અંતર આગ Antar Aag

અંતર આગ ( પ્રકરણ 1 )

પ્રકરણ 1

વડોદરા…..

 

બેશક એક કેદખાનાની બહારનું વાતાવરણ હોય એવું જ એ વાતાવરણ હતું. ચારેબાજુ ખામોશી છવાયેલી હતી. સવારના દસેક વાગ્યાનો સમય હતો છતાં કોઈ ઉનાળાના ગરમ દિવસની બપોર હોય એવું ભૂતાવળ જેવું વાતાવરણ લાગતું હતું. અહીં શાંતિ જાણે ભયને વરેલી હોય તેવુ ભાસતું હતું.

લાકડાના એક અડીખમ દરવાજા ઉપર ‘વડોદરા સબજેલ’  એવું કોતરેલ હતું ને એ દરવાજા જેવી જ તેની દીવાલો હતી. કદાચ અંગ્રેજોના સમયમાં બનેલી એ દીવાલો હવે વૃદ્ધાવસ્થામાં હતી. તેનો રંગ જાંખો પડી ગયેલો હતો. કોઈ કોઈ જગ્યાએ સિમેન્ટ ઉખડીને તેની લાલ ઈંટોની બનાવટને ખુલ્લી પાડી રહી હતી ને ક્યાંક ક્યાંક સિમેન્ટથી દીવાલ પર મારેલ થિંગડાં નેતાઓની પ્રમાણિકતાને સ્પષ્ટ કરી રહ્યાં હતાં. વીતી ગયેલી ગુલામી હજુય અકબંધ છે એવું ચિલ્લાઈ ચિલ્લાઈને પોકારતી એ દીવાલો જર્જરિત હતી. વીતી ગયેલા સમયની વીતી ગયેલા અન્યાયની કેટલાય બિચારા બાપડા લાચાર વિવશ માણસોની ચીસથી કદાચ દીવાલોની એ હાલત ન થઇ હોય?

એ દીવાલ અને દરવાજાને કોઈ પસંદ નહોતું કરતું, કદાચ તેમાં રહેનારાઓ પણ નહીં! એટલે પોતાની એકલતાને દૂર કરવા વર્ષોથી એ દરવાજો અને દીવાલો મનોમન એકબીજાને વરેલા હોય તેવું લાગી રહ્યું હતું.

દીવાલથી થોડેક દૂર એક વિશાળ વડવૃક્ષ વર્ષોથી ત્યાં કોઈની રાહ જોતું હોય એમ ટટ્ટાર ઉભું હતું. તેની ઝૂલતી વડવાઈઓ પોતાની આઝાદીને ભરી ભરીને માણી રહી હતી. એ  ઘેંઘુર વૃક્ષ નીચે કોઈ પરોપકારીએ બંધાવેલ ડંકી એક માત્ર બોલતો નિર્જીવ હતો. વડવૃક્ષ નીચેના છાંયડામાં રમતા નિર્દોષ બાળકોના સુંવાળા કોમળ શરીરને પડવાથી ક્યાંક વાગે નહીં તે માટે તે જમીન પર કોમળ સુંવાળું લીલું ઘાસ ઉગી નીકળ્યું હતું. કોઈ રખડતું ઢોર આવીને ખાઈ જશે એ ડર ભૂલીને બાળકોને સુવાસ આપવા માટે ત્યાં બે ચાર છોડ ઉગી નીકળ્યા હતા.

એ ઘાસ ઉપર કેટલાક બાળકો રમી રહ્યા હતા. ના! ના….! પોતાના બાળપણના સોનેરી દિવસોને માણી રહ્યા હતા! તેમનો ખીલખીલાટ વાતાવરણમાં રેલાતો હતો.

એ દરવાજાની અંદર અને બહારના વાતાવરણમાં રાત દિવસનો ફરક જણાતો હતો! ઝેલની અંદર હતા ગુનેહગારો અને બહાર રમતા હતા એ નિર્દોષ બાળકો! પેલી દીવાલ પાસેના એક પાનના ગલ્લા પર બે વૃદ્ધ અને એક યુવાન એમ કુલ ત્રણેક હવાલદાર માવો ખાઈને પેલી વૃદ્ધ દીવાલ પર થૂંકીને તેને વધારે વૃદ્ધ કરી રહ્યા હતા!

આમ તો એ મોટી ઝેલની બહાર કોઈને કોઈ રાહ જોતું જ હોય પણ આજે જે કેદી છૂટવાનો હતો એને લેવા કોઈ આવ્યું નહોતું…!

એકંદરે વાતાવરણ શાંત હતું ત્યાં એકાએક પેલા લાકડાના દરવાજાનો તેલ લગાવેલો ઓગળો અંદરથી ખૂલતો હોય તેવો અવાજ આવ્યો અને ધીરે-ધીરે એ જંગી દરવાજાના અંદરનો દરવાજો ખુલ્યો. તેમાંથી તેના જેવો જ મજબૂત બાંધાનો પણ ફિક્કો પડી ગયેલો એક ચાળીસ પીસતાળીસ વર્ષનો આધેડ બહાર આવ્યો. તેના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. તેના લલાટ અને આંખોની નીચેની કરચલીઓ તેના દુઃખનું વર્ણન કરી રહી હતી. તેની વધેલી દાઢી અને મૂંછના ખાસ્સા વાળ સફેદ થયેલા હતા.

કેદખાનાથી છૂટનારને આઝાદીની ખુશી અને પ્રિયજનોને મળવાનો ઉત્સાહ હોય જ પણ એ વ્યક્તિને કોઈ જ ઉતાવળ કે ઉત્સાહ ન હતા! જાણે કેદખાના સિવાય તેનું કોઈ હોય જ નહીં તેવુ લાગતું હતું. તેના ચહેરા પર કોઈ અકળ ભાવ હતા. કોઈ લેખકે વર્ણવેલા માયુસ આદમીના ચહેરા કે કોઈ ચિત્રકારે દોરેલા કોઈ સેડ વિન્ટેજ પોટ્રેઈટ જેવા!

તે શાંત હતો! મનમાં કોઈ વિચાર ન હોય એમ શૂન્યમનસ્ક થોડીવાર ત્યાં જ ઉભો રહ્યો. ખાસ્સા દિવસો પછી તેણે બહારની હવા ફેફસામાં લીધી પણ તેથી તેને કોઈ નિરાંત ન થઇ. એક નજર દરવાજા તરફ કરી તે આગળ ચાલ્યો પણ તેના પગને જાણે કોઈ મંઝીલે પહોંચવાનું જ ન હોય તેમ ધીરે-ધીરે ઉપડતા હતા!

પાનના ગલ્લા પાસે આવતા એણે હવાલદાર તરફ એક નજર નાખી. એક વૃદ્ધ હવાલદારની વરદીનું એક પડખું પાતલુનમાંથી બહાર આવેલું હતું, શર્ટના નીચેના બે બટન ખુલી ગયા હતા. વાયરામાં એ પડખું ફરફરતું હતું અને તેમાંથી સફેદ દેશી બંડીમાં કોઈ કાછીયે બટાકા ડુંગળી બાંધી હોય તેમ તેની ફાંદ લબડતી હતી. તે દંડા ઉપર બંને હાથ ટેકવીને ગપાટા ઠોકતો હતો. કેદીએ નજર તેના પર કરી અને જાણે પોલીસતંત્રથી જ અસંતોષ અને નફરત હોય તેમ નજર ફેરવી લીધી. એ ખાખી વર્દી જાણે સૂરજનો તાપ હોય તેમ તેને દઝાડવા લાગી. તે કેદી નજર ફેરવી શક્યો પણ શબ્દોને કાન સુધી પહોંચતા અટકાવી શક્યો નહીં.

“સાલો પાગલ માણસ છે. આખી જિંદગી નાના મોટા લેખ લખ્યા છે અને પોતાની જાતને ‘વિઠ્ઠલદાસ’ જેવો મહાન લેખક સમજે છે.” એ વૃદ્ધ દેખાતો હવાલદાર હાંસી ઉડાવતા બોલ્યો, તે હસ્યો અને તેનું મોટું પેટ વિચિત્ર રીતે હલ્યું. એટલું બોલીને એણે તમાકુવાળા પાનની પિચકારી દીવાલ ઉપર થૂંકી.

‘વિઠ્ઠલદાસ’ નામ સાંભળીને કેદીની નિસ્તેજ આંખોમા ઝળઝળિયાં દેખાવા લાગ્યા. તેના ચહેરા પરના ઉદાસ ભાવ ગુસ્સા અને નફરતમાં ફેરવાઈ ગયા. સર્વસ્વ ગુમાવી બેઠેલ માણસના લલાડ પર જેવી કરચલીઓ પડી જાય તેવી કરચલીઓ તે કેદીના ચહેરા પર પણ હતી જે હવે પ્રતિશોધના ભાવમાં ફેરવાઈ ગઈ. તેના ખાલી હાથની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ અને તેની આંખો કરડી થવા લાગી. તેની આંખોમાં નફરતની આગ ધગધગી રહી પણ તેણે ડગ ભરવાનું ચાલુ જ રાખ્યું.

“જવાદોને સાહેબ, આપણને શુ ખબર એનો ગુનો ખરેખર હતો કે નહી? કદાચ તેને ત્રણ મહિનાની સજા નિર્દોષ હોવા છતાં પણ ભોગવવી પડી હોય! આમ પણ તેના વર્તન પરથી ક્યારેય લાગ્યું જ નથી કે એ ગુનેગાર હોય! આજ સુધી કોઈએ એની ફરિયાદ કરી નથી. એનું વર્તન જોઈને જ તો જેલર સાહેબ એસ.પી.રાણાએ તેની એક મહિનાની સજા માફ કરી છે.” એક નવયુવાન હવાલદારે દયા દાખવી.

હવાલદારના દયાળુ શબ્દો એણે સાંભળ્યા ન સાંભળ્યા કરીને ચાલ્યે રાખ્યું. સજા તો મેં ભોગવી લીધી હવે આ નકામા હમદર્દીના શબ્દો મારે શું કામના? હું કોઈ નવલકથાનું પાત્ર તો નથી કે એટલું બધું થયા પછી બે એક શબ્દો સાંભળીને મારા આત્માને શાંતિ આપી શકું! મેં જે નથી કર્યું તેની મને સજા મળી જે મેં કર્યું છે તે મારું નથી તેમ પળભરમાં સાબિત થઇ ગયું. ન્યાય આંધળો છે. સાચોસાચ આંધળો છે.

હળવે પગલે ચાલતો એ કેદી ગલ્લાથી દુર નીકળી ગયો. પેલા હવાલદારનો અવાજ હવે તેને સંભળાતો નહોતો. તેના મનમાં વિચાર ઝંઝાવાત ચાલી રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી હું આ જેલમાં હતો. મને મારા પરિવારનું કોઈ મળવા કેમ ન આવ્યું? શુ તેઓ પણ મને ખરેખર દોષી સમજતા હશે? ના, ના…. એવું ન હોય, એ શક્ય નથી. અસંભવ છે એ બધું. મનોમન પોતાના મનમાં ઉઠતા સવાલોને એ ખાળતો રહ્યો.

કોકિલા તો મને સમજે છે, બરાબર જાણે છે. એને તો ખબર છે હું આવો ગુનો કરવાનો વિચાર શુદ્ધા ન કરી શકું. વીસ વર્ષ થયાં અમારા લગ્ન જીવનને કોકિલા મને મારા કરતાં પણ વધુ જાણે છે. તે જાણે છે હું એવું દુષ કૃત્ય કદાપી ન કરું. અરે કોકિલા તો મારા દીકરાને પણ મારા જેવો બનાવવા માંગતી હતી. અને આર્યન પણ મને જ તેનું રોલ મોડેલ માનતો હતો. તો પછી કોકિલા મને એકવાર પણ મળવા કેમ ન આવી?

આલિયા…. શુ એ પણ….? ના….! મારી દીકરી મને ભૂલી ન શકે. હું આ બધું કેમ વિચારું છું? આ બધું જ ખોટું છે. તેના મનમાં આવતા વિચારો શુળ જેમ ચુભતા હતા.

કદાચ તેઓ કોઈક રીતે મજબુર હશે. હું એમને મળીશ એટલે બધી ખબર પડી જશે. પણ હું એમને ક્યાં શોધું? ઘર તો મેં ક્યારનુંય વેચી દીધું છે. એ લોકો મારા ગયા પછી ક્યાં ગયા હશે? આર્યન તો હજુ નાનો છે અને આલિયા પણ કોલેજના છેલ્લા વર્ષમાં છે. એ પણ હજુ પગ પર ઉભી થઇ શકે એમ નથી. તો એ બિચારા ક્યાં રઝળતાં હશે? કોકિલાને તો કોઈ સગા પણ નથી. દયારામ તો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા અને તેમને કોઈ પુત્ર તો હતા જ નઈ તો એ બાળકોને લઈને ક્યાં ગઈ હશે? આટલા મોટા શહેરમાં મારુ બીજું તો કોઈ છે જ નહીં. તેના મનમાં એક પછી એક વિચારો આવવા લાગ્યા.

એ કેદી પોતાના જ મન સાથે લડી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. હું ક્યાં તપાસ કરું એ લોકોની? ક્યાં શોધું એમને? નાનું શાહ પાસે જાઉં? ના હવે તો નાનું પણ મારો મિત્ર ક્યાં રહ્યો જ છે? એ મને એકવાર મળવા પણ નથી આવ્યો. છતાં તેના સિવાય બીજું તો મારું છે જ કોણ? મારે નાનું પાસે જવું જોઈએ એની એક મિત્ર તરીકે મારા પરિવારને સંભાળવાની જવાબદારી હતી.

તેણે મન મક્કમ કર્યું. નાનું શાહને મળવાના વિચાર ઉપર એ અટકી ગયો અને એના પગ ઝડપથી ચાલવા લાગ્યા. ટૂંક સમયમાં એ ઝડપી ચાલ દોડમાં ફેરવાઈ ગઈ. એ કેદી રોડ ઉપર જઈને અચાનક અટકી ગયો. ના દોડવાના થાકને લીધે નહીં જ પણ નાનું શાહની હોટેલ દૂર હતી અને એટલું અંતર કાપતા જેટલો સમય લાગે એટલી ધીરજ એનામાં હવે રહી નહોતી. તેની છાતી ધમણની માફક ધબકતી હતી. કાંપતા હાથે એક ટેક્સી રોકી. તેની અધીરાઈમાં એને એ પણ ભાન નહોતું રહ્યું કે ડ્રાઈવરને ચૂકવવા માટે તેની પાસે એક કોડી પણ ન હતી! ત્રણ મહિનાની કાચા કામની સજા કાપીને આવતા માણસ પાસે પૈસા હોય પણ ક્યાંથી? તેની પાસે હતી તો બસ લાગણીઓ, બેસુમાર નફરત અને પારાવાર વ્યથા!

કેદીને એક કાળા રંગનું પાતલુન એના ઉપર સફેદ રંગનો શર્ટ અને એના ઉપર એક કોટ પહેરેલો હતો જે એને સજા કાપી બહાર આવતી વેળાએ પરત કરવામાં આવ્યા હતા. એ કપડા, સાડા પાંચ ફૂટની ઉંચાઈ તેમજ તેના આધેડ ચહેરા પર વધી ગયેલા દાઢી, મૂંછ અને માથાના લાંબા વાળને લીધે તેનું મજબૂત શરીર વધુ પડછંદ અને ખડતલ લાગતું હતું. પણ એ મજબૂતાઈ માત્ર બહાર પૂરતી જ સીમિત હતી, અંદરથી તો એ સાવ કોમળ અને ભાંગી પડેલ હતો. તેની ઉદાસ આંખો, તેના ધ્રુજતા હોઠ અને વર્ષોથી ન છલકેલી તેની આંખોમાંથી આજે ઉભરાઈને સરી પડતા આંસુ તેની પારાવાર વ્યથાનું વર્ણન કરતા હતા. માની ન શકાય તેવું એ કરુણ દ્રશ્ય હતું.

ટેક્સી ચીંધેલી દિશામાં દોડવા લાગી. અને ટેક્સીની ગતિ સાથે તેના વિચાર અને વ્યથા પણ પળે પળે વધવા લાગ્યા. યોદ્ધા જેવો મજબૂત દેખાતો એ કેદી નાના બાળકની જેમ વિલાપ કરી રહ્યો હતો. કેમ ન કરે? આખરે એ એક પિતા હતો, એક જવાબદાર પતિ હતો અને એક પ્રામાણિક વ્યક્તિત્વ હતું તેનામાં. એક મજબુર પિતા અને પતિ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી સજા ભોગવી રહ્યો હતો જે ગુન્હો તેણે કર્યો જ ન હતો એની સજા!

ટેક્સી વડોદરા શહેરના વિશાળ રસ્તા પર દોડી રહી હતી. ગાડીઓના હોર્ન, લોકોના અવાજ અને ફેરિયાઓની બુમો એ બધા અવાજોની વચ્ચે તેની આહનો સીસ્કાર ક્યાંય સમુદ્રમાં પડતા એક ટીપાની જેમ ઓગળી ગયો.

એ રડતો હતો, છતાં હમણાં મને નાનું મળશે અને મારો પરિવાર મને મળશે. કોકિલા, આલિયા અને આર્યન મને દેખવા મળશે એ વિચારે એણે આંખો લુછી પણ છેલ્લા ત્રણ મહિનાથી સજા કાપીને આવતો કેદી એ વાતથી તો સાવ અજાણ જ હતો કે કેદખાના કરતા પણ મોટી સજા તો બહાર એની રાહ જોઈ રહી હતી!

***

Comment here