થઈ ગયા. શિક્ષકોએ બધા બાળકોને એ ચિત્રો બધા વૃક્ષ ઉપર લટકાવી દેવાનું કહ્યું અને બાળકોએ બધા ચિત્રો એ મુજબ લટકાવી દીધા.

ધીમે ધીમે ગામના લોકોએ એ બધા ચિત્રો જોયા અને એમને થયું આ ચિત્રોના બદલે જો જીવતા પક્ષીઓ હોય તો ગામમાં કેટલો કલબલાટ થાય ? વાતાવરણ કેવું મજાનું થઈ જાય ? ગામના લોકોએ તો વૃક્ષે વૃક્ષે પાણી અને દાણાની ઠીબ લટકાવી દીધી. અને ધીમે ધીમે પક્ષીઓ આવવા લાગ્યા. ગામ આખામાં જ્યાં જુઓ ત્યાં પક્ષીઓ દેખાવા લાગ્યા.

રાણપુર ગામ તો સ્વર્ગ જેવું બની ગયું. ચારે તરફ ફૂલોની ખુશ્બુ, પક્ષીઓનો કલરવ અને રસ્તાઓ એકદમ સ્વચ્છ. રાણપુર ગામની વાતો આખા રાજ્યમાં થવા લાગી. અને આ સમાચાર ખુદ મુખ્યમંત્રી સુધી પહોંચી ગયા. મુખ્યમંત્રીને થયું કે જો આવું ગામ હોય તો તો મારે પણ જોવું પડે. મુખ્યમંત્રી પણ એ ગામની મુલાકાતે ઉપડ્યા અને મુખ્યમંત્રી સાહેબ રણપુરમાં આવવાના છે એ સાંભળીને તો આસપાસના બધા ગામડાના સરપંચ અને લોકોના ટોળે ટોળાં રાણપુર તરફ ઉપડવા લાગ્યા. લાખો માણસો નાનકડા રાણપુર ગામમાં ભેગા થઈ ગયા. મુખ્યમંત્રી રાણપુર ગામમાં આવ્યા અને ગામમાં પગ પાળા પણ ફર્યા. ઠેર ઠેર વૃક્ષો, વૃક્ષો ઉપર પાણી અને ચણ ની સુવિધા, બધા વૃક્ષો ઉપર પક્ષીઓના ટોળા, રસ્તાઓ ઉપર ક્યાંય કચરો નહિ, ગટરની પણ સુવિધા બધું જોઈને એ તો ખુશ ખુશ થઈ ગયા!

મુખ્યમંત્રીએ જાહેરમાં બધા લોકોની હાજરીમાં રશ્મિને ફુલ હાર પહેરાવી સન્માનિત કરી અને ગામની જાગૃત દીકરી તરીકે એને બાળ લીડર ની સત્તા આપી દીધી. રશ્મિના મિત્રોને પણ સન્માનિત કર્યા. મુખ્યમંત્રીએ વલજીભાઈ સરપંચને અને રશ્મિના માતા પિતાને પણ સન્માનિત કર્યા. ભાષણના અંતે એમણે જાહેર કર્યું કે જો બીજા ગામડાઓ પણ આવી રીતે સ્વચ્છ રહેશે તો હું એ બધાને ગ્રાન્ટ આપીશ. મુખ્યમંત્રી સાહેબ તો સાંજે જતા રહ્યા પણ ગામના લોકોએ રશ્મિને ઉંચકી લીધી. એના કારણે જ તો ગામ સ્વચ્છ થયું હતું. પક્ષીઓ કિલોલ કરતા હતા. ખુદ મુખ્યમંત્રી ગામમા આવ્યા હતા! રશ્મિ તો ગામમાં પ્રખ્યાત થઈ ગઈ.

આસપાસના ગામના લોકોને અને સરપંચોને પણ એ જોઈ ઉત્સાહ જાગ્યો અને પોત પોતાના ગામને રાણપુર જેવું બનાવવા લાગ્યા.

પછી તો જાદુએ ઈંડુ પણ આપ્યું અને ઇંડામાંથી સુંદર જાદુઈ બચ્ચું જન્મ્યું. જન્મતાની સાથે જ એ બચ્ચું બોલ્યું “એક પગલું સ્વચ્છતાં તરફ”. એ સાંભળી રશ્મિ અને ગામના લોકોએ પણ કહ્યું “એક પગલું સ્વચ્છતા તરફ.”

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here