the fan a madness ધ ફેન એ મેડનેસ

ધ ફેન એ મેડનેસ ( પ્રકરણ 2 )

પ્રકરણ 2

જીપ જ્યારે મારા ઘર આગળ ઉભી રહી ગરમી ખાસ્સી ચડી હતી પણ પાછળની નદીમાં વહેતા પાણીમાંથી આવતો પવન હજુ ઠંડો હતો. ડ્રાઇવરે ટર્ન લઈને ગાડી વળતી કરી. ઇન્સ્પેકટર આનંદ સિવાય અમે બધા નીચે ઉતર્યા. આ વખતે આગળ એકની જગ્યાએ બે કોન્સ્ટેબલ હતા. એ બંને કોન્સ્ટેબલ ઉતરીને ઇન્સ્પેક્ટરની સૂચના લેવા માટે પાછળ આવી ઉભા રહ્યા.

“ઈસુદાન, જીવરાજ તમારે બંનેને અહીં રહેવાનું છે. કાલે સવારે દસ વાગ્યે હું આવીશ ત્યાં સુધી ધ્યાન રાખજો…” ઈન્સ્પેકટરે બંને કોન્સ્ટેબલોને સુચના આપી ત્યારે હું સમજી ગયો કે ઇન્સ્પેકટર આનંદ અહી નથી રોકાવાના. જોકે એ બાબતે મને કોઈ ફેર પડવાનો નથી એ ચોક્કસ હતું પણ કમ-સે-કમ એક ઈન્સ્પેકટરને મારા ઉપર વિશ્વાસ તો થયો હતો!

“જી સાહેબ…” બંને કોન્સ્ટેબલ અદબભેર સલામ કરી બોલ્યા.

“ચલ ઉદય…” ઇન્સ્પેક્ટરે ડ્રાઇવરને કહ્યું એ સાથે એન્જીનનો અવાજ આવ્યો. પણ ગાડી નીકળી જાય એ પહેલાં જ મેં એમને રોક્યા.

“આ હથકડી ?” હું કહેવા માંગતો હતો કે આ હાથકડી કેમ ખોલી છે? હું રાત્રે ભાગી જઈશ તો ? પણ એ પહેલાં જ ઇન્સ્પેકટર આનંદે જવાબ આપી દીધો.

“મને ખબર છે કોઈ કયાય ભાંગીને જવાનું નથી…”

મારે વધારે સવાલ કરવા હતા કેમ કે મારા ઉપર સરકારી ખાતામાંથી કોઈ એક વ્યક્તિએ જ વિશ્વાસ કર્યો હતો પણ એ પહેલા બોલેરોએ સ્પીડ પકડી લીધી હતી.

હું બંને કોન્સ્ટેબલ સાથે કમ્પાઉન્ડમાં દાખલ થયો. ટોમી દોડતો આવીને મારા પગ આગળ બેસી ગયો. મારી પાસે એ આળોટવા લાગ્યો. ઘણા દિવસે એણે મને જોયો હતો. મારા વધેલા દાઢી, મુછ, વાળ, સૂજેલી આંખો અને ચહેરા પરના ઘા જોઈ ટોમી ગજબ રીતે વર્તન કરતો હતો.

“હેય ટોમી… ગુડ બોય…” મેં નીચે બેસી એના માથા ઉપર હાથ ફેરવ્યો. એના એ સુંવાળા વાળમાં મેં હજારો વાર હાથ ફેરવ્યો હતો પણ આજે કદાચ એ સ્પર્શમાં વધારે પ્રેમ હતો કેમ કે સદાય સાથે રહેનાર ટોમીને હવે મારે છોડવાનો હતો.

ટોમીને લઈને હું ઘર તરફ ગયો. જ્યાં રોજ મારી સ્વીફ્ટ ઉભી હોતી એ ન દેખાઈ. ક્યાંથી દેખાય એ તો પોલીસના કબજામાં હતી! કેબીનમાં ઉભું એવેન્જર બાઈક જાણે સેકંડ હેન્ડ હોય એમ ધૂળમાં ભરાઈ ગયું હતું. ડેમ પરથી આવતો પવન ધૂળ લઈને આવે અને આખા ઘરના બહાર એ ધૂળ પથરાઈ જતી. એ બાઈક મારું મનપસંદ બાઈક હતું. ઘણીવાર હું ટી-શર્ટ ઉપર ખુલ્લો શર્ટ રાખી ક્રૂક સ્ટાઈલમાં એવેન્જર પર આંટો લગાવી લેતો.

મેં દરવાજા તરફ નજર કરી. દરવાજો લોક વગર જ બંધ કરેલો હતો. દરવાજો ખોલી મેં ટોમીને અંદર જવા કહ્યું અને બંને કોન્સ્ટેબલોને અંદર આવવા કહ્યું.

કોન્સ્ટેબલોને મેં અંદરથી બે ચેર લાવી આપી ત્યાં સુધી એ મારું ઘર જોતા હતા એ મેં ધ્યાનમાં લીધું. એ ભવ્ય મકાન કોણ ન દેખે? મારી મહેનતનું એ ફળ હતું પણ હવે આ ઘર મારા માટે કઈ કામનું ન હતું. કમબખ્ત સાત વર્ષની સજા તો ઓછામાં ઓછી પડવાની હતી. એમાં આ ઘર જે અત્યારે લેટેસ્ટ ફેશનનું ગણાય એ સાત વર્ષ પછી ઓલ્ડ અને તૂટેલું થઈ જશે…!!

કોન્સ્ટેબલો ખુરશી લઈને બહારના ગાર્ડન રૂમમાં ગયા પછી હું અંદર ગયો.

ટોમી મારી આજુબાજુ ફરતો હતો. એ કૂતરો ગજબ હતો. એને કદાચ એનો મિત્ર કાલથી અહીં નથી રહેવાનો એવો અંદેશો આવી ગયો હશે કે કેમ પણ એ મને વ્હાલ કરી રહ્યો હતો.

હું જઈને સોફા ઉપર બેઠો. એટલા દિવસથી જે સફર ખેડી હતી અને ત્રણ દિવસથી જેલની કઠોર દીવાલોમાં જે મારો દમ ઘૂંટાયો હતો એ પછી મને ઘરે અપાર રાહત થઇ.

મને ખબર હતી કે હમણાં મારા બંને ભાઈઓ, શીતલબેન, લાલો, રાજ, રાહુલ, રિના અને પારેખ આવી પહોંચશે પછી સવાલો શરૂ થઈ જશે જેના કોઈ જવાબ હું આપી શકું એમ નથી કેમ કે મેં મારા મનમાં મારા હૃદયમાં એક રહસ્ય સાચવીને રાખ્યું હતું. પારેખ સિવાય એ રહસ્ય વિશે કોઈને ખબર ન હતી. મેં પારેખને સોગંધ દીધા હતા કે એ રહસ્ય કોઈ સામે છતું કરવાનું નથી ને પારેખ મને સમજ્યો હતો. એ મીલીટરી કાળજાનો પારેખ અદભુત માણસ હતો!!

મારે કોઈ ખાસ કાગળો ઉપર સહી કરવાની હતી જ નહી. માત્ર વકીલને બોલાવી પાવર ઓફ એટર્ની બનાવી લેવાનો હતો. એ કામમાં ખાસ સમય લાગે એમ ન હતો એટલે હું બેસી રહ્યો. નીચેના ચારેય રૂમ, હોલ અને ઉપરના બે રૂમ, મારી નોવેલનું કલેક્શન, ટોમી અને ભાઈઓ સાથેના ફોટા, મારા ચાર્ટ, કબાટ ભરીને મુકેલા કાચા કામના કાગળિયાં, મિત્રોએ આપેલી ગીફ્ટ દરેક વસ્તુને મેં માત્ર જોઈજ નહી પણ આંગળીઓના સ્પર્શથી એની આખરી સ્મૃતિ મારા હૃદયમાં સમાવી લીધી ત્યારે મારી આંખો ભીની થઇ આવી.

થોડીવારે વોશરૂમ જઇ મેં મો હાથ ધોયા. ટુવાલથી મો લૂછી મેં મારો ચહેરો અરીસામાં જોયો. `

આ બધાની શરૂઆત આ જ ઘરથી થઈ હતી. સુખથી છલોછલ ભરાયેલું મારું જીવન વીસેક દિવસમાં આખુય ધરમૂળથી બદલાઈ ગયું. એ દિવસે એ સપનું આવ્યું – હું જાગ્યો અને વોશરૂમમાં મો હાથ ધોઈ આ જ રીતે મારો ચહેરો મેં અરીસામાં જોયો હતો. એ દિવસે પણ આમ જ મારો ચહેરો ત્રણ ત્રણ દિવસથી ન્હાયા વગર વિચિત્ર લાગતો હતો…

હું ઝબકીને એ સપનામાંથી જાગ્યો હતો

ત્યાં કોઈ ગજબની રિંગ વાગતી રહી….

ટ્રીન…. ટ્રીન…. ટ્રીન….. ટ્રીન…..

મેં આમ તેમ નજર કરી. હું મારા રૂમમાં જ હતો. એ જ મખમલી રજાઈ મારી છાતી ઉપર હતી. ઠંડો પવન હજુ સુઈ રહેવાનું કહેતો હતો. એલાર્મ સવાર પડ્યાની ચેતવણી આપી રહ્યું હતું. મારી પથારી પાસે સોફા ઉપર ટોમી ઊંઘયો હતો. મને એમ એકાએક બેઠો થયેલો દેખી એણે પણ ડોક ઊંચી કરી અને મારી આંખોમાં જોયું. મેં  રજાઈ બાજુ પર કરી અને આંખો ચોળી વાળમાં હાથ ફેરવ્યો. હાથ લાંબો કરીને એલાર્મ બંધ કર્યું.

તો આ સપનું હતું..! મને અપાર રાહત થઈ. મેં ટોમીને ઈશારો કર્યો અને એ ઉછળીને મારા ખોળામાં આવી બેસી ગયો.

એના રેશમી વાળવાળા માથા ઉપર હાથ ફેરવી મેં કહ્યું, “ટોમી ઊંઘ આવી હતી?”

હકારમાં એણે મારી છાતીએ માથું ભીંડાવ્યું.

“ટોમી, તારા મિત્રને આવા સપના કેમ આવે છે? ક્યારેય સારા સપના કેમ નથી આવતા? હું પાગલ તો નથી થઈ ગયો ને? બ્લડી વિજનર મી.” હું બબડ્યો.

ટોમી મારી એ વાત સમજ્યો નહિ કે પછી એ સમજ્યો હશે એની જાણ મને ન થઈ પણ એ મને એમ જ વળગીને રહ્યો.

થોડીવાર એ એમ જ રહ્યો પછી એ કુદકો મારી બેડ ઉપરથી નીચે ઉતરી ગયો. એની રુંવાટી અને ભૂરા લાંબા વાળ સૂર્યના કિરણોમાં ચમકવા લાગ્યા. મે બારી તરફ જોયું. કાચમાંથી સૂરજના કિરણો અંદર આવતા હતા. મેં આળસ મરડી ઉભા થવાની કોશિશ કરી પણ હજુ મારો પગ દુઃખતો હતો. સાચવીને પાટો બાંધેલો પગ મેં નીચે મુક્યો. પથારી પાસેથી વોકિંગ સ્ટીક ઉઠાવીને હું સ્વીચ સુધી પહોંચ્યો અને લાઈટ બંધ કરી.

સ્વીચ બોર્ડ નીચે ટેબલ ઉપર ટોમી માટે પેડિગ્રીના પેકેટ પડ્યા હતા એમાંથી બાઉલમાં પેડિગ્રી લીધા અને જમીન ઉપર બાઉલ મૂકીને કહ્યું.

“ટોમી….. બ્રેક ફાસ્ટ…” ત્યાં જીભ કાઢતો રાજી થતો ટોમી આવ્યો અને ખાવા લાગ્યો.

“ગુડ બોય…..”

ટોમી બહુ સમજદાર અને સહનશીલ હતો. હું કોઈ પણ ખાવાની ચીજો ખુલ્લી રાખતો પણ એ ક્યારેય અડકતો નહિ. હું એને આપું એ જ વસ્તુ એ ખાતો. એનું શરીર થોડું ભારે હતું. લાડ પ્યારમાં મેં એને ઉછેર્યો એટલે. ટોમી એક વર્ષનો હતો ત્યારે મેં પંજાબથી લાવ્યો હતો. આવ્યો ત્યારે ગલુડીયા જેવો જ હતો! ક્યુટ અને તોફાની પણ ધીમે ધીમે સમજુ અને ભયાનક બની ગયો.

આમ તો મેં નહોતો લાવ્યો પણ હું અહી એકલો રહેતો એટલે ચંડીગઠથી મોટા ભાઈએ મને મોકલાવ્યો હતો.

ટોમીનું નામ મેં પાડ્યું હતું. આમ તો જર્મન શેપર્ડના નામ લોકો અંગ્રેજીમાં રાખે છે પણ મને ગુજરાતમાં ચાલતા નામ ગમતા એટલે મેં એને ટોમી નામ આપ્યું. અને એક વર્ષમાં તો ટોમી સાથે મારી ઇન્ટિમસી બંધાઈ ગઈ! એના ઘાટા છીકણી ફર અને ક્યાંક ક્યાંક કાળા ફર એક વર્ષમાં લાંબા થઇ ગયા હતા. ટોમી હવે પુખ્ત કુતરો બની ગયો હતો. એના દાંત જોઈ મને ક્યારેક ડર પણ લાગતો!

ટોમી એનો નાસ્તો કરવા લાગ્યો એટલે સ્ટીકના સહારે હું બાથરૂમ ગયો. ન્હાવાની તો ડો. રિનાએ સ્પષ્ટ ના કહી હતી એટલે એ બધી ઝંઝટ આજે નહોતી.

એ પ્રીટી ગર્લ સમી ડો. રીનાએ સ્પસ્ટ કહ્યું હતું, “પાણી અડ્યું છે તો પાકી જશે… પછી મહિના સુધી ઘરમાં જ રહેવું પડશે અને મારું બીલ વધ્યા કરશે!”

ત્રણ દીસવથી હું ન્હાયા વગર જ હતો. મેં કાચમાં જોયું. મારા હાલ કોઈ શરાબીથી કમ ન લાગ્યા..! મેં માથું અને મો હાથ ધોયા. રિંગ ઉપર લટકતા ટુવાલથી હાથ મો વાળ લૂછી અને તેલ નાખી મેં માથું ઓળાવ્યું. સાબુની મને એલર્જી હતી. મો ધોતા જ આંખો લાલ થઇ જાય એટલે પાક્કો શરાબી જેવો મારો દીદાર બન્યો..!!

થોડો પાવડર લઈને ગાલ ઉપર લગાવ્યો જેથી ત્રણ દિવસ ન્હાયા વગર વાસ ન આવે !

કાચમાં જોઈ હું હસ્યો. પાવડર લગાવ્યા પછી પણ હું એટલો સ્વસ્થ ન લાગ્યો જેટલો હું સામાન્ય રીતે લાગતો કેમ કે ત્રણ દિવસથી ન્હાયા વગર હું થોડો અજીબ લાગતો હતો. પાવડર એ બધું છુપાવી ન શક્યો.

બાથરૂમમાંથી સ્ટીકના સહારે હું રસોડામાં ગયો અને ચા મૂકી. ચા મૂકીને મેં ખાનામાંથી બિસ્કિટ કાઢ્યા. ચા કપમાં રેડી અને બિસ્કિટની ડીસ લઈને હું ફરી બેડ પાસે ગયો. બેડ ઉપર કપ અને ડીસ મૂકી હું ગોઠવાયો અને ચા બિસ્કિટ ખાવા લાગ્યો.

ટોમી ક્યારનોય નાસ્તો પતાવી મારી સામે જોઈ બેઠો હતો. મેં છુટ્ટો બિસ્કીટ ફેંક્યો અને ગજબ ચપળતાથી ટોમી ઉછળ્યો. એના પગ જમીનને અડકે એ પહેલા એણે બિસ્કીટ કેચ કરી લીધો. હું રોજ એમ કરતો. મને એમાં મજા આવતી. રીના હોય તો એ દ્રશ્ય કેમેરામાં જીલવા માટે ટોમીને એવા સો બિસ્કીટ છુટ્ટા ફેંકે અને એક પરફેક્ટ ક્લિક એના આઈ.ફોનમાં ઝડપીને જ જંપે!

મેં નાસ્તો પૂરો કર્યો અને છેલ્લો બિસ્કીટ ફરી ટોમી સામે ફેંક્યો પણ એ કુદ્યો નહી એટલે હું સમજી ગયો કે એને બહાર જવું હશે.

“ટોમી, બસ નાસ્તો પૂરો થઈ ગયો એક મિનિટ.” કહી હું ઉભો થયો અને દરવાજા તરફ ગયો. દરવાજો ખોલ્યો કે તરત ટોમી બહાર નીકળી ગયો.

ટોમી અંદર ન આવે ત્યાં સુધી દરવાજો બંધ કરાય નહિ એટલે મારે દુઃખતા પગે પાંચ મિનિટ ત્યાં જ ઉભા રહેવું પડયું. ટોમી ડાહ્યો કુતરો હતો. એ જાણે મારી બધી જ તકલીફ સમજતો હોય એમ  તરત અંદર આવી ગયો.

દરવાજો બંધ કરી મેં ટોમીને કહ્યું, “ટોમી, તું અંદર ફર હું કામ કરૂં છું. થોડીવારમાં ડો. રિના આવશે. તું એ છોકરીની નજરે ના ચડતો નહિતર તને ઇન્જેક્શન લગાવી લેશે..”

ટોમી જાણે એ વાત સમજી ગયો હોય એમ સીડિઓ ચડીને ઉપરના માળે ચાલ્યો ગયો. ટોમી જયારે સીડીઓ ચડતો ત્યારે એના સુવાળા વાળ અદભુત રીતે હવામાં ફરફરતા અને એનું આખુયે ભરાવદાર શરીર વિચિત્ર રીતે જંપ કરતું એ જોવાની મને મજા આવતી. ટોમી જે રીતે રીનાની વાત સાંભળી તરત ઉપર જતો રહ્યો એ જોઈ હું હસ્યો, મને જ નહીં કૂતરાને પણ ઇન્જેક્શન અને ડોકટરનો ડર લાગે છે!

હસતો હસતો હું ફરી પથારીએ પહોંચ્યો અને રજાઈ સામટીને એક તરફ બેડના ખૂણે મૂકી. આમ તો શીતલબેન આવીને મારુ બધું કામ કરી જાય પણ મને આમ મારી રજાઈ જેવી વસ્તુઓ કોઈએ સામટવી પડે એ જરાય ન ગમે. બેશક પૈસા આપીને કામ કરાવતો હતો પણ એનો અર્થ એ નહોતો કે શીતલબેન મારા નોકર કે ગુલામ હતા. મેં પણ ગરીબી જોઈ હતી. શીતલબેનના લાલા જેવી જ ફાટેલી ચડ્ડી મેં પહેરી છે એ હું ક્યારેય ભૂલતો નથી! બસ ફરક એટલો જ કે લાલાને નવા કપડાં લેવા હું પૈસા આપું છું પણ મને કોઈએ નથી આપ્યા. હું સંઘર્ષ કરીને કમાયો છું. મેં શાકભાજી વેચી છે, દાબેલી પાઉંભાજીની લારી ચલાવી છે. એકાઉન્ટન્ટની નોકરી કરી છે પણ મને ક્યાંય કોઈએ ટકવા ન દીધો.

શાકભાજીની લારીમાં તો વેચાણ બરાબર ન’તું એટલે બંધ કરી. પઉભાજીની લારી મેં ત્રણ મહિના ચલાવી પણ જેવી એ જામી ગઈ કે દુકાનવાળાની નિયત બગડી અને એણે ભાડું ડબલ કરી દીધું…  કેટલા ચિપ માણસો હોય છે દુનિયામાં ?  બે હજાર ભાડું નક્કી કરીને મેં એની દુકાન આગળ લારી લગાવી, ભોગ આપ્યો, ત્રણ મહિના ગ્રાહક બાંધ્યા એટલે રણજીત દરબારે ભાડું પાંચ હજાર માંગ્યું!

મારે લારી બંધ કરવી જ પડી અને એ જ જગ્યાએ એણે લારી ચાલુ કરી. મારા બનાવેલ ગ્રાહકોમાં એ કમાવા લાગ્યો. ગ્રાહકો પણ એવા જ હોય છે. અહીં આ મલિક કેમ બદલાયો એ કોઈને નથી પડી બસ ખાવાની પડી છે!

ખેર એ પછી મેં કોલેજ પુરી કરી અને હું એકાઉન્ટટ બન્યો પણ એમાં ઓફિસના બીજા માણસોને હું ન ગમ્યો. ઝઘડા થયા અને નોકરી છોડવી પડી. શિક્ષક તરીકે પણ મને એવા જ અનુભવ મળ્યા. એમાય ફાવટ ન આવી. પછી તો મને થયું કે હું જ ખરાબ છું, મારામાં જ કંઈક ખામી છે એટલે જ મારે એવું થાય છે પણ એ ખોટું હતું. હું ખરાબ નહીં પણ સ્વમાની હતો. કોઈનું સહન શુ કામ કરૂં ?

એ પછી મેં મારા વિચારો લખવાનું શરૂ કર્યું. મેં મારા અનુભવ લખ્યા અને ફેસબુક ઉપર એ લેખ મુક્યા. લોકોને ગમવા લાગ્યા. એટલે કે મારા જેવા જ વિચારોવાળા હજારો લોકો ત્યાં હતા બસ મને જે ઓફિસમાં અને ધંધામાં મળ્યા એ જ હારામી હતા. ત્યાં જ મને એકવાર આઈ.ડી.યા. આવ્યો કે જો હું લેખક બનું તો કેમ ?  અને મેં લેખકનું બીડું ઉપાડી લીધું કેમ કે એમાં પોતાના મલિક પોતે જ ! ન કોઈની ખીટ ખીટ ન કોઈની ગુલામી !

મને એ ગમ્યું અને મેં એમ કર્યું ! હું લેખક બન્યો !

રજાઈ સામટી અને તકિયા ગોઠવી મેં બાજુના ટેબલ ઉપરથી લેપટોપ ઉઠાવી વાઇફાઇની સ્વીચ ઓન કરી.

લેપટોપ લઈ હું બેડ ઉપર ગોઠવાયો. ટોમી પણ આખા ઘરમાં આંટો મારીને આવી ગયો. એ સોફા ઉપર ચડી બેઠો. એ મારી સામે જોતો જીભ કાઢી હાંફતો હતો. એને એક સ્માઈલ આપી મેં લેપટોપ ઓન કર્યું.

લેપટોપ ઓન કરતા જ ઇ-મેઈલ અને ફેસબુક નોટિફિકેશનના ટોન ગુંજી ઉઠ્યા. પહેલા મેં ઇ-મેઈલ જોયા. ત્રણ ચાર ઇ-મેંઈલ હતા. એક ઇ-મેઈલ હતો ‘ધ નોવેલ પબ્લિશર’નો. મેં એ ઇ-મેઇલ પહેલા ખોલ્યો અને જોયું. મારી નવી નવલકથાનું ઇન્ટરીયર અને કવર ફિક્સ થઈ ગયું હતું અને નવલકથા પ્રિન્ટીંગમાં મોકલાઈ ગઈ છે એનું કન્ફર્મેશન કરતો ઇ-મેઈલ હતો. નીચે એટેચમેન્ટમાં કવર ફોટા પણ આપેલા હતા. મેં એટેચમેન્ટ ડાઉનલોડ કર્યું.

કવર મારા કહ્યા મુજબ જ બનાવ્યું હતું. નીચેના ભાગે ‘મૃગજળ’ લખેલું હતું. એક સ્ત્રીનો ચહેરો કવર ઉપર હતો. ચહેરો અલગ અલગ રંગોથી બનેલો હોય એવી એબ્સ્ટ્રેકટ તસ્વીર હતી. મને મારી નવલકથાઓના કવર જાતે જ પસંદ કરવાનો શોખ હતો. કારણ મેં જે લખ્યું હોય એનું એક આછું પ્રતિબિંબ હુબહુ દર્શાવી શકે એવી જ તસ્વીર હું પસંદ કરતો. મૃગજળના કવર પર અલગ અલગ રંગોથી બનેલા એ સ્ત્રીના ચહેરા પરથી એક અનુભવી સમજુ વાંચક સમજી જાય કે અહી સ્ત્રીના જીવનના અલગ અલગ પાસા, સુખ, દુ:ખ, મજબુરી આ અલગ અલગ રંગો દર્શાવે છે. ટૂંકમાં મૃગજળ નવલકથા કોઈ સ્ત્રીના સંસારિક જીવનમાં આવતા સુખ અને આપત્તિઓ વિષે હશે.

મને મૃગજળનું કવર ખૂબ જ ગમ્યું. એ મારી નવલકથાના વિષયને આબેહૂબ વર્ણવતું હતું !

મેં બીજા બે ઇ-મેઈલ જોયા પણ એ કોઈ કામના નહોતા. પછી છેલ્લો ઇ-મેઈલ જોયો.

“વિલ યુ પ્લીઝ રાઈટ એ સ્ટોરી ફોર મી?”

કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો. પણ ઇ-મેઈલનું નામકરણ વિચિત્ર હતું અને અંદર પણ કોઈ નામ લખ્યું નહોતું.

મેં નામ જોયુ પણ દેખાયું નહિ. ઇ-મેઇલ વિચિત્ર હતો અને અંદર પણ નામ હતું નહી. મને લાગ્યું કોઈ હશે આશિક. પોતાની વાહિયાત લવ સ્ટોરી લખવા મને ઇ-મેઈલ કર્યો હશે. મને એવા ઘણા ઇ-મેઈલ આવતા જેમાં કોલેજીયન છોકરા પોતાની લવ સ્ટોરી લખવા માટે કહેતા. મેં ઘણાની લવ સ્ટોરી સાંભળી હતી. વળતા જવાબ આપીને મેં એમને મારો નંબર આપ્યો હતો પણ જ્યારે વાત કરતો ત્યારે એ લોકો એવી વાહિયાત વાતો મારી આગળ રજુ કરતા જે મને જરાય પસંદ ન આવતી છતાં એક લેખક તરીકે હું ગાળ ન દઈ શકતો. ઘણી વાર સેક્સની માંગણી ઉપર થયેલા બ્રેકઅપ માટે મને એ લોકો સ્ટોરી લખવાનું કહેતા. આવી વાહિયાત વાત મારી આગળ કરવાની હિમ્મત ? પણ જાહેર જીવનમાં કોઈને અપશબ્દો બોલીને જવાબ આપી શકાતા નથી એ મારી મજબૂરી હતી.

એ પછી મેં ફેસબુક ઓપન કરી અને નોટિફિકેશન જોયા. મેસેજ જોયા. મને થયું આજે કોઈ કામ નથી તો લાવ આજે વાંચકોની કોમેન્ટ જોઈ લઉ. મેં છેલ્લે અપલોડ કરેલી ટૂંકી સસ્પેન્સ વાર્તા ખોલી અને એની કોમેન્ટ જોઈ!

સુપર્બ સર, શુ સસ્પેન્સ હતું ! કાતિલને જે રીતે પોલીસે શોધ્યો એનો આઈડીયા તો લેખકનો જ હતો ને ? કાશ તમારા જેવા પોલીસ અફસર હોય તો બધા ગુનેગાર પકડાઈ જાય ! આવી અલગ અલગ કોમેન્ટસ હતી.

મને બે ઘડી ગર્વ થયો કે હું સસ્પેન્સ લખવામાં માહિર છું !

મેં આગળની કોમેન્ટ જોઈ ! સર અશ્વિની ભટ્ટ અને હરકિસન મહેતા પછી તમારી નવલકથાઓ ગ્રીપવાળી હોય છે ! એ કોમેન્ટ વાંચી આપમેળે મારા હોઠ મલકયા !

“ટોટલી પ્રેડીક્ટેબલ…” કોઈએ લખ્યું હતું. એ કોમેન્ટ જોઈ હું સમજી ગયો આ માણસ દુશ્મન લેખકના કહેવાથી કોમેન્ટ કરવા આવ્યો છે. કેમ કે બીજી સો જેટલી કોમેન્ટો પોજીટીવ હતી તો એવું કઈ રીતે શક્ય છે કે કોઈ એક માણસને સ્ટોરી ન ગમે? હા એવું જરૂરી નથી કે મારી બધી સ્ટોરી સારી જ હોય પણ જો સ્ટોરી સારી ન હોય તો એ સો કોમેન્ટ્સમાંથી બીજી પણ નેગેટીવ કોમેન્ટ આવી હોત. કોઈએ એમ પણ કહ્યું હોત ‘આ સ્ટોરી બીજી સ્ટોરીઝ જેવી નથી…’ જો એવી બીજી કોમેન્ટ્સ હોત તો હું માની લોત કે ક્યાંક સ્ટોરીમાં નબળાઈ હશે. મને ખાતરી થઇ ગઈ કે આ કામ કોઈ હરીફનું છે પણ મને એનાથી કોઈ ફેર પાડવાનો નહોતો એટલે મેં આગળ નજર કરી.

આગળ એક કોમેન્ટ હતી “સર કાશ હું આ રીતે કિડનેપ થાઉં તો મજા આવે. પોલીસ ન શોધી શકે તો પણ તમે શોધી જ લો ! મને ખાતરી છે સર !”

હું હસ્યો. માણસ આ રીતે પણ ફેન બને ? એ કોઈ છોકરી હતી. મારે એને કૉમેન્ટનો રીપ્લાય આપવો પડ્યો.

“આઈ એમ નોટ ડિટેકટિવ. આઈ એમ અ રાઇટર !” એણીએ અંગ્રેજી લખ્યું હતું એટલે મેં પણ અંગ્રેજી જ લખ્યું.

મેં રીપ્લાય આપ્યો ત્યાં મારી નજરે એક બીજી કોમેન્ટ ચડી. એ છોકરીની કોમેન્ટ નીચે કોઈએ રીપ્લાય આપ્યો હતો “મેં આઈ હેલ્પ યુ ?”

ઘડીભર તાજ્જુબથી મારી આંખો પહોળી થઇ ગઈ. મેં નામ જોયું મૂળ કોમેન્ટ કરવાવાળી છોકરીનું નામ “ઇલા” હતું અને એને રીપ્લાય આપનાર “મારીયા” હતી.

મેં હજુ રીપ્લાય આપ્યો ત્યાં તો ઇલાનો જવાબ આવ્યો. “સર ! થેંક્યું સો મચ ફોર યોર રીપ્લાય.. આઈ એમ બિગ ફેન ઓફ યુ…”

“થેંક્યું…” કહીને મેં રીપ્લાય આપ્યો!

ત્યાં તો મેસેજ આવ્યો..

“સર પ્લીઝ તમે ઓનલાઇન જ છો, થોડીવાર વાત કરોને પ્લીઝ હું તમારી ફેન છું… ઇલા… હું ઈલા સિસોદિયા. પ્લીઝ સર!”

“ઓકે સ્યોર બોલો ઇલાજી !”

“સર પ્લીઝ મને ઇલા કહોને. તમે માન આપો એ મને ન ગમે!”

છોકરી વધારે પડતી ફેન લાગી. ઉંડેથી મને પણ ગમ્યું!

“ઓકે ઇલા સ્ટુડન્ટ છે તું?”

“હા સર ટી.વાય. બી.કોમ…. પી.ડી. માલવીયા કોલેજ ઓફ કોમર્સ.”

“ગુડ, વાંચવાની આદત સારી છે.”

“થેંક્યું સર! હું એકલી છું એટલે હું વાંચન તરફ વળી. મને બીજી છોકરીઓ જેમ ફરવું કે બોયફ્રેન્ડ જોડે ચેટ કરવી નથી ગમતી એક્ચ્યુલી મારે બોય ફ્રેન્ડ છે જ નહીં!” લખીને ઇલાએ બે ત્રણ ઇમોજી મોકલ્યા.

“ગુડ! પણ એકલી મતલબ?” કોઈ માણસ એકલું હોય તો મને એના વિશે પૃચ્છા કરી લેવાની આદત હતી. કદાચ કોઈ સ્ટોરીમાં કામ આવી જાય એ માટે.

“મતલબ મારે મમ્મી નથી સર!”

“સો સોરી ફોર ધેટ!”

“ઇટ્સ ઓકે સર!” હસતા ઇમોજી સાથે એનો જવાબ આવ્યો.

“મેચ્યોર છે તું, સરસ! અને પપ્પા?”

“પપ્પા તો છે સર પણ કલેકટર દિવસ આખો બીજી જ હોય!”

“ઓહ! આઈ સી.” ઘડીભર તો મને થયું કલેકટરની છોકરી મારી ફેન છે! વોવ! પણ મેં એને એવું કહ્યું નહિ.

“અને હા હું લેખક છું જાસૂસ નથી એટલે કોઈ કિડનેપ થાય તો પોલીસ જ હેલ્પ કરી શકે. આવી બાલિશ નાદાની નહિ કરવાની. આવા વિચાર કાઢી નાખજે ઓકે.” એક હસતા ઇમોજી સાથે મેં રીપ્લાય આપ્યો.

“ઓકે સર! પણ પોલીસ કરતા તમે હોશિયાર છો!”

“એવું તને લાગે છે ઇલા. લખવું અને કરવું એમાં ઘણો તફાવત છે ડિયર. હું લખી શકું કેમ કે લખવામાં ગન નહિ પેન પકડવાની હોય!” મેં એને પેન અને ગનનો ભેદ સમજાવ્યો.

“ઓકે સર થેંક્યું ફોર યોર રીપ્લાય.”

“રહેવાનું ક્યાં?”

“સર હું કાલાવાડ રોડ, વૈભવ રેસિડેન્સીમાં રહુ છું.”

“ઓકે સી યુ અગેઇન.”

“સી યુ ટેક કેર… વી આર વેઇટિંગ ફોર ન્યુ નોવેલ એન્ડ શોર્ટ સ્ટોરીઝ ટુ…”

મેં એના મેસેજ બોક્સને બંધ કર્યું. બંધ કરતા પહેલા મેં એની પ્રોફાઈલ જોઈ. આમ તો હું કોઈની પ્રોફાઈલ જોતો નહી પણ એ છોકરી કઈક વધારે જ વખાણ કરી ગઈ હતી એટલે જોઈ લીધું. એના પ્રોફાઈલમાં એક ક્લોઝપ ફોટો હતો. એક ભરાવદાર ગાલ વાળી, કપાળ ઉપર કટ કરેલા વાળ વાળી, ચહેરાથી જ સાવ માસુમ લાગતી ઓગણીસ વીસ વર્ષની છોકરીનો ફોટો હતો. મને ખાતરી થઇ એ એનો જ ફોટો હતો. એ જ ઈલા હતી. મેં એના ફોટા પાછળ બેક્ગ્રાઉન્ડ પર નજર કરી સુવાળા ઘાસના મેદાનમાં એ ઉભી હતી. ફોટાની પાછળ એક વિશાળ બંગલો હતો. એ જ કલેક્ટરનો બંગલો હશે એમ વિચાર્યું અને પ્રોફાઈલ બંધ કરી દીધી.

મેં લેપટોપ બંધ કર્યું ત્યાં એકાએક દરવાજો ખખડયો અને મેં દરવાજા તરફ જોયું!

***

તમને આ બે સેમ્પલ ચેપ્ટરસ ગમ્યા હોય તો ધ ફેન એ મેડનેસ  બુક તમે અમેજોન પરથી મેળવી શકો છો અથવા ત્રિવેદી પ્રકાશનના વોટ્સેપ નંબર ૮૧૫૪૯૭૩૧૫૦ ઉપર મેસેજ કરીને આ પુસ્તક મેળવી શકો છો. કેશ ઓન ડીલીવરીની સુવિધા પણ મળશે. પુસ્તકની કિંમત 350 rs છે પણ 100 rs ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  પુસ્તક મેળવવા માટે તમારું નામ, સરનામું, પીનકોડ અને મોબાઈલ નંબર લખીને ઉપરના નંબર પર વોટ્સેપ મેસેજ કરો.

Comment here