રૂપિયો સુખ કે દુઃખ ?

રૂપિયો સુખ કે દુઃખ ?

મેં બી.એ. વિથ ગુજરાતી કર્યું હતું. મને ગુજરાતી ભાષામાં એક અલગ જ આનંદની અનુભૂતિ થતી. ગુજરાતી એટલે જેમાં શબ્દે શબ્દે અલગ અલગ રસ ટપકતો હૉય એ ભાષાની વાત જ અલગ છે. મેઘાણીની કલમથી વીર રસ ટપકે તો કલાપી ની કલમથી કરુણ રસ ઉપજે છે. મને બસ શિક્ષક બની ને એ બધા મહાન લેખકો અને કવિઓની રચના બાળકોને ભણાવીને મારી ભાષાને જીવંત રાખવાની ઉત્કંઠા હતી એટલે હું શિક્ષક જ બન્યો.
એ સમયે મને ઝાલાવાડા ગામે પ્રાથમિક શાળામાં નોકરી મળી હતી. ગામ પણ કેવું સુંદર…..! સ્ટેશનથી ઉતરીને ગામની વચ્ચો વચ્ચ આવેલી શાળા સુધી પહોંચતા ગામનું મધમધતુ વાતાવરણ મન ને રસ તરબોળ કરીદે એવું ગામ.
સવારે ઉઠતા તૈયાર થઈને ઝાલાવાડ પહોંચવાનું અને સ્ટેશનથી શાળાની પદયાત્રા એ મારી રોજની આદત થઈ ગઈ હતી. સ્ટેશનથી શાળાએ પહોંચતા દેશી નળિયાં વાળા ઘર, ને એમાં ઉભેલા ઘટાદાર લીમડાના વૃક્ષ, વૃક્ષો ઉપર ચકલા ને પારેવાનો કલબલાટ, ઘેરદાર ઘાઘરા ને ઓઢણીમા લાજ કાઢીને ફરતી નવપરિણીતાઓની તોડીઓના ઘૂઘરૂંનો રણકાર, ક્યાંક થતા વલોણા ના જેરિયાનો કટકટ અવાજ, ને ક્યાંક ઘરરરરરર પાષાણ ઘન્ટી ને છેક શાળાના નજીક મહાકાળીના મંદિરમાં થતી આરતીનો ઘંટારવ વાતાવરણ ને આહલાદક બનાવી દે. મને એમ જ થતું કે હું શહેર માં શુ કામ જન્મ્યો …..! કુદરતે નવરાશ લઈને બનાવેલા કોઈ ગામ માં શુ કામ નઇ ?…..
મને ગામમાં એ બધું જ ગમતું પણ એક વાત ખટકતી હતી. શાળાની સામે જ એક શહેર જેવુ પાકુ મકાન હતું. એ મકાન આગળ એક ડોશા કાયમ ત્યાં ઓટલે બેસી રેતા. હું શાળાએ જઉં ત્યાંથી નીકળું ત્યાં સુધી એ ત્યાં જ બેઠેલા હોતા. ઉતરેલું મોઢું ને સાતે આકાશ માથે ફાટેલા હોય એમ એ બેઠા હોતા. મને મનમાં એ ડોશા વિશે જાણવાની આતુરતા દિવસે ને દિવસે વધતી હતી અને એક દિવસ હું ગયો રત્ના ભાઈને ઘેર. ત્યાં બાંધેલી ગાયો અને ભેંસોના ભાંભરવાના મધુર અવાજમાં એક અવાજ ભળ્યો…..
” ઓહો રોમ રોમ માસ્તર. તમે આય મારે ઓગણે …..?” હસીને એમને કહ્યું.
” જી આજે આવ્યે જ છૂટકો હતો.”
“ભલે પધાર્યા…. એ મીનલીની માં કઉ શુ ચા મેલજે માસ્તર સાટું.” કહેતા રત્ના કાકા માડ માંથી ઢોલિયો લઇ આવ્યા.
” લ્યો બેહો તારે ….”
હું બેઠો કે તરત એમની દીકરી મીનલ પાણીનો લોટો લઈને આવી. મને થયું ગામડાના લોકો મહેમાન ને ભગવાન માને એ વાત કાઈ ખોટી તો નથી.
” તે ચયેમ ભણેશ અમારો રમલો ?”
” બરાબર ભણે છે તમારો રમેશ તો કાકા.”
” બસ તયે ઠીક ને એમ હોય તયે ટકોર દેજો મન . ને ચયેમ આજ આય ભુલા પડ્યા ?”
” પેલા શાળા આગળ જે ઘર છે ત્યાં પેલા પાતળા બાધાના ડોશા….”
” રૂપલો….. ઇ રૂપલો હવે તમન હું કહું એ રૂપલે પાપ આદરયુ ને ઇ દી થી ઇ મુછાળો એ ઓટલે થી ખહી હકયો નથ.” હું બોલું એ પહેલાં જ એ બોલી પડ્યા.
” પણ એ છે કોણ અને ભગવાને એમની એવી કઠોર કસોટી….”
“ઇ કાઈ ઉપરવાળાએ નથ કર્યું. રૂપલો ગામ માં પંચમાંય હતો ને ગામ માં એની હાક પડતી મસ્તર. કે શે કે એક ઢેકે પાડો પડતો થાય તયે ઇ હાથ રૂપલાનો હમજવો..એતો કરમ એવા કર્યા શે કે ભગવે છે .”
” કેમ એવું તો શું કર્યું એમણે ?” મને નવાઈ થતી હતી.
” ઇ રૂપલા નો દીકરો અભો શેરમાં ગયો ને હીરા માણેક ના વેપારમાં ખૂબ કમાઈ આયો પણ પુતર શેરમાં કોઈ બાઈ હારે અવળે રવાડે ચડ્યો.”
” હમમમમમ” મેં એમની વાતમાં હોંકારા ભણવાનું શરૂ કર્યું.
” ઓભો મહિને બે મહિને આવતો ને ઘરે રૂપિયા મેલી જાતો પણ ઓભા ની વઉ કંકુને કાય સુખ નોતું માસ્ટર. ઓભો ઇ શેરની કોઈ બાઈ હારે એવો તો પડ્યો તો કે ઇ ઘરે આવતો તયે બૈરાને બોલાવતોય નઈ. ”
” પછી શું થયું ?”
” થાય શુ બાપે વાર્યો હોત તો આ દી હોત ? ઓભલો મુઓ ઇ શેરના બૈરાને લઈ આયો ને આય કંકુને પજવવા મંડયો.”
” પછી ”
” કકું કૂવામાં પડી ને જીવ આલી દીધો એમ કયે શે પણ હાચી વાત કઉ તો ઇ મુવે જ બાપડીને કૂવામાં નાઇખી તી” રત્ના ભાઇ જાણે આંખો સામે દેખાતું હોય એમ બોલતા હતા.
” એ બચારી અબળાને મારી ને રૂપલાના ઘરના દી પતળ્યા. અભલા ને ગોમ આખેય એકડો કરીને વેવાર કર્યો બંધ તયે ઇ તો શેરમાં વિયો ગયો પણ એક દી વાવડ આયા કે અભલો ને એનું શેરનું બૈરું બેય મોટરમાં જાતા તા ને મોટી ગાડી હારે ભટકાઇને મુવા છે તે દી રૂપલાની ડોશી તો છાતીએ દુખાવો ઉપડીને તે દી ને તે દી મરી ગઈ.”
મારા રુવાડા ખડા થઈ ગયા હતા છતાં મેં એમની વાત સાંભળે રાખી…..
” ને તે દી નો રૂપલો ઇ ઓટલે બેઠો છે માસ્ટર એને છે કે એનો અભલો આવશે……”
એમની વાત મેં સાંભળી અને હું એમની વિદાય લઈને નીકળ્યો વચ્ચે એ અભલાનું ઘર આવ્યું ત્યારે મારી નજર પરાણે ત્યાં ખેંચાઈ ગઇ રૂપો ડોશો ત્યાં જ બેઠા હતા અને એમની નજર સામે ના મંદિર ઉપર સ્થિર હતી….
હું સ્ટેશન પહોંચ્યો હું બસ ચુકી ગયો હતો એટલે ત્યાં જ મારે સાંજ સુધી બેસવું પડ્યું હતું. ત્યાં બેઠા મને એક જ વીચાર આવતો હતો આ ગામડાની કંકુ જેવી જેટલી સ્ત્રીઓ આમ દુઃખદ મૃત્યુ પામી છે એનું કારણ ક્યાંક ને કયાંક તો શહેરની નબળી સંસ્કૃતિ છે. માણસ શહેરમાં જાય પૈસા કમાય એટલે એના સંસ્કાર નાશ પામે છે.
બસ આવી એટલે મેં મારી બેઠક લીધી. બસ ઉપડી એટલે ફરી મારુ મન એ વિચારો માં સરી ગયુ…..

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here