અવંતિકા

અવંતિકા

અવંતિકા

મને યાદ છે હું એ સમયે કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યો હતો….. બારમાં ધોરણમાં સારા પરિણામ સાથે સફળતા મેળવીને મેં પપ્પા પાસે એક એન્ડ્રોઇડ મોબાઇલની માંગણી કરી હતી. અને પપ્પા એ હસીને કહ્યું હતું…..
” તે ન માંગ્યું હોત તો પણ હું લાવી દેત ચિરાગ….”
અને એજ દિવસે પપ્પાએ સાંજે ઘરે આવતા મારા માંટે સેમસંગ નો એક એન્ડ્રોઇડ મોબાઈલ જે.સેવન. લાવ્યો હતો.
” બસ ખુશ બેટા ? મને ખબર છે બધા મિત્રો પાસે મોબાઈલ છે એટલે તને પણ મોબાઈલનો હરખ થાય પણ એટલા દિવસ તો મેં તારા બોર્ડની પરીક્ષા માટે નહોતો લાવી આપ્યો ”
” આભાર સુનિલભાઈ આભાર…..” કહેતી અવંતિકા રૂમમાંથી બહાર આવી…. ” વાહ દીકરાને મોબાઈલ અને દીકરી ને ઘરકામ….. ”
અવંતિકા રમૂજ માં પપ્પા ને સુનિલભાઈ જ કહેતી…..
” કેમ દીકરા તારે મોબાઈલ જોઈતો હોય તો આવતા મહિને પગાર થવા દે લાવી દઈશું એમાં શુ….?” પપ્પાએ અવંતીકાના માથે હાથ મૂકી કહ્યું……
” ના રે પપ્પા મારે શું કરવો છે મોબાઈલ…..” મારી સામે જોઇને એ ફરી બોલી ” અને આ ભાઈ નો એ મારો જ છે ને ”
” દીકરા હોય બાપ જેવા અને દીકરી હોય માં જેવી સમજુ ને ડાહી ” રસોડામાંથી આવતા જ મમ્મીએ મશકો માર્યો
” ખર્ચા કરવાનું કામ અમારું નઈ ભાઈ ” ખીલખીલ કરતા અવંતીકાએ મમ્મીને તાળી આપી….
અમે બન્ને બાપ દીકરો સાવ લેવરાઇ જ ગયા હતા….. તિર તો મરવું જ રહ્યું ” અને પપ્પા ભણવાનું મહેનત કરવાની સારું પરિણામ લાવવાનું કામ આપણું ” કહી મેં પપ્પા ને તાળી આપી…
” બસ હવે ચિરાગ જો ભલે હું બારમાં ધોરણમાં ફેલ થઈ અને તારે એસી ટકા આવ્યા પણ મમ્મી ને પૂછ મેં એક મિનિટ પણ ચોપડી હાથ માં નથી પકડી… ” અવંતિકા નારાજ થઈ ગઈ….
” અરે અવની હું તો મજાક કરતો હતો…. એમાં રડવા લાગી…” હું એની નજીક ગયો.
” મમ્મીના ઘૂંટણ નું ઓપરેશન કરાયું એમાં, કચરા પોતા , વાસણ, કપડાં, જમવાનું બધું હું કરતી હતી પછી ક્યાંથી પાસ થાઉં….. તું મને આ વાત ઉપર મજાક ઉડાવે એ મને નથી ગમતું હું ઠોઠ નથી….. ” અવંતિકા છેક જ લાગણીશીલ હતી એ મમ્મી આગળ રડવા લાગી….
એ દિવસે માંડ એને સમજાવી ને મેં કસમ લીધી હતી કે એ વાત ઉપર એને ક્યારેય નહીં ચીડવું ત્યારે એ માની હતી… એને ઠોઠ કહ્યા ની ખૂબ જ ચીડ હતી અને હું પણ કેવો મૂર્ખ હતો બિચારીને દર બીજા દિવસે એવું કહીને રડાવી દેતો…. કદાચ તો એ રડતી જ એટલા માટે હતી કે હું એને માનાવું….. અને હું પણ કદાચ એટલે જ એને ચીડવતો જેથી એને મનાવીને ખીખીલાટ હસાવી શકું…..
એ દિવસે મેં નવા મોબાઈલને ખૂબ વાપર્યો… સાંજે અવંતિકા આવી ને મોબાઈલ લેતા બોલી ” ગેમ રમાંડ હવે ”
” અવની ગેમ રમવા માટે બકા ઇન્ટરનેટ જોઈએ… તો જ ડાઉનલોડ થાય…. ” અમારા ઘરનો એ પહેલો ટચ મોબાઈલ હતો એટલે એને કાઈ ખાસ માહિતી નહોતી…. હું તો અમુક મિત્રો પાસેથી થોડું ઘણું શીખ્યો હતો…
” ઓહ તો ઇન્ટરનેટ કરાવી દે ને પગલું….” બેસતા એ બોલી.
” પપ્પા પાસે કેટલા પૈસા માંગુ અવની…. આ મોબાઈલ પણ મમ્મી પપ્પાએ કર કસર કરીને લાવ્યો છે….. પપ્પા ચાલતા ફરે છે , મમ્મી ખાખરા વણે છે, મને હવે માંગતા જ શરમ આવે છે ”
અવંતિકા ખડખડાટ હસી પડી….. મારુ ઉતરેલું મોઢું જોઈ એ બોલી….. ” નાટકીયા પૈસા જોઈએ છે એમ બોલ ને મમ્મી પપ્પા ની વાત શુ કામ કરે છે ”
” ના અવની….. એવું નથી સાચે જ મને હવે સમજાય છે પપ્પા કઈ રીતે ઘર ચલાવતા હશે…”
અચાનક જ એનું હાસ્ય અદ્રશ્ય થઈ ગયું….. ” ચિરાગ….. તું આમ સમજદાર ન થઈ જા ભાઈ….. તું નાનપણ માં હતો એવો જિદ્દી જ રહે અમને બધા ને તું એવો જ ગમે છે ”
હું અવંતિકા ના શબ્દોની મીઠાશ સાંભળતો અનુભતો બેસી રહ્યો….
” ખબર છે તું નવી બેગ લાવવા માટે જીદ કરતો અને આખરે તું ત્રણ દિવસ શાળાએ ન ગયો પછી પપ્પા એ નવી બેગ લાવી આપી હતી…. અને તારી જૂની બેગ હું લઈ જતી…. યાદ છે ને તને ?”
” જીદ માટે માર મને પડી તો યાદ જ હોય ને ”
” હા અને ભાઈની જૂની બેગ લેવાની મારે ભાગે આવી એટલે મને પણ યાદ જ હોય ને ”
” અરે અવની હું શું કહેતો હતો….. આ મોબાઈલ તું જ રાખ
ઘરે આમ પણ તું કંટાળી જતી હશે ને ?”
” ના રે પગલું કામ માં દિવસ નીકળી જાય સાંજે તું આવીશ એટલે ગેમ રમીશ….. કોલેજ માં મોબાઈલ તો જોઈએ ને બધા ને હોય ને મારા ભાઈ ને ન હોય તો તો લાંનત છે અવંતીકાને ઉપર….”
કેટલો સ્નેહ……! પોતાનો ભાઈ ઊંચો રહેવો જોઈએ….બસ…. અવંતિકા માટે શબ્દો જ નથી આમતો છતાં અવની એટલે પૃથ્વી ભરની મીઠાશ કહું તો ચાલે કદાચ….!
” અને હા લે આ પૈસા ઇન્ટરનેટ કરાવી દેજે ” હસીને એ બોલી….
પછી તો એક મહિના સુધી હું ઇન્ટરનેટ વાપરતો, અલગ અલગ સાઇટ, ફેસબુક, વહાટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ બધું જ કરતા શીખી ગયો…. અરે હા એ સમયે સેલ્ફી નો ક્રેઝ હતો…. હું પણ મોઢા બગાડી બગાડી ને સેલ્ફી લેતો…. અને અવંતિકા તો જીભડા કાઢી
ને સેલ્ફી લેતી…..
બસ આમ અમારું જીવન સુંદર અને સરળતાથી ચાલતું હતું… ત્યાં એક દિવસ અચાનક જ મને ખબર પડી કે મમ્મી પપ્પા અવંતિકા માટે છોકરો દેખે છે…. અને મારા હ્ર્દયમાં એક ધ્રાસકો પડ્યો….. અવંતિકા થી અલગ થવુ પડ્શે એ વાત મને એકાએક જ સમજાઈ….. એ દિવસે સૌરભ અને તેના મમ્મી પપ્પા અવંતિકા ને દેખાવા આવ્યા હતા.
સૌરભ આમ તો દેખાવડો હતો પણ થોડો શ્યામ હતો અને અમારી અવંતિકા તો ગાય જેવી સ્વેત….. સાચું કહું તો એની સાથે લીધેલી સેલ્ફી હું કોઈને બતાવતો જ નહીં…. અવંતિકા સેલ્ફી માં હોય તો હું પણ શ્યામ લાગતો….. મારા મમ્મી પપ્પા ને સૌરભ ગમી ગયો હતો….. પણ અવંતિકા ની મરજી પૂછવાનું મારા ભાગે આવ્યું હતું….
રાત્રે મેં એને પૂછ્યું ત્યારે એ બસ એટલું બોલી ” ચિરાગ દીકરી અને ગાય દોરો ત્યાં જાય….. મને સૌરભ થી કોઈ તકલીફ નથી મમ્મી પપ્પાએ મારા માટે જે પસંદ કર્યું એ બરાબર જ હશે ….. ”
મેં અવંતીકાની સંમતિ મમ્મી પપ્પા ને કહી અને મમ્મી પપ્પા પણ ખુશ થઇ ગયા… બીજા જ દિવસે એમણે સગાઈ કરી અને લગ્ન નું મુહૂર્ત પણ જોવરાવી દીધું…..
હું અવંતિકા ના લગ્ન પહેલા જ એકલો થઈ ગયો હતો….. એક ઉદાસી મનમાં રહ્યા જ કરતી હતી અવંતિકા હવે ચાલી જવાની…… એ દિવસથી તો હું એની સાથે ઓછું જ બોલતો ….. છેવટે એના વગર જ રહેવાનું હતું ને…..!
દિવસો વીતતા ગયા અને અવંતિકા ના લગન સૌરભ સાથે લેવાયા….. રોજ જે અવંતીકાને રડાવતો હતો….. એ અવંતિકા મને ચોધાર આંસુએ રડાવી ગઈ એ દિવસે….. અવંતિકા મમ્મી અને પપ્પા ને વળગી ને જે રડતી હતી….. એ મારાથી જોઈ શકાય એમ પણ ન હતું….. હું બસ દૂર ચાલ્યો ગયો….. આખરે કેમ આવી ફૂલ જેવી દીકરી કોઈને આપી દેવાની ? દીકરા ને જ આપવાનો રિવાજ કેમ નઈ બનાવ્યો હોય…..! જે ઘર માં બધું ભાઈ ને મળે છે… શાળાની બેગ થી લઈને મોબાઈલ સુધી બધું જ મને મળ્યું….. એને મળ્યું બસ ઘરકામ અને તો પણ એ આ ઘર છોડી જતા કેટલી રડતી હતી……. ! કેવું હ્ર્દય એનું…..! કેવો નિસ્વાર્થ પ્રેમ………! હું મારા આંસુ રોકી ન જ શક્યો…..
એ દિવસ પછી અમારું આંગણું સાવ સુનું થઈ ગયું…… પારેવું ઉડી ગયું….. મમ્મી પપ્પા કેટલાય દિવસ સુધી ઉદાસ રહેતા પણ હું અવંતિકા ની મિમિક્રી કરીને અમને હસાવી લેવાનો પ્રયત્ન કરતો…… પણ એની જગ્યા હું લઈ ન શક્યો….. એની કમી તો કમી જ રહેતી…..
અવંતિકા ના લગ્ન પછી મને મમ્મી એ કહ્યું હતું કે મને મોબાઈલ લાવી આપવા પૈસા તો નહોતા એ સમયે પપ્પા પાસે પૂરતા ત્યારે અવની એ જ એની બચતના પૈસા પપ્પા ને આપ્યા હતા….. અને ત્યારનો મેં એ મોબાઈલ તિજોરીમાં સાચવીને મૂકી દીધો છે……
આજે એ વાત ને વર્ષો વીતી ગયા છે….. મમ્મી પપ્પા તો નથી રહ્યા…… પણ એ ઘર માં હું હવે મારી પત્ની અને બાળકો સાથે રહું છું…… આજે જ અવંતિકા નો ફોન આવ્યો હતો એ કાલે આવવાની છે….. એ સાંભળી ને જ મન પ્રફુલ્લિત થઈ ગયું છે….. મારી દીકરી અને દીકરો પણ સવારના જીદ લઈને બેઠા છે ફોઈ આવે છે અમને નવા કપડાં અપાવો અમારેય ફોઈ સાથે કાલે ઘણી બધી સેલ્ફી લેવી છે……. મેં અવંતિકા ના એ બધા ફોટા ધર્મ પત્નીથી તો સંતાડી ને રાખ્યા છે પણ ખબર નઈ ક્યારે બંને છોકરાઓએ જોઈ લીધા છે એ બધી સેલ્ફી ફોટા…..
અવંતિકા કાલે આવશે ત્યારે ખબર નઈ એ કેટલી ધમાલ કરશે….. ! સાચું કહું તો મારા બેય બાળકો ને ધમાલિયા એણે જ કર્યા છે…. મેં કાલની રજા લઈ લીધી છે….. અને એક આઈ ફોન સેવન અવંતિકા માટે લીધો છે….. હવે તો હું સારું કમાઉ છું ને…..! આવતી કાલની રાહ માં….. મારી વ્હાલી લાડકી બહેન પધારવાની છે એના માટે ધર્મપત્ની ને પણ સમજાવી છે કે ચાર દિવસ મને ધમકાવશે નહિ તો બહેન ના ગયા પછી એને પણ એક આઈ ફોન લાવી આપીશ…… બહેન છે ને ભાઈ ને ઊંચો જ જોવા માંગે ને….. !

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

2 Replies to “અવંતિકા”

Comment here