ન્યાય અન્યાય

કોર્ટમાં લાલુ ઉર્ફે લાલસિંહ અને ખાન ઉર્ફે યાકુબ ખાન ને હાજર કરવાના હતા. ઇન્સ્પેક્ટર ભારદ્વાજ બન્ને ને પોતાની જીપમાં લઇ આવ્યો. જીપમાંથી ઉતરતાં જ ભારદ્વાજ એ બન્ને ગુંડાઓને હડધૂત કરીને કોર્ટમાં લઈ જવા લાગ્યો.
યાકુબ ખાન તો સીધો ચાલતો હતો પણ લાલસિંહ ને ડફણાની જરૂર હતી. ભારદ્વાજે લાલસિંહ ને કોલર પકડીને ખેંચવા મંડયો. લાલસિંહ એની વિકરાળ આંખોથી ઇન્સ્પેક્ટર ઉપર આગ વર્ષાવતો હતો.
” ઇન્સ્પેક્ટર તું હવે નઇ બચે….. લાલુ ….. લાલુ થી દુષમની વહોરી છે તે….. ”
” એ બધું કોર્ટમાં કહેજે ” ભારદ્વાજ અટક્યા વગર એને ખેંચતો હતો.
લોકો જોઈને અચરજ પામતા હતા. લાલસિંહ નામ પડતા જ ભાવનગરમાં ધોળે દા’ડે લોકો ધ્રુજી ઉઠતા. કોઈ એવી દુકાન, ગલ્લો, સો- રૂમ, ફેકટરી બાકી નહોતા જેનો માલિક લાલસિંહ ને હપ્તો ન આપતો હોય.
એક વાર એક નવા દુકાનદારે યાકુબ ખાન ને હપ્તો ન આપવાની ભૂલ કરી હતી અને લાલસિંહે આવીને એને ઢોર માર માર્યો હતો. એતો એના નસીબ સારા હતા કે લાલસિંહ એ દિવસે પીધેલો નહોતો બાકી એના રામ રમી જાઓત એ દી તો.
લાલસિંહ એની ખુલ્લી જીપ્સી લઈને ભાવનગરની બજારમાંથી નીકળતો કે બધા વાણીયા વેપારી તો એને સલામ કરતા. મનમાં ઘણી ગાળો દેતા પણ બાપ પાણીમાં રે’વું ને મગરથી વેર એ ન પોષાય.
એવા દુષ્ટ દયાહીન લાલસિંહ ને નવો આવેલો ઇન્સ્પેક્ટર કોલરથી પકડીને ખેંચતો જોઈને લોકો મનોમન રાજી થતા હતા. કેમ ન થાય ! કેટલાય માણસોને ખાન અને લાલાએ મોત ની ભેંટ આપી હતી. કેટલાંયના છોકરાઓ ઉઠાવી મારીને ફેંકી દીધા હતા. ઘણી વાર જૂની માર્કેટના પાછલા ભાગે લાસ મળતી. આખા ગામને ખબર પડતી કે આ કામ હરામી લાલુ કે ખાન નું જ હશે. પણ શું કરે બિચારા ? જો ગવાહી આપવા જાય તો એ માણસ પણ બીજા દિવસે માર્કેટ ના પાછલા ભાગે સૂતો હોય.
લાલસિંહની નજર લોકોના ચમકતા મોઢા ઉપર જતી હતી ત્યારે લોકો હસવાનું રોકી ઉદાસ દેખાવાનો ઢોંગ કરતા હતા. એ બધા ને લાલુની આંખ એમના ઉપર કરડી થાય એ પાલવે એમ નો’તું. પણ લાલસિંહ પોતાનો દબદબો ઘટતો હતો એ સમજતો હતો.
” ઇન્સ્પેક્ટર તું નવો છે તને ખબર નથી તું સિંહ ના મોઢામાં હાથ નાખે છે ” લાલસિંહ બરાડયો.
” મને આદત છે ” ભારદ્વાજે કડવું હસીને કહ્યું.
” તું માર્યો જઈશ ઇન્સ્પેક્ટર….. હું તને ફાડી ખાઇશ….”
” લાલુ ભસ્યા કૂતરા ને મેં કરડતા નથી જોયા કદી ” ઇન્સ્પેક્ટરે સામે ત્રાડ પાડી.
લાલુ અને યાકુબ ને કોર્ટમાં હાજર કર્યા. ઇન્સ્પેક્ટરે બધી વિગતનું બયાન જજ ને આપ્યું પણ છેલ્લી ઘડીએ લાલસિંહ થી ગભરાઈને વેપારીએ બયાન બદલી દીધું. લાલુ એ વેપારી પાસ થી હપ્તો ઉઘરાવતો હતો અને એજ સમયે ઇન્સ્પેક્ટર ભારદ્વાજે એને ઝડપી લીધો હતો. ઇન્સ્પેક્ટર શહેર માં આવ્યો ત્યારનો લાલસિંહ ને પકડી લેવાની કોશિશ માં હતો. પણ એને કોઈ મોકો નહોતો મળતો. અને જ્યારે મોકો મળ્યો ત્યારે વેપારી ડરીને બયાન બદલી ગયો. વેપારીએ બયાન બદલતા કહ્યું કે લાલ સિંહ પાસેથી એણે ઉછીના લીધેલા પૈસા એ પરત કરતો હતો અને સાહેબે એને પકડી લીધો.
લાલસિંહ અને ખાન બન્ને નિર્દોષ છૂટી ગયા. ઇન્સ્પેક્ટર સાચો હોવા છતાં એનું કાઈ ચાલ્યું નહિ. ઉપરથી લાલુના લાગ વાળા પત્રકારોએ આડા અવળા સવાલ કરીને ભરદ્વાજને પરેશાન કરી દીધો.
ભારદ્વાજ એ દિવસે સિધોજ ઘરે ચાલ્યો ગયો.
***
યાકુબ છૂટી જવાની ખુશીમાં બે કોટર (હાફ બોટલ ઓફ વાઈન) ખાલી કરી ગયો. લાલસિંહે પણ ગણ્યા વગર જ દારૂ ઢીંચયો હતો પણ ખુશીમાં નઇ પોતાને કોઈ પોલિશ ઇન્સ્પેક્ટર પહેલી વાર જાહેરમાં કોલરથી પકડ્યો હતો એના રોશમાં.
” ખાન ચાલ સાલાને ટપકાઈ દઈએ ” દાંત ભીંસીને લાલસિંહ બોલ્યો.
” ઓય લાલ કા બચ્ચા તું મરના માંગતા ક્યાં ? વો ઇન્સ્પેક્ટર કા બચ્ચા કોઈ આમ આદમી નઈ ” યાકુબ ખાન એને શાંત કરવા બોલ્યો.
” તો હું એ પત્રકાર ને ઠોકીશ જે કોર્ટ બહાર મારા ઉપર હસતો હતો ” લાલસિંહે ગન નીકાળી.
” અરે લાલ તું હમકું માર ડાલ તેરે
તેરે કલેજે કો ઠંડક હો જાયેગી લેકિન અભી મામલા ઠંડા પડને દે મેરે યાર ”
” તું આતા કી અપૂન એકલા જાના માંગતા ?” અભણ લાલસિંહ તૂટી ફૂટી હિન્દી માં બરાડી ને ઉભો થઇ ગયો.
યાકુબ ચતુર હતો એ કોઈ પણ કિડનેપિંગ મર્ડર એવી રીતે કરતો કે કોઈને શક કે સબૂત ન મલે. પણ લાલસિંહ નર્યા ઘમંડ નો માણસ હતો એ ધોળા દિવસે ખૂન કરતા પણ અચકાતો નહિ. યાકુબ એને સમજાવતો પણ આજે લાલસિંહ નો રોષ જોઈ એ સમજી ગયો હતો કે લાલસિંહ ની ગન લોહી વગર શાંત નહિ જ પડે એટલે એ ચુપચાપ લાલસિંહ ની ખુલ્લી જીપ માં બેસી ગયો.
સાંજ પડી હતી. ધીમે ધીમે અંધારું થતું હતું. લાલસિંહ એની લાલચોળ આંખોથી આમ તેમ નજર કરતો ગાડી હંકારતો હતો. અચાનક એને પેલો પત્રકાર નજરે ચડ્યો. લાલસિંહ ગાડીને બ્રેક લગાવી ગન નીકાળી એની તરફ ભાગ્યો. પત્રકાર શ્યામુ કાઈ એક્શન લે એ પહેલાં તો સૂમસામ ગળી નો ફાયદો લઈ લાલસિંહે એની છાતીમાં ગોળીઓ ઉતારી દીધી. શ્યામુ ત્યાંજ ઢગલો થઈ ગયો.
યાકુબ દોડતો આવ્યો.
” લાલ કા બચ્ચા ઇધર કયું મારા તું ને ? ઇશકુ ઉઠાકે અપને ઠીકાને પે લે જા કે ઠીકાને નઇ લગા શકતે થે ક્યાં ? ”
” તું ચૂપ મર સાલા ફટતું….. નહિ તો તનેય કાલે આ પત્રકાર સાથે ટીવી ઉપર બતાવશે ….. મરેલો…..”
” મેં ડરતાં નહિ હું લાલસિંહ મેં પઠાણ હું ….. લેકિન ઇધર કોઈ દેખ લેગા તો લેને કે દેને પડ જાએગે ” યાકુબ ખાન એનું વાક્ય પૂરું કરે એ પહેલાં તો લાલસિંહ ગળી બહાર દોડી ગયો.
યાકુબ ને ખાતરી થઈ ગઈ કે હવે એ બન્ને બચવાના નથી. લાલસિંહ એના ભારી શરીરને લીધે વધારે દોડી શક્યો નહિ. યકુબે એને પકડીને પૂછ્યું
” અબ ક્યાં હુવા ? કિસને દેખા ?” ચિંતાતુર અવાજ કાને પડતા લાલસિંહ પણ ગભરાઈ ગયો.
” બુઢા ….. ડોશલો એક ડોશો જોતો હતો આપણને અને હું એને પકડું એ પહેલાં સાલો નીકળી ગયો. ” શ્વાસ લઈને ફરી એ બોલ્યો ” જો જાય એ ”
યાકુબે એ તરફ નજર કરી એક વૃદ્ધ વ્યક્તિ લાકડીના ટેકે જતો હતો. યાકુબે જોયું કે ત્યાં તો માણસોના ટોળાં હતા. ત્યાં એને મારીને બચી શકાય નહીં.
” લાલ તું ધીરજ રખ ઇધર ઇશકુ નઇ ઠોક શકતા હમ ” લાલસિંહના હાથ માંથી ગન લેતા એ બોલ્યો ” ઇશકુ હમ ફોલો કરતા ઘરપે જાકે ઇશકુ ઓર ફેમિલી કો ટપકા દેતા ક્યાં બોલતા ?”
” બરાબર હે ખાન ” કહી લાલસિંહ એની ગાડી ત્યાં ગળી બહાર પડતી મૂકીને એ વૃદ્ધ માણસ પાછળ જવા લાગ્યો.
અશક્ત વૃદ્ધ કાકા બિચારા ઝડપી ચાલી નહોતા શકતા એટલે થોડી જ વાર મા યાકુબ અને લાલુ બંને એની નજીક પહોંચી ગયા અને 20 ફૂટ જેટલું અંતર રાખી એનો પીછો કરવા લાગ્યા. ગાડીઓ ની અવાર જવાર અને માણસોના ટોળા હતા. ધીમે ધીમે અંધારું થતું હતું. પેલા કાકા એમના રોજિંદા રસ્તા ઉપર ધીરે ધીરે લાકડીના ટેકે ચાલતા હતા.
એક મોટું ઘર આવ્યું કે એ કાકા એ ઘરના દરવાજે ઉભા રહ્યા. ઘડીભર દરવાજાનો ઓગળો શોધ્યો અને પછી દરવાજો ખોલ્યો. અંદર ગયા એટલે પેલા બે યમરાજ પણ એમની પાછળ અંદર ઘુસ્યા. કાકા મકાનમાં પ્રવેશ્યા કે તરત યાકુબે એમના લમણે પિસ્તોલ ધરી કહ્યું
” અબે બુઠે અંદર કોન હે ?સબકુ બહાર બુલા ”
” દીકરા શુ જોઈએ છે તારે ?” અનુભવની સરવાણી જેવો શાંત અવાજ આવ્યો.
” તેરી જાન ” યકુબ હસ્યો અને લાલુ સામે જોયું.
” આ પિસ્તોલ હટાવીને જલ્દી સંતાડી દે તારે જે જોઈએ એ હું આપીશ મને ખબર છે તારે પૈસાની જરૂર હશે બેટા કોઈ હોસ્પિટલ માં હશે પણ તું આ પિસ્તોલ હટાવી લે અને મારા ઘરમાં મિત્ર બનીને આવ મારો દીકરો તને મદદ કરશે ”
” અબે સાલે તેરેકો ભેજા હૈ કી નઇ ? મોત તેરે પીછે ખડી હે ઓર તું……” યાકુબ વાક્ય પૂરું કરે એ પહેલાં તો એના માથા માંથી એક બુલેટ પસાર થઈ ગઈ.
” નઇ ભારદ્વાજ …..” કાકાએ બૂમ પાડી.
” હે ભારદ્વાજ…..?” લાલુ યાકુબ ના હાથ માંથી ગન લેવા ભાગ્યો પણ ગન સુધી પહોંચે એ પહેલાં તો એના ભારેખમ શરીરમાં ઇન્સ્પેક્ટર ભારદ્વાજની ગન ની બાકીની પાંચ બુલેટ ઉતરી ગઈ હતી. લાલસિંહ ચિત્કાર કરતો ભારે આખલાની જેમ પટકાયો. એના માસ ખાધેલા અને દારૂ પીધેલા શરીર માંથી વહીને લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું.
” દિકરા એને પૈસાની જરૂર હશે તું….”
” અરે પપ્પા તમને ખબર નથી આ બે ગુંડા છે. ખાલી ડરાવિને પૈસા લેવા નથી આવ્યા. બદલો લેવા આવ્યા છે. અને તમને કેટલી વાર કીધું કે તમને દેખાતું નથી તો એકલા બહાર શુ કામ જાઓ છો ?”
ભકરદ્વાજ ના અંધ પિતાજી ચુપચાપ ત્યાં જ ઉભા રહ્યાં. ઇન્સ્પેક્ટરે કન્ટ્રોલરૂમ માં ફોન કરી બીજી પોલિશ બોલાવી અને પંચનામું કર્યું. અને ભકવનગરમાંથી બે ગુંડા લાલસિંહ અને યકુબખાન નો ભય નીકળી ગયો.
લાલસિંહ અને યાકુબ નું પાપ વધી ગયું હતુ એટલે કુદરતે એ બન્નેને કુમતિ સુજાડી હતી નહિતર એ અંધ કાકાએ તો ખુન થતું જોયું જ નહોતું. એ દિવસે જ ઇન્સ્પેક્ટર પોતાના અંધ પિતાને શોધવા બહાર ગયો હતો અને જયારે ઘરે આવ્યો ત્યારે યાકુબે પોતાના પિતાને ગન ધરેલી છે એટલે એ બન્ને મારા પિતાજીને મારીને બદલો લેવા આવ્યા છે એમ ધારી લઈ બન્ને ને મારી નાખ્યા. પણ ઇન્સ્પેક્ટર કે લાલસિંહ કે યાકુબ કોઈ નહોતું જાણતું કે એ બંને ના પાપ નો ઘડો છલકાયો હતો એટલે કુદરતે જ એ બે ને અહીં ખેંચી લાવ્યા હતા. લાલસિંહ અને યાકુબ હજાર વખત કોર્ટ માંથી છટકી ગયા હતા પણ ઈશ્વરના દરબરમાંથી એ છટકી શકયા નહિ.

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here