“વો જિંદગી હી ક્યાં જો દર્દ ના દે
વો ખુદાભી ક્યાં જો હમદર્દ ના દે”
નયનાના લગ્ન રાકેશ સાથે થયાને બે વર્ષ થઈ ગયા હતા. રાકેશ ખૂબ જ પ્રેમાળ અને સમજુ , વ્યવહારુ અને કુશળ પતિ સાબિત થયો હતો. રાકેશને પોતાની એક પ્લાસ્ટિક ફેકટરી હતી. નયના પણ એન્જીનીયર બની ગઈ હતી.
નયના ના લગ્ન થયા ત્યારે જ ચંદુલાલે શરત કરી હતી.
“જીવણલાલ તમે ભલે પૈસે ટકે સુખી રહ્યા… પણ મારી દીકરીને એનું ભણવાનું પૂરું કરાવવું પડશે”
વેવાઈ પણ એવા જ હતા એમણે પણ કહ્યું હતું ” ચંદુલાલ હું દીકરી લઈ જાઉં છું વહુ નહિ…..”
નયનાને એનું એન્જીનિયરિંગનું છેલ્લું વર્ષ રાકેશે લગ્ન પછી પણ પૂરું કરાયું હતું. બન્ને સુખી હતા.
એ દિવસે રાકેશ ઓફિસે નીકળ્યો એટલે નયના કોમ્પ્યુટર ઉપર ઘરના નકશા બનાવવા લાગી. ત્યાં જ ફોનની ઘંટડી રણકી…..
“હેલો” ધ્રૂજતો અવાજ સંભળાયો….
“શુ થયુ શ્રુતિ ?” નયનાએ ગભરાઈને પૂછ્યું….
” આકાશ….. આકાશે આત્મહત્યા …..”
નયનાનું હૃદય ફાટી ગયું….. કંપતા હાથે એ ફોન પકડી રહી….
“ક…..યા…..રે……..” છુટ્ટા છુટ્ટા શબ્દો માત્ર એટલા જ એ બોલી શકી.
“આજે સવારે જ….. અમે એને ગાંધી હોસ્પિટલ લઇ આવ્યા છીએ…. મારી પાસે દસ હજાર રૂપિયા હતા એ આપીને મેં દવા ચાલુ કરાવી પણ હવે ડોકટર ઓપરેશન માટે દોઢ લાખ રૂપિયા માંગે છે….. નયના એ જિદ્દી છે મૂર્ખ છે પણ એ સારો છે તું પૈસે ટકે સુખી છે તું……” શ્રુતિ અટકી ગઈ ફરી બોલી ” હું શું કહું છું તું સમજે છે ને ?”
” હં….. હા….. ” ફોન કપાઈ ગયો….
નયના સોફામાં બેસી પડી….. એ થડકી જ ગઈ. એક અંધારિયા કૂવામાં એ ઉતરી હોય….. છેક જ ઘોર અંધારું….. એક માણસ ડૂબે છે….. ચીસો પાડી પાડીને પોતાના કરચલી વાળા ચહેરા ઉપર આંસુઓ ખેરવતો એ માણસ નયના ને હાથ લાંબો કરતો હોય……
એ ઝબકી ગઈ….. ના આ સપનું નથી…..! આ તો હકીકત છે નર્યું સાચ…..મારે મારે …… હું શું કરું ? ……. નયના ગૂંચળું વળી ગઈ….. રાજેશ….. આકાશ…..હું હું શું કરું ?
મેં એને કેટલો સમજાયો હતો….. આકાશ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરીદે તું મને ચાહે છે તે મને એટલા વર્ષોમાં ક્યારેય સ્પર્શ સુદ્ધાં કર્યો નથી તો પછી…… તું સાચો છે પણ હું મજબુર છું…..
“તો મારી સાથે સંબંધ બાંધતા પહેલા કેમ ન વિચાર્યું ?” આકાશ ગળગળો થઈ ગયો હતો ” તે મને જીવતા શીખવાડ્યું…. મને….. મને તે જ સપના બતાવ્યા તું મારો ઍક માત્ર આધાર બની અને હવે તું મજબૂરી નું ….. છી ”
” આકાશ તું અનાથ છે એ તારી ખુશનસીબી છે તું મને સ્વીકારી શકે….. પણ હું…. મારે પરિવાર છે, બેદીઓથી બંધાયેલી….. કાસ હું પણ અનાથ……”
” વાહ મને તો ખબર જ હતી કે સ્ત્રી જાત બતાવી જ દે….. અરે શુ નવું છે નયના મને તો મારી મા જ જન્મ આપીને કાંકરિયામાં છોડી ગઈ હતી…… તો હું જ મૂર્ખ હતો એક સ્ત્રી ઉપર ફરી મેં ભરોસો કર્યો……”
” એ પણ મારી જેમ મજબુર હશે આકાશ….. કોઈ માં પોતાના દીકરાને મૂકી ન શકે ”
” શુ મજબૂરી હોય ? હોઇશ હું કોઈની નાજાયજ ઓલાદ…. કરી હશે કોઈ સાથે ઐયાસી…… અને તારી જેમ જ પછી એને પણ શરમ , પરિવાર, બેડીઓ બધું યાદ આવ્યું હશે…..” આકાશ ભાંગી પડ્યો હતો
” ના આકાશ એવા શબ્દો ન બોલ જેનું પ્રાયશ્ચિત ન થઈ શકે….. માં ને મારી સાથે ન સરખાવ…. તું દુઃખી જીવ્યો, મેં તને સપના બતાવ્યા અને મેં જ તને ફરી ….. એ બધું જ સાચું હું તારી ગુનેગાર છું તું કહે તો હું મરી જાઉં…..” ગળામાંથી ભીના શબ્દો નીકળ્યા ને નયના રુદન રોકી ન શકી એ બે હાથ મોઢા ઉપર લગાવી રડી પડી.
કેવો ચક્રવ્યૂહ રચાયો હતો ? કુદરતે કેવી કસોટી લીધી હતી ? પણ એ કસોટીમાં હું જ કેમ ? પીડા અસહ્ય થવા લાગી….. મન ક્ષિતિજની પેલે પાર દોડી જવા લાગ્યું….. મનમાં નયનાના એ શબ્દો પકડાઈ ગયા “મરી જાઉં” ના નયના નઇ હું જ મરી જાઉં….
” જા જીવી લે તારી જિંદગી નયના હું આવતા જન્મે ફરી મળીશ…..”
“આકાશ…..” ધ્રાસકો…. એક બીજો જ ભય….. એક તરફ પપ્પા મરી જાય ….. એક તરફ આકાશ….. પપ્પાએ મોટી કરી… વ્હાલ કર્યું…. તો આકાશે પણ ક્યાં કોઈ ગુનો કર્યો છે ? દોષ તો મારો છે…… એ હિંમત એકથી કરીને બોલી
“આકાશ તું હવે મને નફરત કરતો હોઇશ કદાચ પણ હૃદયના કોઈ ઊંડાણમાં નયના નામનો જરાય વ્હાલ જરાય સ્નેહ બચ્યો હોય તો તું કોઈ ખોટું પગલું નહિ ભરે…… તને મારી કસમ…. તું જો કાઈ એવું કરીશ તો હું પણ…. ”
આકાશે એના હોઠ ઉપર હાથ દઈ દીધો ” નયના …..” બસ તું જા હવે…..
નયના ના મનમાં સણકા ઉપડતા હતા…. તેજ રણકતી ઘંટડી નો અવાજ….. ” બેન બા બેન બા……” રામુ નો અવાજ…. એ ઝબકી ગઈ….. રામુ ને જોઈને ભાન આવ્યું સાડીના છેડે મો લૂછી દીધું…..
” બેન બા શુ થયું ? કોઈ માઠા સમાચાર છે ?”
કાઈ પણ બોલ્યા વગર નયના ચાલી ગઈ. રામુ નવાઈથી ગાર્ડનમાં ચાલ્યો ગયો.
ના હું એને આમ મરવા નહિ જ દઉં… ભલે રાજેશને બધી ખબર પડી જાય. મેં પપ્પા ખાતર બધું કર્યું મેં મારો સ્ત્રી ધર્મ સત પ્રતિસત નિભાવ્યો છે. હવે આ પણ મારો ધર્મ છે. ભલે મને રાજેશ છુટા છેડા …… હું જઈશ ….. ભલે મારે આખું જીવન એકલા રહેવું પડે હું મારા પેટમાં રહેલા બાળકને ઉછેરી શકું એટલી સક્ષમ છું જ…. એ માંડ તિજોરી ખોલી શકી…. એ ખુદથી લડતી હતી…. તિજોરીમાંથી જેટલા હતા એટલા રૂપિયા ઉઠાવી પર્સ માં ભરી દીધા.
એ ઘરમાંથી બહાર નીકળી ગઈ. ટેક્સી તરત મળી ગઈ. ” ઝડપથી ગાંધી હોસ્પિટલ…..”
એનું મન હજુયે લડતું હતું….. આકાશ તો માની ગયો હતો. અચાનક હવે બે વર્ષે શુ થયું ? એણે કેમ આ પગલું લીધું ?
ટેક્સી હોસ્પિટલ આગળ ઉભી રહી. પૈસા ચૂકવી એ ઝડપથી હોસ્પિટલમાં ગઈ. એને જોતા જ શ્રુતિ દોડીને આવી ” નયના જો તો આકાશે છત ઉપરથી….” એ રડી પડી.
શ્રુતિ અકાશની પડોશી હતી…. બહેન જેવી જ…. નયનાએ એને શાંત પાડી….. ” પહેલા ડોક્ટરને આ પૈસા આપી દઈએ પછી બધી વાત ”
શ્રુતિ થોડી જ વાર માં ડોક્ટરને પૈસા આપી પાછી ફરી.
” શુ કહ્યું ડોકટરે ?”
” ખુન ની જરૂર છે ક્યાંય મળતું નથી અત્યારે ”
” એનું બ્લડ ગ્રુપ કયું છે ?”
” Ab નેગેટિવ ”
” એબી નેગેટિવ ? રાજેશ….. ” નયના ને અચાનક કૈક યાદ આવ્યું ” રાજેશને પણ એબી નેગેટિવ છે ….. પણ પણ…..એ…. ” ફરી એક ભય ફેલાઈ ગયો રાજેશને ….. પોતાના પતિને કઈ રીતે કહેવું …… છતાં એના સિવાય કોઈ બીજો આધાર ન હતો હિંમત એકઠી કરી રાજેશને ફોન કર્યો.
રાજેશ આવતા જ એ બોલી ” હું બધું જ પછી સમજાવીશ અત્યારે તમે ….”
” અરે પણ મેં ક્યાં કઈ પૂછ્યું જ છે ” હસીને રાજેશ ડોકટર પાસે ચાલ્યો ગયો…..
ધડકતા હૃદયે નયના બહાર રાહ જોતી બેઠી હતી. એને હતું હમણાં રાજેશ આવશે અને હું બધું સાચું કહી દઈશ એ મને કોર્ટ…… પણ હું ભોગવી લઇશ મેં આકાશને દુઃખ આપ્યું છે એ હવે મારે ભોગવવું જ રહ્યું….
રાજેશ બહાર આવ્યો. હસ્તો હસ્તો એ બોલ્યો ” ગભરાતી નહિ મને બધી ખબર છે અને હા જેટલા પૈસા જોઈએ એટલા ખર્ચી દેજે” કહી એ ચાલ્યો ગયો.
નયના વિષમયથી એને જતો જોઈ રહી. કાઈ ન સમજાયું…. કોઈ ચમત્કાર….. એક પુરુષ પોતાની પત્નીના …… પણ જે થયું હતું એ સારું જ થયું હતું……
આકાશ બીજા દિવસે હોશમાં આવી ગયો હતો. પગનું અને પાંસળી નું ઓપરેશન કર્યું હતું. ડોકટરે એને મળવાની છૂટ આપી કે તરત શ્રુતિ અને નયના એની પાસે ગયા. ઉઘાડા શરીરે પડ્યો આકાશ આંખો બંધ કરીને સૂતો હતો. શરીર ઉપર પાટા પ્લાસ્ટર હતું છતાં એ બચી ગયો એની જ ખુશી હતી. આકાશ બોલી શકે એવી પરિસ્થિતિમાં ન હતો.
નયના અને શ્રુતિ બન્ને એની પાસે બેઠા. અચાનક નયના ની નજર આકાશના ઉઘાડા ખભા ઉપર પડી એના ખભા ઉપર ત્રણ તલના નિશાન હતા…. રાકેશ કેમ કાઈ બોલ્યો નહિ એ બધું નયના સમજી ગઈ….. તો રાકેશને પણ એક આધાર મળી ગયો હતો…. એજ ત્રણ તલની નિશાની જેવી રાકેશને ખભા ઉપર હતા.
રાકેશને એની માં જયશ્રીબેન મરતા વખતે એને એક વાત કહી ગઈ હતી. જયશ્રી બેને એક જવાની માં ભૂલ કરી હતી અને એ ભૂલ એના ગર્ભ માં બાળક બનીને જન્મી હતી. એ બાળકને એણીએ કાંકરિયામાં મૂકી દીધો હતો….
નયના સમજી ગઈ કે રાકેશને પણ એક આધાર મળ્યો હતો…..અત્યાર સુધી ભગવાનને આ ચક્રવ્યૂહ માટે કોસતી એ ઈશ્વરનો આભાર માનવા લાગી. તો તું દુઃખ આપીને હમદર્દી પણ જતાવે છે ભગવાન …. એ મનોમન બોલી…..
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’