રૂખી મા

‘પેટ ફાટે તો પાટા ન બંધાય !’

રૂખી માં ગામમાં નીકળે એટલે બધા માંડ દેખે…..એવો તો રૂખી માં નો સ્વભાવ ને એવોય વ્યવહાર….. રુખીમાં સાહિઠ ને બે વટાવી ગયા પણ ગામડાનું ઘી દૂધ ખાધેલું એટલે ક્યારેય કામ માં પાછા ન પડે….. હાથમાં લાકડી, વિધવાના લાલ કપડાં, સફેદ વાળ, જરાક કરચલી વાળો ચહેરો ને એના ઉપર જાડા કાચના ચશ્માં પેરીને સવારથી ચબૂતરે દાણા નાખતી રૂખી માં ગામ માં બધાને નજરે પડે……
રૂખી માં આખો દિવસ પથ્થર ની ઘંટીએ દળણાં દળતા….. ગામના બધા બૈરાં મનખ રૂખી માં પાસે જ આવતા. આમ તો ગામમાં એક ઇલેક્ટ્રિક ઘન્ટી હતી ભૂરા પટેલ ની… પણ ભૂરો પટેલ નજરનો નલાયક એટલે બૈરાં મનખ એના જોડે જતા નહિ… ભલે સમય લાગે એક દી ના બે દી થાય પણ રૂખી માં પાસે જ દળાવતા બધા…. ધીમે ધીમે ભૂરા પટેલ ની ઘન્ટી તો બંધ પણ થઈ ગઈ.. ઇલેક્ટ્રિક હતી , ઝડપી કામ થાય એથી શુ ? પ્રામાણિકતા વગર કઈ ધંધા ચાલે….!
રૂખી માં પણ જબરા હો….. ભલે ને તબિયત ગમે તેવી હોય જો કોઈ બૈરું આવી ને કહે ” માં ઘરમાં આટો નથી ” બસ પતી ગયું….. રૂખી માં દળવા બેસી જ જતા….
એક દિવસ એવું જ થયું હતું….. રૂખી માં બીમાર હતા… તાવ શરદી થયેલી ને એ માડ માં ઢોલિયામાં સુતા હતા ત્યાં જ સામેના ડેલીવાળા જમનાબેન આવ્યા
” રૂખી માં આટો નથી ને મેમાન આવે છે સાંજના ટકે …. અમારી સુરેખા પરણાવી ને ઇ સાંજના ટકે આવવાના છે. આજ તો ભારે કરી છે તમારી તો તબિયત ખરાબ છે ને હવે ચંદુ ને ભાવનગર મેલું તોય મોડું થઈ જાય…. ”
” અરે જમના તું ચિંતા મત કર હું જીવું છું ને ” બીમાર રૂખી માં ખાટલા માંથી ઉભા થયા….
” પણ માં તમારી તબિયત તો ઘણી ખરાબ છે રેવા દ્યો તમે માં ” જમનાબેન ને થયું માં બિચારા બીમાર છે કેમ કરીને દળશે ?
પણ રૂખી માં તો ઉભા થઈને ગયા સીધા રાંધણી માં ને કર્યો અસલ ઉકાળો…… તુલસીના પાન, મરી, તજ અને લવિંગ નાખી ને ખરો ઉકાળી ને બે વાટકીમાં કાઢ્યો ” લે જમના ઉકાળો પી મને તાવ શરદી મટશે ને તનેય ફાયદો થાશે….”
રુખીમાં તો ગરમ તીખો ઉકાળો ફટાફટ પી ગયા પણ જમના ને આંખે પાણી આવી ગયા…..
ઉકાળો પી ને રૂખી માં તો થઈ ગયા તૈયાર લાગ્યા દળવા…. જમના બેન તો જોતા રહી ગયા… આ ઉંમરે આવો જપાટો…… ! માં દળતા જાય ને વાતો કરતા જાય…..
” મારો દીકરો જયેશ ભાવનગર ભણે છે ને ઇ હમણાં આવવા નો છે હવે ઈનું ભણવા નું પૂરું થઈ ગયું નોકરીએ વળગશે હવે તેમ આવવા નો છે બા ને મળવા….” હરખાતા હરખાતા રૂખી માં બોલ્યા.
” લ્યો હારુ કર્યું માં હારી નોકરે દે એને કાનજી ” હાથ જોડી જમના બેને પ્રાર્થના કરી…
બસ પછી તો દીકરા ની વાતો થતી ગઈ ને રુખીમાં દળતા ગયા…. દીકરાની વાત માં ને વખાણ માં જોતજોતામાં ચાર કિલા બાજરાનો ગાળો કાઢી નાખ્યો….. તાવ ને શરદી તો જખ મારે જો દીકરાના વખાણ થતા હોય તો…..!
બીજા દિવસે જયેશ આવવા નો હતો એટલે રૂખી માં એ ઘરની સફાઈ કરી દીધી….. બીજા દિવસે સવાર પડતા જ રૂખી માં નિત્યક્રમ મુજબ જ લાકડી લઈ ચશ્માં લગાવી પારેવા ને દાણા આપવા ચબૂતરે જઈને આવ્યા. ચોખ્ખા ઘી ની માતર, લાડુ, કુલેર અને બટાકા મરચા ના ભજીયા બનાવ્યા…. રૂખી માં જયેશ ના બાળપણ ના દિવસો યાદ કરતા જાય અને એને ભાવતી વાનગી ઓ બનાવતા જાય…. બે વર્ષ થયા મારા જયેશ ને જોયા ને આજતો ઇ આવશે ને આંગણું રમવા કિલોલકરવા લાગશે….. ! વિચારો માં માં તો હરખાતી હરખાતી કામ કરે જતા હતા…..
બપોર પડી અને એક ગાડી ડેલીએ આવીને ઉભી રહી….. રૂખી બા એ જોયું તો જયેશ ગાડી માંથી ઉતર્યો….. રૂખી માં ઉભા થઇ ને જયેશ ને વધાવવા ગયા….. ત્યાં જ જોયું તો જયેશે પાછળ નો દરવાજો ખોલ્યો અને રૂપરૂપના અંબાર જેવી એક બાઈ ઉતરી….. હારે એક નાનું ધાવણિયું …..
” હેય મોમ….. ” આવતા જ જયેશે કહ્યું….
” એટલે શું દીકરા ?” રૂખી માં ને કાઈ સમજાયું નહીં…. ચહેરો ઉતરી ગયો…. કટાક્ષ માં હસતી બાઈ ઉપર નજર પડી ને સ્થિર થઈ ગઈ…
” અરે બા મોમ એટલે બા અંગ્રેજીમાં બા ને મોમ કહેવાય ” જયેશે પત્ની સામે જોઇને કહ્યું ” શર્મિલા મીટ માય મોમ રૂકમણી નિક નેમ રૂખી માં….”
” બા આ મારી પત્ની અને તારી વહુ છે શર્મિલા ”
રૂખી માં એ હસીને આવકાર આપ્યો બન્ને….. ” ચાલ જયલા ખાઈ લે ભૂખ્યો થયો હશે ને ” અંદરનું દુઃખ દબાવી રૂખી માં એ કહ્યું…..
” ના મમ્મી જરૂર નથી અમે તો હોટેલમાં જમી ને આવ્યા છીએ ” શર્મિલા એ કહ્યું….
” અરે દીકરા મેં સવારનું બનાવીને રાખ્યું છે ઇ ચોખ્ખા ઘી ની માતર, લાડુ ને જયલા ને ગમતા ભજીયા…. ”
” ભજીયા …..!” શર્મિલા ખડખડાટ હસવા લાગી ” જય તને ભજીયા ફેવરિટ છે યાર…. ?!”
રૂખી માં વિચારે ચડી ગયા….. આ તે કેવુ બૈરું ધણી ને નામ દઈ ને બોલાવે છે ? અમે તો સાત પેઢી હુધીનું નામ નથ લેતા ને આ ઇના ધણી નું ય માન નથ રાખતી……! પણ એ કઈ બોલ્યા નહિ…. આખરે હતી તો દીકરાની વહુ ને…. પહેલી વાર આવી અને ઠપકો આપવો ? રૂખી માં ને યોગ્ય ન લાગ્યું…..
શર્મિલા તો ગામડાના ઘર અને વૃઝો જોવા બધીમા ફરવા લાગી…
” બા મને થાક લાગ્યો છે… મારે ઊંઘવું છે રાત્રે અમારે નીકળી જવું પડશે ” જયેશે કહ્યું.
” રાતે ? તું બે વરહે તો આયો છે ને એક દી રહ્યો ન રહ્યો કરીને જાતો ય રે…..!” રૂખી માં નો ચહેરો સાવ વિલો પડી ગયો… ફરી એક આઘાત લાગ્યો…..
” બા મેં નોકરી લઈ લીધી છે…. આ શર્મિલા ના પિતા ની ફેકટરી માં હું મેનેજર છું… મેં લવ મેરેજ કર્યા છે …. શર્મિલા પૈસાદાર બાપની એકની એક દીકરી છે… એટલે હવે બધી પ્રોપર્ટી પૈસા મારું છે અને જવાબદારી પણ મારી છે ”
શુ કહે રૂખી માં ? ક્યાંથી લાવે શબ્દો….? બસ એટલું જ બોલ્યા ” તો તને ગમતા બેક ભજીયા તો ખાઈ લે બેટા…. ”
” બા હવે આ ભજીયા બજીયા મને નથી ગમતા…. હું રોજ નવી ફાઈવ સ્ટાર હોટેલ માં અવનવી વાનગી ખાઉં છુ…. ગાય ને આપી દે ભજીયા…. અને પ્લીઝ હવે એની આગળ મારી આબરૂ ન નીકાળતી……. ” જયેશ માડ માં જઈને સુઈ ગયો….
બા ઓરડા આગળ જઈને આંગણે બેઠા….. એક નાનું બાળક …. દસેક વર્ષનું બાળક બેઠું છે…. દ્રશ્ય દેખાવા લાગ્યું….. એક સ્ત્રી એને ભજીયા ખવડાવે છે…. અને બાળક કહે છે ” બા તારા હાથ ના ભજીયા એટલે વાત જ ન થાય…. !”
રૂખી માં ની આંખ માંથી આંસુ અનાયાસે જ સરી પડ્યા… ચેવો ખિલખિલાટ કરતો હતો મારો જયલો……. ! મારા હાથ ના ભજીયા ચેવા ખાતો ! તાજા વલોણા નું માખણ ખાઈ ને આખું મોઢું ચેવું ચિતરતો ….. !
આછું અંધારું થયું ત્યારે જયેશ ઉઠ્યો….. બાજુ ના ઢોલીયે સૂતી પત્ની ને જગાડી….તરત હાથ મોઢું ધોઈને તૈયાર થઈ ગયો….. આંગણે બેઠી ભૂતકાળમાં આંટા મારતી બા ને કહ્યું….
” બા હવે અમે નિકળીશું બસ ચા બનાવી દે ”
” હા બેટા ” કહી રૂખી માં એ તુલસીના પાન લઈ રસોડામાં ગયા….. મરી, તુલસી ના પાન, તજ અને લવિંગ નાખી ચા બનાવ્યો માં એ…. આ મુસાફરી માં ક્યાંક દીકરાને શરદી તાવ લાગી ન જાય એવા ભય થી જ મસાલો નાખ્યો હતો…..
ત્રણ વાટકીમાં ચા ગાળી ને દિકરાને અને વહુને આપ્યો…..
એક ઘૂંટ ભરતા જ શર્મિલા એ ચા મૂકી દીધી….. ” વોટ ધ હેલ ઇઝ ધીસ…..?” એ બરાડી ઉઠી…..
” અરે વહુ તીખો લાગશે પણ બેટા મુસાફરીમાં શરદી તાવ નઈ થાય…. ”
શર્મિલા કાઈ પણ બોલ્યા વગર મોઢું ચડાવી બેસી રહી…. જયેશ ચા પી લઈને ઉઠ્યો…… બેગ માંથી એક પૈસાનું બંડલ કાઢી એ બોલ્યો” બા લે આ પૈસા રાખ હું હવે દિવાળી ઉપર આવીશ…..”
રૂખી માં ચૂપ ચાપ બેસી રહ્યા….. શુ બોલે ?
” બા હું ફરી આવીશ ત્યારે રોકાઈશ બસ…. અને દેખ તારો જયેશ ત્યાં સુખી છે તું ચિંતા ન કરતી આ પૈસા લઇલે…”
રૂખી માં એ પૈસા લઈ ને ઘરમાં મૂકી દીધા…. અને ઘર માંથી એક જૂની પેટી લઇ ને આવ્યા…..
” જયલા તારા લગન માટે …. તારી વહુ માટે આ ઘરેણાં રાખ્યા’તા બેટા….. તને પોખવવા નો અવસર તો મને નો મળ્યો પણ આ ઘરેણાં તું લઈ જા…. ” ગળગળા અવાજે રૂખી માં બોલ્યા……
જયેશ પેટી લઈ અને નીકળી પડ્યો….. રૂખી માં એને વળાવવા દરવાજા સુધી ગયા….. જોતજોતા માં તો ગાડી નીકળી ગઈ…. દેખાતી બંધ થઈ ગઈ….. રૂખી માં ક્યાંય સુધી રેતી માં પડેલા ગાડીના પૈડાં ના નિશાન જોતા રહ્યા……
આછા અંધારા માં કરચલી વાળા ચહેરા ઉપરથી પાણી ખરતું હતું…… રૂખી માં હળવે પગલે ઓરડા તરફ ચાલવા લાગ્યા…… પણ શું ચાલે ? હિંમત તો હારી ગયા….. ! અરેરે આ શું થયું ? કેમ ઓરડા સુધી ચાલવામાં તકલીફ પડે છે ? વન વગડા ખેતરો ખૂંદી વળતી રૂખી માં ના પગ એ દિવસે ધ્રુજતા હતા….. ઓરડા સુધી જતા જતા તો શ્વાસ ચડી ગયો….. એ ચાલી શક્યા નહી…… ગળે ડૂમો ભરાઈ ગયો…… વિધવા રૂખી માં આંગણે બેસી પડ્યા…… એજ આંગણું જ્યાં દીકરો પંખી ની જેમ રમતો…… બાપુ મારવા આવતા ત્યારે વલોણું કરતી માં ને વળગી પડતો…. આજ આંગણે….. સદાય કિલ્લોલ કરતું આંગણું જાણે રૂખી માં ને ભરખી જવા માંગતું હતું……
એ રાત વસમી હતી….. અંધારી રાત ….. અંધારીયું જીવન….. ઊંડો કૂવો જાણે ને અંદર પડેલો એક જીવ ….. નિઃસહાય ….. લાચાર…… એક પંખી જાણે કપાયેલી પાંખો….. સ્વજનો ઉડે છે ખુલ્લા આભ માં ને એ પંખી પડ્યું કણસે છે….. અરે રે….. ઈશ્વર મૃત્યુ આપી દે મને…..!
બીજા દિવસે રૂખી માં દાણા લઈને ચાલ્યા ચબુતરે….. અધવચ્ચે પહોંચ્યા ત્યાંતો શ્વાસ ચડી ગયો….. લાકડીનો ટેકો પહેલી વાર જ લેવો પડ્યો…. માંડ એ ચબૂતરે પહોંચી શક્યા…. પાછા ફરતા તો શ્વાસ જાણે લુહારની ધમણ….. કલાકે વિસામાં લેતા લેતા માંડ ઘર લીધું……
બસ એમજ દિવસો વીતતા ગયા…. રૂખી માં એકાએક અશક્ત થઈ ગયા…. હિંમત તો બધી દીકરા ઉપર હતી ને…..! નથી તો હવે ચબૂતરે જવાતું…. નથી કોઈના દળણાં દળાતા… રૂખી માંને બસ અંગણા માં , ચોકમાં , માડ માં ને ઓરડાના દરવાજે રમતા હસતા અને દોડતા એક બાળક ના ભણકારા થાય છે….. ઘણી વાર વિચારે છે …. જયલે ભલે લગન કર્યા પણ મને બોલાવી હોત તો સારું….. હું હોંશે હોંશે એને પોખાવત નહિ…..! રૂખી માં ને ક્યાં ખબર જ હતી કે શહેરમાં એ બધું હવે નથી થતું….. અને ગામડાની ડોશી લગન માં આવે તો પાર્ટી ખરાબ થઈ જાય…. શરમ આવે …..
એ દિવસથી રૂખી માં ની શક્તિ ને હિંમત બધુંય ક્યાંય ગાયબ થઈ ગયું છે…. બસ રૂખી માં દિવાળી ની રાહ જોતા દુઃખી જીવન ગુજારે છે……… !

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here