ગઝલ : ખલાસી ઉપર…!

બધા કહે છે અલ્લાહની રહેમ થઇ સૌ પ્રવાસી ઉપર,
ખબર શું કે તોફાનમાં કેવી વીતી ખલાસી ઉપર..!

હૃદય નામના રાજકુંવરે કર્યો’તો ગુનો ઇશ્કનો,
ને અરજી કરી લાગણી નામની એક દાસી ઉપર..!

સુખોમાં દુઃખોમાં એ રીતે અમે સ્મિત રાખ્યું સતત,
જે રીતે અહીં ફૂલ ખીલ્યાં કરે બારમાસી ઉપર..!

કણેકણમાં ઈશ્વર ને અલ્લાહ જો છે ખરેખર અગર,
ભલા આટલી ભીડ શું કામ કાબા ને કાશી ઉપર..?

સમય અન્યના દુઃખ તરફ ધ્યાન દેવામાં ખરચ્યો હતો,
જગા મારી નહિતર તો હોતી છું એથીય ખાસ્સી ઉપર..!

નજર હોય જો એમ મંજિલ ઉપર તો ન છટકી શકે,
જે રીતે નજર રાખતા ગોરા અંગ્રેજ ઝાંસી ઉપર..!

સુણ્યું છે કે એ મ્હેલ ખંડેર થઇને પડ્યો છે હવે,

સદી પહેલાં હસતો’તો જે ઝૂંપડાની ઉદાસી ઉપર…!

હૃદયનો પટારો અમે એમ હળવો બનાવ્યો હતો,
ભલે લાગણી નીકળી નહિ, સમજદારી ઠાંસી ઉપર..!

લગન, ખંત, મહેનત, પસીનો નિયમ છે સફળતા ના આ,
સફળતા નથી મળતી કઇ હસ્તરેખા કે રાશિ ઉપર..!

એ આવ્યા બપોરે અગાસીએ તો ખાતરી થઇ મને,

બપોરે ય જોઈ શકું ચાંદને હું અગાસી ઉપર..!

ઉપેક્ષિત હૃદયમાં વસે ફક્ત ગુજરાતી માની ગઝલ,

ભલે ને રહ્યું હેત બહુ હિન્દી અંગ્રેજી માસી ઉપર..!

– ઉપેક્ષિત

One Reply to “ગઝલ : ખલાસી ઉપર…!”

Comment here