એક દાગ

એક દાગ

” નજરમાં હોય છે બધું ઝેર, ડંખમાં નહિ દોસ્તો
અપેક્ષિત ઘણા એમાજ ઉપેક્ષિત થયા છે,
મલમ આપું છું બધાને જ્યારથી ધા મળ્યા છે
આમ જ સમજો ત્યારથી બધા પરિચિત થયા છે !”

આખરે મંજુનું ચારિત્ર્ય ઝેર બની લોકોની નજરમાં ખટકવા લાગ્યું ! આમ તો મંજુ અમારી પોળમાં રહેવા આવી ત્યારે જ બધાને અજુગતું લાગ્યું હતું. મંજુને રણી ધણી હતો નહિ ! બસ એક મારી ઉંમરની પચીસેક વર્ષની છોકરી હતી. પ્રિયા એનું નામ !
મંજુ અમારા વિસ્તારમાં રહેવા આવી એટલે ન તો કોઈ સાથે ખાસ બોલે ન ચાલે ! પ્રિયા કોલેજ જાય એટલે મંજુ ઘરથી નીકળી પડે. બધા પડોશીઓ એના ગયા પછી વાતો કરતા ” આ મંજુ રોજ ક્યાં જતી હશે ?” કોઈ કહેતું ” અવળી લાઈન વાળી છે” તો કોઈ ખુલ્લા શબ્દોમાં ” વેશ્યા છે, નહિતર ધણી વગર આ છોકરીને જાતજાતના કપડાં ક્યાંથી લાવી આપે? ” એમ પણ કહી દેતું.
ઘણી વાર તો સોસાયટીના પ્રમુખ અને સભ્યો મિટીંગ કરી નક્કી કરતા કે મંજુને સોસાયટીમાંથી ભગાડી દેવી પણ બધા મંજુની ગેરહાજરીમાં જ હોંકારો દેતા ! જ્યારે રૂબરૂ જવાનું થાય મોઢા મોઢ ત્યારે બધા ગુસપુસ કરવા લાગતા ” અલ્યા આપણે ઈજ્જતવાળા માણસો આ તો ધંધા વાળી કોઈ ખોટો ઇલજામ લગાડી દે તો ?” અને એ તો પાછળની પોલીસની બીક આખા ટોળાને વિખેરી દેતી !
બસ આમ જ ચાલ્યા કરતું હતું. ધીમે ધીમે બધા લોકોએ પડતું મૂક્યું પણ હું તો લેખક મારે તો અગાશીમાં કે છત ઉપર બેસવાનું હોય ! સવારે ઘરની આગળ દેશી ખાટલો ને એના ઉપર કાગળનો ઢગલો કરીને બસ શાહી ખાલી કરવાની ! સાંજ હોય તો છત ઉપર આથમતા સૂરજને જોઈને એકાદ કવિતા લખી દેવાની ! મોજની જિંદગી, મુક્ત વિચારો, ન ક્યાંય જાવું ન ક્યાંય રખડવું !
બસ હું સાંજ સવાર લખતો અને મારી નજર મંજૂના ઘર ઉપર જતી. કોઈ વાર મંજુ કપડાં ધોતી દેખાય તો કોઈ વાર ફોન ઉપર વાત કરતી ! ઘણી વાર સાંજના સમયે પ્રિયા પણ છત ઉપર આવતી ! પ્રિયાની સુંદરતા જોઈ હોય તો એવું જ લાગે જાણે સાંજનો સૂરજ જાય છે અને છત ઉપર ચાંદ ઉગે છે ! મારા હ્ર્દયમાં ક્યાંક પ્રિયા વસી જ ગઈ હોય એમ મને લાગ્યું ! એ પછી તો ઘણી સાંજ એવી જતી જેમાં હું કોરા કાગળ લઈને છત ઉપર જતો અને કોરા જ નીચે લઈને આવતો ! ધ્યાન કાગળમાં જતું જ નહીં ને ! ઘણી તો કવિતાઓ પણ લખાઈ જતી !
આમને આમ છ મહિનાનો સમય વીતી ગયો. પછી તો કદાચ પ્રિયાને પણ મારા હ્ર્દયના શબ્દો સાંભળાઈ ગયા હશે ! પણ અજુગતી વાત એ હતી કે હું દેખાવડો હતો તોય પ્રિયા ક્યારેય મારી સામે સુદ્ધાં ન જોતી !
એક ચારિત્ર વગરની મંજુ ની દીકરી ચારિત્રની બાબતમાં એટલી શુદ્ધ હોઈ શકે ? મને ઘણી વાર થતું પણ હું કોને કહું ? બા ને તો આ બધું કહેવાય નહીં ! હું બધું મનમાં જ રાખતો. ઘણી વાર થતું કે પ્રિયાનો હાથ પ્રિયા પાસે જ માંગી લઉં અને એને એ નર્કમાંથી નીકાળી દઉં ! પણ એ મંજુની દીકરી છે એ વિચાર આવતા જ હું અટકી જતો…! આ મંજુ કોણ હશે ? ક્યાંથી આવી હશે ? એટલા બધા ફોન કોને કરતી હશે ? સવાર હોય કે સાંજ , બપોર હોય કે રાત મંજુ ગમે ત્યારે ઘરથી નીકળી જાય છે તો એ શું …..? એવા હજાર વિચાર મનમાં થયા કરતા અને મારો પ્રિયા માટેનો પ્રેમ પાણીના પરપોટાની જેમ ક્યાંય અદ્રશ્ય થઈ જતો…
બસ હું આવી રીતે જ સમય વિતાવતો હતો એવામાં નવરાત્રી આવી. પોળમાં તૈયારીઓ થવા લાગી. શણગાર અને મૂર્તિ, માઇક, સ્પીકર બધું લાવવા માટે પોળમાં ફાળો ઉઘરાવવાનો સમય આવ્યો અને કમનસીબે એ કામ મારા જ ભાગે આવ્યું ! ઘણી ના કહી પણ પ્રમુખ અને સભ્યોએ કહ્યું “સાહેબ તમે જ પ્રામાણિક પણે આ બધું કરશો ” અને બધાના માન ખાતર મને ન ગમતું કામ મારે હાથ લેવું જ પડ્યું !
બીજા દિવસે સવારે દસેક વાગ્યે બા એ જમવાનું બનાવી દીધુ. જમીને હું પોળમાં ઘરે ઘરે ફાળો લેવા ફરવા લાગ્યો. કીર્તિભાઈના ઘરેથી પહેલો જ સવાલ એ કર્યો ” કેમ સાહેબ હવે લેખકમાં નથી ચાલતા કે શું ? આ ધંધો ચાલુ કર્યો ?”
મને જે ડર હતો એજ થયુ પણ એમાં કીર્તિભાઈ નો પણ ક્યાં વાંક હતો ? ફાળાનું નામ પડે એટલે માણસ ઉપર દાગ લાગી જ જાય કેમકે દસ માંથી નવ જણા ફાળાના પૈસે લેર કરે છે !
હજુ હું કઈ બોલું એ પહેલાં તો કીર્તિભાઈના ધર્મપત્ની કોકિલાબેન કર્કશ અવાજે બોલ્યા ” કેટલા આપવાના બોલો ? ફરજીયાત હશે ને ?”
કોણ જાણે કેમ એ કોકિલાબેન નો અવાજ મને એમના નામ વિરુદ્ધ જ લાગ્યો. કાગડા જેવો કર્કશ ! પણ ભૂલ એમની હતી જ નહીં હું શું બોલું ? ” તમારી જેવી શક્તિ એવી ભક્તિ બેન” મેં કહ્યું.
” ઓહો તો તો તમે લખો છો એવા વિચાર પણ છે એમને ? આવો ચા પીવા ” સો ની નોટ આપતા કોકિલાબેન બોલ્યા.
” ના હજુ કામ બકી છે ફરી કોઈ દિવસ” હું ત્યાંથી નીકળી બીજા ઘરે ગયો. એમ આખી પોળમાં ફર્યો ત્યાં તો ઘણા ના મનમાં ઘણાની નજરમાં મારુ વ્યક્તિત્વ ઉતરતું થઈ બેઠું !
અંતે મંજુ નું ઘર આવ્યું. દરવાજે હું ઉભો રહી ગયો, જાઉં કે ન જાઉં ? જો જઈશ અને સારું ખરાબ સંભળાવશે તો ? અને જો એવું કંઈ નઈ થાય તો પણ પોળના લોકો મને પણ…. હું અવઢવમાં મુકાઈ ગયો… અંતે નક્કી કર્યું કે ભગવાનની ભક્તિ માટે કોઈ ઘર ટાળવું એ તો યોગ્ય ન જ કહેવાય અને હું અંદર ગયો.
બે રુમ અને એક રસોડાવાળું નાનકડું રો હાઉસ. બે એક હજારનું ભાડું હશે. ઘરમાં જતા જ પહેલા રૂમમાં જોયું તો એક જૂનો પુરાણો ખાટલો પડ્યો હતો. બાજુમાં મેલા કપડાનો ઢગલો ! હિંમત કરીને આગળ વધ્યો અંદર જઇ ખુલ્લા બારણે ટકોરા દીધા ” કોઈ છે ?”
” હા કોણ ?” કહેતી અંદરના રૂમમાંથી પ્રિયા બહાર આવી. એ દિવસે મેં પ્રિયાને પહેલી વાર નજીકથી જોઈ હતી. મારી કવિતાના રૂપક મુજબ જ એ ચાંદ જેવી જ ખુબસુરત હતી ! મોટી આંખો , પાતળો બાંધો, સ્વેત દૂધ સમો વર્ણ ! પણ ચહેરા ઉપર એક ઉદાસી હતી….
” મમ્મી આ કોઈ આવ્યું છે ” પ્રિયા કદાચ એકીટશે જોતી મારી નજરથી અકળાઈ ગઈ એટલે મંજુને બુમ પાડી ખસી ગઈ.
પાછળના રૂમમાંથી ભીના હાથ સાડીએ લૂછતી મંજુ આવી. કદાચ ગેલેરીમાં કપડાં સુકવતી હશે એ અંદાજ મને આવ્યો. આવતા જ એ બોલી ” બોલો શુ હતું ?”
” હું .. હ. હું તો ફાળો લેવા. આ નવરાત્રી માટે ફાળો લેવા આવ્યો છું. ”
કાઈ બોલ્યા વગર મંજુ અંદર ગઈ. થોડો અવાજ થયો. અવાજ ઉપરથી લાગ્યું કે કોઈ જૂની પેટી ખોલી ને બંધ થઈ છે. મંજુ પૈસા લઈને આવી અને મને સો સો ની બે નોટ આપી. હું પૈસા લઈને નીકળી ગયો. હવે કોઈ ઘર બાકી હતું નહીં. બસ મારા ઘરના પૈસા મારે ઉમેરવાના બાકી હતા એટલે હું ઘર તરફ ગયો. ઘરે જઈને બા ને ફાળાના પૈસા આપી હું મારા રૂમમાં ગયો.
કાગળ હાથમાં લીધા ત્યાં તો પ્રિયાનો એ ઉદાસ ચહેરો મારી નજરો સમક્ષ દેખાવા લાગ્યો. આ સ્નેહ છે કે દયા ? લોકોના કહેવા મુજબ મંજુ જો એવું કોઈ કામ કરતી હોય , જો એના ચરિત્ર ઉપર ખરેખર દાગ હોય તો એના ઘરમાં કાઈ છે કેમ નહિ ? એ તૂટેલો ખાટલો, , જૂનું બ્લેક એન્ડ વાઇટ ચૌદ ઇંચનું ટી.વી., રસોડામાં બે જણ ખાઈ શકે એટલા જ વાસણ, ઘરમાં પૈસા રાખવા માટે તિજોરીને બદલે એક પેટી ! શુ ખરેખર ચરિત્ર વગરની સ્ત્રી એટલી ગરીબ હોઈ શકે ? શુ હું ચાળીસ વર્ષની એ દુઃખી સ્ત્રીને મંજુ કહું છું , માન નથી આપતો એ વ્યાજબી છે ? લોકો કહે છે કે પ્રિયા કપડાં ક્યાંથી લાવે ? પણ મંજુ એક માં છે ને ! એ પેટ કાપીને કોલેજ જતી દીકરીને કપડાં લાવી આપતી હશે તો કોને ખબર ? કોઈ માં એવું તો ન જ દેખે ને કે પોતાની દીકરી ઉપર કોલેજમાં બીજા બધા એને કંગાળ સમજીને હશે !
મને મારી જાત થી જ એક ઘીન થવા લાગી, તો હું મૂર્ખ સમાજ માટે લખું છું પણ હું જ સમજતો નથી ! લોકોની વાતો સાંભળીને જોયા સમજ્યા વગર જ મેં એ સ્ત્રીને નજરથી ઉતારી પાડી ! સાચું જ કહ્યું છે કોઈએ કે ભણે પણ ગણે નહિ ! મારી સાથે પણ એવું જ થયું છે ક્યાંક !
એ દિવસથી મેં નક્કી કર્યું કે હું સત્ય જાણીને જ રહીશ અને મેં મંજુલા જી ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. એ મંજુ માંથી મંજુલા જી તો મારા માટે એજ દિવસે થઈ ગયા હતા પણ તેમ છતાં હું સત્ય ખોળવા માંગતો હતો. એક દિવસ મંજુલા ઘરે થી નીકળ્યા અને હું એમની પાછળ ગયો. રસ્તામાં એક દુકાન ઉપર એ ઉભા રહ્યા અને થોડા કાગળોની લેન દેન કરી એ નીકળી ગયા. મેં જઈને દુકાનદાર ને સ્પષ્ટ પૂછી લીધું,
” આ સ્ત્રી કોણ છે ભાઈ ?”
” એ મંજુલા બેન છે. દુખિયારી બાઈ છે બિચારી. પતિ એક્સીડેન્ટમાં ગુજરી ગયો. દેર જેઠ તો એમના માર્ગે પડ્યા. ઘરમાં ભાગ પણ નથી આપ્યો એને. હવે જુવાન છોકરીને લઈને ભાડાના ઘરમાં રે છે અને એલ.આઇ.સી.ના વીમા લેવાનું કામ કરે છે એમાં જ ગુજરાન ચલાવે છે.”
દુકાનદાર મંજુલા ને જતા જોઈ બોલતો રહ્યો અને મારા પગ ઘર તરફ જવા લાગ્યા. મારા મનમાં એ સ્ત્રી માટે મારી બા જેવું જ માન ઘડાઈ ગયું. પ્રિયા માટેની લાગણીઓ પણ ઓર મજબૂત બની ગઈ. શુ કામ કોઈ માણસ જોયા સમજ્યા વગર એકલી રહેતી સ્ત્રી ઉપર આમ કીચડ ઉછાળી દેતો હશે ? શુ કામ દુઃખ જોવાને બદલે બીજી જ ધારણાઓ કરી લેતો હશે એ સમાજ ? અને સમાજ તો ઠીક મારા જેવા જાગૃત લોકો પણ આવી રીતે બસ બીજાનું માની લે ?
મંજુલા જી ઉપર આવી રીતે લોકોએ જે ગંદકી નાખી છે, જે દાગ જબરજસ્તી ખોટે ખોટો લગાવી દીધો છે એ જોતાં શુ કોઈ પ્રિયા સાથે લગન કરશે ?
ઘર સુધી આવતા તો હજારો વિચાર મારા મનમાં વીજળીની ઝડપે આવ્યા અને ગયા. મેં કાગળ હાથમાં લીધા પણ લખી ન શક્યો ! લખવાનો શુ અર્થ ? લોકો ક્યારેય બદલવાના નથી જ તો લખવાનો કોઈ અર્થ જ નથી ને ? બસ સારા ફિલ્મો સારી વાર્તાઓ લોકો આનંદ માટે જ વાંચે છે એને કોઈ જીવનમાં ઉતારતા નથી ! કાગળ મૂકી હું ખુરશીમાં ફસડાઈ પડ્યો. ના હું આવી રીતે હાર નહિ માનું ! કલમ માં તાકાત છે એવું કોઈ સમજુ માણસે એમ જ તો નહીં કહ્યું હોય ને ? હું લખીશ હજાર માંથી એક માણસ જો સમજશે તો પણ હું સફળ થઈશ, કોઈ મંજુલા જેવી એક સ્ત્રીને માન મળશે તો પણ હું સફળ થઈશ ! કોઈ એક પ્રિયાને સમાજ સ્વીકારી લેશે તો પણ હું સફળ થઈશ !
મારા હાથની આંગળીઓમાં કલમ ફરતી હતી અને એક વિચાર વારંવાર મન માં આવતો હતો. પ્રિયા જેવી કેટલીયે છોકરીઓને સમાજ મારા લખવાથી સ્વીકારશે પણ એના માટે મારે જ એક શરૂઆત કરવી પડશે. હું જ પ્રિયાને સ્વીકારી લઇ એક નવો ચીલો પાડું તો ? ભલે ને સમાજ જે કહેવું હોય એ કહે, મારા અર્ધા ફેન ઘટી જશે તો શું થઈ ગયું ? પ્રિયાના જીવનમાં એક સૂરજ તો ઉગશે ને ? એ સુંદર ચહેરા ઉપરની એ ઉદાસી દૂર તો થશે ને ? પ્રિયાને તો મંજુલા જી જેમ જીવન નહિ જીવવું પડે ને ?
મેં મન મક્કમ કરી લીધું. બસ હવે ક્યારે બા ને કહું “બા તારે વહુ જોઈએ છે ને તો મને મંજુલા જી ની દીકરી પ્રિયા ગમે છે !” ના મને ભય નથી કે જુના જમાનાની મારી બા નઈ સ્વીકારે એ બધું કેમકે મારી બા એ જ મને આ સંસ્કાર આ ગુણ આ દયા આ સમજ બધું આપ્યું છે.
***
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here