article-about-velentine-day

વેલેન્ટાઇન ડે

વેલેન્ટાઇન’ઝ ડે વિશે તમે બધા જાણો છો પણ આજે અહી આ લેખમાં હું તમને એવા કેટલાક તથ્યો કે જે વેલેન્ટાઈન’ઝ ડે સાથે જોડાયેલા છે તે જણાવવા જઈ રહ્યો છું કે તમે એ જાણીને  બોલી ઉઠશો – ખરેખર મને વેલેન્ટાઇન ડે વિષે આ બધી તો ખબર જ નહોતી…!!

કેટલાક મુસ્લિમ દેશો સિવાય દુનિયાના દરેક દેશમાં વેલેન્ટાઇન’ઝ ડે ઉજવાય છે. પશ્ચિમી દેશોમાં આ દિવસ એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પણ દુનિયાના કોઈ પણ દેશમાં આ દિવસે જાહેર રજા હોતી નથી.

વેલેન્ટાઇન’ઝ ડે ને સેંટ વેલેન્ટાઇન’ઝ ડે કે સેંટ વેલેન્ટાઈનની મિજબાની (ફીસ્ટ ઓફ સેંટ વેલેન્ટાઇન) તરીકે પણ ઓળખવામાં આવે છે.

સેંટ વેલેન્ટાઇનને રોમની અંદર કેદ કરવામાં આવ્યા હતા કારણકે તેમણે કેટલાક સૈનિકો જેમને રાજાએ લગ્ન કરવાની મનાઈ ફરમાવી હતી. એમની લગ્નવિધિ કરી આપી હતી અને રોમન સામ્રાજ્યમાં ખ્રિસ્તી સમુદાય ઉપર થતા અત્યાચાર સામે સમાજનું નેતૃત્વ કર્યું હતું. લોક વાયકા મુજબ જેલવાસ દરમિયાન સેંટ વેલેન્ટાઇને પોતાના ઉપરના આરોપો સાંભળી રહેલા ન્યાયધીશની આંધળી પુત્રીને ચમત્કાર કરીને દેખતી કરી નાખી હતી. સેંટ વેલેન્ટાઇનને ફાંસી થઇ એ પહેલા એમણે એ જજની દીકરીને ‘યોર વેલેન્ટાઇન’ એવી સહી કરીને વિદાય પત્ર લખ્યો.

14મી સદીથી આ દિવસ વેલેન્ટાઇન’ઝ ડે તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસે પ્રેમીઓ એકબીજાને મીઠાઈ, ફૂલો અને ગ્રીટિંગ કાર્ડ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. યુરોપમાં પ્રેમીઓ એકબીજાને વેલેન્ટાઇન’ઝ કી (વેલેન્ટાઇનની ચાવી) આપે છે. આ ગીફ્ટ પ્રતીકાત્મક છે જે સૂચવે છે કે મેં તને ચાવી આપી દીધી હવે તું મારા હ્રદયને ખોલીને અંદર આવી શકે છે…!!

મજાની વાત એ છે કે વેલેન્ટાઈન એ કોઈ એક સંતનું નામ નથી. ખ્રિસ્તી ધર્મમાં આ નામવાળા કેટલાય સંતો થઇ ગયા અને દરેકની સાથે અલગ અલગ માન્યતાઓ અને વાયકાઓ જોડાયેલી છે. કેટલાક ઓર્થોડોક્સ ચર્ચ જુલાઈ 6 અને જુલાઈ 30 ને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે.

વિશ્વના મોટાભાગમાં ફેબ્રુઆરી 14ને વેલેન્ટાઇન’ઝ ડે તરીકે ઉજવવામાં આવે છે કારણકે વેલેન્ટાઇન’ઝ ડે એ પ્રેમનો દિવસ છે અને મધ્યયુગમાં યુરોપના લોકો માનતા હતા કે પક્ષીઓ ફેબ્રુઆરીમાં પોતાનો સાથીદાર શોધે છે અને માર્ચમાં માળો બાંધે છે અને બચ્ચાંને જન્મ આપે છે. એટલે ફેબ્રુઆરીના મધ્યભાગ એટલે કે 14 તારીખને પ્રેમના દિવસ – વેલેન્ટાઇન’ઝ ડે તરીકે ઉજવાય છે અને આ દિવસે યુવક-યુવતીઓ પોતાને મનગમતા પાત્રને પ્રપોઝ કરે છે. (પક્ષીઓને પાંખો હોય એટલે પ્રપોઝ કરીને ઉડી જાય તો ચાલે. યુવકોએ ધ્યાનમાં રાખવું કે તેમની જોડે પક્ષીઓ જેમ ઉડવા માટે પાંખો નથી.)

પક્ષીઓ  આ તહેવાર સાથે જોડાયેલા છે. કહેવાય છે કે આ દિવસે કોઈ છોકરીના માથા પરથી રોબીન પક્ષી ઉડે તો એના લગ્ન નાવિક સાથે થાય છે. જો આ દિવસે કોઈ છોકરીના માથા પર ચકલી બેસે તો એના લગ્ન ગરીબ છોકરા સાથે થાય છે પણ એ છોકરો એને ખુબ ખુશ રાખે છે. જો કોઈ છોકરીને આ દિવસે ગોલ્ડફિન્ચ નામનું પક્ષી જોવા મળે તો એના લગ્ન કરોડપતિ સાથે થાય છે. (ભારતમાં ગોલ્ડફિન્ચ પક્ષી ઉત્તરાખંડ જેવા હિમાલયની નજીક આવેલા રાજ્યમાં ક્યારેક જ જોવા મળે છે એટલે છોકરીઓએ આ દિવસે ગોલ્ડ ફિન્ચ પક્ષી જોવા માટે કોઈ નિષ્ફળ પ્રયાસો કરવા નહિ.)

પક્ષીઓ પછી ફૂલો વિષે પણ જાણી લઈએ. લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક છે એટલે તમે જેને પ્રેમ કરો છો એને આ દિવસે લાલ ગુલાબ આપો. (લાલ રંગ ભયનું પ્રતિક પણ છે એ ભૂલવું નહિ!!!) તમે કોઈનો આભાર માનવા માંગતા હો તો આ દિવસે એ વ્યક્તિને ગુલાબી ગુલાબ આપો. તમે કોઈને યાદ કરો છો તો તેને સફેદ ગુલાબ મોકલાવી શકો. દોસ્તી માટે પીળું ગુલાબ આપવાનું હોય છે.

તમે સમજતા હશો કે આ દિવસે પ્રેમીઓ એક બીજાને ફૂલ કે ગીફ્ટ આપે છે તો તમે બિલકુલ ખોટા છો. આ દિવસે સૌથી વધુ ફૂલ અને ગીફ્ટ બાળકોને આપવામાં આવે છે. બીજા નંબરે માતા-પિતા અને પત્ની. પ્રેમી-પ્રેમિકા ત્રીજા નંબરે આવે છે. (ભારતમાં આનાથી ઉલટું છે પરંતુ આ ક્રમ સમગ્ર વિશ્વના સંદર્ભમાં છે!!!)

આપણે આ દિવસની ઉજવણીમાં ગીફ્ટની કીમત કરતા આ દિવસની ઉજવણી પાછળના હેતુને વધુ મહત્વ આપવું જોઈએ. આ દિવસે તમને કોઈ મોંધી ગીફ્ટ આપે છે કે સસ્તી એના બદલે કેટલા પ્યારથી તમને એ ગીફ્ટ આપે છે એ ધ્યાનમાં લેજો. અને આ દિવસે ઉપર વાત કરી એમ માતા-પિતા, ભાઈ-બહેન, બાળકો, પત્ની કે મિત્રો દરેકને તમે આ દિવસે શુભેચ્છા અને ગીફ્ટ આપી શકો. તમે ગીફ્ટ પેક કરાવીને એના પર તમે પ્રેમ કરો છો એનું નામ અને સરનામું લખીને મોકલાવી દો. તમારુ નામ કે સરનામું લખવાની જરૂર નથી. એ વ્યક્તિ તમારી ગીફ્ટ મળ્યા પછી કેટલાય દિવસ તમારા વિષે વિચાર્યા કરશે કે ગીફ્ટ મોકલનાર કોણ હશે? (જોકે હું આમ ગીફ્ટ મુકવા જતા પકડાઈ ગયો હતો. મેં મારી પત્નીને આમ જ અનામી ગીફ્ટ મોકલી દીધી. સાંજે ઘરે આવીને તરત હાડકાના ડોક્ટર પાસે જવું પડ્યું હતું. મેં ભૂલ એટલી જ કરી હતી કે મેં ગીફ્ટમાં ‘રસોઈ બનાવતાં શીખો’ નામનું પુસ્તક મોકલ્યું હતું. એ દિવસે મને ખબર પડી ગઈ કે એ રસોઈ સિવાય વેલણ ચલાવવામાં પાછી પડે તેમ નથી. એ તો બીજા દીવસે ગીફ્ટની વાત ભૂલી ગઈ હશે પણ મને હજુ વિચાર થાય છે કે મેં એને જ ગીફ્ટ કેમ મોકલી? એજ ગીફ્ટ કેમ મોકલી?)

પ્રેમનો તહેવાર મતલબ તમે જેને પણ પ્રેમ કરો છો એને શુભેચ્છા કે ગીફ્ટ આપી શકો. પ્રેમ એટેલ છોકરા-છોકરી વચ્ચેનો પ્રેમ એવો સંકુચિત અર્થ કાઢવાવાળા લોકો આ તહેવાર શું છે એ ક્યારેય સમજી શકશે નહિ.

વેલેન્ટાઇન’ઝ ડે વિષે એક બાળ કાવ્ય પ્રખ્યાત છે જે તમને જરૂર ગમશે.

The rose is red, the violet’s blue,

ગુલાબ છે લાલ અને વાયોલેટ છે ભૂરું,

The honey’s sweet, and so are you.

મધ છે મીઠું અને એવો/એવી જ છો તું.
Thou art my love and I am thine;

તું મારો પ્રેમ છે અને હું છું તારો/તારી.
I drew thee to my Valentine:

તું પસંદ થયો/થઇ છે આ દિવસે
The lot was cast and then I drew,

હજારો (ચિઠ્ઠીઓ) માંથી મેં એક પસંદ કરી

And Fortune said it shou’d be you.

અને નસીબે કહ્યું કે એ છે તું

લેખ સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને ટેગ કરો અને શેર કરો.

સંકલન અને એડીટીંગ : નારાયણ ત્રિવેદી “શ્યામ”

Comment here