vicky trivedi

ઉઘાડી આંખનું સપનું

હમણાં બપોરે ઊંઘયો એટલે ગજબ થયું ! એક ગજબનું સપનું આવ્યું!

“એય! દિવસે કેમ ઊંઘયો છે?”

સપનામાં હું આંખો ચોળી બેઠો થયો.

“હે…….?” “બાપુ તમે.?” મારા મોઢેથી શબ્દો સરી પડ્યા અને હું આપમેળે જ ગાંધી બાપુના પગમાં જઈને પડ્યો.

“મૂર્ખ, ઊંઘયો કેમ છે? કોઈ કામ ધંધો નથી તારે?” બાપુએ કહ્યું.

“બાપુ…..” મેં નજર નીચી કરીને કહ્યું, “બાપુ, કામ તો શું કરું આજની પેઢીના હાડકા જ એવા થઈ ગયા છે અને ધંધો કરવા તો આજે મૂડી જોઈએ. તમારો જમાનો અલગ હતો.”

“એમ? તો પછી એક કામ કર કોઈ નોકરી કર.”

“બાપુ. તમે રડાવી દેશો મને.”

“કેમ?”

“મેં તલાટીની, પોસ્ટની, પોલીસની બધી પરીક્ષા આપી અને બાપુ મારુ ગણિત પણ પાક્કું હતું અને અંગ્રેજી પણ એકદમ રેડી……. ગુજરાતીમાં પણ છંદ સિવાય બધું આવડી ગયું તું…..”

“તો પછી તકલીફ શુ થઈ?”

“જી.કે.માં મને ન આવડ્યું…..” નિરાશ થઈને મેં કહ્યું.

“તો એ તૈયાર કરવું જોઈએ ને?” બાપુએ લાકડી ખખડાવી કહ્યું પણ હું ડર્યો નહિ ઉલટાનું હસવા લાગ્યો…….

“હસે છે કેમ?”

“તમે અહિંસાના પુજારી મને મારવાના જ નથી. ખબર છે મને. દેશના નેતા ઊંઘ્યા છે એમને પણ નથી મારતા તો મને શું મારવાના?”

“હમમમમ. ન માર્યા એમાં જ બધા બગડ્યા લાગો છો નાલાયકો…..”

“જી.કે.માં એવું થયુંને બાપુ કે હું રાજા મહારાજા અને શહીદો વિશે તૈયાર કરીને ગયો અને ત્યાં પૂછ્યું, અભિનેત્રી,  ફેસબુકના સી.ઇ.ઓ., ક્રિકેટ ક્યાં રમાઈ અને કેટલા રન થયા એના  વિશે.” બે ખુરશી ઢાળતા મેં ઉમેર્યું, “હવે તમે જ કહો બાપુ આ નોકરી ભારતમાં કરવાની કે ફેસબુકમાં? અને મારે તૈયારી કરવાની કે બોલ અને રન ગણવાના? રન ગણવા માટે કેપટન અને બીજી નવરી પબ્લિક હોય ને તો મારે એ ગણવાની શી જરૂર?”

બાપુએ કહ્યું, “વાત તો ખરી છે તારી…….. તો એક કામ કરને આ લખાણમાં તીવ્રતા લાવ સમાજ ને સુધારવાનો પ્રયત્ન કરને………”

“તમને કેમ ખબર કે હું લખું છું?” મારા ડોળા મોટા થઇ ગયા.

“આજે સવારે જ તારી કવિતા વાંચી ‘માળિયું ફંફોળતા…..’ ટે થયું કે ટે સત્યના પ્રયોગો વાંચ્યા છે એટલે તને મળી જોઉં.”

મારી જાતને અહોધન્ય સમજી મેં ગર્વથી કહ્યું, “હા બાપુ, વાંચી છે.”

“સત્યના પ્રયોગો વાંચ્યા જ છે કે કર્યા ય છે?”

“એકાદ બે કાર્ય છે ને બાકી લખ્યા ય છે બાપુ.”

“તો લખવાનું ચાલુ રાખજે.”

“લખું તો છું બાપુ…. પણ એમાંય તકલીફ છે.”

મારો ઉદાસ ચહેરો જોઈ બાપુએ કહ્યું, “કેમ એમા શુ તકલીફ છે?”

“બાપુ સમાજ વિશે લખું ને તો અમુક લાગતા વળગતા લોકો કોમેન્ટ કરે….. અને અમુક તો જેને ક્યારેય કોમેન્ટ કરવાનો સમય ન મળે ને એવા વ્યસ્ત માણસો પણ મેસેજ કરવાની તકલીફ ઉઠાવે બોલો….. મેસેજ કરીને અપશબ્દો બોલે……”

બાપુ હસવા લાગ્યા “એટલે શું થઈ ગયું? મેં લડત કરી ત્યારે મને એવા માણસો નહિ મળ્યા હોય શુ?”

“તમને મળ્યા છે એ વાત સાચી બાપુ પણ હું તો જો કોઈ નેતા કે પાર્ટી કે સરકાર વિશે લખું ને તો અમુક ભાઈઓ કહે છે કે તમારી પોતાની પાર્ટી બનાવો અને દેશ ચલાવો, જવાબદારી ઉઠાવો બાકી બકવાસ મત કરો….. બોલો બાપુ હવે ક્યાં જવું?”

“એ ભાઈને એ જ નથી સમજાતું કે 24 વર્ષના છોકરા બાઈક લઈને ફરે દીકરીઓની છેડતી કરે જ્યારે હું તો આખો દિવસ સમાજ ને સંદેશ આપવા માટે લખું છું તો શું મેં જવાબદારી નથી ઉઠવી ? શુ જવાબદારી ઉઠાવવા સફેદ વસ્ત્રો પહેરીને જય હિન્દ ના નારા લગાવીને નેતા બનીને મોટી ગાડીમાં ફરવું જરૂરી છે ? અને બાપુ આજ કાલ તો કોંગ્રેસ કે ભાજપ ના પક્ષમાં બોલે એ બધા ને વાણી સ્વતંત્રનો હક અને જો એમના વિશે સત્ય લખું તો હું બકવાસ કરું છું…… હવે તમે જ કહો બાપુ તમારા વિરૂદ્ધ બોલવા વાળા આવું બોલતા ? અંગ્રેજો પણ તમારી વાત માનતા હતા ને ?     અહીં તો આવું છે! બોલો શુ કરું?

” અરે ! તારે શું મોટો માણસ બનવું છે ?”

“ના બાપુ….”

“તો ભલે ને બોલતા બોલવા વાળા, ઝવેરચંદ મેઘાણી નેય જેલમાં પૂર્યા હતા, મને ય ટ્રેન માંથી ધક્કો માર્યો હતો…..  અને છેવટે ગોળી પણ મારી હતી ને…. તો તું થોડુંક સહન નઈ કરી શકે?”

“કરીશ ને બાપુ, હવે તો કરીશ જ…”

“હમ….. સરસ….. અને આ નામ સરસ રાખ્યું છે ‘ઉપેક્ષિત’.”

“હા બાપુ….. આ સાચાને મળે ને ઉપેક્ષા કરવા વાળા એટલે પહેલેથી જ રાખી દીધું ‘ઉપેક્ષિત’……”

વિકી…… વિકી……… આ શું બાપુનો અવાજ કેમ બદલાઈ ગયો?…….. મેં પડખું ફર્યું અને અચાનક આંખ ખુલી ગઈ…… બા સામે ઉભી હતી…..

“ટ્યુશનનો ટાઈમ થઈ ગયો ઉઠ….”

“હા બા….. ” કહી હું ટ્યુશન લેવા ચાલ્યો ગયો…… મનમાં એક નિર્ણય કરી લીધો કે હું વિરોધીઓની પરવાહ કર્યા વગર લખીશ….. મેં સંકલ્પ કર્યો કે ભલે કોઈ ને ગમે કે ન ગમે કોઈ મારા ફેન બને કે ન બને  હું સત્ય ના માર્ગે ચાલીશ………

 

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “ઉઘાડી આંખનું સપનું”

Comment here