એ ગેમ વિથ એ રોંગ પર્સન 

મેજર ત્રિવેદી – ધ સ્પાય નેકસ્ટ ડોર

1.  એ ગેમ વિથ એ રોંગ પર્સન

  રાત્રીના આછા અંધારામાં અન્ના રેસિડેન્સીના હારબંધ મકાનો દેખાતા હતા. રેસિડેન્સીની એક તરફ નાના અને છુટા છવાયા મકાનો હતા જેમાં એક મકાનની બધી જ લાઈટ બંધ હતી. ઘરમાં બે ત્રણ રૂમ, એકાદ હોલ અને એક કિચન હોય એવું બહારથી લાગતું હતું. અંદરની તરફ સાચે  એવું જ હતું. ઘરની અંદર જતા જ એક હોલ જેમાં કોઈ જ ફર્નિચર નહિ, ન કોઈ એલ.સી.ડી. ટી.વી.! રસોડામાં પણ કોઈ જ સામાન નહિ! ગેસ સ્ટવ, વાસણ, કંઈજ નહિ! એવું લાગતું હતું જાણે અહીં કોઈ નવું નવું જ રહેવા આવ્યું હોય….

બે માંથી એક રૂમને તાળું વાસેલું. બીજો એક રૂમ ઉઘાડો પડ્યો હતો. ઉઘાડા રૂમમાં એક ટીપોઇ ઉપર એક નકશો વાળીને મુકેલો હતો અને એ નકશા ઉપર એક ઘડિયાળ, એક હોકાયંત્ર અને એક ચશ્માં પડ્યા હતા. ટીપોઈના ખૂણા ઉપર એક ફોન વાયરના ગૂંચળા સાથે પડ્યો હતો!

ટીપોઈની પાસેની દીવાલ ઉપર બે ત્રણ ચાર્ટ લટક્યા હતા. એ ચાર્ટમાં અલગ અલગ સિમ્બોલ અને અલગ અલગ ભાષાઓનું લખાણ હતું! ચાર્ટની પાસે ખીલ્લીઓ ઉપર એક કાળો કોટ અને એક એવી જ હેટ લટકતી હતી…

રૂમના ખૂણામાં એક છ બાય ચારનો બેડ હતો. બેડ ઉપર એક ચાલીસેક વર્ષનો માણસ ઊંઘયો હતો… એ માણસ માથાથી પગ સુધી બેડની લંબાઈ બરાબર જ હતો એટલે એની ઊંચાઈ છ ફૂટ હશે એવું લાગતું હતું! એનું  શરીર કસાયેલું અને મજબૂત હતું એ પરથી એ કોઈ મજૂરી કામ કરનાર માણસ લાગતો હતો! એના ચહેરા ઉપર થોડી દાઢી અને મૂછો હતી…  એનો ચહેરો સખત હશે એ એની બંધ આંખો ઉપરથી પણ અનુમાન લગાવી શકાય એમ હતું…. ! માથાના વાળ માપસરના , ન નાના ન મોટા , કુદરતી રીતે જ ઊંચા રહેતા વાળ જાણે સ્પાઈસી સ્ટાઈલમાં રાખેલ હોય એમ લાગતું હતું! એણે જિન્સની એક પેન્ટ અને ઉપર રાઉન્ડ નેક સફેદ ટી શર્ટ પહેરેલી હતી! ઊંઘમાં પણ એનું વ્યક્તિત્વ ગજબનુંદેખાતું હતું! એક તરફ આકર્ષક લાગતો તો એક તરફ ભયાનક કડક લાગતો એ માણસ કોણ હશે એનું અનુમાન કોઈ કરી શકે એ શક્ય નહોતું!

બેડની એક બાજુના પડખાના ખૂણા ઉપરનું ગાદલું સહેજ ઉપસેલું હતું  એ પરથી લાગતું હતું કે કંઈક ત્યાં નીચે જરૂર હોવું જોઈએ! એકાએક એ માણસ જાગી ગયો ….. એક ચીસ સાથે…… “મારકો……….. !!!!!!!!”

એના ભારે અવાજમાં રૂમ આખો ગાજવા લાગ્યો! પણ જાગી ને એ તરત શાંત થઈ ગયો અને ટીપોઈ તરફ પોતાની લાલચોળ આંખોથી જોઈ રહ્યો…..

ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન ……… ટ્રીન ટ્રીન ટ્રીન………. ટીપોઈના ખૂણેથી ફોનની રિંગ વાગતી હતી!

ફોનના અવાજથી એ વ્યક્તિ કોઈ સપનામાંથી એકાએક જાગી ગઈ હોય એ સ્પષ્ટ જ હતું!  એ માણસ ઉભો થયો, ધારણ મુજબ જ એ છ ફૂટનો મજબૂત હાડકાનો બનેલો માણસ લાગતો હતો ! એના ચહેરા ઉપરના સખત ગંભીર ભાવ એ સપનું કૈક ભયાનક હશે એની સ્પષ્ટતા કરતા હતા….

એણે ટીપોઈ ઉપરથી ઘડિયાળ ઉઠાવી ઘડિયાળમાં નજર કરી, કલાક કાંટો પાંચ ઉપર અને મિનિટ કાંટો પંદર ઉપર હતો!

આ સમયે કોણે ફોન કર્યો હશે ? વિચારતા ફોન ઉઠાવ્યો….

“હમમમમમમમમ” એ વ્યક્તિ બસ એટલું જ બોલ્યો

“કોણ?” સામેથી પણ એવો જ ટૂંકો સવાલ કોઈએ પૂછ્યો…

“હું રંગ કામવાળો ભૈયો.” ફરી એ વ્યકતીએ ટૂંકમાં જવાબ આપ્યો… સામે કોણ છે આ સમયે ફોન કેમ કર્યો હશે એ પૂછવાની એને કોઈ ફિકર હતી જ નહીં…

“કોડનેમ એ હું કોડનેમ ટી બોલું છું તમારું એક ખાસ કામ પડ્યું છે.”

‘કોડનેમ એ’ સાંભળતા જ એ વ્યક્તિના ચહેરાના ભાવ બદલાઈ ગયા….. ફોનની બાજુમાં પડેલ વોકમેન રેકોર્ડરની પિન ફોનને લગાવી દીધી અને કહ્યું, “બોલો?”

“એક (બોમ્બર) અપરાધી મળ્યો છે, પણ એ મોઢું ખોલતો નથી!” સામેથી અવાજ આવ્યો.

“ક્યારે? ક્યાં?”

“સાયબર કાફેમાં જતા જ અમે એને ઝડપી લીધો હતો. એને સિક્રેટ જગ્યાએ રાખેલો છે દિલ્હી હેડ ઓફીસ સુધી એને લઈ જવો શક્ય નથી, એના સાથીદારો એને રસ્તામાં જ ઉડાવી દેશે.”

“ઓકે ગોટ ઇટ. ક્યાં?”
“ઓલ્ડ સિમેન્ટ ફેકટરી.”

‘કોડનેમ એ’ એ એક હાસ્ય કરીને ફોન મૂકી દીધો. વાત જરાક અજુગતી હતી, સામેનો અવાજ એ ઓળખતો નહોતો, પણ પોતાના હજારો નામમાંથી છેલ્લું નામ ‘કોડનેમ એ’ સામેવાળી વ્યક્તિ જાણતી હતી એટલે વાત સામાન્ય નહોતી….. ઉપરથી ‘ઓલ્ડ સિમેન્ટ ફેકટરી’ નો લેટેસ્ટ કોડ પણ એ વ્યક્તિ પાસે હતો જ!

એ તૈયાર થઈ ગયો. ખીલ્લી ઉપરથી લટકતો કોટ અને હેટ લઈ પહેરી પહેરી લીધા. બેડના ગાદલાનો ઉપસેલો ખૂણો ઊંચો કરી પીસતલ લીધી. હેત અને કોટમાં એનું વ્યક્તિત્વ ઓર ખીલી ઉઠ્યું! જતા પહેલા  વોકમેન ચાલું કરી એકવાર એ રેકોર્ડિંગ ફરી સાંભળી લીધું…. કઈક અજુગતું લાગ્યું હોય એમ રિકોર્ડિંગનો છેલ્લો હિસ્સો રિવર્સ કરી ફરી સાંભળ્યો…..

ઘર બહાર નીકળી ઘરને તાળું દઈ રોડ ઉપર આવી આમ તેમ નજર કરી ત્યાં એક યુવાન વોકિંગ કરતો નજરે ચડ્યો! વિસલ મારી એને પાસે બોલાવ્યો….

“બોલો અંકલ.” યુવાન તેલુગુમાં બોલ્યો.

” હૈદરાબાદમાં જુના મકાનો કઈ બાજુ છે? આઈ મીન ઓલ્ડ  હૈદરાબાદ?”  કોડનેમ એ પણ તેલુગુમા જ બોલ્યો…..

પેલા યુવાને ઈશારા અને શબ્દોનું મિશ્રણ કરીને બધુ સમજાવ્યું અને કાનમાં પોતાના ઈયરફોન લગાવી ચાલ્યો ગયો.

યુવક ચાલ્યો ગયો એટલે એના કહ્યા મુજબ કોડનેમ એ પણ ચાલવા લાગ્યો…. મનમાં વિચાર પણ ચાલતા જ હતા….. આ યુવક એટલી સરળતાથી કઈ રીતે બોલી શકે?  મારુ તૂટ્યું ફૂટ્યું તેલુગુ કઈ રીતે સમજી ગયો?

એ વિચારતો-સમજતો ચાલ્યો જતો હતો. થોડીવાર પછી જુના મકાનો આવવા લાગ્યા… ખંડેર જેવો વિસ્તાર હતો! અચ્છા તો ઓલ્ડ સિમેન્ટ ફેકટરી સારી એવી ઓલ્ડ છે! જરાક મલકી એ આગળ ચાલવા લાગ્યો….  એજન્ટની કોડ લેન્ગ્વેજમાં દરેક સામાન્ય નામના અલગ જ અર્થ થતાં હોય છે. જેમ કે ઓલ્ડ સિમેન્ટ ફેક્ટરી એટલે જુના ઘર!

કોડનેમ એ ખંડેર મકાનો ઉપર સાવધ નજર કરતો જતો હતો ત્યાં અચાનક એક વિસલ સંભળાઈ અને એક સફેદ વસ્ત્રોમાં તદ્દન ગુજરાતી દેખાતો માણસ એક ખંડેર મકાનમાંથી બહાર આવ્યો અને તરત અંદર જતો રહ્યો……

કોડનેમ એ પણ પેલા સફેદ વસ્ત્રોમાં સજ્જ માણસની પાછળ એ ઘરમાં ગયો. દરવાજે એક બીજો માણસ પણ ઉભો હતો. કોડનેમ એ અંદર દાખલ થયો એટલે તરત એ બીજો માંસ બોલ્યો, “કોડનેમ એ મારે તલાસી લેવી જ પડશે માફ કરશો!”

એક સ્મિત આપી કોડનેમ એ હાથ ઊંચા કરી ઉભો રહ્યો. પેલા માણસે કોટના ખિસ્સા માંથી એક પીસતલ કાઢી લીધી. એ હાથ નીચા કરીને ઉભો રહ્યો એટલે પેલે દરવાજો બંધ કરી દીધો અને ચાલવા લાગ્યો….કોડનેમ એ પણ એની પાછળ ચાલવા લાગ્યો… એક લાકડાની સીડી બીજા માળે જતી હતી બન્ને એ સીડીઓ ચડી ઉપરના માળે ગયા. ઉપરના માળે પેલા સફેદ વસ્ત્રોવાળા ગુજરાતી દેખાતામાંસ સહીત બે માણસો હતા તથા એક યુવાન દેખાતો છોકરો એક ખુરશી સાથે બાંધેલો હતો.

“વેલકમ એ.” પેલા બે માંથી એક બોલ્યો એટલે કોડનેમ એ માથું હલાવી ખુરશી ઉપર ગોઠવાયો.

“તો ડિટેઇલ્સ શુ હતી?” કોડનેમ એ બોલ્યો.

“બૉમ્બ છે. એક્ટિવેટ કરેલો છે સમય ખબર નથી પણ કોડ આ હરામી જોડે છે.” કહી પેલા ગુજરાતી દેખાતા એજન્ટે બંદીને એક ફટકો માર્યો….

“મેં બધું કહી દીધું છે સાલાઓને…..” બંદી બારડ્યો, “પણ આ મૂર્ખાઓ સમજી ન શકે તો હું શું કરું?” બંદી ખંધુ હસ્યો…

પેલો ગુજરાતી ફરી એને મારવા જતો હતો ત્યાં જ કોડનેમ એ બોલ્યો, “સ્ટોપ ઓર યુ વિલ લુઝ ધ ચાન્સ.”

કોડનેમ એ ઉભો થયો અને પેલા બંદીના હાથ ખોલી દેતા પૂછ્યું, “નામ?”

પેલા બે માણસો કોડનેમ એ ની એક તરફ પેલા બંદીની સામેની બાજુ જ બેઠા હતા. એ બધું સાંભળતા હતા. ટેબલની બીજી તરફ કોડનેમ એ બેઠો હતો. સામેની બાજુ એક રૂમ હતો જેમાં કદાચ બંદીને રાખેલો હશે અને એક માણસ કોડનેમ એ ની પાછળ ઉભો હતો.

“એન્થની.” હોઠના ખૂણેથી ખૂન લૂછતાં બંદી બોલ્યો.

“બૉમ્બ ક્યાં છે?”

“આ લોકોને આપી દીધો.” સામેના દરવાજા ઉપરથી પોતાનું ધ્યાન હટાવી બંદી બોલ્યો.

“ગુડ અને કોડ?” ટેબલ ઉપરનું પેપર વેઇટ ગોળ ફેરવતા કોડનેમ એ બોલ્યો.

“કોડ પણ આપી દીધો છે મેં પણ આ મુરખા સમજે તો ને?” બંદી ખડખડાટ હસવા લાગ્યો….

કોડનેમ  એ પણ હસવા લાગ્યો, “તો કોડ માં જ કોડ છે?”

“હા. મને હવે લાયક માણસ મળ્યો છે.” પેલા બંદીએ હસીને કહ્યું.

કોડનેમ એ બધું સમજી ગયો હતો કે કોડ શુ છે. એ પેલા બે એજન્ટ તરફ જોઈને બોલ્યો, “બધું ક્લિયર છે. કોડ છે……”

બંદીને થયું હમણાં એ મારો કોડ આ લોકોને કહી દેશે પણ એની ધારણા ખોટી નીકળી.

એટલું કહીને કોડનેમ એ અટકી ગયો અને ફરી એક વાક્ય ઉમેર્યું, “પણ આ બંદી સાચું બોલે છે એની કોઈ ખાતરી નથી એટલે મારે બીજી રીતે તાપસ કરવી પડશે.”

પેલા બે એજન્ટ જાણતા હતા કે ‘કોડનેમ એ’ ગમે તે રીતે કોડ સાચો છે કે ખોટો એ ખાતરી કરી જ લેશે. એ ત્રણેય એજન્ટે પેલા બંદી ઉપર બધી થર્ડ ડીગ્રી ટેક્નિક અપનાવી લીધી હતી પણ એ કઈ બોલ્યો નહોતો એટલે જ તો એ બધાએ ‘એ’ ને બોલાવ્યો હતો.

“ઓકે ગો અહેડ.” પેલા બે માંથી એક એજન્ટે એક ખાલી રૂમ તરફ ઈશારો કર્યો.

‘એ’ પેલા કેદીને લઈને એ રૂમ તરફ જવા લાગ્યો એટલે એક એજન્ટ એમની પાછળ જતો હતો પણ એને બીજા એજન્ટે રોકીને કહ્યું, “એ પોતાની ટેક્નિક કોઈના આગળ બતાવશે નહિ એને થોડી વાર એકલો જ રહેવા દો.”

‘એ’ અને પેલો કેદી રૂમમાં ગયા અને બારણું વાસી દીધું. ત્રણેય એજન્ટ બહાર રાહ જોતા અંદર અંદર કૈક વાતો કરતા હતા ત્યાં અચાનક એક ધડાકો થયો…. કાચ ફૂટવાનો અવાજ આવ્યો….ત્રણેય એજન્ટ દોડીને રૂમમાં ગયા અને જઈને જોયું તો જે કોડનેમ એ ને એ લોકો કાબીલ સમજતા હતા એ  જમીન ઉપર પડ્યો હતો!

” એ બંદી ભાગી ગયો આ બારીમાંથી…… ” ઉભા થતા કોડનેમ એ બોલ્યો.

“શીટ…… ” કહી પેલા એજન્ટે એ ને એની પીસતલ આપી, “એ કોડ ગમે તે હાલમાં ગવર્નમેન્ટ ને જોઈએ અન્ડરસ્ટેન્ડ ????? લેટસ ગો….”

ત્રણેય એજન્ટ પીસતલ કાઢી બારીમાંથી કુદી પડ્યા. બંદી કઈ તરફ ગયો હશે એ નક્કી કરી શકાય એમ નહોતું એટલે ત્રણેય એજન્ટ અલગ અલગ દિશામાં ગયા. કોડનેમ એ પેલા એજન્ટની પાછળ બારીમાંથી કુદ્યો પણ આગળ ગયો નહિ અને પોતાની પિસ્તલ ગજવામાં સરકાવી હેત સરખી કરતો ત્યાં જ ઉભો રહ્યો….

થોડી વાર પછી સામે ના ખંડેરમાંથી પેલો કેદી બહાર આવ્યો…. એ અને કેદી બંને આગળના ભાગમાંથી નીકળી ગયા….. હાઇવે ઉપર જઈ એક ટેક્સી પકડી બંને એક રિવર ફ્રન્ટ ઉપર પહોંચી ગયા….. ચા ઓર્ડર કરીને બન્ને ટેબલ ઉપર ગોઠવાયા ત્યાં એ પેલા બંદી ને પૂછવા લાગ્યો…

“તારું નામ શું છે ? અને તે આ બૉમ્બ કેમ બનાવ્યો હતો?”

“મારુ નામ શ્રીવાસ્તવ.  મેં બસ ચેક કરવા માટે જ આ બૉમ્બ બનાવ્યો હતો કે સફળ થાય છે કે નહીં મેં કોઈ બદ ઈરાદાથી નહોતો બનાવ્યો પણ પોલીસે મને પકડી લીધો.”

“એ પોલીસ નથી શ્રીવાસ્તવ….”

“વોટ?”

“હા એ ત્રણેય એજન્ટ ખાનગી એજન્ટ હતા એક પણ પોલીસમેન નથી એમાંથી. આજ કાલ અન્ડરવલડ ના  મોટા માથા આવા એજન્ટ રાખે છે અને ઇન્ટરનશીપ કરતા હોય એવા  વિદ્યાર્થીઓ ઉપર નજર રાખે છે. જે સ્ટુડન્ટ હોશિયાર લાગે એને કા’તો માઈન્ડ વોસ કરીને કા’તો બળજબરીથી એની પાસે બૉમ્બ બનવડાવે છે.”

“અચ્છા….. તો મતલબ હું આ પ્રયોગ કરતો હતો એની એ લોકો વોચ રાખતા હતા અને જ્યારે સફળ થયો ત્યારે મને ઉઠાવી લીધો. ઓહ માય ગોડ…..!!!!! તો મારો રૂમ પાર્ટનર પણ આ લોકો સાથે જ હતો નહિતર મારા પ્લાનની બીજા કોઈને તો ખબર જ નહોતી….!”

“હા અને તે એ કોડ રૂમ પાર્ટનરને કહ્યો નહિ એટલે જ તું હજુ જીવે છે ….” કહી કોડનેમ એ હસ્યો…..

“પણ તમને કેમ ખબર કે એ લોકો પોલીસ નથી? અને તમે કોણ છો?”

“હું એજન્ટ છું.” જરાક અટકીને ઉમેર્યું, “ઓરીજનલ!” ”

“પણ એજન્ટ અસલી છે કે નકલી એ તમને કેમ ખબર પડી? તમે તો એ કોડ કહેવા જ જતા હતા અને પછી અચાનક જ અટકી ગયા હતાને?”  શ્રીવાસ્તવને કઈ જ સમજાતું નહોતું.

“હા શ્રીવાસ્તવ…. હું કોડ કહેવાનો જ હતો…. એ લોકો આ ધંધામાં નવા હતા એટલે ભૂલ કરી બેઠા, પણ એમના ઉપર જે હાથ છે એ મોટો હશે.”

“એટલે?”

“એ પછી સમજવું પહેલા મને એ કહે તારા રૂમ પાર્ટનરની હાઈટ સાડા પાંચ ફૂટ છે? ભૂરી આંખો, ફુલાયેલા ગાલ, વાંકડિયા વાળ અને શ્યામ ચહેરો?”

“હા એજ ગોવર્ધન….. એજ મારો રૂમ પાર્ટનર પણ તમને કેમ ખબર?”  શ્રીવાસ્તવની આંખો પહોળી થઇ ગઈ.

” એ એજન્ટનો ફોન આવ્યો એટલે હું ઘરથી નીકળ્યો. ઘરની બહાર જતા જ એક યુવક જોગિંગ કરતો હતો એને મેં જાણી જોઈને જ તૂટી ફૂટી તેલુગુમા પૂછ્યું છતાં એ બધું સમજી ગયો. બીજી વાત એ કે આટલા મોટા હૈદરાબાદમાં ત્યાં એક જ માણસ જોગિંગ કરતો હોય એ શક્ય છે? ના એ શક્ય નથી જો એ જોગિંગ કરનાર યુવક તારો રૂમ પાર્ટનર ગોવર્ધન ન હોય….!”

“માય ગોડ તમે નાની વાત ઉપરથી બધું સમજી ગયા એમ ને.”  સામેની વ્યક્તિનું ભેજું જોઈ શ્રીવાસ્તવ દંગ જ રહી ગયો.

“ના શ્રીવાસ્તવ. એક એજન્ટ તરીકે દરેક વાત ઉપર શક ની નજર ફેરવવી એ મારી આદત છે એટલે મેં એમ સમજ્યું કે કદાચ જોગાનુજોગ હોઈ શકે આવું… ”

“તો તમને ખાતરી ક્યારે થઈ?”

“વેલ ખાતરી તો છેક આપણી બંનેની મોત આપણી નજીક હતી ત્યારે જ થઈ…”

“એટલે?” શ્રીવાસ્તવને ફરી કઈ સમજાયું નહિ.

“જ્યારે હું કોડ કહેવા જતો હતો ત્યારે તારું ધ્યાન સામેના દરવાજા ઉપર હતું જ્યાંથી તું ભાગવા માંગતો હતો…. રાઈટ?”

 

“હા હુ એજ વિચારતો હતો કે આ દરવાજેથી ભાગી જાઉં!” હસીને શ્રીવાસ્તવ બોલ્યો.

“વેલ…… ટેબલ ઉપર મુકેલા પેપર વેઈટને ફેરવીને એમાં પાછળ શું થાય છે એનું ધ્યાન રાખવું એ મારો જુનો તરીકો છે. અને નસીબ જોગ અહી પેપર વેઇટ પણ ક્લીયર વ્યુ આપતું હતું!!!!! મારી પાછળ ઉભેલા એજન્ટને મેં પીસતલ ઉપર સાયલન્સર લગાવતો જોયો એટલે હું સમજી ગયો કે કોડ મળી ગયા પછી તને એક ને નહિ મને પણ મારવાનું પ્લાન છે.” કોડનેમ એ એ બધું વિગતે સમજાવી દીધું.

“વાહ ….. પણ તમે મને તમારી સ્પેશિયલ તપાસના બહાને અલગ રૂમમાં બોલાવ્યો ત્યારે આપણે બન્ને ભાગી શક્યા હોત ને ? આ નાટક કેમ કર્યું….?”

“મારી ગન એ લોકો પાસે હતી જે મારી એકમાત્ર ભરોસા પાત્ર સાથીદાર છે….!!!!!” પોતાની ગન ટેબલ ઉપર મુકતા કોડનેમ એ હસ્યો….

“તમે તમારું દિમાગ એટલું લગાવ્યું અને છેવટે એક ગન માટે તમે એટલું જોખમ લીધું.! તમે છો કોણ? અને શું તમે મને તમારી ટીમમાં રાખશો ?” અચંબિત થઇ શ્રીવાસ્તવ એ ને જોતો જ રહ્યો.

ચા નો ખાલી કપ મૂકી… ટેબલ ઉપરથી પોતાની ગન લઈ એક સ્મિત સાથે એ બોલ્યો, “મેજર ત્રિવેદીની ટીમમાં તારું સ્વાગત છે શ્રીવાસ્તવ…”

“થેંક યુ સર……ઈ મીન મેજર ત્રિવેદી…… પણ એ લોકો મને શોધી લેશે તો?”

ખડખડાટ હાસ્ય કરી મેજ્ત ત્રિવેદીએ કહ્યું, “એના માટે એ લોકો જીવતા હોવા જોઈએ ને? તને શું લાગે છે જે લોકો બોમ્બ અને કોડ મેળવી લેવા માંગતા હોય એ કઈ બોમ્બ સાથે રમવા માંગતા હશે? એ લોકો કોઈ સ્કુલ કે ભીડવાળી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવા જ માંગતા હશે.”

શ્રીવાસ્તવ પોતાનું લોહી લુહાન મોઢું લૂછતાં મેજર ત્રિવેદીને જતા જોઈ રહ્યો………… આ માણસ ખુદ એટલો કાબીલ છે તો મને ટીમમાં કેમ રાખયો ? શુ હશે એનું ટાર્ગેટ? એક ગન માટે આટલું રિસ્ક લીધું મતલબ મેજરની પાછળ રોવાવાળું કોઈ નહીં જ હોય શુ?………

થોડા અગલ જઈ મેજર એક નજર પાછળ કરી પોતાની હેટ થોડી ઉંચી કરીં દબાવી અને શ્રીવાસ્ત્વને હાથ હલાવી ફરી ચાલવા લાગ્યો. એક કેસ તો વગર હાથમાં લીધે જ સોલ્વ થઇ ગયો હતો કેટલાય માસુમોની જિંદગી મેજરે બચાવી લીધી હતી. બોમ્બ બ્લાસ્ટમાં મરનારના નસીબ જ કદાચ સારા હશે કે પેલા નકલી એજન્ટોએ મેજરને પસંદ કર્યો!!!!! કેમ કે નવા નિશાળીયાઓ શિવાય બધા જ એજન્ટ જાણે છે કે જો તમને એમ લાગે કે તમે મેજર ત્રિવેદી ને ફસાવ્યો છે તો એનો મતલબ એ કે તમે મેજર ત્રિવેદીના પ્યાદા છો………………..!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 

વિકી ત્રિવેદી “ઉપેક્ષિત

 

All rights are reserved. No part of this publication may be reproduced or stored in a retrieval system or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the written permission of of the author.

4 Replies to “એ ગેમ વિથ એ રોંગ પર્સન ”

Comment here