એક રવિવારમાં એમ.બી.એ. પૂરું.

એક રવિવારમાં એમ.બી.એ. પૂરું.

આજે રવિવાર હતો એટલે નખીલ પપ્પાને મદદ કરવા સાથે જ ગયો હતો. નિખિલના પપ્પા જીતુભાઈ પટેલ શાકભાજીની લારી નીકાળતા. પૈસે ટકે જીતુભાઇ ગરીબ હતા પણ સ્વભાવથી એમણે કેટલાય દિલ જીત્યા હતા. સવારે વહેલા શાકમાર્કેટ જઈને જથ્થાબંધ માલની દુકાને થી તાજા શાકભાજી લઇ અને માર્કેટ આગળ એક ખૂણે જ પોતાની લારી લગાવતા. બાજુમાં નિતીનભાઈની હોટેલ હતી. નીતિન ભાઈ તો બિચારા એક હાથના માલિક હતા પણ એમનો લાલિયો બધાને ચા પહોંચાડતો. નીતિનભાઈ પૈસા ગણી લેતા અને ગ્રાહકોની ડાયરી સંભાળતા. આમતો લાલિયો પણ જીતુભાઈના નિખિલ સાથે જ ભણતો પણ અકસ્માતમાં નીતિન ભાઈએ હાથ ગુમાવ્યો પછી ભણવાનું છોડી એ ધંધે લાગી ગયો’તો.
જીતુંભાઈનો સાદો અને સરળ નિયમ ભલે મોંઘું હોય પણ સારું શાકભાજી લેવાનું. ઘરાકને લૂંટવાના નઇ. નફો ઓછો થાય કે વધારે પણ કોઈ ગ્રાહક પાછું ન જવું જોઈએ.
જીતુભાઈને ભાવનગર માં માપનું એક રો-હાઉસ હતું. ઘરમાં ધર્મપત્ની ભાવના એક દીકરો નિખિલ અને એક દીકરી નયના. બેય બાળકો દેખાવડા અને ભણવામાં પણ અવલ્લ. નયના દસમા ધોરણમાં અને નિખિલ એમ.બી.એ. ના બીજા વર્ષમાં હતો. નિખિલ પણ બીજા છોકરા જેમ પપ્પાની લારીની શરમ અનુભવતો નહીં રવિવારે તો પપ્પાને મદદે પણ જતો.
આજે પણ રવિવાર હતો. જીતુભાઇ તો સવારે નાસ્તો કરીને નીકળી પડ્યા હતા. નિખિલ થોડો મોડો ઉઠ્યો હતો. ના જીતુભાઈએ એને જાણી જોઈને સુવા દીધો હતો. એ જાગ્યો એટલે તરત તૈયાર થઈને લારીએ પહોંચી ગયો.
“સુપ્રભાતમ તાત (પિતા)” લારીએ પહોંચીને નિખિલે પપ્પાના ચરણ સ્પર્શ કરતા કહ્યું.
“સુપ્રભાતમ પુત્ર” હસીને જીતુભાઇ બોલ્યા.
“લાલીયા ચા લાવ બે કટીંગ ભાઈ…..” નિખિલે બુમ પાડી.
લાલિયો તરત ગરમ તાજી ચા આપી ગયો પછી નિખિલ છાપું લઈને રવિવારે આવતી એના ફેવરિટ લેખક વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ ની નવલકથા ‘અંતર આગ’ નો 30 મો હપ્તો વાંચવા લાગ્યો. જીતુ ભાઈ એમના ગ્રાહકોમા વ્યસ્ત થઈ ગયા.
“શુ ભાવ છે આ ભીંડી અંકલ?” એક નવપરિણિત યુવતીએ પૂછ્યું.
જીતુભાઈને માટે એ યુવતી અજાણી તો નહતી પણ એ રોજની ગ્રાહક પણ નહોતી.
“જી 30 ના કિલો, કુણા માખણ જેવા બેન” કહી જીતુભાઈએ એક ભીંડીની અણી બટી (તોડી).
“અને અંકલ ચોળી?” નરમ ભીંડીની ઢગલા ઉપરથી વહીને એ નમણી યુવતીનો મૃદુ અવાજ કાને પડ્યો કે તરત જીતુભાઇ બોલ્યા
” જી 40 ની કિલો પણ તાજી એકદમ”
” બંને એક એક કિલો કરો અંકલ અને થોડા ધાણા અને મરચા પણ નાખજો…..” યુવતીએ પર્સમાંથી 500 ની એક નોટ નીકાળી જીતુભાઈને આપી ત્યાંજ એના પર્સમાં મોબાઈલ ગાજયો.
જીતુભાઇ ભીંડી અને ચોળી જોખવા લાગ્યા પેલી યુવતીએ મોબાઈલ ને જવાબ આપ્યો
“હલો….”
” બેટા જલ્દી વિશ્વાસ ઓર્થોપીડિક્સ આવી જા જય ને અકસ્માત થયો છે.”
” ક્યારે? ક્યાં?” યુવતીના સુંદર ચહેરાની ચમક પળમાં ખંખેરાઈ ગઈ.
” બેટા ગભરાઈશ નહીં ડોકટરે કીધું છે કે વાંધા જેવું નથી માથામાં કોઈ ઇજા નથી પણ પગમાં બે ફ્રેક્ચર છે રોડ નાખવા પડશે.”
યુવતી શાકભાજી અને પૈસા ત્યાંજ પડતા મૂકીને નીકળી પડી જીતુભીએ “બેન પૈસા તમારા ” બૂમ પાડી પણ અવાજ શાકભાજી ખરીદતી ગૃહિણીઓ ના અવાજમાં ક્યાંય ઓગળી ગયો. યુવતી ઝડપથી ઓટો માં બેસી નીકળી ગઈ.
જીતુભાઇ લાંબા કરેલા હાથ માં 500 ની નોટ ને જોઈ રહ્યા. નિખિલ સામેના માર્કેટ ટ્રસ્ટ દ્વારા મુકાયેલા બાંકડા પરથી છાપું વાળતો આવ્યો.
“શુ થયું પપ્પા?”
“અરે બેટા પેલી મહિલા પૈસા મૂકી ને ગઈ” ગંભીર અવાજે જીતુભાઇ બોલ્યા.
” પપ્પા હવે એમા શુ છે એ રોજના કસ્ટમર હશે ને કાલે આપી દેજો.”
” અરે પણ એ તો રોજના ગ્રાહક નથી. એતો કોઈક વાર જ આ માર્કેટમાં આવે છે અને એ પણ આપણી લારીએ નઇ પેલી તરફ ની લારીઓ પરથી ખરીદી કરીને જતા રહે છે. એતો અઠવાડિયે આવશે તો ભૂલી પણ જશે.”
” તો શું થઈ ગયુ પપ્પા ચાલો આ 500 ની કુદરતી ભેટ સમજીએ આપણે.” નિખિલે હસતા કહ્યું.
” ના બેટા એમ કોઈ ના પૈસા ન લેવાય.” ગંભીર થઈને જીતુભાઇ બોલ્યા “હું તારી જેમ ભણ્યો નથી પણ ગણ્યો છુ જો ગ્રાહકને સંતોષ આપવાથી જ એ ગ્રાહક કાયમી બને છે.”
“તો હવે શું કરીશું?” નિખિલે પૂછ્યું.
” એ ફોન ઉપર વિશ્વાસ ઓર્થોપીડિક્સ ની વાત કરતા હતા અને વાત ઉપરથી એવું લાગ્યું કે એમના ઘરનું કોઈ એ હોસ્પિટલમાં એડમિટ થયું હશે એટલે જ એ પૈસા અને શાકભાજી મૂકીને ગયા છે. તું વિશ્વાસ હોસ્પિટલ જઈને એમને આ પૈસા આપી આવ.”
“ઓકે પપ્પા” કહી નિખિલ લાલીયાની સ્કૂટી પેપ લઈને વિશ્વાસ હોસ્પિટલ ગયો.
” જી કોઈ બેન હમણાં અહીં આવ્યા?” કેસબારી ઉપર જઈ નિખિલે પૂછ્યું.
” મહિલા તો ઘણી આવે અહીં પણ છેલ્લા અર્ધા કલાક માં અહીં રેખા બેન આયા હતા એ સેકન્ડ ફ્લોર ઉપર રૂમ નો. 32 માં છે.”
“ઓકે થેન્ક્સ.” કહી નિખિલ સીડીઓ ચડી ગયો. રુમ નો. 32 માં ગયો ત્યાં જઈને એને ખબર પડી કે એ યુવતી જ રેખા બેન હતા.
” એસ્ક્યુજ મી મેડમ” નિખિલે કહ્યુ
“જી બોલો ”
“જી તમે થોડી વાર પહેલા શાકભાજી લેવા આવ્યા હતા મારી લારી ઉપર અને પૈસા શાકભાજી બધું મૂકીને ગયા.” જરાય સંકોચ વગર એ બોલ્યો.
” અરે હા હા …” રેખા બેને કહ્યું.
” જી આ તમારા પૈસા” કહી નિખિલે પેલી 500 ની નોટ આગળ કરી.
” આભાર” કહી રેખાબેને નોટ લઇ લીધી એટલે નિખિલ દરવાજા તરફ ફર્યો.
” એક મિનિટ બેટા” ત્યાં બેઠેલા એક વૃદ્ધ કાકાએ કહ્યું અને નિખિલ અટકી ગયો.
” તારું નામ દીકરા ?” ઉભા થઈને નજીક આવતા કાકાએ પચ્યું.
“જી નિખિલ”
“તું શાકભાજી ની લારી ચલાવે છે? આ ઉંમરે ભણ્યો નથી?” કાકાએ નવાઈ થી પૂછ્યું .
“જી નહિ હું તો આજે રવિવાર હતો એટલે પપ્પાને મદદ કરવા આયો હતો. હું તો એમ.બી.એ. ફાઇનલ માં છું ‘રઘુભાઈ પંચોળી મેનેજમેન્ટ’ કોલેજ મા.” નિખિલે ખુલાસો કર્યો પછી પૂછ્યું ” જી આપ સર?”
” હું રેખાનો સસરો અને મારું નામ રઘુભાઈ પંચોળી” પેલા કાકાએ પરિચય આપયો એટલે નિખિલ તો ડઘાઈ જ ગયો.
” સર તમે મતલબ હું તમારી જ કોલેજમાં સ્ટડી કરું છું!”
“જી હા મેં તારું નામ સાંભળ્યું છે તું જ નિખિલ પટેલ ને જેનો દર વખતે સેકન્ડ કે થર્ડ કલાસ હોય છે.”
“જી હું નિખિલ પટેલ” જરાક શરમાતા અને થોડા ગર્વથી એ બોલ્યો.
” તારી પ્રામાણિકતા જોતા અને તારૂ ગ્રાહક પ્રત્યેનું મેનેજમેન્ટ જોતા વધારે તો કઈ નઈ આપી શકું પણ તારું એમ.બી.એ. ફાઇનલ ક્લિયર થાય એટલે તારે ક્યાંય સર્ટિફિકેટ્સ લઈને ફરવાની જરૂર નથી.” રઘુભાઈ હસીને બોલ્યા.
“જી સર હું સમજ્યો નહિ” નિખિલને નવાઈ થઈ.
” આ કોલેજ સિવાય મારે એક કંપની પણ છે જેમાં એક નવા મેનેજર ની સગવડ હું તારા માટે કરીશ.”
નિખિલ રશુભાઈને ભેટી પડ્યો હોત કદાચ. પેલો સૂરજ બારીમાંથી પ્રકાશ નહિ પણ આશીર્વાદ ફેંકતો હોય એવું લાગ્યું. પણ એણે પોતાની જાતને સંભાળી લીધી અને બે હાથ જોડી આભાર કહી એ નીકળી ગયો. ક્યારે સીડીઓ ઉતર્યો ક્યારે લારીએ પહોંચ્યો અને ક્યારે પપ્પાને ભેંટી પડ્યો એને ખુદને જ ખબર નહોતી. રસ્તામાં એ બસ એજ વિચારતો હતો કે એમ.બી.એ. પૂરું કરીને મારે કોઈ ફર્મમા 10-12 હજારની નોકરી કરીને 2-3 વર્ષનો અનુભવ લેવો પડોત પછી મને સારી પોસ્ટ મલોત. અને કદાચ ન પણ મલોત અને પપ્પા ની પ્રમાણિકતાએ એમના અનુભવે મને સીધો જ મેનેજર……
“અરે શુ થયું નિખિલ આમ અચાનક….” જીતુભાઇ પણ કાઈ સમજી નહોતા શક્યા.
“પપ્પા તમેં મને એક જ દિવસમા કસ્ટમર રિલેશનશિપ, બિઝનેશ મેનેજમેન્ટ અને ડેવલોપમેન્ટ નો પાઠ શીખવી દીધો” આંસુ લૂછતાં નિખિલ બોલ્યો.
” એટલે ?” જીતુભાઈને અંગ્રેજી શબ્દોમાં કાઈ સમજણ ન પડી .
પછી નખીલે જે થયું એ બધું એમને સમજાવ્યું.
” તો તને નોકરી મળી ગઈ એમને !”
” હા ” કહેતો ફરી નિખિલ એમને ભેંટી પડ્યો લાલિયો એ બંને બાપ દીકરાને ખુલ્લા મો એ જોતો રહ્યો…..

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here