the fan a madness

ધ ફેન એ મેડનેસ ( પ્રકરણ 1 )

પ્રકરણ 1

સવારના દસનો સમય હશે પણ વાતાવરણમાં ગરમી ભળવા લાગી હતી. શિયાળો હજુ ઉતર્યો હતો. ઉનાળાના શરૂઆતના દિવસો હતા તે છતાં મારા ચહેરા ઉપર પરસેવાના બિંદુઓ ઉપસી આવ્યા હતા. ગાડી ખાસ્સી એવી સ્પીડમાં હતી તો પણ મને પરસેવો થતો હતો. લમણા ઉપરના ઘાને પરસેવો થતા બળતરા થતી હતી પણ હું પરસેવો લુછી શકું એમ ન હતો કેમ કે મારા હાથ ઉપર હથકડીઓ હતી. જે હાથ ઓટોગ્રાફ આપવા માટે ટેવાયેલા હતા એ હાથ ઉપર હથકડીઓ બાંધેલી હતી. પરસેવો થવાનું કારણ રાજકોટના વાહનોથી ભરચક વાતાવરણની ગરમી હતી કે હવે શું થશે એ ડર એ મને સમજાયું નહી.

બોલેરો જીપમાં મારી સામે ઇન્સ્પેકટર આનંદ બેઠા હતા. અર્ધા સફેદ વાળ અને ક્લીન દાઢી મુછવાળા ઇન્સ્પેકટર આનંદ અનુભવી પોલીસ અધિકારી હતા એવું એમના ચહેરા પરથી મને એરેસ્ટ કર્યો એ જ દિવસે લાગ્યું હતું. મને માણસને તાગી લેવાની આદત હતી – અનુભવ હતો. આમ પણ ત્યાં જે ઘટનાઓ બની હતી એ ઘટનાઓને નાથવા માટે કોઈ અનુભવી પોલીસ અધિકારીને જ નીમવામાં આવે એ સ્વભાવિક હતું.

મને થોડા દિવસો અગાઉ જ્યારે ગીરના જંગલોમાં બાંધવામાં આવ્યો હતો ત્યારે પ્લાસ્ટિક હેન્ડ-કફના લીધે ઘા પડ્યા હતા એ હજુ એમના એમ હતા. ક્યાંક ક્યાંકથી ચામડી ઉતરેલી હતી. એ ઘા ઉપર સ્ટીલની હાથકડીઓ અથડાતી હતી ત્યારે બળતરા થતી હતી.

જીપ રાજકોટ શહેરની વચ્ચો વચ્ચથી પસાર થઈ રહી હતી. જીવનમાં પહેલીવાર હું હથકડીઓમાં હતો. હું કોઈ ગુનેગાર ન હતો એટલે પોલીસ જીપમાં મને જોઈ લોકોના મોઢામાંથી ઉદગાર નીકળતા હશે! લોકો મારા વિશે અવનવી અટકળો બાંધતા હશે એનો મને અંદાજ હતો. જોકે એ બાબતોથી મને કોઈ ફેર પડવાનો નથી એમ વિચારી હું બહાર જોવાને બદલે હથકડીઓ સામે તાકી રહ્યો હતો.

મને લોકોની પરવાહ ન હતી છતાં કોઈ પણ વ્યક્તિ માટે હથકડીઓવાળા હાથે પોલીસ જીપમાં કોર્ટે જવું એ કપરી વાત તો હતી જ. મને ખબર હતી કે મારી વિનંતીથી ઇન્સ્પેકટર આનંદ મારા હાથ ખોલીને મને બાઈજ્જત કોર્ટ સુધી લઈ જવાના નથી. કારણ એ લોકોને ખબર હતી કે હું ટ્રીકી માણસ છું. ક્યારે હાથમાંથી છટકી જઈશ ને ક્યારે ફરી એ ચોર પોલીસની રમત શરૂ થઈ જશે એ નક્કી ન કહેવાય. એટલે મેં હાથ ખોલવા વિનંતી ન કરી. આ સમાચાર આખાય રાજકોટમાં વિજળી વેગે ફેલાઈ ગયા હશે એની મને  ખાતરી હતી.

“આ બધું કરવાની શી જરૂર પડી?” ઇન્સ્પેકટર આનંદે મને વિચારોમાં ખોવાયેલો જોઈ પૂછ્યું, “હવે વિચારવાનો શુ મતલબ છે? હવે અફસોસ કરવાથી કઈ વળવાનું નથી. એ હાથકડીઓ જોવાથી હવે ભૂતકાળ નથી બદલવાનો..!”

“ઇન્સ્પેકટર એ બધું તમે નથી સમજી શકવાના અને સમજી શકો તો પણ તમે મારી કોઈ મદદ નથી કરી શકવાના તો પછી ખોટી વાતચીતનો શુ અર્થ?” મેં હસીને કહ્યું. મારો અર્થ જરાય એમના અપનામનો ન હતો પણ પરિસ્થિતિ જ કઈક એવી રચાઈ હતી કે શબ્દોમાં કહેવાથી એ માત્ર કાલ્પનિક વાર્તા જ લાગે. આમેય ઇન્સ્પેક્ટર મને એ સવાલો પહેલા પૂછી ચુક્યા હતા.

હું જાણતો હતો કે મારા ઉપર ચાર હત્યાઓનો, એક કિડનેપિંગનો અને એક ષડયંત્રનો આરોપ હતો એટલે દલીલોને કોઈ અવકાશ નથી.

“પૈસા પડાવવા આ બધું કર્યું?” ઇન્સ્પેક્ટરે જરાક આંખો ઝીણી કરી બીજો સવાલ કર્યો.

“ઇન્સ્પેકટર…” હું ઊંચા અવાજે બોલ્યો, “તમે કઈ જાણતા નથી તો તમારું કામ કરો. મને કોર્ટમાં હાજર કરવાનું કામ તમારું છે એ સિવાય તમારે કઈ પૂછવાની જરૂર નથી.” મને એમના સવાલ ખૂંચતા હતા કેમ કે એ ઇન્સ્પેકટર આખીયે કહાનીથી અજાણ હતા. પોલીસ હોવાને લીધે મારા ઉપર લાગેલા આરોપને એ સાચા જ માને એમાં કઈ બેમત ન હતા.

“મારી પાસે શહેરમાં એક આલીશાન બંગલો, સ્વીફ્ટ ગાડી અને એક મોંઘું એવેન્જર બાઇક છે. મારુ બેન્ક બેલેન્સ પણ 50 લાખથી વધારે છે. તમને શું લાગે છે મારે પૈસા માટે આ બધું કરવું પડે એવી કોઈ જરૂર મારે હોઈ શકે?” હું કઈ કહેવા માંગતો ન હતો પણ હું બોલ્યો. ડ્રાઇવર અને એની પાસે બેઠો કોન્સ્ટેબલ મારી તરફ એક વિચિત્ર નજર કરીને ફરી આગળ જોવા લાગ્યા પણ ઇન્સ્પેકટર આનંદ મને જોઈ રહ્યા હતા.

“તો પછી આ કિડનેપિંગ, આ મર્ડર અને આમ ભાગવાનું કારણ શું? પહેલા સરેન્ડર કેમ ન કર્યું?”

ઇન્સ્પેકટર આનંદનો સવાલ ખોટો ન હતો. એ વાત અલગ હતી કે મારે પૈસા માટે કોઈનું કિડનેપિંગ કે કોઈ વ્યક્તિની હત્યા કરવાની જરૂર પડે એમ નહોતી પણ પરિસ્થિતિ અને હાલત એમ જ ઈશારત કરતા હતા કે એ બધું મેં જ કર્યું હતું.

“કહ્યું ને, તમને નહિ સમજાય અને હું તમને સમજાવી પણ નથી શકવાનો ઇન્સ્પેકટર. બસ એટલું કહીશ કે જેમ તમે તમારી ડ્યુટી કરી છે એમ મેં મારી ફરજ નિભાવી છે. કોર્ટ મને જે સજા આપશે એ ભોગવવા હું તૈયાર છું…” મારી વધેલી દાઢી અને મૂછોમાં પરસેવો જમા થયો  એ મારા ખભે લૂછતાં મેં મક્કમતાથી કહ્યું.

“વાહ! ફરજ? તો હવે હત્યાઓ કરવી અને ષડયંત્રમાં ભાગીદાર બનવું એ ફરજ ગણાય છે?” ઇન્સ્પેકટર આનંદ મારા એ શબ્દો ઉપર કટાક્ષ કરીને હસ્યા ત્યારે મને થયું કેવી વિચિત્ર દુનિયા છે? અહી લોકો તમને ક્યારે પાગલ ક્યારે ગુનેગાર સમજવા લાગે છે એનું કઈ નક્કી નથી હોતું.

હું વધારે દલીલો કરવા માંગતો નહોતો એટલે મેં મારી વાત મનમાં જ સમેટી લીધી. ઇન્સ્પેકટર મને કોઈ સાયકોલોજીકલ બીમારીનો ભોગ બનેલો માણસ સમજી રહ્યા હોય એમ મારી આંખોમાં સીધા જ દેખતા રહ્યા.

મેં આંખો ફેરવી લીધી. ઉંચી બિલ્ડીંગો જાતભાતના અવાજો વચ્ચે બોલેરો ઝડપથી કોર્ટ ભણી વહી રહી હતી. મેં એ દ્રશ્યો ન જોયા કેમ કે મારે હવે જેલમાં જવાનું હતું એટલે ફરી હથકડીઓ તરફ નજર સ્થિર કરીને કોર્ટ પહોંચવાની રાહ જોઈ રહ્યો.

*

જીપ જ્યારે કોર્ટ પહોંચી ત્યારે મારા અંદાજ મુજબ ત્યાં કોઈ ભીડ ન દેખાઈ. મને દુઃખ થયું કે મારા કોઈ ફેન ન આવ્યા? અમદાવાદ બે વર્ષ રહીને હું રાજકોટમાં વસ્યો. હું બે વર્ષમાં અહી પણ ખાસ્સો ખ્યાતનામ બની ગયો હતો. મારા અંદાજે તો કોર્ટ આગળ એક નાનકડો માનવ દરિયો ભરાઈ જવો જોઈતો હતો.

ગાડીમાંથી મેં નજર બહાર કરી ત્યારે મારા મનમાં એક જ વિચાર આવ્યો. તમે ભલે ગમે તેટલા સારા કામ કર્યા હોય લોકો તમારું એક ખરાબ કામ જોઈને જ તમને ક્રિટીસાઈઝ કરે છે. અને એમાંય મને તો લોકોએ એવા કામ માટે ગુનેગાર સમજી લીધો હતો જે ગુન્હો મેં કર્યો જ ન હતો!

એન્જીન બંધ થયું. આગળથી ડ્રાઇવર અને કોન્સ્ટેબલ ઉતરીને પાછળ આવ્યા. એ કોન્સ્ટેબલે પાછળનો દરવાજો ખોલ્યો. પહેલા ઇન્સ્પેકટર આનંદ નીચે ઉતર્યા અને પછી મને નીચે ઉતાર્યો. મારા હાથમાં હાથકડીઓ હતી તે છતાં ઇન્સ્પેક્ટરના ઈશારે એ કોન્સ્ટેબલે મને બાવડાથી પકડીને ચાલવા કહ્યું. મારુ એટલું અપમાન મેં ક્યારેય જોયું ન હતું પણ કોઈ દલીલનો અર્થ ન હતો. મારા દરેક શબ્દો નિરર્થક હતા એટલે હું ચૂપ રહ્યો. શબ્દો મારી પાસે હતા પણ લેખકના એ જ શબ્દો ગુનેગાર બન્યા પછી કોઈ અસર નથી કરતા…!!

હું ઇન્સ્પેકટર આનંદની પાછળ ચાલવા લાગ્યો. મારી બાજુમાં બાવડું પકડીને કોન્સ્ટેબલ ચાલતો હતો અને પાછળ ડ્રાઇવર. મેં જ્યારે કોર્ટની બિલ્ડીંગ તરફ નજર કરી ત્યારે જ મને સમજાયું કે ત્યાં મારા કોઈ ચાહકો કેમ નહોતા. કારણ એ કોર્ટના પાછળનો ભાગ હતો. મને સજા થવાની હતી છતાં મારા હોઠ મલકયા કેમ કે મને હવે સમજાયુ હતું કે મારા ચાહકો મારાથી નારાજ નથી. એ લોકો કોર્ટની આગળ ભીડ કરીને ફેંસલો સાંભળવા ત્યાં એકઠા થઇ ગયા હશે એટલે જ મને કોર્ટના પાછળના ભાગેથી અંદર લઈ જઈ રહ્યા હતા.

કોર્ટના પાછળના ભાગે એક સાંકડી ગળીમાં ઇન્સ્પેકટર પાછળ અમે દાખલ થયા. એક તરફ કોર્ટની બિલ્ડીંગ અને બીજી તરફ કોટવાળી સાંકડી ગળી દસેક કદમ આગળ જતાં એક લાકડાના દરવાજા પાસે પુરી થતી હતી. ઇન્સ્પેક્ટરે દરવાજો ખોલ્યો અને અમે બધા અંદર દાખલ થયા.

“અહીં…..” ઇન્સ્પેક્ટરે સ્વીચ દબાવી લાઈટ ઓન કરીને મને રૂમની જમણી તરફ ગોઠવેલી ખુરશીઓ તરફ ઈશારો કર્યો એ સાથે જ એ મોટો રુમ પ્રકાશથી ઝળહળવા લાગ્યો.

કોન્સ્ટેબલે મારો હાથ છોડ્યો. હું જઈને એક ખુરશીમાં ગોઠવાયો. મને મારા ચાહકો વચ્ચેથી કોર્ટમાં જવા ન મળ્યું એનું દુઃખ થયું પણ સાથે પત્રકારોના ઘટિયા વાહિયાત સવાલોથી પણ છુટકારો મળ્યો એ બાબતની રાહત હતી.

કોન્સ્ટેબલે રૂમ બહાર જઈને દરવાજો બહારથી આડો કરી દીધો તે છતાં મારી હાથકડી ખોલી નહિ એ પરથી મને અંદાજ આવી જ ગયો હતો કે વધુમાં વધુ સજા મને પડવાની છે. લોકોની નજરમાં મેં સરકારી અફસરોને માર્યા હતા.

મારે ઇન્સ્પેક્ટરના વધુ સવાલોના જવાબ આપવા ન પડે એટલે હું રૂમને આમ તેમ જોવા લાગ્યો. ઇન્સ્પેકટર મારી પાસેની ખુરશીમાં ગોઠવાયા અને ડ્રાઇવર સામેના ટેબલ ઉપર બેઠો. એ ટેબલ ઉપર એક તરફ સરકારી લાલ કપડામાં વીંટેલી ફાઈલોના થડકલા પડ્યા હતાં. હું એ જોઈ ફરી હસ્યો. એ ફાઈલોમાં ખબર નહિ કેટલા રેપ કેસ, કેટલા મર્ડર કેસ, કેટલી લૂંટના અને કેટલા એક્સીડેન્ટના કેસની ફાઈલો વર્ષોથી ત્યાં ધૂળ ખાતી પડી હશે અને મને એરેસ્ટ કર્યાના માત્ર પંદરેક દિવસમાં જ કોર્ટમાં ફેસલા માટે હાજર કરવામાં આવ્યો હતો. મારા માટે તાત્કાલિક કોર્ટ બેસાડવામાં આવી હતી. ગજબની વાત હતી કે જે યુવતીઓના રેપ થાય છે કે જે ગરીબ લોકોની હત્યાઓ થાય છે એમના કેસની ફાઈલો ધૂળ ખાય છે ને મારો કેસ વચ્ચે લેવામાં આવ્યો. એ પણ તત્કાળ….!!

ટેબલ પર બેઠો બેઠો ડ્રાઈવર એના પગ ઝૂલાવતો હતો મને દેખી મરક મરક હસતો હતો. કદાચ એ વિચારતો હશે કે જેનું શહેરમાં નામ હોય, જેની પાસે પૂરતા પૈસા હોય એ યુવાન માણસ આવા ગુના કરીને જેલમાં સડવા માટે શું કામ આવતા હશે? પણ હું એને સમજાવી શકું એમ ન હતો કે એનો વિચાર તદ્દન ખોટો હતો એટલે મેં ટેબલની બાજુની તિજોરી પર જડેલા કાચમાં મારો ચહેરો જોવા પર ધ્યાન આપ્યું. કોઈ પણ ભાવ વિનાનો ચહેરો! ચહેરા ઉપર એ દિવસની જેમ ધૂળ કે લોહી ન હતા કેમ કે ત્રણ દિવસથી હું જેલમાં હતો અને એ પહેલા સિવિલ હોસ્પીટલમાં પોલીસ નિગરાની હેઠળ મારી સારવાર ચાલી હતી. તે છતાં મને અરીસામાં મારા ચહેરા ઉપર થયેલા ઉઝરડા અને લાલ આંખો દેખાતી હતી.

ઇન્સ્પેક્ટર ઘડી ઘડી એની ઘડિયાળમાં જોઈ લેતા હતા. મને અંદાજ હતો કે લગભગ અગિયાર વાગે જજ આવશે ત્યાં સુધી મારે એ આયનામાં મારો ચહેરો જોવાનો છે. ચહેરાના ઘા જોઈ મને રીના યાદ આવતી હતી. એણીએ એક જખમ માટે મારી કેટલી સંભાળ લીધી હતી?

*

મારા અંદાજ મુજબ જ અગિયાર વાગે અંદરનો બીજો દરવાજો ખુલ્યો અને એક માણસ અંદર દાખલ થયો. એણે દરવાજાની અંદર બે એક કદમ આગળ આવીને ઇન્સ્પેક્ટરને ઇશારત કરી એટલે ઇન્સ્પેકટર ઉભા થઇ ગયા. ઈન્સ્પેકટરે એની નજીક જઈ કઈક ધીમેથી ગુફ્તગુ કરી અને મને ઈશારો કર્યો. હું ઉભો થઈ એ તરફ ગયો.

જે દરવાજો ખુલ્યો અને માણસ દાખલ થયો એ દરવાજેથી અમે કોર્ટ રૂમમાં દાખલ થયા. હાથકડીઓમાં પહેલીવાર હું એ રીતે કોર્ટમાં હતો. મેં નજર બધી તરફ કરી. કેટલીયે નજરો પ્રશ્નાર્થ ભાવ લઈને મારા સામે મંડાઈ ગઈ. કોઈ આંખમાં હવે શું થશે? કોઈ આંખમાં તે આવું કર્યું ? તો કોઈ આંખમાં આ બધું કઈ રીતે થયું એવા પ્રશ્નો મને સ્પસ્ટ દેખાતા હતા.

મેં એક નજર કોર્ટ હોલમાં કરી. સૌ પ્રથમ તો કાળા કપડામાં વકીલો દેખાયા. એક ખૂણામાં પત્રકારો હતા. એની પાસે કેમેરા મેન જાણે કોઈ અદભુત દ્રશ્ય અદ્રશ્ય થઇ જાય એ પહેલા એને હમેશા માટે કચકડાની પટ્ટીમાં કેદ કરી લેવા તૈયાર ઉભા હતા. પાછળની તરફ મારા નજીકના લોકો બેઠા હતા. શીતલબેન અને એમનો લાલો મને દેખાયા. મને હાથકડીમાં જોઈને લાલો કઈ બોલી ન ઉઠે એ માટે શીતલબેને એને પહેલેથી જ કંઈક કહ્યું એ મેં જોયું. શીતલબેન રોજની જેમ સાડીમાં હતા. એ માથા પર તિલક લગાવીને આવ્યા હતા એ પરથી મેં અનુમાન લગાવ્યું જરૂર મારા માટે પ્રાથના કરીને મંદિરથી સીધા જ અહી આવ્યા હશે. કેટલી આત્મીયતા ?

“માતાજી બધું ઠીક કરશે…!!” શીતલબેનનું એ અમર વાક્ય મને યાદ આવી ગયું.

એમની પાછળ રાજ અને રાહુલ બેઠા હતા. એ બધાના ચહેરા ઉતરેલા હતા. મેં મારા બે ભાઈઓને, પારેખને અને રીનાને પણ એક અછડતી નજરે જોઈ લીધા.

મને સીધો જ વિટનેશ બોક્સમાં ખડો કરવામાં આવ્યો. બોક્સમાંથી મેં નજર કરી. જજ એવા જ હતા જેવા વાર્તાઓમાં અને ફિલ્મોમાં બતાવાય છે. ઉંમર લાયક.

સઘળું શાંત હતું ત્યાં શાંતિને તોડવા વકીલ ઉભો થયો. એની ફાઈલમાંથી કાગળ નીકાળી પન્ના ફેરવ્યા.

“ઇન્સ્પેકટર સારંગ અને પોલીસ કોન્સ્ટેબલ રાવની હત્યાનો આરોપી કોર્ટમાં હાજર છે.” વકીલે એની રોજની કાર્યવાહી શરૂ કરી.

“ગો અહેડ મી. કપૂર…..” જજ ચશ્માં ચડાવી વકીલને અનુમતી આપવા બોલ્યા.

“તો મી. રાઇટર તમે કોઈ વકીલ નથી રોક્યો?” વકીલ કપૂરે મને પૂછ્યું.

“ના મારે એવી કોઈ જરૂર નથી.” મેં કહ્યું અને રાહુલની પાછળની બાજુ પર બેઠેલા પારેખ તરફ જોયું.

પારેખ મારા માટે દુઃખી હતો એ મને એના ચહેરા પરથી દેખાતું હતું. પણ મને અંદરથી એક શાંતિ હતી. કેમ-સે-કમ પારેખને વિટનેશ બોક્સમાં મારી સાથે ઉભા નહિ રહેવું પડે. પારેખે મારી સાથે મોતને જોયું હતું. માત્ર મારી દોસ્તી ખાતર જ ! એને આ આખીયે કહાનીથી લેવાદેવા ન હતી છતાં એ મારી સાથે મરવા તૈયાર રહ્યો હતો પણ અહીં કોર્ટમાં એને કોઈ ગુનેગાર બનાવી શકે એમ નહોતું. કેમ કે એ બધી ઘટનાઓમાં પારેખ મારી સાથે હતો એ વાત હું અને પારેખ જ જાણતા હતા. અહીં કોર્ટમાં હાજર કોઈ વ્યક્તિ એ જાણતું ન હતું અને હું જજને એમ કહેવાનો નહોતો કે પારેખ મારી સાથે હતો. હું જાણતો હતો કે હું નિર્દોષ નથી છૂટવાનો તો પછી ખોટો પારેખને એમાં સંડોવી બચવાનો નિરર્થક પ્રયત્ન કરવાનો કોઈ અર્થ જ ક્યાં હતો?

વકીલ એની રીતે બધું બોલ્યે જતો હતો. હું નિશબ્દ માત્ર જજ ફેસલો સંભળાવે એની રાહ જોતો હતો.

શીતલબેન જે હરોળમાં બેઠા હતા એ જ હરોળમાં આગળ રિના બેઠી હતી. એ પણ ઉદાસ હતી. એના સદાય હસતા હોઠ આજે મલકતાં નહોતા. એના ગાલમાં પડતા ડીમ્પલ આજે અદ્રશ્ય થઇ ગયા હતા. રીના ગજબ હતી. અમારા વચ્ચે ટૂંક સમયમાં ઊંડો સંબંધ બંધાઈ ગયો હતો.

હું એ બધાને જોઈ રહ્યો હતો પણ બધાની નજર અને ધ્યાન વકીલ અને જજના વાર્તાલાપ ઉપર જ હતી. શું ફેસલો આવશે એ પ્રશ્ન બધાના ચહેરા ઉપર તોળાઈ રહ્યો હતો. વાતાવરણ ગંભીર હતું. જોકે એ બધા જાણતા જ હતા કે મને સજા થવાની છે. કોઈ ફિલ્મની જેમ “તમામ ગવાહોકે બયાનાત ઓર સબૂતો કો મદ્દે નજર રખતે હુવે યહ અદાલત આપકો બાઈજજત બરી કરતી હે….” આવો ડાયલોગ બોલીને મને માન સમ્માન ભેર અહીંથી એ જેલથી આ હાથકડીઓથી આઝાદ નથી કરવાનો.

હું એ બધાને, શીતલબેન, લાલો, રિના, પારેખ, રાહુલ, રાજ અને મારા બે ભાઈઓને છેલ્લીવાર નજરોમાં ભરી લેવા માંગતો હતો એટલે હું જોઈ રહ્યો. લાલો એ બધું સમજતો નહિ હોય કે આ હાથકડીઓ અને વકીલના એ શબ્દોનો અર્થ શુ છે પણ કદાચ એ એટલું સમજી ગયો હતો કે કંઈક અજુગતું, કઈક ન બનવા જેવું બની રહ્યું છે.

અત્યાર સુધી મેં જેમનાથી નજર મેળવવાની હિંમત કરી ન હતી એ મારા બંને મોટા ભાઈઓ ઉપર મેં નજર કરી. સૌથી ગંભીર અને સૌથી ઉદાસ એ મારા બેય ભાઈઓ હતાં. લોહીનો સંબંધ ખરો ને ? મને જેલમાં જવાનો કે સજાનો કોઈ ભય ન હતો પણ એક અફસોસ થતો હતો. જ્યારે મારુ જીવન સુખી હતું ત્યારે હું મારા શોખને લીધે એ બંનેથી અલગ રહ્યો! જોકે એ બંને પણ પરિસ્થિતિને લીધે અલગ અલગ શહેરોમાં જ વસ્યા હતા. પણ એ બંને મને હમેશા કહેતા કે અમારી જોડે રહેવા આવી જા… પણ…. પણ હું છેકથી જ અલગ હતો.. જિદ્દી અને મારી મનમાની ચલાવવાવાળો !

એક ભાઈ છેક પંજાબ વસ્યા હતા. બીજા અમદાવાદ રહેતા. હું મહેન્દ્ર સાથે બે વર્ષ અમદાવાદ રહ્યો પછી રાજકોટમાં વસ્યો હતો. આખોય ભૂતકાળ યાદ કરીને આંખો ભરાઈ આવે એ પહેલા મેં બેય ભાઈઓ પરથી નજર હટાવી લીધી.

વકીલ ઠંડો પડતો ગયો અને આખરે કેસનો અંત આવ્યો. જજે જ્યારે મને સંબોધીને કહ્યું, “તમારે જેલમાં જતા પહેલા કોઈ જરૂરી દસ્તાવેજ સાઈન કરવા હોય તો પોલીસ સાથે તમે એક વાર ઘરે જઈ શકો છો.!”

મેં જજ તરફ જોયું અને હકારમાં માથું હલાવ્યું.

“આજનો દિવસ તમને તમારા અંગત કામ કરી લેવા, દસ્તાવેજો કે અન્ય જરૂરી કાગળો પર સાઈન કરી લેવા માટે ઘરે રહેવાની છૂટ આપવામાં આવે છે. કોર્ટ પોતાનો ફેંસલો આવતી કાલે અગિયાર વાગે સંભળાવશે…. તમારા ઉપરના આરોપ, ચાર હત્યા, એક બોમ્બ વિસ્ફોટ અને એક કિડનેપિંગનો આરોપ જોતા કોર્ટ જનમટીપની સજા કરી શકે છે. પણ તમે એ બધા ગુના કર્યા જ છે એવા કોઈ સબુત નથી જોકે ગુના નથી જ કર્યા એવા પણ કોઈ સબૂત નથી. કોર્ટ કાનૂન અને વ્યક્તિના અધિકારો બંનેને ધ્યાનમાં રાખીને સજા ઘટાડવાનું નક્કી કરે છે.” જજ બોલી રહ્યા હતા અને બધા થડકતા હ્રદયે સાંભળી રહ્યા હતાં.

“તમને પોલીસ નિગરાની હેઠળ જ ઘરે જવાની છૂટછાટ આપવામાં આવે છે. આવતી કાલે સવારે 11 વાગ્યે પોલીસ કેસ સંભાળતા અધિકારી શ્રી તમને કોર્ટમાં હાજર કરશે…”

જજે પોતાની વાત પૂરી કરી અને ઉભા થઇ ગયા. વકીલ અને બીજા લોકો પણ ઉભા થઇ કોર્ટરૂમ છોડવા લાગ્યા. કોલાહલ થવા લાગ્યો. લાઈટોના ઝબકારા થવા લાગ્યા. પત્રકારો મારા ચહેરાના ફોટા લઈ રહ્યા હતા પણ એ નજીક આવતા ન હતા. કદાચ નવા આવેલા ઇન્સ્પેકટર આનંદથી એ ડરતા હશે.

મને ઇન્સ્પેકટર એ જ પાછળના બારણેથી લઈ જવા માટે આવ્યા. હું એમની પાછળ જવા લાગ્યો. મારા બધા નજીકના લોકો, પત્રકારો, કેમેરા મેન, વકીલો, રાઈટર, ક્લાર્ક અને બીજા કેસ સાંભળવા આવેલા લોકો મને જોઈ રહ્યા હતા.

જે રીતે મને કાગળો સાઈન કરી લેવા માટે સમય આપવામાં આવ્યો એ પરથી હું સમજી ગયો હતો કે જરૂર મને મોટી સજા મળી હશે. કમ-સે-કમ 7 વર્ષ…..!!

એ જ પાછળના દરવાજેથી મને બોલેરો જીપ સુધી લઈ જવાયો. અંદર બેસાડી અને મારી હાથકડીઓ ખોલવામાં આવી. હાથકડીઓ ખોલવાની જજે પરવાનગી આપી ન હતી છતાં ઇન્સ્પેકટર આનંદે એ ખોલી એ નવાઈની વાત હતી. કદાચ એને એ યોગ્ય લાગ્યું હશે, કદાચ એને લાગ્યું હશે કે આ આખીયે ઘટનામાં હું નિર્દોષ છું. હાથકડીઓ ખોલી પણ હું નિશબ્દ રહ્યો.

બોલેરો જીપ મારા ઘર તરફ રવાના થઈ ગઈ. મને ખબર હતી કોર્ટ આગળ જે ભીડ હતી એ મને જોવા ન મળી કે ન એ લોકો મને જોઈ શક્યા પણ આવતી કાલે એ ભીડ એનાથી વધુ સંખ્યામાં ત્યાં હાજર હશે…!!

ખેર! આજનો દિવસ જ મારી પાસે બહારની હવા લેવા માટે હતો. કાલે અગિયાર વાગે ફરી કોર્ટ બેસસે ત્યારે મારી જગ્યા જેલમાં કાયમ માટે થઇ જશે!

***

Comment here