એક સ્મરણ

એક સ્મરણ

મારુ ઘર પાલનપુરના અંબિકા નગર માં છે ને સામે રેલવે સ્ટેશન પડે છે. એક જ કોન્ટ્રાક્ટરે બનાવેલા ઘરની હરોળમાં પ્રથમ ઘર મારુ. મારા ઘરની અગાસીથી સામે રેલવે સ્ટેશનમાં આવતી માલગાડી, ભારખાના અને ત્યાં ફરતા અલક મલકના લોકો એક છવાળા દેખાય. રેલવે સ્ટેશન ને હું તો પચરંગી મેળો જ કહું. અહીં તો બધાય ધર્મના લોકો આવે. હિન્દૂ, શીખ, ઇશાઈ, પારસી, જૈન, મુસલમાન બધા જ અહીં આવે. એમાં કોઈ રૂપિયા વાળો તો કોઈ ગરીબ, કોઈ સીધો તો કોઈ વાંકો, કોઈ સુખી તો કોઈ દુખિયારો, કોઈ શહેરી તો કોઈ ગામડિયો બધાય રંગના જીવ અહીં દેખાવા મળે.
હું સાંજે ઘરે આવું એટલે મને અગાસીએ જઈને રેલવે સ્ટેશનમાં ફરતા લોકો ને જોવાનું મન થઇ જ જાય. અગાસીમાં ગુલાબના છોડના કુંડા પાસે ખુરશી મુકેલી જ હોય. નોકરીથી છુટ્ટા થઈને સાંજે ઘેર આવું એટલે મારે બસ હાથ પગ ધોઈ અને બા ના હાથની ચા પીવાની પછી વાટકીમાં દાણા લઈને પુગી જવાનું અગાસીએ. અગાસીએ જઈને એજ ખુરશીમાં બેસવાનું અને પારેવાને દાણા આપવાના. હવે તો પરેવાય બીતા નથી એય મને ઓળખી ગયા છે કે કેમ …..? ઘણીવાર તો ખોળામાય આવી બેસે છે ને ત્યારે હૃદયમાં એક અલગ જ આનંદ થાય છે.
આજે પણ હું રોજની જેમ નોકરીમાં હજારો ગમતા ન ગમતા અવજોની દુનિયામાંથી છૂટીને ઘેર આવ્યો. મોટરસાઇકલ ઘરમાં મૂકી ત્યાંતો બા નો મધુર અવાજ આયો
“ઇ ઢોકજે.”
ત્રણ વર્ષ થઈ ગયા મોટર સાઇકલ લીધાને પણ બા કદી એને ઢાંકવાનું કહેવાનું ભૂલતી જ નથી. બા છે ને ! મને તો સાચવે પણ મને ગમતી વસ્તુય સાચવે છે.
” હા બા”
મેં મોટરસાઇકલ ને કપડું ઓઢાડી દીધું. ઘરમાં જઈ ને કપડાં બદલ્યા બાથરૂમ જઈને ચકલી ચાલુ કરી ખોબો ભરી પાણી મોઢા ઉપર નાખ્યું ને ઘડી ભર દિવસનો કંટાળો થાકલો એ પાણીમાં નીતરવા દીધો. ટુવાલ લઈને હાથ મો લૂછયા કે તરત બા ચા લઈને તૈયાર થઈ ગઇ. થોડી વાર અમે વાતો કરી અને પછી દાણા લઈને હું મારી રાહ જોતા પારેવા પાસે પહોંચી ગયો.
જાણે ખરેખર મારી જ રાહ જોતા હોય એમ દસ બાર પારેવા હાજર જ હતા. દાણા આપીને હું ખુરશીમાં ગોઠવાયો. સ્ટેશનમાં આવતી જતી પ્રજાને જોવા લાગ્યો. ત્યાં એક ચાલીસેક ની ઉંમરના કાકા અને એમની પાસે બારેક વર્ષનો છોકરો બાંકડા ઉપર બેઠા હતા. કાકાને પહેરણ અને ધોતી પહેરેલી ને ખભે એક કનોટિયું જોઈ મને સમજાઈ ગયું કે કાકા બ્રાહ્મણ છે. છોકરાને ચડ્ડી અને અડધી બાયનું બુશટ પેરેલું હતું. કોઈ શાળાનો ગણવેશ હોય એવુ લાગતું હતું. ઘરના ગરીબ હશે એ એમના પહેરવેશ ઉપરથી જ કળાતું હતું.
સ્ટેશનમાં ભૂંગળુ બોલ્યું એટલે બેય બાપ દીકરો ઉભા થયા પિતાએ છોકરાને આંગળી પકડાવીને બેય ચાલવા લાગ્યા. એ તો જોતજોતામાં અંદર પહોંચી ગયા પણ મને મારા બાળપણ નું સ્મરણ થવા લાગ્યું….
હું બારેક વર્ષનો હતો સાતમી માં ભણતો ત્યારે મારા ગામ ધાનેરા માં કાઈ શહેરી વાતાવરણ હતું નહીં. સવારે કૂકડો સંભળાય ને રાત્રે સીમમાં બોલતા મોર અને શિયાળનો અવાજ અમને કાયમ સંભળાતો. ત્યારે શહેરી કરણ હતું નહીં ગામની તરત નજીકમાં જ સીમ ને વગડામાં બાવળ ઉગેલા. ગામમાં નળિયાં અને પતરા વાળા ઘર. ગામડે ગામડું. અમે ત્યારે માતાને બા ને પિતાને બાપુજી કહેતા. હું ગરીબ ઘરનો હતો. કપડામાં કહોતો ઘરે પહેરવાય એજ ને શાળામાય એજ. બસ શાળાનો ગણવેશ ને એક જોડી કપડાં.
મારા પિતાજી કર્મકાંડ કરતા હતા. ગામમા મંદિરમાં પૂજા કરતા ને બીજુય પંડિતાઈનું કામ કરતા. બાપુજીએ ગામમા કેટલા લગન કરાયા હશે એતો બાપુજીનેય ગણતરી નઈ. બાપુજી ભણેલા તો નહોતા ને એમને શ્લોક પણ ઘણા ન આવડતા પણ એમના હાથમાં કુદરતે એવી આશિષ આપેલી કે જેટલી કન્યાને માથે હાથ મૂકી પાટે બેસાડી એમાંની એકેય કદી વિધવા નહોતી થઈ. ગામમાં બધાય એક હાથ નમીને જ બાપુને પ્રણામ કરે એવી એમની પેઠ – પ્રતિષ્ઠા.
પણ હું એ સમયે ભણવાનો આળસુ. આળસુ એટલે અવલ્લ આળસુ. સવારે નિશાળે જવાનું ટાણું થાય કે મારે પેટ દુઃખવાનું ચાલુ થઈ જાય. બાપુજી ઘણી વાર મને કંટાળીને ખંખેરી નાખતા હું ધ્રુસકે ધ્રુસકે રડતો બા ને વળગી પડતો. બા મારી ભીરુએ જ હોતી
” તમેં ઓમ મારો નઇ આતો છોકરું છે ન હમજે ”
” પણ ભણશે નઈ તો કરશે શુ ?” બાપુજી ગુસ્સે થઈને બોલતા.
” તમે નથી ભણ્યા ને તો કઈ ભૂખે મર્યા છો ? ને એય એની ઉંમર થશે ત્યારે સમજણ આવશે એટલે ભણશે”
બાપુજી મંદિરે જતા રહેતા. એટલે આંસુ ક્યાંય ઉડી જતા. ને હું સીધી દોટ મુકતો લખમણ કાકાને ઘેર
” મનીયા હેડ”
મારી એક જ બૂમ સાંભળી મનિયો ગિલ્લી દંડો લઈને આવી જતો. પછી તો અમે બેય વિષ્ણુને, રમલાને, ભીખલાને, અરજણ ને અને બીજા બધા ને બોલાવી લેતા ને મેદાનમાં ગોઠવાઈ જતા. ગામમાં એક ઘેંઘુર વડલો એની નીચે બધાય ભાઈબંધ રમતા. વડવાઈઓ પકડીને જુલતા કોઈ વાર પડતા ને ઢીંચણ છોલતા.
ક્યારેક બાપુજી મંદિરમાં ન હોય તો મંદિરની ઘનટડી વગાડવાની રમત પણ ચાલુ થઈ જતી.
ઉનાળાની ધોમ ધખતી બપોર સુધી અમે બધા ગિલ્લી દંડો કૂટતા ને ઘણીવાર તો રમતા રમતા ઝઘડતા. અમારા બધાયના એ લઘર વઘર કપડાં અને પરસેવે રેબઝેબ ચહેરા જોઈને કોઈ વાર બાપુજી મને એ ભાઈબંધો સામે જ મારતા મારતા ઘેર લઇ જતા.
” બ્રાહ્મણનો છોકરો દેખો એના હાલ ” ઘરે પહોંચતા જ બાપુ જી બરાડતા.
” શુ થયું ?” બા બધું જાણતી તોય અજાણ થઈને પૂછતી.
” થાય શુ ? આ દેખો આપણા કુંવર ના હાલ ” બાપુની કટાક્ષ ઉપર કે પછી ધૂળમાં લથપથ મારો હાલ જોઈ હસ્તી એ ખબર નહોતી પણ બા હસી પડતી.
બાપુની મારથી હું કૃત્રિમ જ રડતો પણ બા હસ્તી એટલે હું સાચો સાચ રડતો ને ખૂણામાં ભરાઈ જતો બા ના અબોલા લઈ લેતો. સાંજે જામતો પણ નઈ. ત્યારે પછી મનગમતી રમત શરૂ થતી રીઝવવાની
” બેટા હવે ખાઈ લે ” બા નો મધુર અવાજ કાને પડતો કે અડધો ગુસ્સો અરધી નારાજગી તો એ અવાજ માં જ ઓગળી જતી. ને પછી અરધી નારાજગી બાપુજી “હંઢો” કરીને ભુલાવી દેતા. હંઢો એટલે બાપુજી મને ઊંચકીને ખભે બેસાડી દેતા ને પછી ગામમા ગલ્લે લઇ જઈને ટિકડા ગોળીયા અપાવતા એ હંઢો. પણ બાપુજીને દમની બીમારી તે જતા તો જોશ માં ને જોશ માં હંઢો કરતા પણ પહોંચીને એમને ઉધરસ ખાંસી શરૂ થઈ જતી એટલે ઘડી ભર ગલ્લે બેસી આરામ કરતા પછી મને આંગળી પકડાવીને ઘર ભણી અમે બેય બાપ દીકરો ચાલી નીકળતા.
” એ જમવા ચાલ બેટા ” નીચેથી અવાજ આવ્યો હું જબકયો. હું ક્યાંક દૂર નજર કરીને અજવાળામાં જોતો હતો. પણ અંધારું થઈ ગયું હતું. હા બાળપણ એ એક અજવાળું જ છે.
હું નીચે ગયો. હાથ ધોઈને જમવા બેઠો
” કેમ આજે એટલી વાર કરી ? પારેવા ઘણા હતા કે ?” બાએ પૂછ્યું.
” ના બા આજે એક એવુ પારેવું યાદ આવ્યું જેને બાપુજી હંઢો કરાવતા ”
” કેમ હવે તું પારેવું નથી બેટા ?” બા એ પૂછ્યું.
” ના બા આજે મારી પાસે કપડાં તો છે , બહારથી સ્વચ્છ પણ રહુ છું પણ અંદર થી સ્વચ્છ નથી. એ દુવસે હું મેલા ઘેલા કપડાં મા હતો મારા શરીરે ધૂળ હતી પણ મારું મન શુદ્ધ હતું.”
બા મને બસ સાંભળી રહી હતી
” એ દિવસે મને બસ એક જ લાલચ હતી રમવાની ને આજે તો હજારો લાલચ છે બા”
” આ તું શું બોલે છે આજે ”
” સાચું કહું છું બા એ દિવસે તારો ખોળો અને બાપુજી નો હંઢો મારુ સ્વર્ગ હતા ને આજે હું ઓફિસની બોસ ની ખુરશીમાં નજર કરું છું, એ દુવસે મારા મિત્રો સાથે હું જગડતો પણ એ મારા હતા આજે લોકો મારી સાથે જગડતા નથી મીઠું બોલે છે પણ એ મારા નથી, એ દિવસે હું લઘર વઘર હતો તોય ગામમાં મને બધા મારાજ મારાજ કહીને નમીને માન આપતા હતા ને આજે મારા હાથ નીચે જે માણસ કામ કરે છે એ કચવાતા મને જ મને માન આપે છે”
” એ બાળપણ હતું દીકરા ” બાએ હસીને કહ્યું ” હવે ખાઈલે બેટા”
અને સાચે સાચ જાણે હું 12 વર્ષનો વીનું હોઉં એમ હું રડી પડ્યો. એક ખૂણામાં ભરાઈ ગયો. પણ હવે બાપુજી મને હંઢો કરવા નથી આવવાના. આજે બાપુજી ને સ્વર્ગે ગયાને આંઠ મહિના થઈ ગયા છે અને હું આ શહેરની ભીડમાં કેટલો એકલો થઈ ગયો છું…..!!!!!

[ પૂજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે ]

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here