mrugjal મૃગજળ

મૃગજળ ( પ્રકરણ 1 )

પ્રકરણ 1

સાંજનું આહલાદક વાતાવરણ હતું. બીચ પરની હોટેલમાં ઇવેન્ટ ગોઠવેલી હોય એવું એક નજરે દેખાઈ આવતું હતું. ચારે તરફ માનવ મેદની ઉમટી રહી હતી. હોટલ હેપ્પી ફેસ આગળ ભભકાદાર ડેકોરેશન કરેલું હતું. ફૂલોના કુંડા અને રંગબેરંગી લાઈટો, ઇંગ્લેન્ડના એન્ટિક ટેબલ ખુરશીઓ અને એની ઉપર થાઈ બનાવટના ફલાવરવાઝ આંખ અંઝાવતા હતા. ટેબલ ઉપર પાથરેલ આછી સફેદ ચાંદરોની લટકતી ઝૂલમાં તદ્દન ભારતીય ગૂંથણ દેખાતું હતું. દરિયાના પાણી ઉપરથી ચળાઈને આવતા પવનથી એ ઝૂલ જુલતી હતી.

હજુ સાંજ ઘેરી બની ન હતી છતાં દરિયાનું વાદળી પાણી કાળાશ પકડી રહ્યું હતું. દુર દેખાતા ક્રુઝમાં લાઈટો સળગવા માંડી હતી. દરિયાઈ પક્ષીઓ આકાશમાં પોતાનો માર્ગ જાણતા હોય એમ ઘર તરફ જઈ રહ્યા હતા. સુરજના કિરણો આખા દિવસ પ્રખર રહી થાકી ગયા હોય એમ ફરી કુણા પડી ગયા હતા. એમનો રંગ પણ ફરી બદલાઈ ગયો હતો. એ વહેલી સવાર જેમ લાલી પકડી રહ્યા હતા.

દરિયાને પેલે પાર દેખાતી ક્ષિતિજ સુર્ખ રંગ પકડી રહી હતી. એકંદરે વાતાવરણમાં સ્વર્ગની નજાકત ભળી રહી હોય એમ દેખાતું હતું.

કિનારે આવતા મોજાના સફેદ ફીણ ઉપર સૂર્યના છેલ્લા કોમળ કિરણો કુદકા મારતા હતા. બિકીનીમાં કેટ કેટલી છોકરીઓ અંગ પ્રદર્શન કરતી ફરતી હતી, કૂદતી હતી. પહેલી જ વાર બીચ જોવા આવેલા જુવાન છોકરાઓ એ છોકરીઓ પાછળ મધમાખીની જેમ ચોટયા હતા. ક્યાંક ક્યાંક નવ પરિણીત યુગલો અને પ્રેમી પંખીડાઓ ચસોચસ ચોટીને બેઠા રેતમાં નામ લખતા હતા તો ક્યાંક શરીર ઉતારવા આવેલા ભારેખમ માણસો બીચની રેતી ખુંદતા હતા. સૂર્યના ત્રાંસા પીળા કિરણો દરિયાને ઓર સુંદર બનાવતા હતા. એકંદરે વાતાવરણમાં મનને તરબોળ કરીદે એવી ખુશબો હતી.

અંધારું વધુ ઘેરું થયું એટલે હેપ્પી ફેસના ડેકોરેશનની ઝગારા મારતી લાઈટો ચાલુ થઈ. બીચ ઉપરથી એકાએક બધી નજર એ ભવ્ય કૃત્રિમ સુંદરતા તરફ ખેંચાઈ ગઈ.

ધીરે ધીરે ઇવેન્ટમાં લોકોની ભીડ વધવા લાગી. કરણ અને વૈભવિના લગ્નની પાર્ટી હતી.

કરણના છ ફૂટ બાંધા પર ટેઈલર મેઈસ પાર્ટી સુટ એને કોઈ ગ્રીક ગોડ જેવો ભવ્ય અને જાજરમાન બનાવી રહ્યો હતો. કદાચ એના સુંદર બાંધા અને સ્કીન ફીટ સુટ જોઇને વૈભવીની ખાસ મિત્રો પણ એની ઈર્ષા કરવા લાગે તો ન નવાઈ ન કહેવાય.

પણ કરણને પોતાના દેખાવ કે કીમતી કપડાનો કોઈ ઘમંડ ન હોય એમ બધા મિત્રો અને સંબંધીઓને હસીને આવકારતો હતો. એની આંખોમાં જરાક અભિમાન દેખાતું હતું પણ કદાચ એ વૈભવી જેવી સુંદર પત્ની સાથે ઉભો એનું હતું. એ અભિમાન અને એના મોઘા સુટને કોઈ નીશ્બત ન હતી.

વૈભવી એની પાસે ઉભી મીઠું મીઠું શરમાઈ રહી હતી. એ ઘડીક એની રેડ ડોટ અને ગોલ્ડન લાઈનીંગ સાથેની સાડીનો છેડો હાથમાં લેતી તો ક્યારેક પોતાનું બ્લેક લેધર પર્સ એક હાથમાંથી બીજા હાથમાં ફેરવતી હતી. એ છેકથી જ અંતર્મુખી અને શરમાળ હતી. એથી જ પાર્ટીમાં આવેલા અજાણ્યા લોકોથી વાત કરવામાં એ જરાક ખચકાટ અનુભવી રહી હતી.

અચાનક વૈભવીનું ધ્યાન ભીડને હડસેલતી નિતા તરફ ગયુ. રોજની માફક નીતાનું ભારે શરીર કીમતી ડ્રેસમાં શોભી રહ્યું હતું. કદાચ એના કીમતી કપડા જ હતા જે એને એક્સ્ટ્રા ટ્વેન્ટી પાઉન્ડ સાથે પણ મોહક દેખાડી શકતા હતા.

વૈભવી અને નિતા સાથે જ ઓફિસમાં કામ કરતી હતી એટલે એને જોઈ વૈભવીના ચહેરા પર જરાક તેજ વધ્યું. કમ-સે-કમ નિતા સાથે વાત કરવામાં તેને ઓક્વર્ડ તો ફિલ નહી થાય. વૈભવીએ વિચાર્યું.

વૈભવીને ઘડીભર તો નવાઈ લાગી કેમકે એ પણ નીતાને એટલી વેલ ડ્રેસ્ડ પહેલીવાર જોઈ રહી હતી. કદાચ કોઈએ નીતાને એટલી ડ્રેસ મેનર સાથે ક્યારેય દેખી નહોતી. આજે તે તેના મોટા શરીરમાં પણ શોભી રહી હતી! ભીડમાંના ઘણા લોકોનું ધ્યાન નિતા તરફ ગયું. ખાસ તો એના મોટા શરીરને લીધે અને બીજી એની ચાલવાની ઝડપને લીધે, એ ઉતાવળી ચાલે વૈભવી અને કરણ પાસે પહોચી.

“કોન્ગ્ગ્રેચ્યુલેસન એન્ડ વીશ યુ અ હેપી મેરીડ એન્ડ પ્રોસ્પેરસ લાઈફ.” નીતાએ પોતાના હાથમાં રહેલ ફૂલની બકેટ વૈભવીના હાથમાં આપતા કહ્યું એની રમતિયાળ અદામાં કહ્યું.

નીતાની આંખોમાં રહેલા ભાવ દર્શાવતા હતા કે એ ખરેખર વૈભવીના લગ્નને લઈને ખુબ જ ખુશ અને એક્સાઈટેડ હતી.

“થેન્ક્સ નિતા એન્ડ મીટ માય હસબંડ કરણ.” વૈભવીએ આગળ વધી પોતાના પતિનો પરિચય આપ્યો. વૈભવી સારી પેઠે પાર્ટી મેનર જાણતી હોય એવું એના ટોન પરથી લાગી રહ્યું હતું.

“યુ નીડ નોટ ટેલ વોટ ઈઝ ક્લીયરલી વિઝીબલ.” નીતાએ મજાક કરતા કહ્યું.

વૈભવીએ માત્ર એક નાનકડા સ્મિતથી એની મજાકનો જવાબ આપ્યો. બોલતી વખતે એનો ચહેરો આઈ એમ જોકિંગ એટીટ્યુડ બતાવી રહ્યો હતો.

નિતા વાતોમાં વધુ સમય વિતાવાવાને બદલે થોડેક દુર ગોઠવાયેલ ખુરસીઓ તરફ વળી. માત્ર વૈભવી જ જાણતી હતી કે નીતાને બીજી કોઈ પણ ચીજ કરતા ડીનરમાં વધુ રશ હતો. તે સ્વાદની એટલી રશિક હતી કે હજુ એના લગ્ન પણ ન હતા થયેલ છતાં એ ડાઈનીંગ ટેબલ પર બેસે ત્યારે પોતાની ફિગર પરથી સંપૂર્ણ ધ્યાન હટાવી ડીશ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી. કદાચ સુખી વાતાવરણમાં થયેલો નીતાનો ઉછેર એ માટે જવાબદાર હતો.

*

કરણ શાસ્ત્રી મુંબઈમાં જ જન્મ્યો હતો અને મુંબઈમાં જ એનો ઉછેર થયો હતો. કરણના માતા પિતા એને નાનપણમાં જ છોડી ગયા. એ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં એણે માતા પિતાની છત્રછાયા ગુમાવી નાખી હતી. મા-બાપના ગુજરી ગયા પછી કરણને મોટા ભાઈ દિપકે જ ઉછેર્યો હતો. કરણને કોઈ પોતાનું કહે એવું હોય તો એવડી દુનિયામાં એક દિપક અને એક નયન હતા. નયન દીપકનો લંગોટીયો યાર હતો. નયન દુનિયાદારી સમજેલો બંદો હતો. ખડખડાટ હસાવી પણ જાણે અને સુફી વાતો પણ સમજાવી જાણે એવો બંદો!

કરણનો અભ્યાસ પૂરો થયો અને એ એકાઉન્ટન્ટની જોબમાં લાગી ગયો પછી દિપક એના બોસની હૈદરાબાદની કંપનીમાં જોડાઈ ગયો. કરણને ઘણો સમજવવા છતાં એ મુંબઈ છોડવા તૈયાર નહોતો થયો.

કરણને મમ્મી પપ્પાએ બનાવેલા એ ઘરમાં, એ સ્નેહથી શણગારેલા ઘરથી લાગણીના તંતુઓ જોડાઈ ગયા હતા. કરણ બાળપણથી ઘરમાં લાગેલા મમ્મી જશોદાબેનના વોલ સાઈઝ ફોટાને સાંજ સવાર જોયા કરતો. કરણ વર્તમાન કરતા ભૂતકાળમાં અને વાસ્તવિકતા કરતા કલ્પનામાં વધારે જીવતો. કેટલીક વાર વાસ્તવિકતામાં જીવવા કરતા કલ્પના અને ભૂતકાળમાં જીવવું વધુ સારું લાગે છે. કરણ પણ એ જ સિદ્ધાંતને વરી ચુક્યો હોય એમ પોતાની એક અલગ જ દુનિયા બનાવી એમાં જીવતો જેમાં એ યાદોને વાગોળ્યા કરતો.

દિપક શાંત અને સહનશીલ હતો. એ વ્યવહારુ અને કુશળ હતો. કરણ પ્રેમાળ અને લાગણીશીલ હતો પણ જરાક ગુસ્સેલ હતો. કરણ આમ સ્વભાવે તો દયાળુ અને પ્રેમાળ પણ એને નાની નાની વાતમાં પણ ગુસ્સો આવી જતો. માતા-પિતાની ગેરહાજરી અને મોટાભાઈના લાડ પ્રેમભર્યા ઉછેરને લીધે એ ગુસ્સો એના સ્વભાવમાં ઉતરી આવ્યો હતો.

નયન અને ભાઈ સિવાય કોલેજમાં કરણના સ્વભાવ અને ભણવાની હોશિયારીને લીધે એને ઘણાં એવા મિત્રો મળ્યા હતા. કોલેજના દિવસોમાં છોકરાઓનો ખાસ બિઝનેસ તો ધ્યાન રાખવાનો જ હોય. મોહિની આજે કેટલી મોહિત લાગતી હતી? ટીચર્સ-ડેમાં ભાર્ગવી સાડીમાં કેવી શોભતી હતી? આજે કઈ છોકરીએ સૌથી ટાઈટ જીન્સ પહેર્યું છે? અને કોનો શોર્ટ સૌથી શોર્ટ છે..? એ બધા સવાલ જવાબની ચર્ચા કેન્ટીનમાં થયા કરતી પણ કરણ કેન્ટીનમાં પ્રવેશે એટલે એ બધી ચર્ચા બંધ થઈ જતી.

કરણને સ્ત્રી જાત પ્રત્યે એક ઊંડું માન હતું. નાની ઉંમરે મા ખોયા પછી એના અંતરમાં સ્ત્રી માટે એક ઊંડાણમાં ખાલીપો જુર્યા કરતો. એ સહેજ પણ રંગીન સ્વભાવનો ન હતો. એને રંગીન છોકરા છોકરીઓથી પણ એક ઘીન એક સુગ હતી.

કરણ જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે વૈભવી એ કોલેજમાં આવી હતી. વૈભવી અને કરણની પ્રથમ મુલાકાત ત્યાં જ થઈ હતી. બન્ને વચ્ચે ધીમે ધીમે મૈત્રી થઈ હતી. વૈભવી કરણના હૃદયમાં રહેલા એ ખાલીપામાં સમાઇ જવા માંગતી હતી. વૈભવી મનોમન કરણને ચાહતી હતી પણ ક્યારેય એને કહી નહોતી શકી. જ્યારે છેલ્લા વર્ષે જુદા પડવાની વેળા આવી ત્યારે એ મનની વાત દબાવી ન શકી. વૈભવીએ જ્યારે કરણને મનની વાત કહી ત્યારે કરણે પોતાની બધી હકીકત એને કહી દીધી હતી. કરણ છેક જ પ્રમાણિક વ્યક્તિત્વ ધરાવતો હતો એ કોઈને છેતરીને કાઈ મેળવવા માંગતો જ નહોતો!

વૈભવીએ પણ કરણને હાથ પકડીને કહ્યું હતું, “જો હું તને મંજુર હોઉં તો એ મારી ખુશનસીબી હશે કરણ…”

એ શબ્દો લાગણીથી ઘૂંટાઈને નીકળ્યા હતા. કરણને એની આંખોના ઉંડાણથી હૃદય સુધીનો પથ અત્યંત સુગંધિત લાગ્યો હતો. કરણનો અંતરનો ખાલીપો ઉછળી પડ્યો…..!!

પંખીને પાંજરામાં રાખવું એ કરણને ન ગમે પણ પંખી હાથ ઉપર આવીને બેસે તો એ તો નસીબ જ કહેવાય..!! એમાં પણ એક રૂપાળુ પંખી, હસતું, ગાતું, પાંખો ફેલાવી છાયડો કરતું પંખી…… હૃદયના પિંજરામાં પુરાઈ જવા કહેતું હોય જાણે….. કરણે વૈભવીને ગળે લગાવી લીધી હતી.

વૈભવીને પણ સંસારમાં એક મા જ હતી. વૈભવી મા ઉપર જ ગઈ હતી. નર્મદા બહેનને જોયા હોય તો વૈભવીની સુંદરતા, પાંદડીયાળી આંખો, આછા ગુલાબી ગાલ, હસ્તી વેળા હોઠના ખૂણા ગલમાં ખૂંચેને અંધારી રાતમાં પૂનમની ચાંદની લહેરાય એવી ઊડતી ઝુલ્ફોમાં સંગેમરમરના પથ્થર જેવો સ્વેત શોભતો ચહેરો જોઈ કોઈને નવાઈ ન જ થાય.

*

દરિયા ઉપર પૂનમનો ચાંદ પૂરો ખીલી ગયો હતો. ચાંદની દરિયાના પાણી ઉપર ફેલાતી હતી….. કિનારાના પથ્થરો ઉપર હળવા મોજા અથડાઈને એક ગજબનું મોહક દ્રશ્ય ખડું કરતા હતા. વૈભવી એ સુંદર દ્રશ્યને જોતી ઉભી હતી. પાણી ઉપરથી વહીને આવતો ઠંડો પવન એની ગુલાબી સાડી અને છુટ્ટા પડેલા વાળને લહેરાવતો હતો.

“એક ચાંદ દુસરે ચાંદ કો દેખ રહા હે…..! વાહ ભાઈ વાહ..” પાછળથી પવનને ચીરતો મસ્તી ભર્યો અવાજ કાને અથડાયો. વૈભવી ઝબકી ગઈ, પાછળ ફરીને જોયું તો નીલમ મલકાતી ઉભી હતી.

“અરે નીલમ…..!” એક ઉદગાર છોડી વૈભવીએ નવાઈથી પૂછ્યું, “તું ક્યારે આવી?”

“ઓહ વૈભવી! યુ આર સો લવલી… લૂકિંગ સો કુલ એન્ડ બ્યુટીફૂલ યાર… ક્યા બાત હે?” અંગ્રેજીના થોડા છાંટણા કરી પછી ચહેરાના ભાવ બદલી દઈ એ બોલી, “તે ભલે મને ઇનવાઇટેશન ન આપ્યું પણ તારી મેરેજ પાર્ટી હોય અને હું ન આવું એવું બને…!?”

“ઓહ! રહેવા દે ને હવે, એવું જ હોત તો તું મારા લગનમાં પણ આવી હોત. અને તું નો’તી આવીને એટલે જ મેં પાર્ટીનું ઇનવાઇટેશન ન આપ્યું.” જરાક ચીડાઈને વૈભવીએ ઠપકો આપ્યો.

“અરે વૈભુ….. તને શું કહું યાર, એ સમયે મારી મમ્મી બહુ જ બીમાર હતી. મેં તો ધારી જ લીધું હતું કે હવે નઇ બચે…..” એકાએક ચહેરાના રમતિયાળ ભાવ બદલી નીલમ બોલી.

“તો પછી શું થયું?” વૈભવીનો અવાજ ગંભીર થઈ ગયો.

“પછી શું થાય સાસુ કદી મરે ખરી? એ તો થઈ ગઈ ફરી ઘોડા જેવી.” ફરી નીલમે કલાકાર જેમ મજાકની ઢબે કીધું.

“કેવી છો તું! એક બાજુ તું સાસુને મમ્મી કહે છે અને બીજી બાજુ એને જ મારવા બેઠી છો!” વૈભવીના ચહેરા ઉપર ભાવ બદલાયા પણ એ ભાવ સહેજે એક સંસ્કારી ભારતીય સ્ત્રીના હતા.

“ઓ કમોન જસ્ટ કિડિંગ.” વૈભવીને ગંભીર જોઈ બે હાથ હલાવી એ બોલી, “વૈભુ, મારે તારું ચડેલું થોબડું નહોતું જોવુ એટલે.”

“નીલુ તારી સાસુ બીમાર હતી અને તે મને કહ્યું પણ નહીં?” ફરી એક ઠપકો આપતા વૈભવીએ કહ્યું. સંગીતાબેન મને જોઈને અર્ધી થઈ જાય છે બિચારી.”

“ભાઈ તારા નવા નવા લગન થયા હતા એટલે મને રંગમાં ભંગ કરવાનું ન ગમ્યું.”

“તો એમાં શું થઈ ગયું, તારે કહેવું તો જોઈએ ને? સંગીતા બહેનને કેટલું ખોટું લાગ્યું હશે….!”

“મેં તો મમ્મીને કહ્યું હતું તને જાણ કરવાનું.”

“તો?”

“મમ્મીએ જ ના પાડી હતી.”

“અરે પણ કેમ?”

“ક્યાંક તું અને કરણ અમારા ફોનની રિંગથી ઝબકીને અળગા પડી જાઓ તો તમારો મૂડ ખરાબ થઈ જાય ને…..” નીલમ નફ્ફટની જેમ હસી.

“નીલમ…” વૈભવી ચીડાઈ ગઈ “શરમ જેવું કંઈ છે કે નહીં?”

“નો ડાર્લિંગ, હું તો છેક નફ્ફટ છું. એન્ડ યુ નો મી વેરી વેલ.”

વૈભવી કઈ બોલી નહિ છતાં નીલમે એની વાત ચાલુ જ રાખી.

“મને ક્યાં કરણ જેવો મર્દ પતિ મળ્યો છે…..? પ્રતિકને તો દિવસ અને રાત બેય સરખા જ છે!”

વૈભવીએ નીલમ સામે અજીબ ભાવથી જોયું.

“હાય મારી કિસ્મત…..! જવાની બેકાર ગઈ…” નીલમ માથે હાથ દઈ બોલી.

નીલમ એની બકવાસ કરે ગઈ. વૈભવી કઈ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. એ નિલમની ઈર્ષા અને નફ્ફટ વાતો સહન ન કરી શકી પણ નિલમના અહેસાન નીચે દબાયેલી હતી એટલે એને કઈ કહી ન શકી.

*

વૈભવી કરણની પાસે જઈ હસીને બધાને અવકારતી રહી પણ નિલમના શબ્દો એના મનના ઊંડાણમાં ગુંજયા કરતા હતા. “મને કયાં કરણ જેવો મર્દ પતિ મળ્યો છે.” વૈભવીની નજર કરણના ચહેરા ઉપર સ્થિર થઈ ગઈ. કેટલો સુંદર…..! કેવું જાજરમાન વ્યક્તિત્વ, નશીલી આંખો અને ખંજનવાળું સ્મિત, સાવ જ નિર્દોષ દેખાતો ચહેરો…. વૈભવીને મનમાં થયું કયાંક નીલમ…

વૈભવી છળી ગઈ. એનું હૃદય ગભરાહટમાં થડકવા લાગ્યું. એને કરણને ભેંટી પડવાનું મન થઈ આવ્યું…. પણ…. પણ આતો પાર્ટી…

ભલે એમણે શહેરી જીવનને અનુસરી પાર્ટી રાખી હતી પણ બેય સંસ્કારી અને શરમાળ હતા. કરણને ભેટી પડવાનો આવેશ વૈભવીએ મનમાં જ દબાવી દીધો.

“તો હનીમૂન કયાં ગોઠવ્યું છે ?” ધવલે આવતા જ મસ્કરી કરી. કરણ અને ધવલ ખાસ મિત્ર હતા. ધવલ દીપકના મિત્ર નયનનો કઝીન હતો.

“કયાંય નહિ.” કરણે હસીને કહ્યું.

“ઓહો જવાન મર્દ શરમા નહિ બોલ દે યાર…” નયને ધવલને તાળી દીધી. બન્ને ખીલખીલ હસ્યાં.

નયન દીપકનો મિત્ર હતો. નયને કરણને ભાઈ જેમ જ રાખ્યો હતો. એ કરણથી થોડે જ દૂર રહેતો હતો. કરણ સમજી ગયો કે એ લોકો લૂંગી ખેંચ્યા વગર નહિ રહે. મારી જ પાર્ટીમાં હું ગંભીર થઈને જવાબ આપીશ તો બધા નારાજ થઈ જશે.

“શિમલા…” કરણે ખચકાતા અવાજે કહ્યું.

“શીટ યાર, મને તો એમ હતું કે સાહેબજાદો ક્યાંક વિદેશ ફરવા જશે.” નયને જુઠ્ઠો નિસાસો નાખી કહ્યું.

“લગતા હે બહોત જલ્દી હે મિયા બીવી કો.” ધવલ પેટ પકડીને હસ્યો.

વૈભવી શરમાઈને નજર જુકાવી ગઈ. નીલમ બીજી તરફ તાળીઓ લેતી દેતી વાતો કરતી હતી, વૈભવી એ તરફ જવા લાગી.

“તો દિપક કેમ ન આવ્યો?” કરણ કઈ બોલ્યો નહી એટલે નયને પૂછ્યું.

“ભાઈએ લગન માટે લિવ લીધી હતી એટલે બોસે રજા મંજૂર ન કરી. એ કાલે જ ગયો…” કરણનો ચહેરો એકાએક ફિક્કો પડી ગયો.

“કમોન કરણ દીપકનો પ્રેમ હવાની જેમ તારી આસપાસ છે યાર… ડોન્ટ બી સેડ.”

નયન કરણનો ચહેરો પારખી ગયો હતો એટલે એણે વાત બદલી દીધી.

“તો કરણ વૈભવી હાઉસવાઈફ?”

“ના નયન, એ ફ્યુચર પ્રુફ છે. એ જોબ ચાલુ જ રાખશે.” કરણે હસીને કહ્યું.

“હમમમમમ ગુડ મોંઘવારી છે ભાઈ.” કહેતા નયને ધવલ સામે જોયું.

“એમાં શું ગુડ?”એક કડક અવાજ સંભળાયો એટલે કરણે પાછળ ફરી જોયું. એના એક કાકા રસિકભાઈ ઉભા હતા.

“હું સમજ્યો નહિ?”

“અરે શુ ગુડ છે એમાં ? એક ટક ભૂખ્યા રહેવાય પણ બૈરાં ઘરમાં જ શોભે…” રસિકભાઈએ કહ્યું.

“અંકલ તમે…”

“તું તો વચ્ચે બોલતો જ નહીં નયન.” રસિકભાઈ છંછેડાઈ ગયા, “આ અમારા ઘરનો મામલો છે.”

“ઓહ સોરી.” નયને હસીને જવાબ આપ્યો કેમકે એ વ્યવહારુ હતો. દુનિયા જોઈ હતી સમજી હતી. પણ પાર્ટી ખરાબ ન થાય એ ખાતર નયન જવા લાગ્યો.

“નયન… સોરી અંકલનો મતલબ…”

“પ્લીઝ કરણ લેટ મી ગો… આપણે ફરી મળીશું.” કરણના ખભા ઉપર હાથ મૂકી નયને કહ્યું.

“પણ નયન દિપક ખાતર…”

“હું પણ એજ કહું છું કરણ દિપક ખાતર મને જવાદે. તને યાદ છે કરણ, તું નાનો હતો ત્યારે તું તો સમજતો નહોતો, અમે પણ ખાસ સમજતા નહોતા ત્યારે અમે ઘણા દિવસ ભૂખ્યા પણ નીકાળતા એ સમયે કોઈ ઘરનો મામલો પતાવવા નહોતા આવ્યા.” નયને કરણના ગાલે હાથ ફેરવી હસીને કહ્યું.

કરણ એનો હાથ પોતાના ગાલ ઉપર દબાવી ચુપચાપ ઉભો રહ્યો એ કશું બોલી શક્યો નહિ.

“હું પાર્ટી ખરાબ કરવા માંગતો નથી. મને ખબર છે આ પાર્ટી તે વૈભવીને ખુશ કરવા કરી છે પણ આ બધો ખર્ચ તે કઈ રીતે…” જાણે કઈક અંદરની વાત બોલાઈ ગઈ હોય એમ તરત એણે ફેરવી દીધું, “છોડ એ બધું મને જવાદે.”

“સોરી નયન.” કરણ બસ એટલું જ બોલ્યો.

“સોરીની જરૂર જ નથી પાગલ…” નયને પોતાનું બાઇક ચાલુ કર્યું, “હું તારા ઘરનો સભ્ય નથી પણ પણ હું એવું નથી માનતો.” હસીને નયન નીકળી ગયો.

કરણ પાછો પાર્ટીમાં ફર્યો. એને થયું આજે તો કાકાને બે શબ્દો કહેવા જ પડશે. પણ રસિકભાઈ કયાંય દેખાયા જ નહીં. એક તરફ ધવલ અને બીજા કોલેજના મિત્રો ગપ્પા મારતા હતા અને બીજી તરફ વૈભવી અને નીલમ એની ફ્રેન્ડ્સ સાથે વાતો કરતી હતી. વૈભવીની ઓફીસના અન્ય કેટલાક મિત્રો પણ ત્યાં હતા. વૈભવીનો ચહેરો લાઈટો પડવાથી ઓર સુંદર લાગતો હતો. કરણ ઘડીભર એને જોતો જ રહ્યો…

પાર્ટી ધીમે ધીમે અંત તરફ જવા લાગી. બધા મિત્રો જવા લાગ્યા. બધાને સ્નેહથી વિદાય આપી કરણ અને વૈભવી ઘરે પહોંચ્યા.

વૈભવી સવાલ જવાબોથી કંટાળી ગઈ હતી એ ઘરે પહોંચતા જ બાથરૂમ જઇ હાથ-મો ધોઈ આવી. અરીસામાં પોતાના વાળ સરખા કરતી બેકલેસ સ્લીવમાં ઉભી વૈભવીને જોતો કરણ ઉભો હતો. કરણ વિચારોમાં ડૂબી ગયો હતો. રસિકભાઈના શબ્દો મનમાં ઘુમરી લેવા લાગ્યા.

“બૈરાં ઘરમાં જ શોભે…”

બેકલેસ સ્લીવમાં દેખાતી વૈભવીની ગોરી પીઠ, મુંબઈનું વાતાવરણ, ઓફીસ, બોસ… શંકાનો એક કીડો એના મનમાં સળવળાટ કરવા લાગ્યો. કરોડપતિ, કંપનીનો માંલિક, વૈભવી જેવી સુંદર અને આકર્ષક આકારવાળી સેક્રેટરી. કરણનું માથું ભારે થવા લાગ્યું.. એ બેડ ઉપર ફસડાઈ પડ્યો. લગનને હજુ સમય પણ નહોતો થયો અને એનો સંસાર વમળમાં ખેંચાવા લાગ્યો હતો. બધી જવાબદારી લગન પછી જ આવતી હોય છે. શંકા, કુશંકા, ભય એ બધા ઉપર લગ્ન પહેલા પ્રેમ નામનો એક આછો પરદો હોય છે જે લગ્ન પછી ક્યાંય ગાયબ થઈ જાય છે. સ્નેહ તો રહે છે પણ એની સાથે શંકા અને ભય પણ ચાર ફેરા ફરી લે છે.

કરણને કઈ સમજાતું નહોતું. ના વૈભવી મહત્વકાંક્ષી છે એ નોકરી તો નહિ જ છોડે. એ તો લગન પહેલેથી જ કહેતી હતી, “કરણ તું પણ મિડલ કલાસ છે અને હું પણ એવી જ છુ એટલે આપણે સખત મહેનત કરીશું.”

“કરણ કેમ આમ ઉદાસ છે?” વૈભવી પાસે આવીને બેઠી.

“કાઈ નહિ, બસ પાર્ટીમાં થાકી જવાયું.” કરણે હસીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો.

“કરણ….!”

“અરે સાચે જ કાઈ નહિ બસ દિપક પાર્ટીમાં નહોતો… અને નયન નારાજ થઈ ગયો એટલે.”

“હું છું ને.” વૈભવીએ કરણની છાતી ઉપર એના મૃદુ ગાલ ચાંપી દીધા..

***

Comment here