હવે હું સુધરી જઈશ…..!

હવે હું સુધરી જઈશ…..!

ઓફિસેથી નીકળ્યો….. કંટાળીને….. બોસે આજે ખૂબ જ ધમકાવ્યો હતો…..બોસ સમજી ગયો હતો કે મારે પૈસા ની જરૂર છે કેમ કે મેં આ મહિના નો પગાર એડવાન્સ લીધો હતો ને….. બસ ઓફીસ ગયો એવો જ ચાલુ થઈ ગયો ડોશલો…..
” આટલો લેટ કેમ આવ્યો નિખિલ ?”
” સર બાથરૂમ માં પાણી નહોતું ”
” કેમ નહોતું ? ”
” મોટર ચાલુ નહોતી થતી સર…”
” લાઈટ તો હતી ને ?” ડોળા કાઢી ને ડોશલો બોલ્યો…
” હા સર પણ વાઈફ ભૂલી ગઈ મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી ”
” તો એવી વાઈફ કેમ લાવી મગજ ની સ્વીચ બંધ હોય એવી ?”
એવા તો હજાર સવાલ એના લપ લપતી જીભ થી એ પૂછી ચુક્યો….. અને આખરે માણસ શુ કરે ? બે હાથ જોડીને મેં કહ્યું ” સર હવે મોડું નઈ થાય….. હું સુધરી જઈશ…..”
ઓફિસેથી નીકળ્યો….. સાલી બસ પણ મોડી મોડી જ આવી…. કંટાળીને બસ માં ચડ્યો…. ત્યાં પાછી એક બીજી હોળી હતી….. સીટ ખાલી નહોતી કોઈ…. ઉભા રહેવાનું મારે જ ભાગે આવ્યું…..
બસ પણ એવી જ હતી….. સરકારી બસ ના હાલ કેવા હોય ? પાછળથી ગુટકાની પિચકારી અને સિગારેટ બીડી ની તીવ્ર ગંધ આવતી હતી…. અને ઘડી ઘડી સ્ટોપ ઉપર પેસેન્જર લેવા માટે બસ વાળો એકાએક બ્રેક મારી ને આંતરડા ઉલટા કરતો હતો….. એવું જ એક સ્ટોપ આવ્યું અને એક મારી જ ઉંમરની યુવતી બસ માં ચડી….. હાય….. સાલો દુઃખતો પગ, દુઃખતા આંતરડા ને ફાટ ફાટ થતું મગજ એકાએક શાંત થઈ ગયા….. અને હ્ર્દયમાં ઝીણું ઝીણું દુખવા લાગ્યું….. મને જાણે પાંખો ફૂટવા લાગી અને એ સુંદર પતંગિયા તરફ ફડફડાટ કરતું મારુ મન પતંગિયું ખસવા લાગ્યું….
શુ સુંદરતા……! શુ સ્મિત….. ! એણીએ ચડતા જ પેલા કાકા ને હસીને કહ્યું ” અંકલ જરાક આઘા ખસો ને….” હાય શુ ખંજન પડતું હતું રાઈટ ગાલમાં….. કોયલ…… આ ખરે શિયાળે બસ માં કોયલ ક્યાંથી આવી ? શુ કોમળ મીઠો અવાજ હતો….. આ હા હા હા હા હા …….. સાલું મને જ કેમ એવું જાડિયું બૈરું મળ્યું….. ક્યાં હું અને ક્યાં મારુ બૈરું…. અને ક્યાં એ કોયલ…. મને સુગ થઈ આવી મારી જાડી બૈરી ની…. કાસ આ યુવતી મારુ બૈરું હોત….. ! અને હું પતિ ધર્મ ભૂલી ને એ કોયલ તરફ ખસવા લાગ્યો….. એની નજર પણ મારા ઉપર પડી અને એ હસી….. ખબર નઈ કેમ પણ મને જાણે પરમિશન મળી ગઈ હોય એમ મેં એના હાથ ઉપર મારો હાથ મુક્યો….. અને એ કોયલ કાગડો થઈ ને ઉભી રહી…. બીજા હાથથી એણે મારા ગાલ ઉપર એક અકોમળ સ્પર્શ આપી દીધો…. હું હજુ વિચારતો હતો કે આ કોમળ હાથ માં આટલી શક્તિ ક્યાંથી આવી ? મારો ગાલ જાણે આગ લાગી હોય એમ બળતો હતો….. ત્યાં તો એચ. પી. ભાઈ ઓ નો સંવાદ શરૂ થઈ ગયો….
” શુ થયું જી? ”
” જોવો ને ભાઈ આ માણસ મને છેડતી કરે છે ”
ભાઈ શબ્દ સાંભળીને એનો ઉત્સાહ તો અર્ધો થઈ ગયો. હજુ પેલો જુવાનિયો એચ.પી. ભાઈ ભીડ માંથી જગ્યા કરીને આગળ આવે એ પહેલાં તો એક મોટી ઉંમરનો કાકો કૂદકો મારીને મારી આગળ આવી ને ઉભો રહ્યો ….. મને કોલર થી પકડી ને હલાવી બોલ્યો ” એય છોકરા કેમ કોઈની દીકરી ને હેરાન કરે છે ?”
શુ દિમાગ વાળો આદમી હતો…. કોઈકની દીકરી એટલે ? એની દીકરી નઈ ?
ત્યાં તો બીજો એક એચ.પી. ભાઈ આવીને મને ગળે થી પકડી બોલ્યો ” કાકા તમે રેવા દો હું આને તો સીધી કરીશ…. તમે તમારી દીકરી ને સંભાળો…. ”
હું તો દંગ જ રહી ગયો…. આ પણ ખેલાડી જ હતો…. કાકા ને પિક્ચર માંથી હટાવવા પેલી કોયલને કાકાની દીકરી બનાવી દીધી ….. અને મેં ખરેખર જોયું એ કાકા નો રસ સાવ ઓગળી ગયો….. દીકરી કીધા પછી શું અર્થ પિક્ચર માં હીરો બનવાનો !!!!!!!
મને એ એચ.પી. ભાઈએ બે ત્રણ લાફા આપી દીધા….. કંડક્ટરે આવી ને છોડાવ્યો અને કહ્યું ” બોલ હવે ફરી કદી આવું કરીશ ?”
એકલો માણસ શુ કરે ? મેં કહ્યું ….. ના હાથ જોડીને કહ્યું ” હવે હું સુધરી જઈશ….. ”
એ લોકો એ મને છોડ્યો…. ત્યાં જ મારું સ્ટોપ આવી ગયું….. હું ઉતર્યો….. જોયું તો શર્ટ ના બટન તૂટી ગયા હતા…. સામે નાઈ ની દુકાનમાં જઈને અરીસામાં જોયું ત્યારે જ ખબર પડી કે મારા વાળ વેર વિખેર હતા….. કદાચ બસ માં ગભરાઈ ગયો એટલે ખબર નથી રહી પણ કોઈ બીજો એચ.પી. ભાઈ એ મારા માથાના વાળ પકડી ને મજા લઈ ગયો છે.
મેં વાળ સરખા કર્યા… પાણી છાંટી ને મોઢું લૂછયું . શર્ટ બરાબર કર્યું…. અને પછી ઘર તરફ ઉપડ્યો…
ફ્લેટમાં જતા જ લિફ્ટ વાળો મને જોવા લાગ્યો….. થયું કે સાલાની આંખો જ ફોડી દઉં…. પણ વિવાદ માં પડું તો ફ્લેટ માં રહી સહી આબરૂ ના પણ કાંકરા થઈ જાય…. અને લિફ્ટ વાળો હતોય હટ્ટોકટ્ટો એટલે શરીરના પણ છોતરા નીકળી જાય….. અને હું હસી ને લિફ્ટમાં ચડી ગયો…. હું સુધરી ગયો…. બસ કેમ કે મને આબરૂ નો ભય હતો …. માર પડવાનો ભય હતો નહિતર તો એને…….
ત્રીજા માળે લિફ્ટ ઉભી રહી… દરવાજો ખોલ્યો… સામે જ મારા ફ્લેટનો દરવાજો હતો… જઈને ખટખટાવ્યો…. મોડી મોડી ચાલીને મારી જાડી બૈરી આવી…. ને દરવાજો ખોલતા જ મને ભડકાવી નાખ્યો….
” હે આ શું ? આ કોણે કર્યું ? તમે નામ આપો હું મારા ભાઈઓ ને ફોન કરું ?”
” ઓ ….. બંધ થા ….. બંધ…… કાઈ નથી થયું…. ”
એના ભાઈ તો જાણે મોટા મહારાજા હોય એમ એ બોલતી હતી…. મારા ભાઈ આમ ને મારા ભાઈ તેમ…. મારા ભાઈએ પેલા ને માર્યો ને હજાર વાતો કરતી…. ઘણી વાર હું કહી દેતો તારા ભાઈ એવા બાહોશ જબરા હતા તો મને શું કામ આપી પોતાની બેન…. કોઈ સારા અને સુખી માણસ ને ન આપી શકોત….. મારુ તો ખાનદાન આખું દારૂ નું બંધાણી હતું એક હું જ વ્યસન વગરનો છું….. ત્યારે માંડ એ લવારી બંધ કરતી……
” પણ થયું શુ તમને એ તો કો ?”
પ્લાન તો મેં લિફ્ટમાં જ બનાવી દીધો હતો….
” અરે કુંજ….. જો બિચારી એક છોકરી ને બે ત્રણ નરાધમ હેરાન કરતા હતા…. મેં જઈને બચાવી એમાં વાગી ગયું થોડું…. ”
” ખૂબ સારું કર્યું હો તમે…..! એ બાઈ ખૂબ આશીર્વાદ આપશે….”
” હે ” …… હું ચોકી ગયો…. આશીર્વાદ કે શ્રાપ….. !
” હા હા આશીર્વાદ તો આપે જ ને મેં આવા સિંગલ શરીરે એની માટે મેં આ બધું કર્યું ખરેખર તારી કસમ ”
કસમ ખાવા માં ક્યાં વાંધો હતો મૂળ મને માર પડવાનું કારણ તો એ જ હતી ને….. !
” સારું ત્યારે જમી લો….. ”
” હા એ બરાબર …. એમ પણ ભૂખ લાગી છે કકડી ને….”
હું હાથ મો ધોઈ આવ્યો…. પાણી નો સ્પર્શ થતા જ બંને ગાલ ઉપર એવો અનુભવ થયો જેવો ઉનાળામાં તપેલી ધરા ઉપર મેહુલો આવે ને થાય…….! હું તરત જમવા બેઠો…..
હજુ બે કોળિયા જમ્યો ત્યાં જ તો રોટલી માંથી એક લાંબો વાળ નીકળ્યો….. મગજ ધોમ ધોમ તપી ગયું….. ઉભો થઈને હું કુંજ ને જાપટ લગાવા જતો હતો ત્યાં જ મારો હાથ એકાએક અટકી ગયો……
એવો જ ગભરાયેલો ચહેરો…. મારા બાપુ દારૂ પી ને બા ને મારતા એ દ્રશ્ય મને આંખ સામે દેખાવા લાગ્યુ…… બાપુ ધોકે ધોકે બા ને મારતા એ દ્રશ્ય નજરે દેખાતા જ હું અટકી ગયો…..
મારા હાથ થોભી ગયા…… આ શહેરમાં હું ધોકો ક્યાંથી લાવું ? ………
” કેમ અટકી ગયા…..? રોજ તો મારો છો આજે શુ સુધરી ગયા ?”
અચાનક જ મને થયું કે મારી બૈરી મને સુધરેલો સમજે છે કેટલી મુરખી છે બાકી હું તો ધોકે ધોકે જ મારવા માંગતો હતો….
” હા કુંજ હવે હું સુધરી જઈશ….. ” મેં હસી ને કહ્યું…..
( મિત્રો માણસ જાત ક્યારેય સુધરતી નથી…… બસ જ્યાં આકરું પડે ત્યાં જ એ સીધો રહે છે.. )

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here