મુન્ની

મુન્ની

“મમ્મી…… તો હવે પપ્પા ક્યારે આવશે ?” વર્ષોથી પપ્પાથી દુર રહેતી મુન્ની ઉદાસ થઈને બોલી.
” બેટા આ વર્ષે તો એમનો નવો રેલવે પ્રોજેકટ ચાલુ થયો છે એમને સમય નહિ મળે…. હવે તો છેક ઉનાળુ વેકેશનમાં જ આવશે….” શીતલબેને પ્રેમથી ઉદાસ દીકરીને માથે હાથ ફેરવી કહ્યું.
” પણ મમ્મી મારી બધી ફ્રેન્ડ્સ રિના, મીના, ઈલા, પાર્થવી એ બધી રોજ એમના પપ્પાની વાતો કરે પણ મને તો પપ્પા વિશે કાઈ ખબર જ નથી….. મને તો બસ એટલી જ ખબર છે કે પપ્પા રેલવે ઓફિસર છે ….. હું શું વાત કરું !” મુન્ની વધુ ઉદાસ થઈને બેસી ગઈ….
” કેમ તને એ નથી ખબર કે આ ઘર પપ્પાએ તારા માટે તારા જન્મ પછી બનાવ્યું હતું ? ઘરનું નામ મુન્ની નિવાસ એટલે જ તો રાખ્યું હતું ને…..”
” પણ પપ્પા નથી રહેતાને આ ઘરમાં….”
” મુન્ની ખુશ રહે, મુન્ની સારી શાળામાં ભણે, મુન્ની મહેંદી કલાસ, ડાન્સ કલાસ જઇ શકે એટલે તો એ આવી નોકરી કરે છે ને …. નહિ તો તારા કરતા વધારે એ પણ તને યાદ કરતા હશે…..”
” એ ના આવી શકે તો આપણે ત્યાં ન જઇ શકીએ ?”
” અરે મુન્ની તારા પપ્પા ને એક દિવસ અહીં જવાનું હોય તો એક દિવસ ત્યાં જવાનું હોય આપણે ક્યાં જઈએ…. ચાલ હવે જમીલે શાળામાં મોડું થશે….”
મુન્ની એ દિવસે થોડું ઘણું ખાઈને શાળાએ ચાલી ગઈ. પણ એનું મન લાગતું નહોતું. બધાના પપ્પા સાથે રહે મારે જ નહીં….. આખો દિવસ ઉદાસ ચહેરે એ શાળામાં બેસી રહી. ના કોઈ સાથે વાત કરી ન કાઈ નાસ્તો કર્યો….. એ બસ પપ્પાની આછી છબી ને યાદ કરતી હતી.
શાળા છૂટી ગઈ એટલે ડાન્સ ક્લાસમાં જવાને બદલે મુન્ની સીધી જ ઘરે ચાલી ગઈ….ઘરે જતા જ એ એના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો.
શીતલબેન સમજી ગયા કે મુન્ની ને હવે સમજાવવી શક્ય નથી. એમણે તરત ફોન લગાવ્યો
” અરે શીતલ હું કામમાં છું પછી વાત કરું…..”
” ના તમે અત્યારે જ વાત કરો ”
શીતલબેન નો અવાજ ગંભીર હતો એ જોઈ રાકેશભાઈ ગભરાઈ ગયા. ” કેમ શુ થયું ? બધું ઠીક…… મુન્ની …. મુન્ની કેમ છે ?” એક સામટા પ્રશ્નો પૂછવા લાગ્યા.
” મુન્ની ઠીક નથી….”
“કેમ શુ થયું એને ?” રાકેશભાઈના અવાજમાં ગભરાહટ સ્પષ્ટ દેખાતી હતી.
” એ રોજ રડે છે અને પૂછે છે પપ્પા ક્યારે આવશે…. પપ્પા ક્યારે આવશે….. ”
” તો એમ બોલને ભાઈસાબ મને તું ગભરાવીને મારી નાખીશ કોઈ દિવસ મનમાં મુન્ની માટે કેવા અશુભ વિચારો આવવા લાગ્યા
…”
” તો હવે શું કરું હું ? ” શીતલબેન ઉદાસ થઈને બોલ્યા ” હવે એ મોટી થાય છે એને કેમ સમજાવું બોલો….?”
” હું અત્યારે નવા પ્રોજેકટ માટે દિલ્હી આવ્યો છું. અહીં કામ ઘણું છે એટલે હું આવી શકું એમ નથી પણ હું અહી અઠવાડિયા માટે રોકાવાનો છું તો તું મુન્ની ને લઈને અહીં આવી જા ”
” સારું કાલની ટિકિટ કરાવીને આવીએ….. ” કહી શીતલબેને ફોન મૂકી દીધો. અને મુન્ની પાસે જઈને વાત કહી. મુન્ની ખુશ ખુશ થઈ ગઈ….
” તો મમ્મી હું હલવો બનાવીશ પપ્પા માટે હું હમણાં જ શીખી છું ને……!”
“ભલે ….. પણ હવે સુઈ જા કાલે સવારે હલવો બનાવીને જઈશું….
મુન્ની તો ખુશ ખુશ થઈ ગઈ હતી… સવારે વહેલા ઉઠીને હલવો બનાવવા માટે એ રાત્રે જલ્દી સુઈ ગઈ. બીજા દિવસે જાગતા જ એ હલવો બનાવા લાગી અને પછી તૈયાર થઈ ગઈ.
સ્ટેશને પહોંચી શીતલ બેને દિલ્હી કેન્ટ માટે બે ટિકિટ લીધી અને. ટ્રેનમાં મુન્ની ડબ્બામાં ચડી એટલે બીજા મુસાફરો ને રાકેશભાઈની વાત કહેવા લાગી ” મારા પપ્પા આવી રેલવે ના ઓફિસર છે….. અને હું એમને મળવા જાઉં છું….”
બધા સાથે પોતાનો પરિચય કર્યા પછી મુન્ની એક બારી પાસે ગોઠવાઈ ગઈ. નાનકડી ચૌદ વર્ષની મુન્ની બારી માંથી લીલાછમ ખેતરો જોતી પપ્પાને મળવાના આનંદમાં સવારની બારી પાસે બેઠી હતી છેક અંધારું વળવા લાગ્યું પણ મુન્ની તો બસ દ્રશ્યો જોતી બેઠી હતી…… આખરે ત્રણ વર્ષ પછી મુન્ની એના પપ્પાને મળવાની હતી. રાકેશ ભાઈ ગવર્નમેન્ટ રેલવે અધિકારી હતા એટલે એમને જવાબદારીઓ માં ઘર પરિવારથી દૂર રહેવાનું હતું.
હલવાનો ડબ્બો તો મુન્ની હાથમાં પકડીને જ બેઠી હતી…… કુદરત પણ ખરેખર ગજબનો સ્નેહ ભરે છે બાળ હ્ર્દયમાં….. નિસ્વાર્થ કોમળ પ્રેમ…… મુન્ની બસ પપ્પાને મળીને હલવો ખવડાવવા માંગતી હતી…..
રાત્રે એક વાગે મમ્મીએ મુન્નીને પરાણે સુવડાવી દીધી પણ મુન્નીએ પેલો ડબ્બો તો હાથમાં જ રાખ્યો હતો…. સવારે પપ્પાને મળીશ…. સ્કૂલ ની , મારી ફ્રેન્ડની , મારા મહેંદી ક્લાસની બધી જ વાતો પપ્પાને કહીશ એ વિચારોમાં જ મુન્ની સુઈ ગઈ…..
ટ્રેન એની પુર ઝડપે જતી હતી ….. બધા પેસેન્જર લગભગ સુઈ ગયા હતા….. કોઈ જાત્રાએ જતું હતું… તો કોઈ સ્નેહીને મળવા….. મુન્ની જેવી તો કેટલીયે દીકરીઓ અને દીકરાઓ પપ્પાને મળવા જતા હશે….
અચાનક ટ્રેનમાં ધડાકો થયો ….. એક ડિઝલથી ભરેલી ટ્રક ટ્રેનના પાટા ઉપર વચ્ચે આવી ગઈ હતી….. જોત જોતામાં ટ્રેન ના બધા ડબ્બા છુટ્ટા પડી ગયા. આજુબાજુ થી લોકો દોડી આવ્યા અને રેલવે અધિકારીઓને ફોન જોડ્યા.
રેલવે અધિકારી રાકેશ ભાઈ એમની ટિમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા. ટ્રેનના બધા ડબ્બા વેર વિખેર પડ્યા હતા. કોઈ ડબ્બા નીચે કચડાઈને મર્યા હતા તો કોઈ અથડાઈને માથું ફૂટી જવાથી મર્યા હતા.
રાકેશભાઈએ જોયું કે એજ ટ્રેનમાં એમની પત્ની શીતલ અને મુન્ની પણ મૃત્યુ પામ્યા હતા. ફનગોળાઈને દૂર પડેલી મુન્ની ના હાથમાં એ ડબ્બો એમને એમ લોહીથી ખરડાયેલો હતો…… રાકેશ ભાઈ જોતા જ રહી ગયા…. નાનકડી મુન્ની નો નિસ્વાર્થ પ્રેમ એ ડબ્બામાં જ રહી ગયો….. કેટલા ઉમંગથી એ પપ્પા ને મળવા જતી હતી…..! કેટલો નિસ્વાર્થ ભાવ…..
કોમળ હાથોથી બનાવેલ એ હલવો દીકરીના ખૂનથી રંગાયેલો હતો….. રાકેશ ભાઈ દીકરી અને પત્નીની લાસ જોતા જ રહી ગયા…. મુન્ની માટે જ તો હું આ નોકરી કરતો હતો…. અને હવે મુન્ની જ નથી…… ટીમના સભ્યો રાકેશ ભાઈને માંડ ત્યાંથી દૂર લઈ ગયા….
તપાસ કરતા માલુમ પડ્યું કે ટ્રક ડ્રાઇવર દારૂના નશામાં હતો. અને ટ્રેનમાં 102 મુસાફરો મૃત્યુ પામ્યા હતા.સમાચાર સાંભળી રાકેશ ભાઈને પારાવાર અફસોસ થયો હું આ ગવર્નમેન્ટ ના પૈસા લઉં છું ? એ સરકાર જે દારૂ વેચવાની છૂટ માત્ર પૈસા માટે આપે છે ? મારી મુન્ની જેવી કેટલી મુન્ની આ રીતે મરી હશે ? ના હું હવે આ સરકાર માટે કામ નહીં કરું આ દારૂ કેટલાયના ઘર આવી રીતે બરબાદ કરે છે ….
એ દિવસથી રાકેશ ભાઈએ ગવર્નમેન્ટ નોકરી છોડી દીધી અને દારૂ બંધી માટેની ચળવળ શરૂ કરી દીધી…..એના પછી તો કેટલાય શરાબી બાપને રાકેશભાઈ વ્યસન મુકત કરે છે અને ઘણી નિર્દોષ મુન્નીને પિતા આપી પોતાની મુન્ની ના આત્માને શાંતિ આપે છે….

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here