અંતર આગ Antar Aag

અંતર આગ ( પ્રકરણ 2 )

પ્રકરણ 2

કોટા બ્રીઝથી આગળ લીલાશાનગર પાસે રોડ ઉપર નાનુભાઈ શાહની હોટેલ હતી. હોટેલ આગળ ખાસ્સો વીસેક ફૂટ પહોળો જેતલપુર રોડ હતો. હોટેલ જાજી આધુનિક ન હતી. એક ગલ્લો, ચાર છ ખુરશી અને બેંચ, બે ત્રણ ટેબલ, એક માટીનો ઓટલો. ઓટલા ઉપર આરસની લાદી અને એના ઉપર પ્રાઈમસ, તપેલા, કપ રકાબી, સાણસી ગરણી અને ડોયો.

રસ્તા ઉપર ખાસ્સી ગાડીઓની અને ચાલતા માણસોની અવરજવર હતી. હોટેલમાં હમણાં જ ઉકાળેલી ચા બે ત્રણ લોકો ખુરશીઓમાં બેઠા બેઠા પીતા હતા અને કશીક ધંધાની વાત ચાલતી હતી. પાછળની તરફ તાડપત્રી નાખીને બનાવેલા છાપરા નીચે હોટેલ માલિક નાનુભાઈ શાહ કશુંક વિચારમાં ધ્યાનસ્થ બેઠા હતા.

“પપ્પા, શુ વિચારી રહ્યા છો?” ક્યારનોય સુનમુન બેઠો પ્રદીપ નાનુંભાઈ સામે જોઈ બોલ્યો.

“પપ્પા…..” નાનુભાઈ વિચારોમાં ખોવાયેલા હતા એટલે ફરી પ્રદીપે ઊંચા અવાજે કહ્યું.

“કઈ નહીં બેટા.” પાતળા સોટા જેવું શરીર ખુરશીમાં ટટ્ટાર કરીને એ ઊંડા વિચારોમાંથી બહાર આવતા બોલ્યા, “પ્રદીપ, તને ખબર છે આજે શુ થવાનું છે?

“શુ?” એકાએક આવો સવાલ પૂછતાં પ્રદીપને આશ્ચર્ય થયું. એના દેખાવડા શ્વેત ચહેરા ઉપર નવાઈ ડોકાઈ.

“સાંભળ્યું છે કે રચિત આજે આઝાદ થવાનો છે.” નાનુંભાઈએ એક નિસાસો નાખ્યો.

“પપ્પા તમે તમારી ઉમર સાથે બધું ભૂલતા જાઓ છો. રચિત અંકલ તો આવતા મહિનાની આજની તારીખે છૂટવાના છે.” પ્રદીપે વૃદ્ધ પિતાના કરચલી પડી ગયેલા ચરબી વગરના સપાટ ચહેરા સામે જોઇને કહ્યું ત્યારે જાણે પહેલીવાર પોતાના એ કાર્યદક્ષ પિતાને એકાએક વૃદ્ધ થતા જોતો હોય તેમ એ જોઈ રહ્યો.

“ના, બેટા.” ખાસ્સી સેકંડો સુધી ચુપ રહી એ બોલ્યા, “એના સારા વર્તન-ચાલચલગતને લીધે એની એક મહિનાની સજા માફ કરી દીધી છે.”

“સરકારી તંત્ર પણ કેવું છે પપ્પા? નિર્દોષ માણસને ખોટી સજા આપે અને પછી સારી વર્તણુક માટે સજા ઓછી કરે…..! વાહ…..!” પ્રદીપે ન્યાય સીસ્ટમ ઉપર કટાક્ષ કર્યો, “ખરી આઝાદી ક્યારે મળશે કોણ જાણે.” અસહાય રીતે એણે એના રેશમી લીછા વાળમાં હાથ ફેરવીને ઉપર નજર કરી.

એ જ સમયે સાઈકલની ઘંટડી વાગી. નાનુંભાઈ ઉભા થયા. સાઈકલવાળા રતન રબારીને તપેલું આપ્યું. રતને કેનમાંથી દૂધ તપેલામાં રેડ્યું અને એ દરમિયાન નાનુંભાઈએ રતનના ખિસ્સામાંથી ડાયરી લઇ તેમાં નોધ કરી.

“કાકા કેમ આજે તબિયત ઠીક નથી?” રતને તેમનો ચહેરો જોઈ સવાલ કર્યો.

“ના રે દીકરા બસ એમ જ..” કહી એમણે તપેલી ઓટલા ઉપર મુકીને તેના પર સપાટ છીબુ ઢાંક્યું. રતન ઉતાવળમાં હતો એટલે વધુ સવાલ કર્યા વગર જ ચાલતો થયો. નાનુંભાઈ ફરી જઈને પ્રદીપ સામે બેઠા.

“એ બધું તો આપણા હાથમાં નથી પ્રદીપ. દુઃખ તો એ વાતનું છે કે આજે મારો પરમ મિત્ર આઝાદ થવાનો છે એની ખુશી મને થવી જોઈએ પણ મારા હૃદયમાં અંશ માત્ર ખુશી નથી! જરા જેટલો આનંદ નથી થતો મને.”

“છેલ્લા દસ વર્ષથી કિસ્મત રચિત અંકલ ઉપર દુઃખનો વરસાદ વરસાવી રહી હતી. ઉપરથી તેમના પર આ ગુનો ઠોસી બેસાડ્યો. એમના મનમાં કેટલા અને કેવા કેવા સવાલ ઉઠતા હશે પપ્પા? નાનું મને મળવા કેમ ન આવ્યો? મારી પત્ની, આલિયા અને આર્યન બધા ક્યાં હશે? કેમ મળવા ન આવ્યા? એમને એ બધા પાછળનું કારણ ક્યાં ખબર જ છે? એ માણસ કેટલો ભાંગી પડ્યો હશે?” પ્રદીપના ચહેરા પર પણ નાનુભાઈના ચહેરા જેમ જ દુઃખ સપસ્ટ દેખાતું હતું. એ એમ જ ઉપર જોઇને બોલ્યો.

“રેતની મુઠ્ઠી ભરીએ અને ખોલતા રેતી સરી પડે એમ આપણા હાથ તો પળભરમાં જ ખાલી થઈ ગયા હતા પ્રદીપ. હું કયા મોઢે એને મળવા જાઉં? એને શુ જવાબ આપું? કઈ રીતે કહું એને હું કે તારી પત્નિ બાળકો સાથે…….” નાનુંભાઈ આગળ બોલી ન શક્યા. શબ્દો તેમના ગાળામાં જ જાણે ગૂંગળાઈ ગયા, એ ખુરશીમાંથી ઉભા થઇ ગયા.

“આલિયા કેટલી પ્રેમાળ, દયાળુ અને પિતૃપ્રેમી હતી. કુદરત પણ કેવા ખેલ ખેલે છે, સારા હોય એની દશા સારી નથી રાખતો.” પ્રદીપ ગળગળો થઈને બોલી રહ્યો હતો, “કોકિલા આન્ટીની બીમારી પાછળ જમીન જાયદાત અને લાખો રૂપિયા ખર્ચી દઈને માંડ માંડ સાજા કર્યા ત્યાં ફરી એમના જીવનમાં આ તુફાન આવીને બનાવેલા માળાને મૂળ સમેત ઉખાડીને જતું રહ્યું.” પ્રદીપ અને નાનુભાઈ જાણે અંદરની વેદના એકમેકને કહી રહ્યા હોય તેમ અનંતમાં દ્રષ્ટી કરીને બોલતા રહ્યા.

“તું છ વર્ષનો હતો, તારી માનું નિધન થયું ત્યારે. મને ડર હતો કઇ રીતે હું તને ઉછેરીશ? મા વગરનો મારો દીકરો કેવો થશે? તારામાં બાપની વ્રુક્ષતા આવશે અને માની મમતા પ્રેમ અને સંસ્કાર નહી આવે. તારી દરેક વાતનું ધ્યાન કોણ રાખશે? પણ કોકિલા ભાભીએ તને દીકરાની જેમ ઉછેર્યો હતો. ચાર વર્ષ તારું જતન આલિયાની જેમ જ કર્યું હતું. એતો મારે ધંધા માટે મુંબઇ જવું પડ્યું નહીં તો તને તરુણ અને યુવાન અવસ્થામાં પણ એ જ સાચવોત! એટલા લાગણીના સમુદ્ર જેવા હતા બિચારા ભાભી.” એટલું કહેતા જ તેઓ ખુરશીમાં ફસડાઈ પડ્યા.

“હું રચિતનો સામનો નહી કરી શકું પ્રદીપ… નહી કરી શકું….” તેમના શબ્દોમાં લાચારી અને વિવશતાની ઝલક થતી હતી. તેઓ જાણે ગુનેગાર હોય એમ મસ્તક ઝુકાવી દીધું.

“પપ્પા પણ……” પ્રદીપ આગળ કઇ બોલે તે પહેલાં જ તેમની હોટેલ આગળના રોડ પરથી ગાડીના હોર્ન અને બ્રેકનો એકસામટો અવાજ આવ્યો. પ્રદીપ અને નાનુંભાઈ બંનેનું ધ્યાન એ તરફ ગયું.

“અબે અંધા હે ક્યાં બુઢઢે…..? મરના હે તો ટ્રેન કે નીચે જા સાલે.” પંજાબી નવયુવકે કારની ડ્રાઈવર વિન્ડોમાંથી માથું બહાર નીકાળી જવાનીના જોશમાં જે મનમાં આવ્યું એ સંભળાવી દીધું. એ અવાજ બંને બાપ દીકરાએ સાંભળ્યો અને ત્યાં એક માણસ ઉપર બંનેની નજર જડાઈ ગઈ.

*

ટેક્સી લીલાશાનગર આગળ જેતલપુર રોડ પર ઉભી રહી. ટેક્સીમાંથી ઉતરીને પેલો કેદી રોડ ઉપર જોયા વગર જ ચાલવા લાગ્યો. બરાબર એ જ સમયે ગાડીની બ્રેકનો અવાજ આવ્યો. ગાડીમાંથી ગોળ મટોળ મોઢું બહાર કાઢી પંજાબી યુવકે ગાળો દીધી. પંજાબી યુવકના શબ્દોની કે પોતાના જીવની એને પરવા હતી જ નહીં! તેને ઉતાવળ હતી બસ સામેના છેડે પોતાના મિત્રની હોટેલે પહોંચવાની. પંજાબી યુવક “સ્ટુપીડ ઓલ્ડ મેન!” બબડીને ચાલ્યો ગયો.

ટેક્સીવાળો “અંકલ ભાડું…. અંકલ ભાડું….”ની બુમો પાડતો સ્તબ્ધ થઈ ગયો. કેદીએ કઈ સાંભળ્યું હોય એવું લાગતું ન હતું! એ તો કઈ જોયા કે સાંભળ્યા વગર જ સામેની હોટેલ તરફ ચાલતો રહ્યો.

નાનુંભાઈની હોટેલે પહોંચતા જ એ કેદીએ દિવસોથી, ના…. મહિનાઓથી બંધ મોં ખોલ્યું…..

“નાનું…… ક્યાં છે મારી પત્ની? મારી દીકરી અને દીકરો? તું કોકિલાને લઈને મને મળવા કેમ ન આવ્યો? ડરપોક, કાયર પેલા વિઠ્ઠલદાસ અને ભૈરવસિંહથી એટલો ડરી ગયો કે તું કોકિલાને લઈને એકવાર માત્ર એકવાર મને મળવા પણ ન આવી શક્યો?” એક સામટા ઘણા સવાલ તેના મુખેથી સરી પડ્યા… તેનો અવાજ ભારે હતો. નાનું ભાઈએ એના મિત્રનું આ સ્વરૂપ ક્યારેય જોયું ન હતું. એટલો રોષ અને એટલા જ ભયાનક ચહેરાના ભાવ છતાં નાનુંભાઈ તેને ભેંટી પડ્યા..

“મને માફ કરી દે રચિત….. મને માફ કરીદે. હું અસહાય હતો….. હું કઈ ન કરી શક્યો…..” નાનુંભાઈ અંદરની વેદના રોકી ન શક્યા! તે આંસુ બનીને આંખોથી ઉભરાઈ આવી.

“પણ થયું છે શું? મને સપસ્ટ કહે, બધા હેમખેમ તો છે ને? ક્યાં છે કોકિલા અને મારા બાળકો?” રચિતના ભારે, ગુસ્સાવાળા અવાજમાં ગભરાહટ ભળવા લાગી. બંને હાથથી નાનુંભાઈના ખભા પકડી તેમને હચમચાવી દીધા.

“બોલ નાનું બોલ…. મને જવાબ આપ.”

નાનું ભાઈ ખામોશ રહ્યા. તેમની હિંમત નહોતી કશુ બોલવાની-કહેવાની. જે થયું તે કહ્યા પછી રચિત અગ્નિહોત્રી પોતાની જાતને સંભાળી શકશે કે કેમ? એ સવાલથી તે મૂંગા થઈ ગયા. એ જાણતા હતા રચિત અગ્નિહોત્રી મજબુત છે છતાં કયો પતિ, કોણ પિતા એ આઘાત સહન કરી શકે? નાનુભાઈ ચુપ રહ્યા. માફી માંગતી નજરે રચિતને જોઈ રહ્યા.

પ્રદીપ પેલા ટેક્સી ડ્રાઇવરને ભાડું ચૂકવીને આવ્યો. તે સમજી ગયો કે રચિત અંકલના કયા સવાલથી પપ્પા મૂંગા થઈને ઉભા છે. પ્રદીપ પણ “રચિત અંકલ” કહેતો એમને ભેટી પડ્યો.

રચિત અગ્નિહોત્રી તેને હડસેલીને બરાડયા, “તમને બંનેને હવે લાગણી થાય છે મારા માટે? એક પણ મને મોઢું બતાવવા કેમ નહોતા આવ્યા? તમે નાટકબાજો…..” બે કદમ પાછળ હટીને ફરી ગુસ્સામાં એ હાથ હલાવી બોલ્યા, “તું અને તારો આ બાપ બંને નમકહરામ છો. કોકિલાએ તને દીકરા જેમ ઉછેર્યો હતો. અને આ તારા બાપને….” વાક્ય અધૂરું મૂકી ઉમેર્યું “ખેર જવાદો….”

“મારા બાપને તમે લાખો રૂપિયાની મદદ કરી હતી અને આ હોટેલ માટેની જમીન ખરીદવા માટે પણ તમે જ પૈસા આપ્યા હતા એજને અંકલ?” રચિત લાચાર બની બેસી ગયા. એટલે પ્રદીપે કહ્યું. પણ એ સવાલ હતો કે વિધાન એ સમજાયું નહી.

“નહીં પ્રદીપ….. બેટા એક શબ્દ પણ હવે ન બોલતો. રચિત મને નમકહરામ કહે એમાં એનો પણ શું દોષ છે?  ખેલ તો બધા કિસ્મતના છે ને!” સતત ત્રીજી વખત નાનુંભાઈ ચેરમાં બેસી પડ્યા.

“નહી પપ્પા, મને બોલવા દો….” પ્રદીપે કહ્યું, “મારા પપ્પા તમને મળવા ન આવ્યા એ બરાબર પણ એ કાયર નથી. એ ડરીને જીવે છે એ વાત પણ બરાબર પણ તમારા માટે તો એ જીવ પણ આપવા તૈયાર હતા. મને પણ પપ્પાએ જ રોક્યો હતો નહીં તો હું આવોત. એક દિવસ એવો નથી ગયો જ્યારે તમારા આ ડરપોક મિત્રએ તમને યાદ ન કર્યા હોય. હા પપ્પા ખરેખર કાયર છે હિમ્મત ન હતી તમને હકીકત કહેવાની…..”  પ્રદીપના ચહેરા પરના ભાવ કળી શકાય તેમ ન હતા. તે જાણે દૂર કાંઈક જોતો હોય, એની આંખો સામે કોઈ દ્રશ્ય હોય એમ નજર સ્થિર કરીને બોલ્યો.

“પણ શું હકીકત હતી પ્રદીપ? હવે તો મને કહી દે બેટા પ્લીઝ.” રચિત અગ્નિહોત્રી આજીજી કરવા લાગ્યા.

“જે દિવસે તમને ભૈરવસિંહ ઍરેસ્ટ કરી ગયો એના પછી સુરજ ભાટિયાએ આન્ટીને મકાન ખાલી કરાવી દીધું. પોતાનું ઘર તો તમે પહેલેથી જ વેચી દીધું હતું એટલે આન્ટી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. મારા પપ્પા આલિયા, આર્યન અને આંટીને અમારા ઘરે લઈ આવ્યા. પછી તમારી બેલ માટે વકીલ રોક્યો. વકીલે આશ્વાશન આપ્યું હતું તમને છોડાવી લેવાનું એટલે પપ્પા હોટેલ પર જવા લાગ્યા હતા અને એક દિવસ પપ્પા હોટેલ પર હતા ત્યારે ઘરમાં આગ લાગી. એ દુર્ઘટનામાં આંટી આલિયા અને આર્યન ઘરમાં જ……” પ્રદીપ વધારે બોલી શક્યો નહીં.

“ના! નાનું ના….. કુદરત મને આવી ભયાનક સજા ન આપી શકે મારી પત્ની બાળકો જીવતા જ આગમાં……” ધગધગતો એક સળીયો હ્રદયની આરપાર નીકળી ગયો! ગળામાં જાણે સ્વરપેટી હોય જ નહી એમ બીજા શબ્દો નીકળ્યા જ નહિ. રોડ પર ચાલતા વાહનો જાણી છાતી ઉપર ચડી આવતા હોય, સામેની બિલ્ડીંગ જાણે કડડભૂસ તૂટી પડતી હોય અને પોતે એની નીચે કચડાઈ ગયા હોય તેવી એક માત્ર એક જ ચીસ એક વેદનાભરી રાડ નીકળી શકી.

ભયંકર રીતે એમનો ચહેરો દુઃખ અને આંસુઓથી ખરડાઈ ગયો. દેખનારાનું પણ હૃદય ઓગળી જાય એવું ભયાનક એમનું આક્રંદ શરૂ થયું. એક બદનસીબ બાપ બીજુ કરી પણ શું શકે? ત્રણ મહિના ખોટી સજા ભોગવી અને જ્યારે પરિવારને મળવાનો સમય થયો ત્યારે એ બધા ચાલ્યા ગયા…..! એ પણ એટલા ભયાનક મૃત્યુને ભેટીને. કોઈ નવલકથામાં વાંચતા પણ આંખો છલકી જાય એવું ભયાનક મૃત્યુ નિર્દોષ બાળકો અને પત્નીને મળ્યું એ રચિત માટે અસહ્ય થઇ પડ્યું. તે પાગલની જેમ જમીન પર ફસડાઈ પડ્યા એમનો વિલાપ પ્રદીપ અને નાનું ભાઈથી દેખ્યો ન ગયો.

“કિસ્મતને કોઈ જીતી નથી શકતું અંકલ….” કઈક અમૂલ્ય ખોઈ બેઠો હોય એમ પ્રદીપ તેમના ખભા પર હાથ મૂકી બોલ્યો.

નાનું ભાઈએ પણ આશ્વાશન આપવાના હજાર પ્રયત્ન કર્યા, પણ એક પિતા, એક પતિ બધું જ એક સાથે ખોયા પછી શાંત પડે ખરો? એમની આંખમાંથી નિરંતર આંસુ વહેતા રહ્યા.

પ્રદીપ અને નાનુભાઈ કલાકો સુધી એમને શાંત પાડવા, આશ્વાશન આપતા રહ્યા. પ્રદીપે એમને ખુરશીમાં બેસાડ્યા અને પાણી આપ્યું, પાણી પી એ થોડા સ્વસ્થ થયા પણ ફરી એ ચહેરા નજરો સમક્ષ ફરતા હોય એમ રડી પડ્યા..! હોટેલ આસપાસ લોકો ભેગા થઇ ગયા. નાનુંભાઈ એ બધાને સમજાવવામાં લાગ્યા અને પ્રદીપ રચિત અગ્નિહોત્રીને સાંત્વના આપતો રહ્યો. પણ એ ખુદ શું સાંત્વના આપે? એ પોતે જ હ્રદયભંગની દુખદ પારાકાસ્ઠાએ પહોંચેલો હતો.

ક્યાય સુધી વાતો ચાલી. નાનુંભાઈ રડ્યા. પ્રદીપ પણ ગળગળો થઈને બોલી શકતો હતો. પણ જાણે આસપાસ કોઈ હોય જ નહી તેમ કશુય સાંભળ્યા વગર નજર જમીન પર સ્થિર કરીને રચિત બેસી રહ્યા.

ત્યારે રોડની પેલી તરફ ગાયોને ઘાસ નાખવા માટેના મેદાનમાં એક યેલ્લો કલરની ટેક્સીમાંથી કાળું લેધર જેકેટ પહેરેલો એક યુવાન આ બધા દ્રશ્યો જોતો હતો. તેણે ટેક્સીમાં બેઠા બેઠા જ મોબાઈલ ફોન કાઢ્યો અને કોઈ નંબર ડાયલ કર્યો.

“હેલો વિજય…”

“બોલ શું ખબર છે?”

“લેખક જેલથી સીધા જ નાનુભાઈની હોટેલ પહોંચ્યા છે. ખબર સાંભળીને ખુબ રડ્યા છે પણ આખરે શાંત થયા છે.”

“ઓકે તું તારું કામ કરતો રહેજે મને મેસેજ આપતો રહેજે હું એજન્ટ એ’ને ખબર કરતો રહીશ. ઓવર.”

સામેથી ફોન ડીશકનેક્ટ થઇ ગયો. થોડી ગરમી વધી હતી એટલે તેણે જેકેટ ઉતારીને બાજુમાં મુક્યું. ડેશબોર્ડ પરથી નાસ્તાનું પેકેટ ઉઠાવીને ખોલ્યું. તેમાંથી ટમેટો સોસની પડીકી ફાડીને પફ ઉપર સોસ લગાવ્યો અને ખાવા લાગ્યો.

***

તમને આ બે સેમ્પલ ચેપ્ટરસ ગમ્યા હોય તો એજન્ટ A સિરીઝની આ પ્રથમ બુક અંતર આગ તમે અમેજોન પરથી મેળવી શકો છો અથવા ત્રિવેદી પ્રકાશનના વોટ્સેપ નંબર ૮૧૫૪૯૭૩૧૫૦ ઉપર મેસેજ કરીને આ પુસ્તક મેળવી શકો છો. કેશ ઓન ડીલીવરીની સુવિધા પણ મળશે. પુસ્તકની કિંમત 200 rs છે પણ 50 rs ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  પુસ્તક મેળવવા માટે તમારું નામ, સરનામું, પીનકોડ અને મોબાઈલ નંબર લખીને ઉપરના નંબર પર વોટ્સેપ મેસેજ કરો.

Comment here