દોસ્તી

દોસ્તી

હું અને નિકી બગીચા મા એજ બેન્ચ ઉપર બેઠા મસ્તી કરતા હતા. હર્ષ નિકીના ખોળામા રમતો હતો…. હા હર્ષ મને નિકીએ આપેલો પહેલો દીકરો……અચાનક મારી નજર સામે આવતા એક કપલ ઉપર પડી……અને હું ભૂતકાળ મા સરી પડ્યો….
નિકી રાહુલને ને જોઈ રહી હતી. વર્ષા બેન નો તાસ હતો સેક્રેટરીએલ પ્રેકટીસનો. અમારા માંથી કોઈને પડી નહતી એસ.પી. ના તાસમા ભણવાની. એમાં પણ નિકી અને રાહુલ ભણવામાં સ્માર્ટ હતા એટલે એમને તો ધ્યાન આપવાની જરૂર પણ ન હતી. રાહુલ દેખાવડો હતો. હસ્તો ચહેરો રેશમી વાળ અને 5’8’ની હાઈટ. હું પણ બીજા બધા થી તો સારો જ લાગતો હતો પણ રાહુલ આગળ હું ફિક્કો હતો. હું ભણવામાં થોડો વધારે જ કાચો હતો. આમ તો સાચું કહું તો કાચો હતો નઇ પણ હું ભણતો જ ન હતો. એટલે હું લાસ્ટ બેંચ ઉપર જ બેસતો.
રાહુલ એટલે મારો લંગોટિયો યાર. અમે એક જ સોસાયટી માં રહેતા. ટ્યુશન પણ સાથે જ ભણતા. મારા મોટા ભાઈ ટ્યુશન લેતા. ટ્યુશન એ પૈસા માટે નઈ પણ શોખ માટે લેતા. અમારી બેન્ચ માં ખાસ મને સુધારવા અને રાહુલ ને ભણાવવા માત્ર ત્રણ વિદ્યાર્થી જ રાખ્યા હતા. હું , રાહુલ અને રાહુલ નો કઝીન કલ્પેશ.
રાહુલ જ્યારે જે.પી.શેઠ શાળામા આવ્યો ત્યારે જ મને ખબર પડી હતી કે અમારી સોસાયટી માં રહેવા આવેલ નવો પાડોશી રાહુલ જ હતો. મારે થોડા જ દિવસમાં એના થી સારી દોસ્તી થઈ ગયી હતી. કેમ ન થાય એ હતો જ દિલ નો રાજા. અમે આમ તો 24 કલાક સાથે જ રહેતા પણ સ્કૂલ માં હું એનાથી દૂર રહેતો. એ ભણવામાં હોશિયાર હતો એટલે હું એની પાસે ન બેસતો એનું ભણવાનું બગડેને…..!
નિકી રાહુલ ને જોઈ રહી હતી. બેન્ચ ઉપર હાથ ટેકવેલો અને હાથ ની મુઠ્ઠી ઉપર એનો સુંદર ચહેરો ગોઠવીને કાળી કાજલ ભરી આંખે એ રાહુલને જોઈ રહી હતી. આંખો વચ્ચે હવાથી આવતા લટના વાળ ને એ જાણે દુશ્મન હોય એમ એના કુદરતી ગુલાબી હોઠો થી ફૂંક મારીને ઉડાવતી હતી. તે જાણે રાહુલ માટે જ શાળાએ ન આવતી હોય….. મને ત્યારે રાહુલ ની ઈર્ષા થતી. કાશ એના એ નયન મારો ચહેરો જોતા હોત……!
મને ખાતરી જ હતી કે નિકી રાહુલ ને પ્રોપોઝ કરશે અને એ દિવસ હવે મને ખાસ દૂર નહોતો લાગતો જે દિવસે નિકી ને હું ખોઈ દેવાનો હતો. હું ચાહોત તો નિકીને ક્યારનોય પ્રપોઝ કરી દોત પણ રાહુલ ની મિત્રતા મને એવું કરતા રોકતી હતી.
હું એ અવઢવ મા હતો. 12th બોર્ડ ની પરીક્ષા નજીક આવતી હતી એટલે હવે રાહુલ તો રીડીંગ માટે ઘરે જ રહેતો કોઈ વાર જ શાળાએ આવતો. પણ હું રેગ્યુલર શાળાએ જતો.
ના ભણવા નહીં પણ નિકી ને જોવા જ. અમારી શાળામાં અમારા માટે વિદાય સમારંભ યોજવાની તારીખ નક્કી થઈ ગઈ હતી.
એ દિવસે હું ટકાટક તૈયાર થઈને નીકળ્યો. ઘરના બારણે જ મને રાહુલ એકટીવા લઈને મળ્યો.
” ઓહો હીરો લાગે છે સમીર…” હસીને એ બોલ્યો.
” ભાઈ કોનો. ?” મેં પણ આંખ મારીને કીધું ” પણ આ સવાર સવાર મા તું ભણવાને બદલે ક્યાં ઉપડ્યો ભાઈ?”
” ખાસ તને મળવા જ સમીર…..” એના ચહેરા પરથી સ્મિત ગાયબ થતું મારી આંખો સપસ્ટ પણે જોઈ શકી….
” મને મળવા….? ખાસ…..?” એ ‘ખાસ’ શબ્દ મને જરાક વિચિત્ર લાગ્યો…..
” હા… તું બેસ ને ભાઈ. મને ખબર છે તું તારા સી.બી.આર. 250 વગર નથી નીકળતો પણ આજે આ ગરીબ ની એકટીવા ની સવારી કરવી પડશે…..” એ ફરી હસી ને બોલ્યો…..
“અજીબ છો તું રાહુલ…..” કહી હું એની પાછળ બેઠો…..
રાહુલે એકટીવા બગીચે પાર્ક કરી. અમે બંને અંદર ગયા. રાહુલે આમ તેમ નજર દોડાવી મારી આંખો ચશ્માંના ગ્લાસ આરપાર એને નવાઈ થી જોઈ રહી હતી. હું સમજી ગયો હતો કે એ કોઈ એકાંત વાળી શાંત જગ્યા શોધે છે.
“પેલી બેન્ચ ખાલી છે રાહુલ….” કહી મેં એક બેન્ચ તરફ ઈશારો કર્યો…..
“હા ….” ટૂંકાક્સરી જવાબ આપી રાહુલ એ તરફ ચાલવા લાગ્યો. હું એની પાછળ ગયો.
” જો સમીર તું મારુ એક કામ કર.” એટલું કહી એ ચૂપ રહી ગયો પછી કૈક વિચારીને ” ના તારે એ કરવું જ પડશે….”
“બોલ બોલ કેટલા રૂપિયા જોઈએ છે ?” મને મારા પૈસા નો રોફ હતો એટલે મેં કહ્યું પછી થયું રાહુલ ને કદાચ દુઃખ લાગશે એટલે સુધાર્યું ” જાન ભી હાજીર હે તેરે લિયે…..”
” ના મારે પૈસા કે જીવ નથી જોઈતો ભાઈ….. તારે એક જીવ બચાવવા નો છે.”
મને એના શબ્દો હવે ખરેખર મૂંઝવતા હતા…..હું કઈ બોલ્યો નહિ.
” તું નિકી ને પ્રપોઝ કર”
હું કઈ બોલી શક્યો જ નહીં.
“પ્લીઝ…..”
ચશ્માં હટાવી મેં એની આંખોમા એક લાચારી જોઈ. મને થયું રાહુલ મને દલાલ બનવા નું કહી રહ્યો છે એટલે જરાક હું ખિજાયો પણ એના પછી એ જે બોલ્યો એનાથી મને નવાઈ અને ખુશી બંને થયા….
“તું નિકી ને કહે કે તું એને ચાહે છે. અને તારે ક્યાં ખોટું કહેવું છે તું બેશક એને ચાહે જ તો છે સમીર…”
” હા. પણ … પણ નિકી તો તારી પાછળ પાગલ છે યાર. તારા માટે જ તો હું એને….”
“હા પણ તું એને કહેજે કે રાહુલ ની એંગેજમેન્ટ થયેલી જ છે.અને હું તને ખૂબ ચાહું છું.” મને વચ્ચે જ અટકાવી એ બોલ્યો…..
“પણ તારી ક્યાં એંગેજમેન્ટ થઈ જ છે રાહુલ. તું આ બધું મારા માટે જ કરે છે ને ? દેખ દોસ્ત હું તારી કોઈ વસ્તુ ન છીનવી શકું અને એમાં પણ તને એ લવ કરે છે યાર કોઈનો લવ હું….”
” કોઈ પણ કામ ખરાબ ન હોય જો એની પાછળ નો ઈરાદો સારો હોય. અને સમીર એને તું શુખી જ કરવાનો છે ને.”
” પણ તને નિકી થી શુ પ્રોબ્લેમ છે યાર એ કેટલી બ્યુટીફૂલ છે. અને એ બીજી છોકરીઓ ની જેમ નથી. મારા પૈસા જોઈને એ મને પસંદ કરવાને બદલે પણ એ તને ચાહે છે. હવે તું જ વિચાર આ જમાના મા એવી તને ક્યાં મળશે યાર… ? નસીબને ઠોકર મત માર…..”
” મને બ્લડ કેન્સર છે સમીર…… ”
સન્નાટો ….. મારુ હૃદય ફાટી જ જાઓત …… ઘડીભર કોઈ કશું બોલ્યું નહીં….
” તો હું તારી ટ્રીટમેન્ટ કરીશ … આ સી.બી.આર. હલને હાલ વેચી દઉં વધુ જરૂર પડશે તો પપ્પા પાસે માંગીશ નઇ આપે તો હું ચોરી કરીશ.” હું એક જ શ્વાસ મા બોલી ગયો….
” ફાઇનલ સ્ટેજ છે…… હવે કઈ ના થાય….. ડોકટરે જ કહ્યું છે. અને તને દોસ્તીની કસમ મારા ઘરે કોઈ ને કહેતો જ નઈ. ના હવે તું મને કોઈ સવાલ કરતો. હું પરીક્ષા આપીને બીલીમોરા હોસ્ટેલ માં જઈશ.”
***
મેં એ દિવસે નિકકીને પ્રપોઝ કર્યો પણ એ માની નહીં. પણ મને રાહુલે કસમ આપી હતી કે નિકીને તું કોઈ પણ ભોગે તારી બનાવીને શુખી કરીશ એટલે મેં એને પ્રપોઝ કરે જ રાખ્યા. અને આખરે એ માની ગઈ.
પરીક્ષા પતિ ગઈ. રાહુલ એના પરિવાર સાથે બીલીમોરા સિફટ થઈ ગયો. મારા મનમા તો રાહુલ જ ઘુમતો હતો પણ નિકી ને લીધે હું થોડો ખુશ રહી શકતો હતો. એમને એમ 2 વર્ષ વીતી ગયા. મેં રાહુલને ફોન કરવાની હજાર કોશિશ કરી પણ એ મને ખોટા નંબર આપીને ગયો હતો….
મારી અને નીક્કી ની કાસ્ટ એકજ હતી એટલે અમારા લગન થઈ ગયા. મેરિઝ ના દિવસે હું ખરેખર રાહુલ ને યાદ કરીને રડી પડ્યો હતો પણ હું કોને કહું…..!
નિકી મારી સાથે ખુશ રહેવા લાગી હતી. હું પપ્પાના બિઝનેશ મા લાગી ગયો હતો. આખો દિવસ કંટાળીને આવતો ત્યારે નિકી મારી રાહ જોતી બેઠી જ હોતી. નિકીના પ્રેમ ને લીધે જ હું ધંધો કરી શકતો હતો અને મારી સિગરેટની લત પણ નિકીએ જ છોડાવી દીધી હતી. અમે ખુશીથી જીવતા હતા. પૈસા ગાડી બંગલો બધું મારી પાસે હતું પણ કંઈક ખૂટતું હતું. મને રાહુલ ની યાદ આવતી ત્યારે હું નિકીને લઈને એજ બગીચે એજ બેન્ચ ઉપર જઈને બેસતો….
એ કપલ નજીક આવ્યું…
” ઓહ માય ગોડ રાહુલ તું……….!!!!! એટલા વર્ષે અચાનક અહીં……” નિકી ના શબ્દો એ મને વર્તમાન મા લાવ્યો….હા એ કપલ એટલે રાહુલ અને એની વાઈફ હતા. હું જાહેર મા રાહુલને ભેટી પડ્યો. ..
” હવે રડીશ તો મારી ઈજ્જત જશે ” એ મારા કાનમાં બોલ્યો… “આ મારી વાઈફ છે પિંકી. મેં એના આગળ તારા બઉ વખાણ કર્યા છે.”
મેં એને પેટ મા એક મુક્કો પધરાવી દીધો… એને મારી આંખો લૂછી …. અમે બધા કોફીબાર મા કોફી પીવા ગયા. નિકી અને પિંકી જાણે સગી બહેનો હોય એમ ભળી ગઈ. બંને વાતો માં ખોવાઈ ગઈ. મને તો બસ રાહુલ એકલો મળે એની રાહ હતી… પછી અમે બધા ઘરે ગયા…. નિકી અને પિંકી બંને રસોઈમાં લાગી ગઈ ત્યારે મેં વિચાર્યું હું રાહુલ ને હવે પૂછી જ લઉ….હું રૂમ માં ગયો પણ રાહુલ હતો જ નઈ. હું પિન્કીને એ ક્યાં છે એ પૂછવા જતો જ હતો ત્યાંજ રાહુલે મને બૂમ મારી. હું દરવાજે ગયો એજ સ્મિત સાથે રાહુલ મારા સી.બી.આર. 250 ઉપર બેઠો હતો…..
” વાના ગો ફોર એ રાઈડ…..”
હું બેસી ગયો… થોડા આગળ જતાં જ હું કઈ પૂછું એ પહેલા જ એ બોલ્યો…
” સોરી સમીર….. દેખ મને ખબર હતી કે તું અમીર બાપનો બગડેલો છોકરો હતો. તારા વ્યસન, તારું રખડવાનું, તારી દરેક વાત મા બેદરકારી કોઈ પણ રીતે એ બધું તું છોડી શકે એવું મને લાગતું ન હતું….”
” એટલે…..”
” એટલે મારે નિકી ની કુરબાની આપવી પડી. મને ખબર હતી તું નિકી સિવાય કોઈ છોકરીને પસંદ કરીશ નઈ અને એક બીજો દેવદાસ ફરી જન્મશે. અને છોકરી અને પ્રેમ સિવાય તું સુધરીશ નઈ એટલે મેં તને ફસાયો બેટા……” કહી રાહુલ ખડખડાટ હસ્યો…..
“સાલા તારી બીમારી માટે હું રોજ કેટલો રડ્યો છુ? નંબર તો તું ખોટા આપીને ગયો હતો. તને શોધવા બીલીમોરા પણ આવ્યો પણ ક્યાંય તારો પતો મળ્યો જ નઇ.” રાહુલ મને શાંતિ થી સાંભળી રહ્યો. પછી મેં ઇમેર્યુ ” અને તને નિકી ની યાદ ના આવી? એ તને ગમતી નતી?”
” મને તું વધારે ગમે છે દોસ્ત….. અને આમ પણ મને રિધમ તો મળી જ ગયું નિકી …પિંકી…..” ફરી એ ખડખડાટ હસ્યો…..
હું એ વિચિત્ર દિલ વાળા માણસ ને ભેંટીને બાઇક પર બેસી રહ્યો….
અને બાઇક ના રુરુંરુરુરુંમમમમમમ સાથે અમે બંને હાઇવે પર આથમતા સુરજની દિશામાં નીકળી પડ્યા………

વિકી ત્રિવેદી’ઉપેક્ષિત’

Comment here