બંધન

બંધન

“ડો. સિદ્ધાર્થ ઓર્થોપીડિક્સ ” હોસ્પિટલ આગળ ટેક્સી ઉભી રહી. ઝડપથી ટેક્સીમાંથી ત્રણ ચાર માણસો ઉતર્યા અને ઉતાવળથી દરવાજા ખોલ્યા. એક યુવાન દેખાતો માણસ હોસ્પિટલમાં દોડતો ગયો. બીજા માણસોએ એક યુવાન સુંદર દેખાતી યુવતીને ટેક્સીમાંથી બહાર નિકાળી. ત્રણ માણસોએ એને ઉપાડીને બહાર નીકાળી હતી. હોસ્પિટલ આજુબાજુ ના ગલ્લા, લારી અને દુકાનોમાં ઉભા માણસો પણ એ જોવા લાગ્યા. ત્યાં જ પેલો યુવાન અંદરથી કમ્પાઉન્ડરને સ્ટ્રેચર સાથે લઈને આવ્યો. એ બધાએ એ યુવતીને સ્ટ્રેચર ઉપર સુવાડી અને ઝડપ થી સ્ટ્રેચર આઈ.સી.યુ. તરફ ખસેડયું. યુવતીનો એક પગ કપાયેલો હતો એ એના લટકતા જીન્સના પાવજા પરથી દેખાતું હતું. જિન્સની એક બાંય લોહી લુહાન લટકતી હતી. એમ એનો એક પગ કપાયેલો હશે એ સ્પષ્ટ દેખાતું હતું. બ્લુ જીન્સની એક બાય લોહીમાં રાગદોળાઈને લાલ થઈ ગઈ હતી. યુવતીના ચહેરા ઉપર કોઈ ઘા નહતા પણ લોકોએ એને ઉપાડીને લાવી એમાં એના વાળ છુટા પડી ગયા હતા અને એની ટીશર્ટ અવ્યવસ્થિત થઈને એના અંગો દેખાતા હતા. પેલા યુવકે એના છાતીના ભાગે પોતાનું શર્ટ નીકાળીને ઓઢાડવુ પડ્યું હતુ.
સ્ટ્રેચર આઈ.સી.યુ. માં લઇ જવાયું ત્યારે એ બેહોશ જેવી હતી. તરત જ ડો. સિદ્ધાર્થ આવી ગયા. પેલી યુવતીનો ચહેરો જોયા વગર જ સિદ્ધાર્થે એને ઓપરેશન થ્રિએટર માં લઇ જવાનો આદેશ આપ્યો. કમ્પાઉન્ડરો ને તૈયાર થવા કહ્યું.
ઓપરેશન થ્રિએટર મા બધા શસ્ત્રો અને દવાઓ તૈયાર થઈ ગઈ. યુવતી બેહોશ જેવી હાલતમાં અપાર વેદનાથી હજુ કણસતી હતી. એક ડાયનપાર ડોઝ એને કમ્પાઉન્ડરે આપ્યો. ત્યાં સુધી ડો. ઋજુલ દત્ત આવી ગઈ હતી. ડો. દત્તે એનેસ્થેસિયાનું ઈન્જેકશન લગાયુ પછી ઓપરેશન ચાલુ થયું.
યુવતીના પરિવારમાંથી કોઈ હજુ આવ્યું નહોતું.
“તદ્દન સારા ઘરની એ યુવતી લાગે છે એનો ચહેરો સફેદ દૂધ જેવો છે એ જોતાં એ કોઈ બ્રાહ્મણ ખાનદાનની દીકરી લાગે છે” એક યુવકે કહ્યું.
” અને એના કપડાં એના ઘરવાળા ફ્રેન્ક સ્વભાવના હશે એ સ્પષ્ટતા કરતા હતા. તો પછી કોઈ આવ્યું કેમ નથી હજુ” બીજા એક માણસે કહ્યું.
“આપણે આપણો ધર્મ નિભાવી લીધો ભાઈ હવે ભગવાનના હાથમાં છે એનો જીવ. હવે એના ઘરવાળા આવે કે ન આવે એ એમની મરજી. શુ જમાનો આયો છે કુદરત” એક વયોવૃદ્ધ માણસે નિશાશો નાખ્યો.
“તો મને ભાડું કોણ આપશે હવે?” ટેક્સીવાળાએ યુવતીને લઈ આવનારાઓ ને કહ્યું.
“લે ભાઈ આ તારું ભાડું અને જેમને હવે કામ હોય એ બધા હવે જઇ શકે છે તમારો બધાનો આભાર” પેલા જુવાનિયાએ બધાને હાથ જોડી કહ્યું.
“તે ભાઈ તું શાને આભાર કહે તુંય અમારી જેમ સેવા કરવા જ આવ્યો છે ને. તારે વળી ક્યાં એ મામા માસીની થાય છે.”
યુવાન ચૂપ રહ્યો. પછી બધા પોત પોતાના કામે નીકળી પડ્યા.
પેલા યુવાને યુવતી પાસેથી મળેલો મોબાઈલ જોયો પણ બંધ હતો. એને હથેળીમાં પછાડી ચાલુ કરવાની કોશિશ કરી અને સદભાગ્યે મોબાઈલ ચાલુ પણ થઈ જ ગયો.
યુવકે કૉંટેક્ટ લિસ્ટ ખોલ્યું અને નામ વાંચવાનું શરૂ કર્યું ત્યાંજ એક કમ્પાઉન્ડર આવ્યો
“સાહેબ તમારું નામ?”
” નિલ શાહ”
” લો આ ફોર્મ માં સહી કરો ” એણે એક બોર્ડમાં ભરાવેલ ફોર્મ આગળ કરતા કહ્યું.
” ઓપરેશન ચાલુ થયા પછી ?” નિલે પૂછ્યું.
“જી સાહેબ ઇમરજન્સી કેસમાં અમારા સાહેબ બધા નિયમો સાઈડમાં કરી દે છે ને હવે તો એમ પણ એક્સીડેન્ટ કેસમાં પોલિશ પંચનામાંની જરૂર નથી એટલે વાંધો નથી આવતો. અને તમે ખાલી પેશન્ટ ને અહીં લઇ આવ્યા એવી જ સહી કરવાની છે ગભરાઓ નહિ.”
“ઓકે ઓકે” કહી નિલે સહી કરી દીધી અને કમ્પાઉન્ડર ગયો એટલે ફરી એણે કૉંટેક્ટ નામ વાંચવા માંડ્યો. પહેલુ જ નામ ‘અક્કકુ ડાર્લિંગ’ થી સેવ કરેલું હતું. નિલને થયું કદાચ આકાશ નામ હશે કદાચ એનો બોય ફ્રેન્ડ હશે લાવ એને ફોન કરું …..
“હેલો ….”
” હા કોણ?”
” તમે આકાશ બોલો છો?”
“જી હું આકાશ પણ તમે કોણ ?”
” હું નિલ બોલું છું અહીં એક યુવતી નો અકસ્માત થયો એને હું હોસ્પિટલ લઇ આવ્યો છું. પણ હજુ સુધી એના ઘરવાળા કોઈ આવ્યા નથી. અને એના મોબાઈલમા પહેલો જ તમારો નમ્બર છે એટલે મેં તમને જાણ કરવા ફોન કર્યો.”
“સોરી બ્રધર રોંગ નમ્બર. મેં તો હમણાં જ આ નંબર લીધો છે.” કહી આકાશે ફોન મૂકી દીધો.
નિલના દયાળુ હૃદયને ચેન ન પડ્યું એટલે હજુ એને બીજા નમ્બર જોયે રાખ્યા. એને ‘પી.” આલ્ફાબેટ ઉપર તપાસ કરી પણ એને જે જોઈતું હતું એ નામ દેખાયું નહિ. ‘એમ.” આલ્ફાબેટ પર જોયું તો ત્યાં પણ એને નિસફળતા જ મળી એને પપ્પા કે મમ્મી કોઈનોય નમ્બર મળ્યો નહિ. પછી એને એક ‘નિયતિ’ નામ જોયું.
હમમ કદાચ ફ્રેન્ડ હશે એની લાવ પૂછી જોઉં. નિલે કોલ લગાવ્યો બે જ રિંગ વાગી અને પછી સામેથી જ અવાજ આવ્યો.
“બોલ ગાર્ગી”
” જી હું નિલ બોલું છું. ગાર્ગીનો એક્સીડેન્ટ થયો છે.”
“ક્યારે? અને તમે કોણ?”
” નિયતિ જી તમે મને નથી ઓળખતા અને હું ગાર્ગીને પણ નથી ઓળખતો પણ તમે ફોન ઉપાડતા જ એ નામ લીધું એટલે મને ખબર પડી કે પેશન્ટ નું નામ ગાર્ગી છે.”
“અચ્છા તો તમે ડોકટર છો?”
“જી ના હું એને હોસ્પિટલ લઇ આવનાર માંથી એક છુ.”
“તો તમે આકાશને ફોન કર્યો?”
નિયતી એ આકાશ નામ કહ્યું એટલે તરત જ નિલને એક ધક્કો લાગ્યો. તો પછી એ એજ આકાશ હતો ! તો એણે મને કેમ રોંગ નમ્બર કહ્યું ?
“હલો” નિયતીએ ફરી પૂછ્યું ” તમે આકાશને ફોન કર્યો ?”
” હા પણ આકાશે રોંગ નમ્બર કહ્યું.”
” મને તો ખબર જ હતી એ હરામી છે પણ ગાર્ગી મારુ માને તો ને ” નિયતીએ બબડાટ કર્યો.
” જી હું કઈ સમજ્યો નહીં..?” આકાશને હવે મૂંઝવણ થવા લાગી હતી.
“અ એ હું એટલે કે તમે ગાર્ગી કઈ હોસ્પિટલ માં છે?” નિયતીએ વાત બદલીને પૂછ્યું.
“ડો. સિદ્ધાર્થ ઓર્થોપીડિક્સ”
“ડો.સિદ્ધાર્થ … …?” નિલને જેવો ધક્કો લાગ્યો હતો એવોજ ધક્કો હવે નિયતીને લાગ્યો.
” હા પણ તમે ચિંતા ન કરો ડોકટર સારા છે એમને એક પણ રૂપિયો માંગ્યા વગર ઓપરેશન શરૂ કરી દીધું છે. પણ તમે અહીં આવો એટલે ગાર્ગીના પેરેન્ટ્સને બોલાવી …..”
“હેલો”
“હેલો”
નિલે મોબાઈલ કાનથી હટાવી જોયું તો ફરી બંધ થઇ ગયો હતો. એ ત્યાંજ નિયતીની રાહ જોતો બેસી રહ્યો. થોડી વારે ઓપરેશન રૂમ નો દરવાજો ખુલ્યો સ્ટ્રેચર ઉપર ગાર્ગી ને બીજા રૂમમાં લઇ જતા હતા. નિલ તરત ડોકટર પાસે જઈને પૂછ્યું.
“ડો. કેવું છે ?”
ડો. સિદ્ધાર્થે એને કોલરથી પકડીને કહ્યું “તું મારી દરેક વાત માં કેમ હાડકા નાખવા ચાલ્યો આવે છે ?”
નિલ ને એ શબ્દોથી જાણે સામેની બિલ્ડીંગ કડડભૂસ એના ઉપર પડી હોય એવું દબાણ એની છાતી ને લાગ્યું. ડોકટર સિદ્ધાર્થ દાંત પિસ્તો ચાલ્યો ગયો.
હજુ તો નિલ કાઈ સમજે એ પહેલાં જ નિયતિ આવી ગઈ.
નિલને આઈ.સી.યુ. આગળ બેઠેલો જોઈ એને પૂછ્યું
“તમે મી. નિલ?”
“જી.”
“હું નિયતિ” કહી હાથ લાંબો કર્યો.
“ઓપરેશન તો થઈ ગયું. પણ….” હેન્ડ સેક કરતા નિલ બોલ્યો.
“પણ શું?” નિયતીએ ગભરાયેલા અવાજે પૂછ્યું.
પછી ડોકટર અને નિલ સાથે થયેલી ઘટના નિલે નિયતીને કહી એટલે નિયતિ એ પહેલાં દિલગીરી દર્શાવી પછી એને સમજાયું.
“દેખો મી. નિલ..”
“મને નિલ કહેશો પ્લીઝ..” નિલ વચ્ચેજ બોલ્યો…
” હા તો નિલ. આ ડોકટર સિદ્ધાર્થ જ ગાર્ગીના હસબન્ડ છે.”
“શુ?” નિલની આંખો પહોળી થઇ ગઇ.
” તમે બરાબર સાંભળ્યું છે નિલ”
“તો પછી આકાશ કોણ છે? અને એણે કેમ એવું કહ્યું? રોંગ નમ્બરનો શુ મતલબ?” નિલ એકસામટા પ્રશ્નો પૂછવા લાગ્યો.
” આકાશ એનો બીજો પતિ છે. અને કદાચ ડો. સિદ્ધાર્થે તમને આકાશ સમજ્યા હશે કેમ કે એમને ક્યારેય આકાશ ને જોયો નથી.”
“ઓહ આઇ સી” નિલને હાશકારો થયો પણ ફરી મન ને એક ધક્કો લાગ્યો.
” આ કેવો યોગાનું યોગ…..! એક્સ પત્ની પોતાની જ હોસ્પિટલમાં આવી…..!”
” કુદરતનો ચમત્કાર છે.” નિયતીના ચહેરા ઉપર એક ચમક દેખાઈ.
” પણ તો ગાર્ગીના પેરેન્ટ્સ ને તો હવે જાણ કરો તમે .” નિલને અચાનક યાદ આવ્યું.
” એના પેરેન્ટ્સ તો નઇ આવે. એ મરી જાય તોય નઇ આવે. ” નિયતીએ માથું નમાવ્યું.
“પણ કેમ? કોઈ પોતાની દીકરી માટે કેમ ન આવે?” નિલને આશ્ચર્ય થયો.
” ગાર્ગી બ્રાહ્મણ ખાનદાન ની છે. ગાર્ગી કોલેજમાં આકાશના પ્રેમમા હતી પણ એ ઘરે કહી ન શકી અને પછી એના મેરિઝ સિદ્ધાર્થ સાથે થયા. સિદ્ધાર્થ તો બિચારો પ્રેમાળ અને સારો હતો પણ આકાશને એ ભૂલી ન શકી એટલે એ લગન ના બે મહિના પછી આકાશ સાથે લગન કરી લીધા હતા. સિદ્ધાર્થ એક ફ્રેન્ડલી અને ઓપન માઇન્ડેડ માણસ હતો એટલે એને કોઈ કેસ જ નતો કર્યો નથી તો એના સસરા કે સાસુ ને એક શબ્દ કીધો એણે. પણ એકની એક દીકરીએ સમાજ માં નાક કપાવી દીધું એટલે રામનારાયણ શાસ્ત્રી માટે એ દિવસથી ગાર્ગી મરી ગઈ હતી.”
“ઓહ ગોડ…” નિલ ને એવો કિસ્સો ફિલ્મો માં જોવા મળતો પણ આ તો હકીકત હતી.
થોડી વાર પછી કમ્પાઉન્ડર આવ્યો અને નિયતિ અને નિલને ગાર્ગી પાસે લઈ ગયો.
નિયતિ ગાર્ગીને જોઈને જ રડી પડી. એનો એ પગ ડોકટરે કાપવો પડ્યો હતો. એ જોઈ નિયતિ અને નિલ કમકમી ઉઠ્યા હતા. નિયતીએ પછી ગાર્ગી ને આકાશ વિશે કહ્યું પણ ગાર્ગી ના ચહેરા પર જરાય નવાઈ નો ભાવ ન દેખાયો.
“મને ખબર છે નિયતિ…. “ગાર્ગી એટલું જ બોલી.
“તમને કેમ ખબર?” નિલને નવાઈ લાગી.
” એ હરામી એક્સીડેન્ટ થયો ત્યારે મારી સાથે જ હતો……” ગાર્ગી ચોધાર આંસુએ રડી પડી. એના હૃદયની વેદના એ પગ કરતા હજારો ગણી વધારે હતી. નિયતિ એને ભેંટી પડી.
” હું ક્યાયની ન રહી નિયતિ……મારા માં બાપ, સિદ્ધાર્થ કોઈ બાજુ મને હવે આશરો નથી…..” ગાર્ગી માટે હવે હાલત ધોબીના કુતરા જેવી થઈ હતી. એનોય દોષ તો હતો પણ એની ઉમર જ ક્યાં એટલી હતી કે એ બધું વિચારી શકે…..!
ગાર્ગી હૃદય ફાટી જાય એવું રુદન કરતી હતી. એનો પૂનમના ચાંદ જેવો ચહેરો કેટલો દયામણો લાગતો હતો…..!
અચાનક એના પગમાં બ્લીડીંગ ચાલુ થયું નિલ ભાગતો ડોકરની ચેમ્બરમાં ગયો. પણ ત્યાં જઈને જોયું તો સિદ્ધાર્થ પણ એવી જ હાલત માં હતો. સિદ્ધાર્થ પણ રડતો હતો. દેખીતી રીતે તો એ લાખો રૂપિયા કમાતો ડોકટર હતો પણ એનુય હતું કોણ? સાહેબ કહેવા વાળી નર્સ અને કમ્પાઉન્ડર હતા પણ બેટા કહેનાર કોઈ ન હતું. સિદ્ધાર્થે ડોકટરી પુરી કરી એજ વર્ષે એની બીમાર માં પણ ગુજરી ગયા હતા. પિતા અમૃતલાલ તો નાનપણ માજ દુનિયા છોડી ગયા હતા. હવે સિદ્ધાર્થને બસ એક ભાઈ હતો. પણ આલોક પણ હોસ્ટેલ માં હતો એટલે આમ દેખો તો ગાર્ગી ના ગયા પછી એની હાલત ગાર્ગી કરતાંય કરુણ થઈ ગઈ હતી. તે સાવ એકલો ને એકલો સતત હિજરાતો હતો. આતો બસ પિતાની મોત દવા ની ઉણપ ને લીધે થઈ હતી એટલે જ એ હોસ્પિટલ પણ ચલાવતો અને જો આલોક નહોત તો એ ક્યારનોય સંસાર છોડી સાધુ બની ગયો હોત. એને દુઃખ તો ઘણુંય થયું હતું છતાં એ ગાર્ગી ને કે એના માં બાપને કોઈ ફરિયાદ નહોતી કરી કેમ કે એ સમજુ હતો એ કોઈને ખૂંટીએ બાંધીને રાખવા માંગતો જ ન હતો.
નિલને જોઈને એ સ્વસ્થ થઇ ગયો
“બ્લીડીંગ ….. બ્લીડીંગ થાય છે ગાર્ગી ને….” નિલ હાંફતો હાફતો બોલ્યો.
સિદ્ધાર્થ કઈ જ બોલ્યા વગર તરત ગાર્ગી ના રૂમમાં પહોંચ્યો… જરાક ખચવાયો પણ એક ડોકટર તરીકે એ ચાલે એમ નહોતું એટલે આગળ વધ્યો . પાટો જોયો
” નોર્મલ બ્લીડીંગ છે. એવું તો થોડો સમય થશે.”
સિદ્ધાર્થ નું એ વાક્ય નિયતિ અને નિલના હૃદયમાં ઠંડક કરી ગયું. પણ ગાર્ગી હજુ શરમ ની મારી નીચું જોઈને રડતી હતી.
સિદ્ધાર્થે એના હાથ ઉપર હાથ મૂકી કહ્યું “તો હવે હું બીજી વાર લગન નો ખર્ચ નહીં કરું……”
સન્નાટો ……. નીરવ શાંતિ…… નિયતિ અને નીલ ના મો ખુલ્લા જ રહી ગયા…. આ માણસ છે કે ભગવાન…..!
પારાવાર લાચારી અને શરમ સાથે ગાર્ગી ની આંખોમાંથી ગરમ ફુવારા તેજ ધાર થી છૂટ્યા…. અને ગાર્ગી સિદ્ધાર્થના પગ પકડવા ઉભી થવા જતી હતી ત્યાં જ એને યાદ આવ્યું કે એનો એક પગ કપાયેલો હતો……
એ દિવસે પહેલી વાર કોઈના મૃત્યુ વગર એ હોસ્પિટલમાં બધા રડ્યા હતા અને કદાચ પહેલો ડોકટર હશે જે હોસ્પિટલમાં રડ્યો હશે…..
બીજા દિવસે નિયતીને ગાર્ગીનું કામ કરવા માટે અને એના કપડાં બદલવા સિદ્ધાર્થે વહેલા આવવા કહ્યું હતું. પણ નિયતિ આવી નહોતી. ના એનો ઈરાદો ગલત ન હતો ન એને ગાર્ગીની સેવા માટે કોઈ ઘીન કે સુગ હતી પણ એ ચાહતી હતી કે જો હું સમય સર નઈ જાઉં તો એ બધા કામ સિદ્ધાર્થ ને જ કરવા પડશે એ બહાને બંને નજીક આવી જશે અને ગાર્ગી ના સંસાર નું પૈડું ફરી એક વાર ચાલવા માંડશે.
નિયતિ અને નિલ બંને આવ્યા ત્યારે સિદ્ધાર્થ અને ગાર્ગી જાણે વર્ષોથી એકબીજાને ચાહતા હોય એમ વાતો કરતા હતા.
” ગુડ મોર્નિંગ ગાર્ગી”
” ગુડ મોર્નિંગ ડોકટર”
નિલ અને નિયતિ એ હસીને એમને ખલેલ પહોંચાડી. પછી સિદ્ધાર્થે નિલની માફી માંગી અને એના ઘર પરિવાર વિશે પૂછ પરછ કરી. ગાર્ગી એ નિલને હાથ જોડીને આભાર ની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું
“નિલ તારે બહેન નથી અને મારે ભાઈ નથી 17 દિવસ પછી રક્ષાબંધન છે ભાઈ આ બહેન તને રાખી બાંધશે….”
એ દિવસે સિદ્ધાર્થે ગાર્ગી ના પિતા રામનારાયણ શાસ્ત્રી ને ફોન કરીને બધી વાત કહી. પહેલા તો રામનારાય શાસ્ત્રી ભડકયા હતા
” એને તમે જેરનું ઈન્જેકશન કેમ ન લગાવ્યું ડોકટર?” ભારેખમ અવાજમાં કહી એમને ફોન કાપી દીધો હતો. પણ રેણુકા બેન એ સાંભળી નહોતા શક્યા.
“તમે બાપ છો કે રાક્ષસ…..?”
“આ શું બોલે છે તું રેણુકા…..?”
” તે જેરના ઈન્જેકશન આપવા તમે ઘોડી ને હાથી થઈને એને રમાડતા હતા……” બસ એટલું જ કહ્યું ને પછી…. એક માં તો સ્વાભિક રીતે રડે જ પણ એ દિવસે તદ્દન રૂઢિચુસ્ત રામનારાયણ શાસ્ત્રી નો એ ભારેખમ અવાજ ધ્રુજતા ડૂસકમાં ફેરવાઈ ગયો હતો.
હોસ્પિટલમાં પહોંચીને એ દિવસેએ રૂઢિચુસ્ત બ્રાહ્મણ દીકરીના કપાયેલા પગ ને જોઈને ભૂતકાળમાં એ જે ઘોડી ઘોડી હાથી હાથી રમતી એ યાદ કરીને જે રડ્યા જે આક્રંદ કર્યું એ જોઈ હોસ્પિટલ ના અન્ય લોકોની આંખો પણ ભીની થઇ ગઇ હતી. રેણુકા બેન અને શાસ્ત્રી જી ગાર્ગી ને એ દિવસે ઘેંઘુર વડલા જેવા લાગ્યા હતા.
પછી તો ગાર્ગી ના જીવન મા પતિ, માં, બાપ, ફ્રેન્ડ અને એક ભાઈ નિલ મળી ગયો હતો. ગાર્ગી અને સિદ્ધાર્થ ફરી એક વાર સુખી જીવન જીવવા લાગ્યા. નિલ ઘણી વાર બહેન ને મળવા આવતો રહેતો. ગાર્ગી એ એક પગ ગુમાવીને જીવનની હજારો બાબતો એક સાથે સમજી હતી અને એક પગ ના બદલે એને બધા સાચા સંબંધો ની ખાતરી થઈ હતી.
એ દિવસે રક્ષાબંધન હતી. નિલ વહેલી સવારે બહેન ના ઘરે પહોંચી ગયો હતો. રાખી બંધન થયા પછી એ નીકળ્યો ત્યારે ગાર્ગીએ એને રોક્યો
” નિલ”
દરવાજેથી પાછા ફરતી વખતે એ બોલ્યો ” હા દીદી….”
” આજે નિયતિ વિશે કાઈ નઈ પૂછે…..?!” ગાર્ગી ના ચહેરા ઉપર એક સ્મિત હતું….

-વિકી ‘ઉપેક્ષિત’

Comment here